ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત માટે વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને ‘યશ’ આપીને નવા વમળો પેદાં કર્યાં

Share this story
  • ચૂંટણી સમયે સી.આર. પાટીલનાં નેતૃત્ત્વ અંગે ભાજપમાં અંદર અને બહાર અનેક અનુમાન ફરતા થયા હતા. પરંતુ મોદીએ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડના અનુમાનોનાં પરપોટા ફોડી નાંખ્યા.
  • પ્રદેશ અધ્યક્ષ તરીકેની સી.આર. પાટીલની કામગીરી અકળાવનારી રહી છે અને તેમના વિશ્વાસપાત્ર લોકોનું વર્તુળ નાનું પણ થઈ ગયું છે, પરંતુ તેમની ભાજપને વધુ મજબૂત બનાવવાની કામગીરીનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
  • વિધાનસભાની નવ પેટા ચૂંટણી, છ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો આ તમામ ચૂંટણીઓનું સી.આર. પાટીલે જાતે નેતૃત્ત્વ કરીને ભાજપને ઝળહળતો વિજય અપાવવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો.
  • વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લીધી હતી અને ઐતિહાસિક વિજય પણ હાંસલ કર્યો. પરંતુ સી.આર. પાટીલનો પહેલેથી જ ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક હતો જ.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી દરમિયાન અનેક ‘પરચા’ જોવા મળ્યા લોકો અને રાજકીય પંડીતો એવું માનતા હતા કે આ વખત ભાજપને બહુમતિ મેળવતા હાંફી જવાશે. કેટલાકે તો ‘હંગ’ વિધાનસભાની આગાહી કરી હતી પરંતુ ભાજપના ચાણકય અમિત શાહ (Amit Shah) અને વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) તમામના રાજકીય ગણિતો ખોટા પાડીને ૧૫૬ બેઠકો કબજે કરીને દુનિયાભરના રાજકીય નિષ્ણાંતોની આંખો પહોળી કરી દીધી હતી. હજુ પણ ઘણા લોકોના દિમાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત બેસતું નહીં હોય, સ્વાભાવિક છે કે પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપના ‘ગ્રાફ’માં સતત ઘટાડો થયો છે અને આ વખતે પણ બેઠકો ઘટવાનો ચોક્કસ અંદાજ હતો પરંતુ વડાપ્રધાન મોદી અને ચાણકય અમિત શાહે કરેલી કરામતને પગલે લોકો ગણતા રહ્યા અને ભાજપે ૧૫૬ બેઠકો ઉપર કબજો જમાવી દીધો !

ખરેખર તો ભાજપની જીત પાછળના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જ સત્ય જાણી શકાય પરંતુ પરિણામોનો આઘાત થોડા દિવસોમાં ભુલાઈ જશે. આ તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારે વિધિવત કામકાજ શરૂ કરી દીધું છે. ગાંધીનગરના સચિવાલયમાં મોડીરાત સુધી દિવાબત્તી સળગતા થઈ ગયા છે.

વળી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પણ વડાપ્રધાને મોદીએ પ્રારંભ કરાવ્યો હોવાથી આગામી એક માસ સુધી અમદાવાદ દેશ, વિદેશના લાખો શ્રદ્ધાળુઓથી ઉભરાતુ રહેશે. અમદાવાદને જોડતા માર્ગો ઉપર વાહનોની હારમાળા શરૂ થઈ ગઈ છે. ટ્રેન અને વિમાનનું બુકિંગ મળવાનું બંધ થઈ ગયું છે. અને મહોત્સવ એક માસ એટલે કે ૧૫મી જાન્યુઆરી સુધી ચાલનાર હોવાથી થોડા દિવસોમાં ગુજરાતની ચૂંટણીની ગડમથલ ભુલાઈ જશે.

ખેર, આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાતમાં ભાજપના અતિ ભવ્ય અને ઐતિહાસિક વિજય માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને હકદાર ગણાવીને ભાજપમાં આશ્ચર્ય રેલાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ભરપેટ સરાહના કરી હતી. સી.આર. પાટીલની પેજ પ્રમુખથી શરૂ કરીને ભાજપને ભવ્ય જીત અપાવવાની વ્યુહ રચનાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થઈ ગયા હતા તથા સી.આર. પાટીલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પીઠ થપથપાવી હતી. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક લોકોને આંચકો લાગ્યો હશે પરંતુ વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલની કાર્યક્ષમતા માટે પ્રમાણપત્ર આપી દીધું હોવાથી ચર્ચા કરવાને કોઇ જ અવકાશ નહોતો.

