ભાજપ નેતાગીરી પાટીદાર આંદોલન પછી પણ જાગી હોત તો ગુજરાતમા ‘આપ’ નો ઉદય જ થયો નહોત

Share this story

પાલિકા, પંચાયતોની ચૂંટણી અને સુરતમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવવાની ઘટના સુચક હતી અને છતાં કોઇ જ પગલા નહીં ભરવાથી ‘આપ’ છેક વિધાનસભા સુધી પહોંચી ગયો

ભાજપના સદનસીબે ગુજરાતમાં કોંગ્રેસ જડમુળથી સાફ થવા તરફ ધકેલાઇ રહી છે વળી મોડે મોડે પણ ભાજપે ભરતી મેળો શરૂ કરતા ભાજપમા આંતરિક અસંતોષ છતાં ગુજરાતમાં ભાજપની બેઠકો ખંડિત થવાની શકયતાઓ નથી

પાટીદાર આંદોલનના કારણે રાજકારણનો સ્વાદ ચાખી ગયેલા હાર્દિક સહિત અનેક યુવાઓ ભાજપમા બળી ગયા બાકી હતું તો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પણ સી.આર.પાટીલે કેસરિયા કરાવી દીધા પરંતુ ‘પાસ’ના આંદોલનમાં શહીદ થઇ ગયેલા ૧૪ યુવાનોને કોઇએ પણ યાદ કર્યા નહીં

રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના રોષમાં હવે રાજકારણ ભળી ગયું હોવાની ગંધ આવી રહી છે પરંતુ ક્ષત્રિયોના આંદોલનને કુનેહથી શાંત કરવામાં નહી આવે તો ચિત્ર ધુંધળુ હશે.

