સુરત ચેમ્બરમાં ઘુસી ગયેલા જૂથવાદને રોકવામા નહીં આવે તો વ્યાપારી સંસ્થા વિવાદોનો અખાડો બની જશે

Share this story
  • લોકશાહીમા ચૂંટણી પ્રક્રિયા ભલે આદર્શ મનાતી હોય પરંતુ વ્યાપારી સંસ્થામાં ઉમેદવારી અને મતદાનની પ્રક્રિયા જૂથવાદ, પ્રાંતવાદ, જાતિવાદ સહિતના વાદ માટે ઉત્તેજન આપનારી બની રહેશે
  • ચાર લાખનું સુરત એંશી લાખનું થયું દેશભરના લોકો સ્થાયી થયા એટલે ચેમ્બરના સભ્યોનું સંખ્યાબળ વધવાનુ જ પરંતુ હોદ્દા મેળવવા માટેની લડાઇમા ‘‘વાદ’’ની તાકાતનો ખેલ સંસ્થાને બરબાદ કરી નાંખશે
  • સુરત ચેમ્બરનો ઇતિહાસ ખૂબ લાંબો છે, વર્ષોથી હોદ્દેદારોની નિમણૂંકો થતી આવી છે, મતભેદ થયા હશે પરંતુ ક્યારેય તાકાત બતાવી દેવાની ઘટના બનવા પામી નથી
  • દેશમાં સુરત ચેમ્બરને આદર્શ માનવામાં આવે છે, આંતરરા‌િષ્ટ્રય કક્ષાની મિલકતો પણ ઉભી કરી છે પરંતુ આ બધુ કરવા માટે લોહી, પસીનો એક કરનારાઓની વાતનું ગૌરવ જાળવાવું જ જોઇએ

વેપારી, ઉદ્યોગપતિઓ અને મહાજનોની સંસ્થા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિવર્ષ સમજૂતીથી હોદ્દાઓની વહેંચણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એકાદ-બે કિસ્સામાં બાદ કરતા આજ પર્યન્ત સુરત ચેમ્બર્સમાં ચૂંટણી યોજવાની ફરજ પડી નથી, લોકશાહી દેશમા ચૂંટણીવ્યવસ્થાને આદર્શ માનવામાં આવે છે, પરંતુ સત્તા મેળવવા કરવામાં આવતા રાજકીય કાવાદાવાએ ચેમ્બર જેવી વેપારીઓની સંસ્થાઓમાં પણ કડવાશનાં બીજ રોપી દીધાં છે અને જૂથવાદને કારણે વેપારી સંસ્થાઓમાં ક્રમશઃ ઝેર રેડાઇ રહ્યું છે. આવી સ્થિતિ માત્ર સુરતની જ નથી દેશની અન્ય સંસ્થાઓમાં પણ રાજકીય હસ્તક્ષેપને કારણે કોમવાદ, જાતિવાદ,પ્રાંતવાદ અને જૂથવાદનું ઝેર વધુ ને વધુ વકરી રહ્યું છે અને લોકશાહી વ્યવસ્થાની આદર્શ પરંપરા ભુલાતી રહી છે.

સુરત ચેમ્બર ઓફ કોમર્સને લાગેવળગે છે ત્યાં સુધી સર્વાનુમતે હોદ્દાની વરણી કરવાની ચાલી આવતી પરંપરાનું પાછલાં કેટલાંક વર્ષોથી ધોવાણ થઇ રહ્યું છે. ચાર લાખનું સુરત વધીને ૮૦ લાખની વસ્તીનું થયું દેશભરના રાજ્યોમાંથી લોકો સુરતમાં વેપાર-ધંધો કરવા આવ્યા અને અહિંયા જ સ્થાયી પણ થયા. વેપારી, ઉદ્યોગકાર હોવાના નાતે ચેમ્બર્સના સભ્ય પણ બન્યા. પરંતુ સુરત બહારના એટલે બિનસુરતી સભ્યો સ્વાભાવિક પોતાના જુથમાં રચાતા ગયા અને આ જૂથવાદ જ ચેમ્બરના વહીવટમાં અને પદો મેળવવાની સ્પર્ધામાં જૂથવાદના ઝેરને ખેંચી લાવ્યો ચેમ્બર એ કોઇ રાજકીય સંસ્થા નથી, પરંતુ જૂથવાદના કારણે જ રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે વળી ચેમ્બર જેવી મહત્વની સંસ્થામાં પોતાનો પગદંડો જમાવવા રાજકીય પક્ષના લોકો પણ આવે એ સ્વાભાવિક છે પરંતુ રાજકીય પક્ષોની દખલને કારણે જ વેપારીઓની સંસ્થા ચેમ્બર ક્રમશઃ જૂથવાદના દલદલમા ખૂંપી રહી છે અને આ પ્રક્રિયા રોકવામાં નહી આવે તો કદાચ આવનારા દિવસોમાં ચેમ્બરની ચૂંટણીમાં મારામારી સુધીના દ્રશ્યો જોવા નહીં મળે તો જ નવાઇ હશે કારણ કે રાજકારણ અને જૂથવાદની સાથે મની અને મસલ્સ પાવર્સનું ન્યુસન્સ પણ આવવાનું જ. હાલમા ખેડૂતોની સહકારી સંસ્થામાં જે રીતે રાજકીય પક્ષોની દખલગીરી ઘુસી ગઇ છે એ રીતે જ ચેમ્બરમાં પણ આવનારા દિવસોમાં હોદ્દેદારોની નિમણૂંક રાજકીય પક્ષોના કાર્યાલયોમાંથી થતી હશે. લોકો જાણતા જ હશે કે સુમુલ, અમુલ, ક્રિભકો, ઇફકો જેવી સહકારી સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂંક અંગે પક્ષમાંથી ‘મેન્ડેટ’ આપવામાં આવે છે આવી જ પદ્ધતિથી ચેમ્બરમાં પણ હોદ્દેદારોની કદાચ ચૂંટણી કરવામાં આવશે, પરંતુ નિર્ણય રાજકીય પક્ષનો હશે.

ખેર, સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સને અત્યાર સુધી નિષ્પક્ષ અને વેપાર, ઉદ્યોગના હિતમાં નિર્ણયો કરનારા હોદ્દેદારો મળ્યા છે. કદાચ ગુજરાતમાં અન્ય કોઇ ચેમ્બર પાસે અસ્ક્યામતો નહીં હોય એટલી સુરત ચેમ્બર પાસે છે વિશાળ ઇન્ટરનેશનલ કક્ષાનું કન્વેન્શન સેન્ટર ‌સહિતની સુવિધા ભૂતપૂર્વ હોદ્દેદારોની મહેનત અને દીર્ઘદૃ‌િષ્ટની ફળશ્રુતિ છે પરંતુ હાલમાં હોદ્દાઓને લઇને આકાર લઇ રહેલી સ્થિતિ‌ જોતા સુરત ચેમ્બર્સે ઊભી કરેલી મિલકતો કદાચ આવનારા વર્ષોમાં વેચાઇ જશે એવો ભય સતાવી રહ્યો હોવાથી ભૂતપૂર્વ હોદ્દેદારો ચેમ્બર્સને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાના પ્રયાસો કરે એ આવકાર્ય છે, કદાચ થોડાઘણા લોકોના અંગત સ્વાર્થ હોઇ શકે, પરંતુ સરેરાશ પૂર્વ હોદ્દેદારો માટે પોતે ઊભી કરેલી મિલકતો, પ્રતિષ્‍ઠા જાળવી રાખવાનું વધારે મહત્ત્વ હોઇ શકે.
સુરત ચેમ્બર્સમાં સૌરાષ્ટ્રવાસી સભાસદોની સંખ્યામાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે ત્યારથી લોકોના મનમાં છુપો ભય આકાર લઇ રહ્યો છે અને ચેમ્બરના વહીવટમાં રાજકારણ અને જૂથવાદ ઘૂસી જવાની કેટલાક લોકોને ચિંતા સતાવી રહી છે જોકે આવી કાલ્પનિક ચિંતા રાખવાનું કોઇ વ્યાજબી કારણ નથી જ કારણ કે સૌરાષ્ટ્રવાસી આખરે તો વેપારી અથવા તો ઉદ્યોગકાર છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ જેવા મહાનગરો અને જિલ્લા તાલુકા કક્ષાના નગરોમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ સક્રિય છે જ, કદાચ સક્રિયતા વત્તા ઓછા અંશે હશે અને પ્રશ્નો પણ જુદા હશે.

