‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ,’ ભૂપેન્દ્ર દાદાની બીજી સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ

Share this story
  • ગુજરાતમાં ભાજપના આંતરિક ગજગ્રાહ વખતે વડાપ્રધાન મોદી અને અમિત શાહે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
  • સોપારી મમળાવતા મમળાવતા ધારાસભ્યો વચ્ચે બેઠેલા ભૂપેન્દ્ર પટેલ પોતાને પણ ખબર નહોતી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે.
  • પ્રથમ વખતે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો તાજ તો પહેરી લીધો હતો પરંતુ પક્ષમાં સર્વોપરીતાના ગજગ્રાહમાં એક વખત મુખ્યમંત્રીપદ ખાલી કરવા સુધી પહોંચી ગયા હતા.
  • પરંતુ ગત ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર.પાટીલે હાથમાં લઇને ભૂપેન્દ્ર પટેલને વધુ મજબૂત બનાવ્યા હતા અને મોદીએ પોતાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકો સાથે ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવા સાથે સરકાર ચલાવવા છુટોદોર આપીને ભૂપેન્દ્ર પટેલના રાજકીય કદમાં વધારો કરી દીધો હતો.

ગુજરાતનો ઔદ્યોગિક, સામાજિક અને માળખાગત વિકાસની હારમાળા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) બીજી વખતની સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થઈ ગયા. ભૂપેન્દ્ર પટેલ ખરેખર તો નસીબના બળિયા છે. વિજય રૂપાણી (Vijay Rupani) સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની ભાજપ મોવડીમંડળે મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ૧૩-૦૯-૨૦૨૧ના રોજ પસંદગી કરી હતી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ કલ્પના નહોતી કે તેઓ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

ખૂબ શાંત, સરળ સ્વભાવ અને દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મુુખ્યમંત્રી તરીકેની પસંદગીએ ખુદ ભાજપના લોકોને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલને રાજકીય અને વહિવટી બંને અનુભવ છે. પરંતુ શાંત અને સરળ સ્વભાવને કારણે જાણિતા નેતાઓમાં નહોતા. અમદાવાદ વિકાસ સત્તામંડળ ‘ઔડા’ના ચેરમેન તરીકે તેમણે દાખવેલી દીર્ધદૃષ્ટીને કારણે અમદાવાદનો સુવ્યવસ્થિત વિકાસ થયો છે પરંતુ ઘણા લોકોને ખબર નહોતી કે ભૂપેન્દ્ર પટેલ ‘ઔડા’ના ચેરમેન હતા. લોકો અત્યાર સુધી આ ‘ઔડા’ના ચેરમેન તરીકે સુરેન્દ્ર કાકાને વધુ જાણતા હતા પરંતુ અમદાવાદના માળખાગત વિકાસ પાછળ ભૂપેન્દ્ર પટેલનો પણ એટલો જ સિંહફાળો રહ્યો છે.

ખેર, ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માટે લોખંડના ચણા ચાવવા જેવી હાલત હતી. એક તરફ ભાજપમાં આંતરિક યાદવા સ્થળી ખદબદતી હતી. ભાજપના મોવડીઓના આંતરિક કાવાદાવાને કારણે એક વખત તો ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદનો ‘તાજ’ જેને જોઈતો હોય તેને પહેરાવવા તૈયાર થઈ ગયા હતા અને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ તેમણે વેદના પણ વ્યક્ત કરી દીધી હતી.

બીજી તરફ ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ માથે આવીને ઉભી હતી. આવા સંજોગોમાં ભૂપેન્દ્ર પટેલ માટે મુખ્યમંત્રીપદ સફળતાપૂર્વક સંભાળવું લગભગ અશક્ય હતું. ભૂપેન્દ્ર પટેલ નહીં કોઈપણ બળિયો રાજકારણી પણ હાથ બાંધેલી હાલતમાં પક્ષ અને સરકારને સરખો ન્યાય તોળી શકે નહીં. પરંતુ ભૂપેન્દ્ર પટેલે બધુ ‘દાદા ભગવાન’ ઉપર છોડીને સરકારના મુખિયા તરીકેનો કારભાર ચાલુ રાખ્યો હતો.

આ બધાની વચ્ચે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલની વહારે આવ્યા હતા અને જાણે બધા જ સંકટના વાદળો વિખેરાઈ ગયા હતા. ગુજરાતની ચૂંટણીનો દોર નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાથમાં લેવાની ઘટના બીજા કોઈ માટે નહીં પરંતુ ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ ચમત્કાર ગણી શકાય.
વડાપ્રધાન મોદી અને અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને ચૂંટણીની વ્યુહરચનામાં સતત સાથે રહેવાથી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સર્વોચ્ચ નેતૃત્વની હુંફ મળવાથી તેમનો માનસિક ભય દૂર થઈ ગયો હતો અને હળવા ફુલ બનીને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’ આ કહેવત ભૂપેન્દ્ર પટેલ માટે યથાર્થ પુરવાર થઈ ગઈ હતી. કારણ કે સમગ્ર ચૂંટણીનો ભાર વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉઠાવી રહ્યા હતા. આ તરફ નવી સરકારમાં ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની ભાજપ મોવડી મંડળે જાહેરાત કરીને ફરી વખત અનેક લોકોને ચોંકાવી દીધા હતા.

એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ, સી.આર. પાટીલ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતભરમાં વસતા વિવિધ સમાજના લોકો સાથે વ્યક્તિગત વાર્તાલાપ, સમૂહ ભોજન કરીને ખાસ કરીને ઓબીસી પરિવારોમાં પોતીકા પણાનો ભાવ પેદા કરવામાં અદ્‍ભૂત સફળતા મેળવી હતી.

બીજી તરફ ‘આમ આદમી પાર્ટી’નો આક્રમક પ્રચાર અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં સતત પડાવ અને ભાજપની આંતરિક યાદવા સ્થળીને કારણે ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. રાજકારણને નજીકથી સમજતા લોકો પણ એવું માનતા હતા કે ભાજપને વધુમાં વધુ ૧૦૦ની આસપાસ બેઠકો મળશે પરંતુ ચૂંટણીના પરિણામોએ બધાના ગણિત ઊંધા પાડી દીધા હતા.

 

વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાઓમાં સતત ‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ની ડબલ એન્જિનની સરકારનો વારંવાર પ્રચાર કરીને ભૂપેન્દ્ર પટેલના ચહેરાને વધુ મજબૂત બનાવવા સાથે ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતાને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. લોકો પણ ક્રમશઃ ભૂપેન્દ્ર પટેલને સૌમ્ય અને કાર્યક્ષમ મુખ્યમંત્રી તરીકે સ્વીકારતા થઈ ગયા હતા. ચૂંટણી સભાઓમાં વડાપ્રધાન મોદીએ પોતાના કરતા ભૂપેન્દ્ર પટેલની સરકારની વારંવાર સરાહના કરી હતી અને પોતાના એટલે કે નરેન્દ્ર મોદીના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઐતિહાસિક બેઠકોનો રેકોર્ડ હાંસલ કરવા લોકોને સતત અનુરોધ કરતા રહ્યા હતા.

PTI12_02_2021_000130B

અને ૧૫૬ બેઠકો સાથેનો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ઐતિહાસિક વિજય મેળવીને ફરી વખત મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને આરૂઢ કરવા સાથે સરકાર ચલાવવા સ્વતંત્ર દોર આપ્યો હતો અને બીજી વખત તા.૧૨-૧૨-૨૦૨૨ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૩૨મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પુરા આત્મવિશ્વાસ સાથે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ૩૦મી માર્ચના રોજ નવી સરકારની વિધાનસભાનું પ્રથમસત્ર સમાપ્‍ત થયું.

નવાવર્ષનું બજેટ વિનાવિવાદે પાસ કરવા સાથે નવી શિક્ષણનીતિના કાયદો પણ પસાર કરાવીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પ‌રિવર્તન લાવવાની દિશામાં પ્રયાણ કર્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં નવું રોકાણ લાવવાના પ્રયાસના ભાગ ભાગરૂપે ૫૯ ઉદ્યોગો સાથે ૯૦ હજાર કરોડના રોકાણના કરાર કરીને સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં નવો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. નવા ઉદ્યોગો શરૂ થવાથી લગભગ ૬૫ હજાર લોકોને સીધી રોજગારી મળશે.

આ ઉપરાંત સમગ્ર દેશ માટે ગૌરવ સમાન G-20 સમૂહ દેશોની બેઠકોનો દોર પણ ગુજરાતમાં સફળતા પૂર્વક યોજીને વિશ્વના દેશોને પણ ભારત અને ગુજરાતના માળખાગત વિકાસનો અહેસાસ કરવવા સાથે પર્યાવરણ સહિતની વૈશ્વિક સમસ્યાઓ અંગે ગુજરાતના પાટનગરમાં બેઠકો થઈ હતી અને વિશ્વના દેશોના પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા હતા.

ચહેરા ઉપર મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલ એટલે કે ‘ભૂપેન્દ્ર દાદા’ હવે સરકાર ચલાવવા માટે બરાબર પીઢ થઈ ચૂક્યા છે. રાજકારણના અટાપટાથી હંમેશા દૂર રહેવાનો સ્વભાવ ધરાવતા ‘ભૂપેન્દ્ર દાદા’ હવે આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અલબત્ત ગુજરાત ભાજપનો ગઢ છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓને ચૂંટણી અભિયાનમાં જોડવાની તૈયારીઓ ચાલી છે તેના ભાગરૂપ બે દિવસ પૂર્વે તામિલનાડુ અને હૈદ્રાબાદના દ‌િક્ષણ ભારતના પ્રવાસ યોજવામાં આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં લોકોને ઠેસ પહોંચે એવી એકપણ ઘટના બનવા પામી નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની ‘બ્લ્યુપ્રિન્ટ’ જોતા આવનારા સમયમાં ગુજરાત વેપાર, ઉદ્યોગક્ષેત્રે ઝડપથી ધમધમતું હશે અને રોજગારી, બેકારીની સમસ્યા લગભગ નહીં બરાબર થઈ જશે એવું પ્રથમ ૧૦૦ દિવસનું ચિત્ર જોતા લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-