રાજકીય જંગમાં બધા જ દાવ ખેલવામાં માહિર ! વડાપ્રધાન મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથ લઇને નવા ઇતિહાસનું સર્જન કર્યું

Share this story

Skilled in playing all stakes in political war

  • ગુજરાતમાં ભાજપના ધોવાણની રાહ જોઇને ઉભેલા રાજકીય હરીફોના મોઢા સુધી પહોંચેલો કોળિયો મોદી-શાહે ઝૂંટવી લીધો.
  • સજ્જડ નેતૃત્વના અભાવે ગુજરાત ભાજપમાં પેદા થયેલા આંતરિક ગજગ્રાહે મોદીની આંખ ખોલી નાંખી હતી અને બાજી હાથમાં લેવી પડી.
  • અમિત શાહ પણ ખરેખર ‘ચાણકય’ પુરવાર થયા અને મુશ્કેલ ગણાતી બેઠકોની જવાબદારી માથે લઇને વર્ષોથી નહીં મળતી બેઠકો પણ કબજે કરવામાં સફળ પુરવાર થયા.
  • ચૂંટણીના અંતિમ પડાવમાં મોદીએ આંખ કાઢીને જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું, સુરતમાં દોઢ દિવસનો પડાવ પણ સુચક હતો.
  • રાતો રાત સરકાર બદલી નાંખવાથી શરૂ કરીને ચૂંટણી વ્યુહરચના પણ પોતાના હાથમાં લઇને મોદી અને શાહે ગુજરાતમાં પડાવ નાંખ્યો હતો.

ગુજરાત ભાજપે માત્ર ઇ‌‌‌તિહાસનું પુનરાવર્તન કર્યુ નથી પરંતુ આખે આખા ઇ‌‌તિહાસને બદલી નાંખ્યો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષમાં કદાચ પ્રથમ વખત આવા ઐ‌‌તિહા‌સિક પ‌રિણામો આવ્યા હશે. કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અ‌‌‌મિત શાહ સ‌હિતની નેતાગીરીને પણ કલ્પના નહીં હોય કે ગુજરાતના લોકો ઘરભરીને વરસી પડશે. ‌વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપની હાલત કથળી રહી હતી. આંત‌‌‌રિક ટાં‌ટિયા ખેંચ અને પૂર્વગ્રહની લડાઇ ચાલી રહી હતી. એક તરફ કોરોનાની મહામારી હતી બીજી તરફ સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે મેળ નહોતો.

વડાપ્રધાન મોદી કેન્દ્ર સરકારમાં ગુંચવાયેલા હતા. અને તેમના રોકાણનો ગેરલાભ ગુજરાત ભાજપના કેટલાક લોકો ઉઠાવી રહ્યા હતા. એવું કહી શકાય કે ગુજરાત સરકારમાં એક તરફ રેઢા રાજ અને બીજી તરફ સત્તાના વર્ચસ્વની લડાઇ હતી. અને આખરે એક ‌દિવસ વડાપ્રધાને ગુજરાતની આખી સરકાર જ બદલી નાંખી હતી. આ ‌દિવસથી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથમાં લીધો હતો અને ‌વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી દીધી હતી. મોદી જાણતા હતા કે આ વખતે ગુજરાત જીતવું કઠણ છે અને એટલે જ તેમણે કેન્દ્ર સરકારનો વહિવટ થોડા દિવસ બાજુમાં મુકીને ગુજરાતને પોતાનાં હાથમાં લીધું હતું.

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનનાં એક એક નિર્ણય ઉપર વડાપ્રધાન મોદીએ બાજ નજર ગોઠવી દીધી હતી અને એટલે જ ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી શકાય હતી. વડાપ્રધાન મોદીએ પક્ષનાં લોકોની વાત ઉપર આધાર રાખવાને બદલે સીધો લોકો સાથેનો સંપર્ક અને સંવાદ વધારી દેવા સાથે ગુજરાતમાં પ્રવાસોની હારમાળા સર્જી હતી. ઘણી વખત તો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ સ્થાનિક નેતાઓ માટે ત્રાસદાયક પુરવાર થતો હતો, પરંતુ વડાપ્રધાન ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવવા મક્કમ હતા. પાછળથી તેમણે ગૃહપ્રધાન અમિત શાહને પણ સાથે જોડ્યા હતા અને ગુજરાતની વાસ્તવિક સ્થિતિનો બારીકાઈથી અભ્યાસ કરીને એક એક બેઠક જીતવાની વ્યૂહરચના તૈયાર કરી હતી.

રાજકીય ‘ચાણક્ય’ માનવામાં આવતા અમિત શાહ ખરેખર ‘ચાણક્ય’ પુરવાર થયા હતા. કેટલીક નબળી અને હારવાની મનાતી બેઠકો ખુદ અમિત શાહે હાથમાં લીધી હતી. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કાંઠા વિસ્તારની બેઠકો ભાજપ માટે મુશ્કેલી પેદા કરતી આવી છે. આ બેઠકોની અમિત શાહે જવાબદારી સ્વીકારીને આ વિસ્તારમાં વધુ પ્રવાસ કરવા સાથે ચાવીરૂપ ગણાતા લોકો સાથે સમન્વય ઉભો કરીને ગોઠવેલી વ્યૂહરચના ધાર્યા પરિણામો લઈ આવી હતી. વળી કોઈની પણ દાઢીમાં હાથ નાંખ્યા વગર ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકોની બાજી પલટવામાં અમિત શાહ સફળ ખેલાડી પુરવાર થયા હતા.

આ તરફ ખોડલધામનાં નરેશ પટેલનાં ઉપાડાને કારણે પાટીદારો એક તરફ થવાની ચિંતા હતી. પરંતુ પાટીદારોનાં રાજકારણને સારી રીતે જાણતા વડાપ્રધાન મોદીએ ખુબ જ આસાનીથી ઓપરેશન પાર પાડ્યું હતું. આના માટે તેઓએ જામકંડોરણા ખાતે સદ્‍ગત વિઠ્ઠલ રાદડિયાની શિક્ષણ સંસ્થામાં જાહેરસભા પણ કરી હતી. વડાપ્રધાન મોદીની જામકંડોરણાની જાહેરસભા બાદ ઘણાં ઈશારા મળી ગયા હતા.

નરેશ પટેલ સહિત ખોડલધામનાં કેટલાંક લોકો વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં પણ ઘણું બધુ કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કરી લીધું હતું. હેતુપર્વકની મુલાકાતને પાટીદાર સમાજનાં આગેવાનોએ માત્ર ‘ઔપચારિક’ મુલાકાત ગણાવી હતી. પરંતુ જાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, વડાપ્રધાન સાથેની મુલાકાત પાછળનો મૂળભૂત હેતુ શું હતો. આ મુલાકાત બાદ નરેશ પટેલ સહિતનાં આગેવાનો લગભગ શાંત થઈ ગયા હતા અને બદલામાં ખોડલધામનાં ટ્રસ્ટી રમેશ ટીલાળાને રાજકોટની ટિકિટ મળી હતી.

આ તરફ વડાપ્રધાન મોદીએ ચૂંટણીનાં અંતિમ તબક્કામાં સુરતમાં કરેલી જાહેરસભા પાછળનાં પણ ઘણાં સમીકરણો હતા. સુરતની ૧૨ બેઠકો પૈકી પાંચથી છ બેઠકો ઉપર પાટીદાર મતદારો વર્ચસ્વ ધરાવે છે. ઉપરાંત પાટીદાર આંદોલનનાં યુવા આગેવાનો ‘આમ આદમી પાર્ટી’નાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં હોવાથી સ્વભાવિક રીતે ભાજપને નુકસાન થવાનો ભય હતો. પરંતુ વડાપ્રધાન મોદીની મોટાવરાછા ખાતેની જાહેરસભા અને બીજા દિવસની બપોર સુધી સુરતમાં રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદીએ જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

બીજી તરફ ચૂંટણી વ્યૂહનાં ભાગરૂપે સી.આર. પાટીલને ઓપરેશનો પાર પાડવા કામે લગાડ્યા હતા અને ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણ સુધી વડાપ્રધાન અને અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહ્યો હતો.

સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન બેઠકો જીતવાનાં દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ભાજપ તરફથી એકપણ વખત કેટલી બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવ્યો નહતો. દરેક વખતે ભાજપની ઐતિહાસિક જીત હશે એવું વારંવાર કહેવામાં આવતુ હતું. વડાપ્રધાન લગભગ દરેક સભામાં એવું કહેતા હતા કે, મારો એટલે કે ‘‘નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર એટલે ભૂપેન્દ્ર પટેલ તોડી નાંખશે.’’ નરેન્દ્ર મોદીનાં આ શબ્દોને ઘણાં લોકો ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકનો રેકોર્ડ તોડવાનું નક્કી કરી નાંખ્યુ હતું. માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ વડાપ્રધાન મોદી માટે એક મહેણું હતું અને આ મહેણું તેમણે આ વખતે ભાંગી નાંખ્યું હતું.

ખરેખર જોવા જઈએ તો આખી ચૂંટણીની જવાબદારી ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહે પોતાના માથા ઉપર લીધી હતી. ચૂંટણી સભાઓથી શરૂ કરીને પ્રચાર તંત્રની જબરજસ્ત વ્યવસ્થા પણ પોતાની જ નજર હેઠળ કરવામાં આવી હતી. એવું ચોક્કસ કહી શકાય કે, નરેન્દ્ર મોદીની વ્યૂહરચના એક ચમત્કાર બનીને ઈતિહાસ સર્જી ગઈ હતી. તેમણે કાર્પેટ બેમ્બાડીંગ કર્યું હતું અને પ્રત્યેક નિશાન પાર પાડ્યું હતું.

આમ પણ આ વખતની ગુજરાતની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી માટે અત્યંત વ્યૂહાત્મક હતી. ગુજરાત હાથમાંથી જાય એ કોઈપણ ભોગે પરવડી શકે તેમ નહોતું અને એટલે જ વડાપ્રધાન મોદી ‘મરણિયા’ બન્યા હતા. મોંઘવારી, બેરોજગારી અને એન્ટી ઈન્કમબન્સી ઉપરાંત ભાજપની છાવણીનો આંતરીક સંતોષ આ બધુ હતું અને તેમ છતાં ચૂંટણી જીતવી અનિવાર્ય હતી અને તેના માટે જે કંઈ કરવું પડે તે કરવાની વડાપ્રધાન મોદીની તૈયારી હતી.
છેલ્લી ચૂંટણી સભાઓને જોવામાં આવે તો વડાપ્રધાનનાં ભાષણો બદલાઈ ગયા હતા અને તેમના પ્રત્યેક પ્રવચનોમાં પોતીકાપણું અને લાગણીઓનો ધોધ વહેતો હતો અને મોદીએ ઉભા કરેલા લાગણીનાં પ્રવાહમાં લોકો ભળી ગયા હતા અને ભાજપની તરફેણમાં મતપેટીઓ ભરી દીધી હતી અને અકલ્પનિય જીત અપાવી હતી.

ગુજરાતની ૨૦૨૨નાં વર્ષની ચૂંટણીઓ દાયકાઓ સુધી ઈતિહાસમાં લખાયેલી રહેશે. ૧૫૬ બેઠકો કબજે કરવા ઉપરાંત ઘણી બેઠકોનાં હરીફપક્ષ કોંગ્રેસનાં ઉમેદવારો ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. આનાથી ભૂંડો પરાજ્ય બીજો કયો હોઈ શકે? બની શકે કે, આવનારા વર્ષોમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ જ ભુંસાઈ જશે અને કદાચ એટલે જ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં પગ મુકવાનું પણ મુનાસીબ માન્યું નહોતું.

આ તરફ નરેન્દ્ર મોદી સાથે બાથભીડીને પોતાની જાતને બાહુબલી પુરવાર કરવા નીકળેલા અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં સત્તા મળી નથી. પરંતુ ગુજરાત વિધાનસભામાં પગ મુકવાની જગ્યા કરીને કેજરીવાલે એક વાત પુરવાર કરી છે કે તે મોદી સાથે બાથ ભીડી શકે એટલી ક્ષમતા ચોક્કસ ધરાવે છે.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પાંચ બેઠકો મળવા ઉપરાંત માત્ર ૧૩ ટકા મતો પણ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ પ્રયાણ કર્યું છે. કેજરીવાલને પણ ચોક્કસ અંદાજ હશે કે, ગુજરાતમાં તેમને સત્તા મળવાની નથી, પરંતુ મોદી સાથે બાથ ભીડવાથી રાષ્ટ્રીય પ્રતિષ્‍ઠા ચોક્કસ મળશે. આમ પણ દિલ્હી મહાનગરપાલિકામાં બહુમતિ હાંસલ કરીને કેજરીવાલે રાજકીયક્ષેત્રે તેમનો વિસ્તાર વધાર્યો છે. મતલબ ગુજરાતની ચૂંટણી રાજકીય રીતે કેજરીવાલ માટે ફાયદાનો ધંધો થયો છે. વળી પોતાના પાંચ ધારાસભ્યો હોવાથી ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ચોક્કસ ઉભરી આવશે.

આ પણ વાંચો :-