આ વખતની લોકસભાની ચૂંટણીઓ ધારવા જેટલી સહેલી નથી. ગુજરાત ભાજપનો ગઢ અને પોતીકું રાજ્ય ગણવામાં આવે છે. ચૂંટણી લડતો આંખ બંધ કરીને ઊંઘી જાય તો પણ જીતી જાય એવી ગુજરાતની સ્થિતિ પાછલાં વર્ષો દરમિયાન સતત રહેવા પામી છે આ વખતે પણ ચિંતા કરવા જેવું નથી, પરંતુ પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદને કારણે ગુજરાત ભાજપનો આંતરિક અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક બાબત એ રહેવા પામી છે કે ભાજપના વરિષ્‍ઠ નેતૃત્વમાંથી એક પણ નેતા પુરૂષોત્તમ રૂપાલાની પડખે આવ્યો નથી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔપચારિકતા ખાતર રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને વારંવાર કહી રહ્યા છે કે ક્ષત્રિયોએ હવે રૂપાલાને માફ કરી દેવા જોઇએ. આનાથી વિશેષ કોઇ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનુ દેખાતું નથી બલ્કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે ક્ષત્રિયોને રૂપાલા સામે વાંધો છે, મોદી કે ભાજપ સામે વાંધો નથી. આવાં નિવેદનો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપનું નેતૃત્વ આ વિવાદથી દૂર રહેવા માંગે છે અથવા તો રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા હારે કે જીતે, લાંબો ફરક પડતો નથી, બલ્કે ભાજપ અને પાટીદાર મતદારોની તાકાત ઉપર રૂપાલા જીતી જશે તો ક્ષત્રિયોને પણ તેમની તાકાત કેટલી છે તેનો અનુભવ થઇ જશે.
પરંતુ આ પ્રયોગ કરવા જેવો નથી, રૂપાલા જીતી ગયા પછી પણ ક્ષત્રિયો સાથેના વેરને વધુ બળ મળશે. સામાજિક એકતાને ખૂબ મોટો ફટકો પડશે અને આમ પણ સૌરાષ્ટ્રનો ભૂતકાળ જાતિવાદની આગથી ભરેલો છે. ભૂતકાળમાં જાતિવાદના વિવાદમાં અને પોતાની જાતને સર્વોપરી પુરવાર કરવામાં હત્યાઓની ઘટનાઓ બનવા પામી હતી.
પુરૂષોત્તમ રૂપાલાનુ વકતવ્ય ચોક્કસ જાણી જોઇને કરાયેલુ વક્તવ્ય હરગીજ નહોતું. તેઓ શિ‌િક્ષત છે, વરિષ્‍ઠ છે, ભૂતપૂર્વ શિક્ષક પણ છે અને ઇતિહાસના જાણકાર છે એટલે ચોક્કસ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા વિવા‌િદત નિવેદન કરે એવું માની શકાય નહીં. વળી તેમણે કરેલી ભૂલ અંગે તત્કાળ માફી પણ માંગી લીધી હતી. પરંતુ તેમના નિવેદનને આધાર બનાવીને ક્ષત્રિયોએ છેડેલા જંગમાં કેટલાક લોકો ઘી રેડવાનું કામ કરતા હોવાની આશંકાઓ ઘુમરાઇ રહી છે. જ્યારે આ તરફ રૂપાલાને પોતાની લડાઇ એકલા હાથે લડવા છોડી દેવાયા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઇ રહ્યું છે. પરંતુ આવી સ્થિતિનું જાણી-જોઇને નિર્માણ કરવામાં આવી રહ્યું હશે તો આવનારો સમય ગુજરાતની સામાજિક શાંતિ માટે ખતરારૂપ પુરવાર થશે.
આવું જ પાટીદાર અનામત આંદોલન વખતે થયું હતું. પાટીદાર યુવાનોની વાતમાં ચોક્કસ દમ હતો. પાટીદારના સંતાનો ૧૦૦માંથી ૧૦૦ ટકા માર્ક લાવ્યા હોય છતાં મેડિકલ, ઇજનેરીમાં પ્રવેશ મળતો નહોતો અને એટલે ‘‘પાટીદાર અનામત’’ની માંગણી કરવામાં આવી રહી હતી. પરંતુ કેટલાક રાજકારણીઓએ પોતાનો અંગત સ્વાર્થ સાધવા પાટીદાર યુવાનોના ઝનૂનને ભડકાવવાનુ કામ કર્યું હતું અને એટલે જ પાટીદાર યુવાનોની મૂળ માંગણી ભુલાઇ ગઇ હતી અને મામલો છેક આનંદીબેન પટેલની સરકાર ઉથલાવવા સુધી પહોચી ગયો હતો પરંતુ એ પૂર્વે એક-બે નહીં ૧૪ નવલોહિયા યુવાનો શહીદ થઇ ગયા હતા. આજે આ યુવાનોના પરિવારોની હાલત કેવી હશે કદાચ તેની કોઇ જ પરવા કરતું નહીં હોય. પાટીદારના યુવાનોને શિક્ષણમાં આ આંદોલનથી કેટલો ફાયદો થયો તેનો પણ કોઇ દાવો કરી શકે તેમ નથી.