આમ તો સી.આર. પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષપદે નિમણૂંક કરવામાં આવી તે દિવસથી જ ભાજપની છાવણીમાં ગમો, અણગમો અને નાફરમા અને નારાજગી જેવી ઘટનાઓ આકાર પામી રહી હતી. સૌ પ્રથમ તો તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમને સી.આર. પાટીલ સામે વાંધો પડ્યો હતો. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી હતી. બીજી તરફ ભાજપમાં આંતરિક દાવાનળ ભડકે બળતો હતો આ સમયે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ રાતો રાત આખી સરકાર બદલી નાંખી હતી અને ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારની રચના કરી હતી. રાતોરાત સરકાર બદલવાનો નિર્ણય આસાન નહોતો પરંતુ વડાપ્રધાન મોદી પક્ષમાં ‘અશિસ્ત’ને કોઇ કાળે સાંખી લેવા માંગતા નહોતા. માત્રને માત્ર ગેરશિસ્તને ડામવા માટે સરકાર બદલી નાંખવાનો નિર્ણય કરાયો હશે એવું ચોક્કસ માની શકાય. મોદી માટે સી.આર. પાટીલ કરતા પક્ષની શિસ્ત વધુ મહત્વની હતી. વળી સી.આર. પાટીલની નિમણૂંક કેન્દ્રીય નેતાગીરીએ કરી હોવાથી કોઇનો પણ વિરોધ કઇ રીતે સાંખી શકાય આમ પણ નરેન્દ્ર મોદીનો આખો રાજકીય ઈતિહાસ જોવામાં આવે તો તેઓ ક્યારેય પણ કોઇના તાબે થયા નથી.

ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત અને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્વે ભાજપમાં ઘણા આંતરિક વિવાદ ચાલ્યા હતા. આ બધાની વચ્ચે આશ્ચર્યજનક રીતે સી.આર. પાટીલના અધ્યક્ષપદ ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી અને નજર સામેની ઘટનાઓ જોતા આ ચર્ચાને માનવા માટે પણ કારણો મળતા હતા.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વખતે લગભગ સમગ્ર નેતૃત્વ અમિત શાહે હાથમાં લઇ લીધું હતું. બલ્કે એમ કહી શકાય કે સમગ્ર ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી અને અમિત શાહે હાથમાં લઈ લીધો હતો. આ તરફ સી.આર. પાટીલની હાજરી જાહેરસભાઓમાં મર્યાદિત થઈ જવાથી લોકોએ એક વાત સ્વીકારી લીધી હતી કે હવે સી.આર. પાટીલ અધ્યક્ષપદે લાંબો સમય રહેશે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટરી બોર્ડમાં ગુજરાતની ચૂંટણીના ભવ્ય પરિણામો માટેનો ‘યશ’ સી.આર. પાટીલને આપીને ઘણા બધા સમીકરણો ખોટા પાડ્યા હતા. એક વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદી સામાન્ય સંજોગોમાં કોઇના વખાણ કરે એવા નથી. કોઇ વ્યક્તિ માટે તેઓ એક એક શબ્દ તોળી તોળીને બોલતા હોય છે. મતલબ કે સી.આર. પાટીલની પીઠ થપથપાવીને નરેન્દ્ર મોદીએ સી.આર. પાટીલના નેતૃત્વને નવી ઉચાઇ આપી હતી.

અલબત સી.આર.પાટીલની મોદી પ્રત્યેની વફાદારીની સામે શંકા કરી શકાય તેવો એક પણ દાખલો આપી શકાય તેમ નથી. સી.આર. પાટીલે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો સ્વીકાર કર્યા પછીના વિતેલા વર્ષો દરમિયાન પક્ષમાં કે સરકારમાં સ્થાન મળ્યું હોય કે ના મળ્યું હોય તો પણ કદાપી નારાજગી કે બળવો કરવાનું વિચાર્યું પણ નહીં હોય. ગત ૨૦૦૭ની અત્યંત રસાકસી ભરી ચૂંટણી વખતે પણ તેઓ અડીખમ બનીને નરેન્દ્ર મોદીની પડખે ઊભા રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે પણ આખી બાગડોર સી.આર.પાટીલે સંભાળી હતી. વડાપ્રધાન મોદીનો પડછાયો બનીને રહેવા છતા તેમણે મંત્રીપદ કે પક્ષમાં કોઇ ચાવીરૂપ હોદ્દાની માંગણી કરી નહોતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ તેમને અચાનક બનાવી દેવાયા હતા.

એટલું ચોક્કસ કહી શકાય કે સી.આર. પાટીલની કાર્ય પદ્ધતિ લોકોને અનુકુળ આવે તેવી નથી. પહેલા તો એ કોઇની પુરી વાત ધ્યાનથી સાંભળતા નથી અને રજુઆતો સાંભળે તો પણ ‘ડાયરા’ કરીને સાંભળતા હોવાથી અનેક લોકો પોતાની વાત અસરકારક રજૂ કરી શકતા નથી. પરિણામે રજુઆતકર્તાને વ્યાજબી ન્યાય મળતો નથી.
ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા પછી ભાજપે એક પણ બેઠક ગુમાવી નથી. કોરોના જેવી ભયાનક મહામારી અને સરકાર સામે લોકોની નારાજગી છતાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ૧૦૦ ટકા જીત અપાવી હતી. વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી, છ મહાનગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપની તમામ બેઠકો જાળવી રાખવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો. અને ભાજપના સફળ સુકાની પુરવાર થયા હતા.

આટલી ઝળહળતી સફળતા પછી સી.આર. પાટીલની અવગણના કરવાનું કઈ રીતે શકય બની શકે. અલબત પક્ષમાં થોડા ઘણા લોકોને સી.આર. પાટીલ સામે નારાજગી હશે જ પરંતુ રાજકીય જીવનમાં આવા વાંધા લઇને ચાલનારા ક્યારેય પણ સફળ પુરવાર થતા નથી.

અત્રે એક વાતની ચોક્કસ નોંધ લઇ શકાય કે ૧૯૮૯માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ સી.આર. પાટીલને ભાજપનો ભગવો ખેસ પહેરાવ્યો હતો. વિતેલા દાયકાઓ દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા. ભાજપે વિપક્ષની પણ લાંબી ભૂમિકા ભજવી તેમ છતાં સી.આર.પાટીલે પક્ષ બદલવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. આજ પર્યંત તેમણે ભાજપ અને ભાજપના નેતૃત્વ પ્રત્યેની વફાદારી અનિમેષ જાળવી રાખી છે.

સુરત શહેર ભાજપ અને સી.આર. પાટીલના નજીકના મિત્ર વર્તુળોમાં તેમની સામે નારાજગી પહેલા પણ હતી અને હાલમાં પણ છે. પરંતુ પહેલા ફરક એટલો હતો કે તેઓ વિરોધી વિચારધારાના મિત્રો સાથે પણ બેસી શકતા હતા. તેમની વાત સાંભળી શકતા હતા પરંતુ આજે એવું રહ્યું નથી કારણ કે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક ઉદયમાં ઘણા નજીકના લોકોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. આ સહયોગની અવગણના કરવાનું પગલું સી.આર. પાટીલના નેતૃત્વને વામન બનાવી રહ્યું છે. કાશ, સી.આર.પાટીલ સ્વભાવમાં થોડું પરિવર્તન લાવી શકશે તો માત્ર રાજકીય જ નહીં સામાજિક સહિત સર્વાંગી ક્ષેત્રે તેમની પ્રતિષ્‍ઠાની ઊંચાઈ આકાશને આંબતી હશે.

વડાપ્રધાન મોદીએ બરાબર અણીના સમયે જ સી.આર.પાટીલને ચૂંટણીના વિજયનો ‘યશ’ આપીને તેમના રાજકીય કદમાં વધારો કર્યો છે. સી.આર. પાટીલ પાસે હજુ લાંબો ભવિષ્યકાળ છે. અને નજીકના વર્ષોમાં ભાજપનો સુર્ય હજુ મધ્યાહન તરફ ગ‌િત કરી રહ્યો હોવાથી સી.આર. પાટીલને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળવવાની અનેક તકો હાથમાં છે.

આ પણ વાંચો :-