અલબત્ત સૌરાષ્ટ્રવાસી સભ્યોની આક્રમકતા ભૂમિગત સ્વભાવ છે કદાચ સ્વભાવ બદલવામાં અથવા તો સુરત ચેમ્બર સાથે સાનુકૂળ કરવામાં આવે તો કલ્પના બહારના પણ પરિણામો આવી શકે. સુરતના વેપાર-ઉદ્યોગના વિકાસમાં સૌરાષ્ટ્રવાસીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ હવે માત્ર ડાયમંડ પૂરતા મર્યાદિત રહ્યા નથી. કાપડ, કેમિકલ્સ, એન્જિનિય‌િ‌રંગ, ઊર્જા, એગ્રિકલ્ચર, બાંધકામ સહિત અનેક ક્ષેત્રે તેઓનો સિંહફાળો રહ્યો છે અને આ બધા વેપાર-ઉદ્યોગના વિકાસ અને પ્રશ્નો માટે ચેમ્બર ઓફ કોમર્સની મહત્ત્વની ભૂમિકા રહે છે.

ખેર, સુરત ચેમ્બર્સના હોદ્દેદારોની વરણીને લઇને ભૂતપૂર્વ હોદ્દેદારોની વાતને સમજવી એટલા માટે અનિવાર્ય છે કે તેમણે બીજ રોપીને ચેમ્બરને વટવૃક્ષ બનાવ્યું છે અને તેમની ચેમ્બર સાથે લાગણી પણ વણાયેલી છે એટલે સ્વાભાવિક તેઓ ચેમ્બર્સના હોદ્દેદારોની વરણી કરતી વખતે સક્રિય થવાના જ. તેમની સક્રિયતા થવા પાછળ ચિંતા ખેંચી લાવે છે અને એટલે જ પ્રતિવર્ષ સમજૂતીથી

હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે આ વખતે પણ સૌરાષ્ટ્રવાસી મનીષ કાપડિયા સામે કોઇને વાંધો કે વિરોધ નહોતો, પરંતુ આગામી વર્ષે તેઓને ઉપપ્રમુખ બનાવવા એવું નક્કી કરાયું હતું અને તેમને સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ અગાઉ કહ્યું તેમ મનીષ કાપ‌િડયા અને તેમના સમર્થકોએ આખી વાતને ‘પ્રતિષ્‍ઠા’નો પ્રશ્ન બનાવી દીધો હતો અને આ ‘પ્રતિષ્‍ઠા’ના પ્રશ્ન સાથે જ વિવાદની શરૂઆત થઇ હતી. મનીષ કાપડિયા પણ સમર્થકોની ખૂબ મોટી સંખ્યા ધરાવે છે અને તેમને મળેલા ૨૦૦૦ મતો પુરવાર કરે છે કે મનીષ કાપડિયા સાવ એકલા નહોતા વળી આ વખતે હારી ગયા એટલે આવતા વર્ષે ઉમેદવારી નહીં કરે એવું નક્કી નથી, પરંતુ ચેમ્બરના હોદ્દેદારોની વરણીમાં જૂથવાદ અને રાજકીય હસ્તક્ષેપ ઘૂસી ગયો છે. એ આવનારા વર્ષોમાં ચેમ્બરને રાજકારણ અને જૂથવાદનો અખાડો બનાવી દેશે એવું આજના તબક્કે જણાઇ રહ્યું છે.

આ પણ વાંચો :-