સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

Share this story

સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

  • ૧૯૮૦થી ૨૦૦૫ના સમયગાળામાં સિવિલ હોસ્પિ. ચોક્કસ લોકોનો અડ્ડો ગણાતી હતી ત્યારે ડો. પી.કે. પટેલે જબરદસ્ત ધાક ઉભી કરીને હોસ્પિ. અને મેડિકલ કોલેજને ધમધમતી રાખી હતી.
  • ડો. પી.કે. એક એવા તબીબી અધિકારી હતા કે તેમની ઓફિસમાં રાજનેતાઓ, સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીઓ, પત્રકારો અને ઘણી વખત કુખ્યાત લોકોની હાજરી જોવા મળતી હતી.
  • હોસ્પિ. ફરતે ઝૂંપડપટ્ટી વિંટળાઇને પડી હતી, કેમ્પસમાં દારૂના અડ્ડા ચાલતા હતા એવા કપરાકાળમાં ડો. પી.કે.એ ભય અને પ્રેમ વચ્ચે જડબેસલાક અને અસરકારક ‌વહીવટ ચલાવ્યો હતો, ડો. પી.કે.નો એવો ધાક હતો કે ગુનેગારોને પણ પરસેવો છુટી જતો હતો.
  • મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી આંદોલનો ચાલતા હતા ત્યારે ડો. પી.કે. સામે પ્રથમ વખત ડો. મહેન્દ્ર ચૌહાણે મોરચો માંડયો હતો, આ તરફ નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાળાએ કેમ્પસમાં ભાજપના ટેબલ મુકી ૧૪૦૦ પૈકી ૧૨ મતો મેળવ્યા હતા.
  • સુરતના ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુંડાને સારવાર આપવા મજબૂર બન્યા ત્યારે ડો. પી.કે. પટેલને પણ છાંટા ઉડયા હતા પરંતુ તેઓએ મક્કમ રહીને સામનો કર્યો હતો.
  • ડો. પી.કે.ની ગરીબોમાં લોકપ્રિયતા એટલી હદે હતી કે સફાઇ કામદારોના લગ્ન, મરણ પ્રસંગમા તેઓ હાજરી આપતા હતા અનેક પરિવારો લગ્નની કંકોત્રીમાં પણ ડો. પી.કે.નું નામ લખતા હતા.
  • છેલ્લે ડો. પ્રીતી અરોરાની પી.જી.ની ડિગ્રીના વિવાદમાં તેમને છાંટા ઉડયા હતા અને ડો. પી.કે.પટેલની બોટાદ ખાતે અને ડો. મેઘા મહેતાની સાવરકુંડલા બદલી કરવામાં આવી ત્યારે તેમને રોકવા ચોથા વર્ગના કર્મચારીઓ દિવાલ બનીને ઉભા રહી ગયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) જહોજલાલી ભર્યા ઇતિહાસના અને એક ભડવીર ભૂતપૂર્વ તબીબી અધિકારનો જીવદિપ બુઝાઈ જવા સાથે એક ઇતિહાસનો અંત આવી ગયો હતો. એક જમાનો હતો સુરત સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં (Medical College) ડો. પી.કે. પટેલનું (Dr. P.K. Patel) નામ ગાજતું હતું અને ધાક પણ એવી જ હતી. લગભગ ૧૯૮૦થી ૨૦૦૫ના અરસામાં સુરત સિવિલ હોસ્પિટલમાં બનતી લગભગ પ્રત્યેક ઘટનાઓ સાથે ડો. પી.કે.નું નામ હંમેશા જોડાયેલું રહેતું હતું. એ જમાનામાં સિવિલ હોસ્પિ.નો વિકાસ થયો નહોતો. હોસ્પિટલ ફરતે ઉધઈની માફક ચારેતરફ ઝૂંપડપટ્ટી પથરાયેલી રહેતી અને કેમ્પસમાં દારૂનું વેચાણ થતું. માફિયા તત્વો સિવિલ હોસ્પિ.માં પડયા પાથર્યા રહેતા હતા. એવા કપરાકાળમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ડો. પી.કે. પટેલ કોઈ ખુંખાર પોલીસ અધિકારી કરતા પણ વધુ રૂઆબ ધરાવતા હતા. ખાસ કરીને મધ્યમ અને શ્રીમંત વર્ગના મોટાભાગના લોકો સિવિલ હોસ્પિ.માં સારવાર લેવાનું ટાળતા હતા. ગામડાંના અને શહેરના ગરીબો માટે જ સિવિલ હોસ્પિ. માત્રને માત્ર હાથવગું સારવારનું કેન્દ્ર હતું. એવા સમયે સિવિલ હોસ્પિ.માં એક હથ્થુ શાસન ચલાવીને ડો. પી.કે. પટેલે હોસ્પિ.ની સેવાઓ ધમધમતી રાખી હતી.

સુરત શહેર અને દ‌‍િક્ષણ ગુજરાતમાં ક્રાઇમ સાથે સંકળાયેલી મોટાભાગની ઘટનાઓનું કેન્દ્ર સુરતની સિવિલ હોસ્પિ. જ રહેતી હતી. ડો. પી.કે.ની ઓફિસમાં ટોચના રાજકીય આગેવાનો, અધિકારીઓ, શહેરના જાણિતા તબીબો અને પત્રકારોનો લગભગ કાયમી મેળાવડો જામતો હતો. એ દિવસોમાં સુરતનો વિકાસ થયો નહોતો. રીંગરોડનો મજુરાગેટ નજીકનો વિસ્તાર પણ સાવ ‌ઉજ્જડ હતો એક માત્ર સિવિલ હોસ્પિ.માં મોડીરાત્રે લાઇટો સળગતી જોવા મળતી હતી. હાલમાં સુરત શહેરમાં પ્રેકટીસ કરતા મોટાભાગના ડોકટર્સ સિવિલ હોસ્પિ.માંથી (સરકારી મેડિકલ કોલેજ) ડીગ્રી લઇને બહાર પડ્યા હતા. અલબત એ જમાનામાં સુરતની ગર્વમેન્ટ મેડિકલ કોલેજની ડીગ્રીને કે કોલેજને કોઇ ગંભીરતાથી લેતુ નહોતું અને તોફાની ગણાતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ડો. પી.કે. પટેલની ભયાનક ધાક હતી. અહિંયા છાશવારે આંદોલનો થતા હતા. ગરીબ દરદીઓની સારવાર રઝળી પડતી હતી એવા સમયે ડો. પી.કે.ની ધાક કામ આવતી હતી.

એવું કહેવાય છે કે ડો. પી.કે. પટેલ આરએમઓની ઓફિસમાં ઇન્જેકશનની સાથે ‘ધોકો’ લઇને પણ બેસતા હતા! અને આ ધોકા જેવો જ તેમનો સ્વભાવ સિવિલ હોસ્પિ.ના વહિવટીતંત્રને કાબુમાં લાવવામાં સફળ રહ્યો હતો.  ડો. પી.કે. પટેલ અનેક વખત વિવાદમાં પણ આવ્યા હતા પરંતુ ક્યારેય પણ ઝુક્યા નહોતા. તેઓ ગણદેવીના મૂળ વતની અને ધોડિયા પટેલ સમાજમાંથી આવતા હતા પરંતુ તેમનો સ્વભાવ ઉત્તર ગુજરાતના પાટીદાર કરતા પણ આકરો હોવાથી લોકો તેમને ઉત્તર ગુજરાતના પાટીદાર હોવાનું માનતા હતા. ડો. પી.કે. પટેલના સમયમાં તેમના સહોયોગી તરીકે ડો. બાબુભાઈ (ઓર્થો) ડો. રમેશ દૂધાત (હાલ અમેરિકા) ડો. ગીતા અગ્રવાલ, ડો. જી.જી. વૈધ, ડો. અકેન દેસાઇ, ડો. મહેન્દ્ર ચૌહાણ, ડો. મેઘા મહેતા, ડો. બી.બી. સુબ્રહણ્યમ, ડો. અરબતી અને નર્સિંગ એસો.ના ઇકબાલ કડીવાળા આ બધાનો સૂર્ય મધ્યાહને હતો.

ડો. મહેન્દ્ર ચૌહાણે સૌ પ્રથમ વખત ડો. પી.કે. પટેલ સામે મોરચો માંડ્યો હતો અને ઇકબાલ કડીવાલાએ પણ એ સમય જ્યારે કોંગ્રેસનો સુંવર્ણકાળ હતો ત્યારે સૌ પ્રથમ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં ભાજપનું ટેબલ મુકીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડો. પી.કે. પટેલ કટ્ટર કોંગ્રેસી અને સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજમાં જબરજસ્ત વર્ચસ્વ છતા ઇકબાલ કડીવાલા ભાજપ તરફી ૧૪૦૦ પૈકી ૧૨ મતો લઇ ગયા હતા. જેના બદલામાં ઈકબાલ કડીવાલાને ઘણું ઘણું સહન કરવું પડયું હતું. આ તરફ ડો. મહેન્દ્ર ચૌહાણ પણ ડોકટર્સના મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. અને સિવિલ હોસ્પિ. કેમ્પસમાં લગભગ રોજીંદા વિવાદ અને ઘર્ષણ શરૂ થઈ ગયા હતા.

ખેર, ડો. પી.કે. પટેલનો સુરત સિવિલ હોસ્પિ.ની ફરજ દરમિયાન કરેલી કામગીરીનો ઇતિહાસ ખૂબ લાંબો છે તેઓ જેટલા આકરા હતા એટલા જ ગરીબ દરદીઓ માટે મૃદુ અને કોમળ હતા. હોસ્પિ.માં આવતા ગરીબોની સારવારની પોતે કાળજી રાખતા હતા. વોર્ડમાં રાઉન્ડ લેવા માટે તેમના કોઇ ચોક્કસ નિયમો નહોતા પરંતુ ગમે તે સમયે વોર્ડમાં પહોંચી જતા હતા અને ગરીબોની સારવારની કાળજી લેતા હતા આ ઉપરાંત અકસ્માત કે અપમૃત્યુના કેસમાં પણ મૃતકોના સંબંધીઓને કોઇ જ મુશ્કેલી પડે નહીં અને મૃતકની લાશનું શકય એટલી ઝડપથી પોસ્ટમોર્ટમ થાય તેના માટે તેઓ સતત આગ્રહી રહેતા હતા. ડો. પી.કે. પટેલે ચાલુ ફરજ દરમિયાન ફોરેન્સિકમાં એમડી પણ કર્યું હતું.

ડો. પી.કે.ની લોકપ્રિયતા માટે એક ઉદાહરણ આપી શકાય કે સફાઈ કામદાર પરિવારોના સંતાનોના લગ્ન પ્રસંગે કંકોત્રીમાં ડો. પી.કે.ના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો અને સફાઇ કામદાર પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ચાંદલો કરવા સાથે ફોટા પણ પડાવતા હતા. હજુ ઘણા પરિવારોના લગ્નના આલબમમાં ડો. પી.કે. પટેલના ફોટા હયાત હશે.

૧૯૯૪માં સુરતમાં કહેવાતો પ્લેગનો વાવર ફેલાયો ત્યારે ડો. પી.કે. પટેલે દિવસ-રાત મહેનત કરી હતી. સિવિલ હોસ્પિ.ને લશ્કરી હોસ્પિ.માં ફેરવી નાંખી હતી. અને સતત દોડતા રહ્યા હતા. દેશ અને દુનિયાના લોકો પ્લેગની સાચી માહિતી મેળવવા આવતા હતા ત્યારે એક માત્ર સિવિલ હોસ્પિ. એવું કેન્દ્ર હતું કે મુલાકાતીઓને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવતો હતો. શહેરના લોકોને અને મુલાકાતીઓને પ્લેગની બિમારીથી ભયમુક્ત કરવામાં ડો. પી.કે. પટેલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. એવું કહી શકાય કે ડો. પી.કે. પટેલ વહિવટમાં વજ્ર કરતા કઠોર હતા તો બીજી તરફ માનવીય સેવાઓ માટે મીણ કરતા પણ કોમળ હતા.