પરંતુ આંદોલનની ફળશ્રુતિરૂપે ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’નો ઉદય થયો હતો. કેટલાક આંદોલનકારી યુવાનોને રાજકારણની દિશા મળી ગઇ હતી અને રાતોરાત જાહેર જીવનમાં ‘હીરો’ બની ગયા હતા. ગુજરાતના જાહેર જીવનમાં થઇ રહેલા નવા રાજકીય ઉદયની જે તે વખતની નેતાગીરીએ સત્તાના અહંમ્્માં પરવા કરી નહોતી. અન્યથા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે પગ મુકવાનું વિચાર્યું પણ નહોત. ભાજપની જ નેતાગીરીની ભૂલને કારણે સૌપ્રથમ સુરતમાં એક બે નહી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા હતા અને ત્યારબાદ વિધાનસભામાં પણ ‘આપ’ના ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા અને હવે બની પણ શકે કે ‘આપ’નો એકાદ સાંસદ લોકસભામાં ચૂંટાઇ પણ શકે. અલબત શક્યતા નહીંવત્ છે. પરંતુ સત્તાધારીની ‘મસ્તી’ ભૂતકાળની જેમ ભારે પડી શકે.
ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચંૂટણી અને સુરતમાં ‘આપ’ના કોર્પોરેટરો ચૂંટાઇ આવવાની ઘટના બાદ ગાંધીનગરના સત્તાપક્ષની રાજકીય બાબતો ઉપર નજર રાખતા વરિષ્‍ઠ અધિકારીએ ચૂંટણીઓમાં તરીકે ઉભરી આવેલા વિપક્ષના ચહેરાઓને ભાજપમાં સમાવી લેવાની વાત કરી હતી. પરંતુ સત્તાપક્ષે કોઇક કારણોસર આ વાતને કાને ધરી નહોતી અને એટલે જ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વિસ્તાર વધ્યો હતો અને જ્યારે લોકસભાની ચૂંટણીઓ માથે આવી ત્યારે ‘આપ’, કોંગ્રેસ સહિતના વિપક્ષે રહેલા મજબૂત ચહેરાઓને ભાજપમાં સમાવી લેવાનો પ્રવેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
પાટીદાર આંદોલનનો ચહેરો ગણાતો હાર્દિક પટેલ પોતાની રાજકીય તાકાત ઉપર નહીં, પરંતુ પાટીદાર સમાજની તાકાત ઉપર કોંગ્રેસના બેનર હેઠળ વિધાનસભામાં ચંૂટાયો હતો અને ‘ઓપરેશન લોટસ’ હેઠળ હાર્દિક સહિત અનેકને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા. આ ભરતીમેળામાં ઘણા એવા લોકોને પણ ભાજપમાં ભળી જવાની તક મળી કે જેને ગામમાં કોઇ ઓળખતું નથી, પરંતુ હવે ગળામાં ભાજપનો ખેસ પહેરીને ફરતા થઇ ગયા છે. અત્યાર સુધીમાં લગભગ દોઢ ડઝન જેટલા ‘આપ’ના યુવા ચહેરાઓ ભાજપમાં જોડાઇ ગયા છે, પરંતુ પાટીદાર આંદોલનમાં શહીદીને વરેલા પેલા ૧૪ યુવાનોને કોઇએ પણ યાદ કરીને વંદન કર્યા નથી.
આજે શનિવારે ‘આપ’ના આંદોલનના બાહુબલી ગણાતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં ભળી ગયા હતા. આ બે ચહેરાઓએ ગત વિધાનસભાની ચંૂટણીમાં ભાજપને પરસેવો પડાવી દીધો હતો. બલ્કે વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીને અલ્પેશના ભયથી ફરી ‌િર‌િપટ કરવા પડ્યા હતા.
અલબત્ત ભાજપના નેતૃત્વએ પાટીદાર આંદોલન બાદ ભાજપમાં ઊભરી રહેલી ‘આમ આદમી પાર્ટી’ને ઊગતા પહેલા જ ડામી દીધી હોય તો ગુજરાતના રાજકારણમાં નવા પક્ષનો ઉદય જ થયો ન હોત. ભાજપના સદનસીબે ગુજરાતમાં કોંગ્રેસ જડમૂળથી નામશેષ થવા જઇ રહી હોવાથી ગુજરાતમાં ભાજપના શાસનને ઊની આંચ આવવાની શક્યતા નથી.
ભરતીમેળાનો નિર્ણય ભલે મોડો કરાયો. પરંતુ જાગ્યા ત્યાંથી સવાર માનીને રાજકીય સૂઝ દાખવવામાં આવશે તો ગુજરાતના રાજકીય જીવનમાં ‘આપ’ના બચેલા થોડા-ઘણા મૂળ પણ સાફ થઇ જશે.
સિવાય કે ભાજપના શાસકો સત્તાના અહમ્્માં કોઇ મોટી ભૂલ કરી બેસશે તો ભાજપમાં પણ યાદવાસ્થળી થઇ શકે. પરંતુ આજના તબક્કે એવા કોઇ અણસાર દેખાતા નથી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ આખો મામલો કુનેહપૂર્વક સંભાળી લેવા ઉપરાંત લગભગ આખા ગુજરાતમાં સર્વ સમાજમાં ફરી વળ્યા હોવાથી લોકસભાની ચૂંટણીના ગુજરાતના પરિણામો એક પણ બેઠક ખંડિત થયા વગરના અકબંધ જ આવશે એવું આજના તબક્કે ચોક્કસ કહી શકાય.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમા આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા ત્યારે અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાગીરીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો પડકાર ફેંકયો હતો આજે એજ માનગઢ ચોકમાં ઉભા રહીને
સી.આર.પાટીલ ‘આપ’ના આંદોલનકારી ચહેરાઓ સહિત ૨૦૦ જેટલા યુવાઓને ભાજપના કેસરિયા કરાવ્યા હતા. અલબત્ત અરવિંદ કેજરીવાલ હાલ જેલમા બંધ હોવાથી કદાચ તેમના સુધી વાત પહોચી નહી હોય પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય કે સી.આર.પાટીલે કેજરીવાલને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું.