ઉદ્યોગપતિ વસંત ગજેરાનો સેવાયજ્ઞ અનેક નિરાધાર ભુલકાંઓને શિક્ષિત અને સંસ્કારી નાગરિક બનાવશે.

Share this story

Industrialist Vasant Gajera’s service will make many destitute

  • વસંત ગજેરા માટે દરેક માસૂમ બાળક એક સપનું છે અને પ્રત્યેક બાળક માટે વસંત ગજેરા એટલે કે ‘દાદા’ તેમનું ર્સ્વસ્વ છે આવું કુદરતે નિર્મિત કર્યું હોય તો જ શક્ય બની શકે.
  • ગરીબ, નિરાધાર, આદિવાસી બાળકમાં પણ ડોક્ટર્સ, ઈજનેર, સાયન્ટિસ, સનદી અધિકારી બનવાની ક્ષમતા હોય છે, ગજેરા પરિવારની હૂંફ આવા બાળકોને આકાશની ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરે છે.
  • ગરીબ, નિરાધાર, ગંદી વસાહતો, આદિવાસી વિસ્તારમાંથી લવાતા બાળકોને વાત્સલ્યધામમાં આશ્રય, પ્રેમ, હૂંફ આપવાનો ગજેરા પરિવારનો સેવાયજ્ઞ એળે નહીં જાય.
  • વાત્સલ્યની પ્રેરણામૂર્તિ સમાન ગજેરા પરિવારનાં સ્વ.ચંપાબેને એક બાળક ગુમાવ્યાની વેદનામાંથી ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું; ચંપાબેનની સમાધી પણ વાત્સલ્યધામમાં આપવામાં આવી હતી.

વસંત ગજેરા (Vasant Gajra) સુરતના એક એવા ઉદ્યોગપતિ છે કે જેઓ જીંદગીની તમામ કસોટીઓમાંથી પાર ઉતર્યા છે. સ્વભાવે કઠોર, હાજર જવાબી અને સ્પષ્ટ વકતા ઉપરાંત અન્યાય સામે તત્કાળ બાંયો ચઢાવવાનો સ્વભાવ ધરાવતા વસંત ગજેરાએ સ્વભાવની વિરૂદ્ધ જઇને ઘણા સમાધાન પણ કર્યા છે. પરંતુ સંજોગોને લઇને કરેલા સમાધાનનો રંજ હંમેશા તેમના જીવનમાં ખટકતો રહે છે. વસંત ગજેરાને ઝૂંકાવવા તેમની સામે અવરોધ ઉભા કરવાના અનેક પ્રયાસો થયા પરંતુ ‌ઈશ્વરીય શક્તિ અને દૃઢ મનોબળને કારણે આકરી કસોટીમાંથી તેઓ હંમેશા હેમખેમ પાર ઉતરતા આવ્યા છે.

IMG_0876PHOTO-2022-12-18-20-47-49

કોણ જાણે પરંતુ વડવાઓનું પૂણ્ય કે ગજેરા પરિવારની ભક્તિ ગણો કે ભાગ્ય તેમના વિકાસનો ગ્રાફ ક્યારેય પણ નીચે આવ્યો નથી. બજારમાં તેજી હોય કે મંદી, ગજેરા પરિવારનો સૂર્ય હંમેશા મધ્યાહન તરફ સરકતો રહ્યો છે. આમ તો સૌરાષ્ટ્રના પ્રત્યેક ઉદ્યોગપતિઓનો ઇતિહાસ અનેક સાહસોથી ભરેલો છે, પરંતુ વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઇતિહાસ બધા કરતા થોડો જુદો અને ‘એકલવીર’ જેવો રહ્યો છે. પાંડવ પરિવાર જેવા ભાઈઓનો પરિવાર આજના યુગમાં પણ ‘અકબંધ’ છે. સૌથી મોટા ધીરૂ ગજેરા પરંતુ બીજા ક્રમનાં વસંત ગજેરાના નામથી આખો પરિવાર ઓળખાય છે અને હર્યાભર્યા પરિવારમાં વસંત ગજેરા એટલે કે ‘દાદા’નો નિર્ણય એ આખરી નિર્ણય માનવામાં આવે છે. વસંત ગજેરા લગભગ સર્વગુણ સંપન્ન છે એવું કહી શકાય. પરિવારના નાના બાળકો માટે એ ‘હેતાળ દાદા’ છે જ્યારે પરિવાર માટે નિર્ણય કરવાનો હોય ત્યારે અડીખમ અને કઠોર નિર્ણયકર્તા પણ છે.

ખેર, વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઈતિહાસ ખૂબ લાંબો અને અનેક ઘટનાઓથી ભરેલો છે પરંતુ ગજેરા પરિવારમાં સમાજ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વહેતી કરૂણાએ અનેક મુરજાતા બાળકોના જીવનમાં નવા જીવનના પ્રકાશ પૂંજ પ્રગટાવ્યા છે. ગજેરા પરિવાર દ્વારા સંચાલિત વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ૫૦ હજાર કરતા વધુ બાળકો નર્સરીથી શરૂ કરીને કોલેજમાં સાયન્સ અને એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવી રહ્યા છે. ગજેરા ટ્રસ્ટની એક પણ શિક્ષણ સંસ્થામાં વાલીઓ પાસેથી ‘ડોનેશન’ નામનો શબ્દ પણ ઉઘરાવવામાં આવતો નથી.

