અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું ૪૦૦ કિલોનું તાળું, ૪ ફૂટ તો લાંબી છે ચાવી, કિમંત સાંભળી રહી જશો દંગ

Share this story
  • અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે ૪૦૦ કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. પહેલા તળનું મોટાભાગનું મંદિર પરિસર લગભગ તૈયાર છે. તમને જણાવી દઈએ કે, અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે ૪૦૦ કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે.

ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્મા હસ્તનિર્મિત તાળા માટે ફેમસ છે. તેમણે વિશ્વનું સૌથી મોટુ હસ્તનિર્મિત તાળુ બનાવવા માટે અનેક મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. આ તાળું ૧૦ ફૂટ લાંબુ, ૪.૫ ફૂટ પહોળુ અને ૯.૫ ફૂટ મોટુ છે અને ૪ ફૂટ મોટી ચાવીથી ખુલે છે. સત્ય પ્રકાશ શર્માએ આ તાળુ બનાવવા માટે આખા જીવનભરની બચતનો ઉપયોગ કર્યો છે અને ૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

સત્ય પ્રકાશ શર્મા જણાવે છે કે, ‘હું દાયકાઓથી તાળા બનાવવાનો બિઝનેસ કરું છું. જેથી મેં મંદિર માટે તાળુ બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા માટે ફેમસ છે અને અત્યાર સુધી કોઈએ પણ આ પ્રકારનું તાળુ બનાવ્યું નથી. મેં ખૂબ જ પ્રેમથી આ તાળુ બનાવ્યું છે. મારી પત્ની રૂક્ષ્મણીએ પણ મને મદદ કરી છે.’ સત્ય પ્રકાશ શર્મા આ વર્ષના અંત સુધીમાં મંદિરના અધિકારીઓને આ તાળુ ઉપહાર તરીકે આપવાનું વિચારી રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં અલીગઢની વાર્ષિક પ્રદર્શનીમાં આ તાળુ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સત્ય પ્રકાશ શર્મા આ તાળાને આખરી ઓપ આપી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તાળુ ક્યાં વાપરી શકાય તે અંગે વિચારવું પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહમાં સામેલ થશે :

સત્ય પ્રકાશ શર્માએ જણાવ્યું છે કે તેમનો પરિવાર એક સદી કરતા વધુ સમયથી હસ્તનિર્મિત તાળા બનાવી રહ્યો છે અને તેઓ ખુદ ૪૫ વર્ષ કરતા વધુ સમયથી આ બિઝનેસમાં શામેલ છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.

આ પણ વાંચો :-