સુરતના ખૂબ જાણિતા ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુનેગારોને રિવોલ્વરની અણીએ સારવાર આપવા મજબૂર બન્યા અને તેમની સામે ‘ટાડા’નો કેસ કરવામાં આવ્યો ત્યારે ડો. પી.કે. પટેલ સામે પણ છાંટા ઉડયા હતા. અલબત્ત ડો. અકેન દેસાઇ ગુનેગારને સારવાર આપવા માટે મજબૂર કરાયા હતા. એક ગુનેગારને ગોળી વાગી હતી અને એ ગોળી ડો. અકેન દેસાઇએ કાઢી આપવી પડી હતી. ડો. અકેન દેસાઇ પણ હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ સુરતની તબીબી આલમમાં ડો. અકેન દેસાઇનું નામ કાયમ માટે બહાદુર ડોકટર તરીકે અક્ષરે લખાયેલું રહેશે.

ખેર, દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક ઝંઝાવાત આવતો જ હોય છે લગભગ ૨૦૦૫ના વર્ષમાં ડો. પ્રિતી અરોરા નામની મેડિસીનની વિદ્યાર્થિનીની ડિગ્રીનો વિવાદ થયો હતો અને આ વિવાદના છાંટા ડો. પી.કે. પટેલને પણ ઉડયા હતા.

આ તરફ ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીનું શાસન આવી ગયું હતું અને એક દિવસ ડો. પી.કે. પટેલની ભાવનગર જિલ્લાના બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડો. મેઘા મહેતાની સાવરકુંડલા ખાતે બદલી કરવામાં આવી હતી. ડો. પી.કે. પટેલે જે દિવસે સુરત સિવિલ હોસ્પિ.નું કેમ્પસ છોડ્યું એ દિવસે અનેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ ડો. પી.કે. પટેલને રોકવા દિવાલ બનીને ઊભા રહી ગયા હતા. કારણ ડો. પી.કે. ગરીબ વર્ગના લોકો માટે ‘મસીહા’ બરાબર હતા.

ડો. પી.કે. પટેલે સુરત સિવિલ હોસ્પિ. છોડયાને વર્ષો નીકળી ગયા પરંતુ આજના તબક્કે પણ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં પગ મુકો એટલે કોઇકને કોઇક ખૂંણામાં ડો. પી.કે. પટેલનું નામ અવશ્ય સાંભળવા મળે જ. ડો. પી.કે. પટેલ ખુદ એક ઇતિહાસ હતા. આજે રવિવાર તા. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ડો. પી.કે. પટેલે અંતિમ શ્વાસ લીધા ત્યારે ડો. પી.કે. પટેલના અવસાનની વાત સાંભળનાર પ્રત્યેક વ્યક્તિના દિલની ધડકન થંભી ગઈ હશે. અને એક નિસાસો નીકળી ગયો હશે તેમના એક સમયના વિરોધીઓનો આત્મા પણ કકળી ઉઠયો હશે. ડો. પી.કે. પટેલ અસંખ્ય લોકોના હમદર્દ હતા. અસંખ્ય લોકોનો વિશ્વાસ હતા. અનેક લોકોનો ભરોસો હતા.

આવા વીરલ વ્યક્તિત્વના આત્મને ઈશ્વર શાંતિ અર્પે એનાથી વિશેષ કંઈ પ્રાર્થના હોઇ શકે. સુરત સિવિલ હોસ્પિ.માં ગુંજતું એક નામ શાંત થઈ ગયું પરંતુ ઇતિહાસમાં હંમેશ હંમેશ માટે લખાયેલું રહેશે.

આ પણ વાંચો :-