સૌરાષ્ટ્રમાં અમરેલીની સરકારી હોસ્પિ.નું સંચાલન પણ ગજેરા ટ્રસ્ટને સોંપી દેવાયું છે. મતલબ ગજેરા ટ્રસ્ટ હવે ગરીબોની તબીબી સેવા કરવા ઉપરાંત મેડિકલ કોલેજ પણ ચલાવે છે !

IMG_0875

આ બધાથી આગળ વધીને ગજેરા પરિવાર દ્વારા નિરાધાર, ગરીબ, મજબૂર બાળકો માટે ચલાવાતુ ‘વાત્સલ્યધામ’ ખરેખર અદભૂત છે. કદાચ આ ‘વાત્સલ્યધામ’માં રહેતા ભુલકાઓના મૂક આશીર્વાદ જ ગજેરા પરિવારના ઉપર ચઢતા ગ્રાફ પાછળનું કારણ હોઇ શકે. અહિંયા રહેતા અને અભ્યાસ કરતા એક એક ભુલકાઓના ચહેરા ઉપર રેલાતો આનંદ, સંતોષ અને ઘડીભર માટે બાળકને ગળે વળગાડી લેવાનું મન થઈ આવે એવું હાસ્ય ખરેખર અદભૂત છે. આ માસુમ ભુલકાઓના ચહેરા જોઇને આખી જિંદગીનો થાક ઉતરી જાય અને ઘડીભર માટે એમ થઈ આવે કે ખરેખર આજ જિંદગી છે.

સુરતથી ખૂબ જ નજીકના અંતરે કામરેજ નજીક પવિત્ર તાપીના કિનારે ઉભુ કરવામાં આવેલા વાત્સલ્યધામમાં પગ મુકતાની સાથે ખરેખર ‘વાત્સલ્ય’ની અનુભૂતિ થવા માંડે છે. આધુનિક છતાં સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેતા બાળકોના જીવનમાં બદલાવ લાવવા માટે અહીંનું નિરવ અને શાંત વાતાવરણ તેમજ સંચાલકોની ‘પ્રેમાળ હુંફ’ સમાજમાં સુસંસ્કારી અને શિ‌ક્ષત પેઢીનું નિર્માણ કરી રહી છે.

વેપાર, ઉદ્યોગમાં સતત રત રહેતા પરિવારને વળી શેરીમાં, ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે અનુકંપા શા માટે જાગે? આ એક મહત્ત્વનો સવાલ છે. કરોડોનો કારોબાર કરતી સંસ્થા આશ્રમ શાળાઓમાં દાન આપીને પોતાની સામાજિક જવાબદારી અદા કરી શકે છે અને અનેક સંસ્થાઓ કરોડોનું દાન પણ આપતી આવી છે પરંતુ ગરીબ, લાચાર, નિરાધાર અને ગંદકીમાં સબડતા બાળકોને પોતાની ગોદમાં બેસાડીને હેત વરસાવે, તેમના ભવિષ્ય માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરે, રોજેરોજ આવા બાળકોની કાળજી લેવામાં આવે એવું કદાચ ગજેરા પરિવારના ‘વાત્સલ્યધામ’માં જ બની શકે. અને બની રહ્યું છે. વસંત ગજેરા એટલે કે ‘દાદા’ને આપણે બાળકોને ગોદમાં લઇને બેઠેલા જોઇએ ત્યારે દુનિયાના ધનિક માણસને પણ વસંત ગજેરાના સુખની ઈર્ષા થઈ આવે !

IMG_0878

આમ તો ‘વાત્સલ્યધામ’ના નિર્માણ પાછળ એક વેદના ધરબાયેલી છે અને આ વેદનાએ જ ‘વાત્સલ્યધામ’ને જન્મ આપ્યો હતો. ઘણા ઓછા લોકોને બલ્કે ગજેરા પરિવાર સાથે રોજીંદો વહેવાર રાખતા લોકોને પણ ખબર નહીં હોય કે વાત્સલ્યધામનું નિર્માણ કઇ રીતે થયું ?

કોઈપણ પરિણિત મહિલા માટે માતા બનવાનું એક સપનું હોય છે. સ્ત્રી માતા બને ત્યારે દુનિયાના સર્વોચ્ચ આનંદની અનુભૂતિ કરે છે. કારણ તેણી એક નવજીવનને જન્મ આપે છે. આવું જ કંઈક ગજેરા પરિવારમાં બનવા પામ્યું હતું. ખરેખર તો કેટલીક વાતો જાહેર કરવી જોઈએ નહીં પરંતુ જ્યારે એક પ્રેમથી છલકાતા ‘વાત્સલ્યધામ’ની વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલીક દુઃખદ ઘટનાઓમાંથી થયેલા નવસર્જનની વાત દુખદ છતાં આનંદ પમાડનારી બની રહે છે. વસંત ગજેરાના ધર્મપત્ની ચંપાબેનની એક નવજાત બાળકને ગુમાવ્યાની વેદનામાંથી આખા ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું હતું અને સ્વ. ચંપાબેનને વસંત ગજેરા આપેલું વચન આજે સેંકડો બાળકોને સુસંસ્કારી અને શિ‌ક્ષત બનાવવા સાથે પ્રેમાળ આશ્રય આપી રહ્યું છે.

સ્વ. ચંપાબેનનું સમગ્ર જીવન વાત્સલ્ય મૂર્તિ જેવું હતું. છ ભાઈઓના પરિવારનું ચંપાબેન એકલા હાથે સંચાલન કરતા હતા. સૌથી મોટા ધીરૂભાઈ અને ત્યાર પછી વસંત ગજેરા સિવાય બાકીના ભાઈઓ કુંવારા હતા અને આ બધાની કાળજી લેવાની વાત સાવ સામાન્ય નહોતી. પરંતુ જે લોકોએ ગજેરા પરિવારના પાંચ દાયકા પહેલાના જીવનને જોયું હશે તેમને આજે પણ ગજેરા પરિવારનું જીવન ‘માઇલ સ્ટોન’ જેવું લાગશે. દુનિયા બદલાઈ, રીત, રીવાજ બદલાયા પરંતુ ગજેરા પરિવારની એકતા અને સંસ્કારીતાને ઊની આંચ પણ આવી નથી.

IMG_0872

ખેર, વાત્સલ્યધામમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. ગુજરાતના ખૂંણે ખૂંણાના બાળકો વાત્સલ્યધામમાં આશ્રય મેળવવા સાથે અભ્યાસ કરી રહ્યાં છે. અહિંયા નર્સરીથી હાઇસ્કૂલ એટલે કે ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ બોર્ડનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એકપણ બાળકને ‘વાત્સલ્યધામ’ છોડવું ગમતું નથી. ગુજરાતના છેવાડાના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, કપરાડા, ધરમપુર, વ્યારા, બારડોલી, સેલવાસ, સૌરાષ્ટ્રના ગીરકાંઠાના ઊના, અમરેલી, લાઠી સહિત રાજ્યભરના લગભગ દરેક પ્રાંતમાંથી નિઃસહાય ભુલકાઓ અહિંયા આશ્રય લેવા સાથે આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’માં હાલમાં લગભગ ૮૦૦ જેટલા માસુમ ભુલકાઓ નિવાસ કરી રહ્યા છે. આ એવા ભુલકાઓ છે કે જેમની સાથે કુદરતે ક્યાંકને ક્યાંક અન્યાય કર્યો છે પરંતુ કુદરતે બીજી તરફ વસંત ગજેરા જેવા ઉદ્યોગપતિમાં અનુકંપા પ્રગટ કરીને ‘વાત્સલ્યધામ’નું નિર્માણ પણ કરાવ્યું છે. અહિંયા રહેતા અને ભણતા પ્રત્યેક બાળકોમાં સંસ્કારીતા અને બુદ્ધિ કૌશલ્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે. માસુમ વયની બાળકી તમને જ્યારે બે હાથ જોડીને ‘નમસ્તે’ કરે ત્યારે તેમના ચહેરા ઉપરની માસુમિયત ખરેખર મુલાકાતીઓની આંખો અનુકંપાથી ભરી દે છે અને ઘડીભર માટે દુનિયાના બધા સુખ ભુલાઈ જાય છે. આવા અનેક બાળકો વસંત ગજેરા અને ગજેરા પરિવારના ખોળામાં નિરાંતના વિશ્વાસ સાથે ઉછરી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’નું એક પણ બાળક એવું નથી માનતું કે તેઓ નિરાધાર છે. ‘વસંત દાદા’ આવા બાળકોની ‘માં’ પણ છે અને આધાર પણ છે.

વાત્સલ્યધામના પ્રેરણા બિંદુ સ્વ. ચંપાબેનની સમાધી પણ ‘વાત્સલ્યધામ’ના આંગણામાં આપવામાં આવી છે. જાણે ચંપાબેન સાક્ષાત બનીને માસુમ ભુલકાઓનું રક્ષણ કરી રહ્યા છે.

‘વાત્સલ્યધામ’ એક પવિત્ર ગંગા જેવું છે, અહિની મુલાકાત અને માસુમ ભુલકાઓ સાથેની કાલીઘેલી છતા સંસ્કારીતાથી ભરેલી વાતો સાંભળ્યા બાદ પ્રત્યેક મુલાકાતીને ‘વાત્સલ્યધામ’ છોડવાનું મન થતું નથી. સવારનો સુર્ય માસુમ ભુલકાઓના જીવનમાં રોજે રોજ નવો ઉજાસ પાથરે છે. જ્યારે રોજે રોજની સાંજ માસુમ ભુલકાઓને નિરાંતની ઊંઘ સાથે અનેક સપનાઓથી ભરી દે છે.

આ પણ વાંચો :-