Home Blog Page 814

સુરતમાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા શરૂ, પુષ્પો આપીને પરીક્ષાર્થીના કરાયા સ્વાગત

ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે.જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ ૫૮૯ પરીક્ષા કેન્દ્રો પરથી ૧.૬૦ લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જ્યાં વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા. પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર અતિ ઉત્સાહ અને સ્મિત છલકાય આવી હતી. હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલા આદેશોના પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીથી લઈ શરબત અને ORS સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જ્યારે દરેક શાળામાં એક આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે.

ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ ને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  રાજ્યભરમાં આજે ધો.૧૦ના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર ૯,૧૧,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે ધો. ૧૨ માં ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૬૧૦ શાળાઓમાં કુલ ૧,૭૯,૧૮૨ વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા યોજાશે તેમજ સાબરમતી જેલમાં ધો. ૧૦ના ૨૭ અને ધો. ૧૨ ના ૨૮ કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસ. ટી વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં જે પરીક્ષા સ્થળ પર બસની સંખ્યા ઓછી છે. ત્યાં વધુ બસ મૂકવાનો નિર્ણય કરાયો છે. તેમજ જે નવા પરીક્ષા સ્થળ છે. ત્યાં અલગથી બસ મૂકવા માટેની વ્યવસ્થા કરાઇ છે. તેમજ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં ૮ કરોડની લૂંટ કેસમાં મોટો ખુલાસો, આ રીતે ગુમાવ્યા રૂપિયા!

સુરત પોલીસે શહેરમાં થયેલી ૮ કરોડ રૂપિયાની લૂંટના કેસમાં ગજબનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં જે શખ્સ દ્વારા કરોડો લૂંટાયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેણે જ તરકટ રચ્યાની વિગતો સામે આવી છે. શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળીયા જ હતાં.

આ કેસમાં પંદર દિવસ પહેલાં તા. ૨૭મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી ૮ કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો.

દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને કહ્યું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું.

નરેન્દ્ર દૂધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા ૨૨ વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની ૫ વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ – દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર જ સાચવતો હતો. તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી. કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દૂધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટની મદદથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તેમાં તેણે ૫ કરોડનું નુકસાન કર્યું હતું.

અલબત્ત, પોલીસ તપાસને અંતે ઝડપાયેલા નરેન્દ્ર દુધાત પોપટની જેમ પોતાના કાળા કરતુત બોલવા લાગ્યો હતો. કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસ દ્વારા આ રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરી છે.

આ.રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રેડ & વ્હાઇટ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને CPR તાલીમ અપાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે વરાછા સ્થિત કે.સી.કોઠારી સ્કૂલ કેમ્પસમાં સુરત સિવિલ હોસ્પિટલ ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો. પારુલ વડગામાની પ્રેરક ઉપસ્થિતિમાં રેડ & વ્હાઇટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને સીપીઆર તાલીમ અપાઈ હતી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલાના માર્ગદર્શન હેઠળ ‘ફેમિલી ફિજિશિયન એસોસીએશન સુરત’, માનવ સંસ્થા દ્વારા સમગ્ર તાલીમ તેમજ ઇમરજન્સી પરિસ્થિતિના ભાગરૂપે અપાતી સારવાર દરમિયાનની સમજ કેળવવામાં આવી હતી.

આ પ્રસંગે ડો. વડાગામાએ જણાવ્યું હતું કે, બાળકોને ઉપયોગી બની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખરા અર્થમાં ઉજવણીનો ભાગ બનવાનો અવસર મળ્યો છે. સીપીઆર એ એક તકનિક છે જે શ્વાસ લેવાનું અને લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય તેવા કિસ્સામાં વ્યક્તિના શરીરના મહત્વપૂર્ણ કાર્યો કરવામાં મદદ કરે છે. આ ટૂંકા ગાળાના પગલાં જીવન બચાવવા અને તબીબી સારવાર મળે તે પહેલાં દર્દીની સ્થિતિ સ્થિર કરવા માટે નિર્ણાયક બની શકે છે. સીપીઆરની માત્ર તાલીમ મેળવવી જરૂરી નથી, પરંતુ ઇમરજન્સીના સમયે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ જ આ તાલીમને સાકાર કરશે.

નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાના માર્ગદર્શનમાં તાલીમ તેમજ ઇમરજન્સી સારવારની સમજ અપાઈ હતી. ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, તાલીમ મેળવ્યા બાદ અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સમાજમાં ભૂમિકા મહત્વપૂર્ણ બની જશે. આકસ્મિક સ્થિતિમાં સી.પી.આર. તાલીમ ઉપયોગી સાબિત થશે. તાલીમનું મહત્વ સમજાવી ભવિષ્યમાં લોકોને મદદરૂપ થવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો :-

૨,૦૦૦ કરોડના ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં તમિલ ફિલ્મ નિર્માતાની ધરપકડ

NCBએ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરની તપાસના સંબંધમાં તમિલનાડુ સ્થિત કથિત માદક દ્રવ્યોના વેપારી જાફર સાદિકની ધરપકડ કરી છે. ૨૦૦૦ કરોડના ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા રેકેટમાં લાંબી શોધખોળ બાદ જાફર ઝડપાયો છે. તામિલ ફિલ્મ નિર્માતા સાદિકને તાજેતરમાં શાસક ડીએમકે દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તે DMKની NRI વિંગના ચેન્નઈ પશ્ચિમ ડેપ્યુટી ઓર્ગેનાઈઝર હતો.

અધિકારીઓએ શ્રીલંકામાં દાણચોરી કરીને ભારત લાવવામાં આવેલા ૧૮૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યાના એક સપ્તાહ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાદિક એક કાર્ટેલ ચલાવતો હતો જે ભારતમાંથી ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સ્યુડોફેડ્રિન મોકલતો હતો. આ કેસમાં બે અઠવાડિયા પહેલા દિલ્હીના એક વેરહાઉસમાંથી તમિલનાડુના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા ત્રણ લોકોની દિલ્હીમાં ૫૦ કિલો સ્યુડોફેડ્રિન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગનું નેટવર્ક ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સુધી વિસ્તરેલું છે. હેલ્થ મિકસ પાવડર, સૂકા નાળિયેર જેવી ખાદ્ય ચીજોની આડમાં હવાઈ અને દરિયાઈ કાર્ગોના માધ્યમથી ડ્રગ્સનું સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટે NCB ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન પ્રસાશન સાથે મળીને તપાસ કરી રહી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડના કસ્ટમ અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયન પોલીસ પાસેથી માહિતી મળી હતી કે સૂકા નારિયેળના પાવડરમાં સંતાડીને સ્યુડોફેડ્રિન ડ્રગ્સનો મોટો જથ્થો બંને દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જાફરને ડીએમકે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા જાફર સાદિક પર ડ્રગ્સની દાણચોરીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના પર આરોપ છે તે ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કના માસ્ટરમાઇન્ડ છે.

આ પણ વાંચો :-

ભારતે ઈંગ્લેન્ડને હરાવીને (૪-૧)થી સિરીઝ જીતી લીધી

0

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ઈંગ્લિશ બોલરોની ધોલાઇ કરી  હતી. પાંચમી ટેસ્ટમાં અંગ્રેજોને ઈનિંગ અને ૬૪ રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગમાં ૨૫૯ રનોથી પાછળ થયા બાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ૧૯૫ રનો પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ૪-૧ થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. તેમણે ૮૪ રન બનાવ્યા. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.

ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૪૭૭ રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે અડધી સદી નોંધાવી હતી. દેવદત્ત પડિકલે પણ ૬૫ રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત બનાવી હકતી. સરફરાઝ ખાને ૫૬ રન અને કુલદીપ યાદવે ૩૦ તથા બુમરાહે ૨૦ રન નોંધાવ્યા હતા.

ઈંગ્લેન્ડની ટીમે ધર્મશાળામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ઈંગ્લીશ ટીમ ૨૧૮ રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ધમાલ મચાવી હતી. અશ્વિને પ્રથમ દાવમાં ૪ અને કુલદીપે ૫ વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ઓપનર ઝાક ક્રાઉલીએ પ્રથમ દાવમાં અડધી સદી નોંધાવી હતી.

આ પણ વાંચો :-

પાંચ કોર્પોરેટરોએ ભગવો ધારણ કરતાં ઉમરગામ પાલિકામાં કોંગ્રેસ નામશેષ

0

ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાં બચેલા અંતિમ કાર્યકર્તા ગણાતા સક્રિય કોર્પોરેટરોમાં દિલસેર ચૌહાણ વોર્ડ નં.૬, સુરેશ યાદવ વોર્ડ નં.૬, પ્રભાસિંગ વોર્ડ નં.૬, સુભદ્રા મોરિયા વોર્ડ નં.૬, નયના દુબળા ( હળપતિ )વોર્ડ નં.૩ના કોર્પોરેટરો ભાજપના એક લોકાર્પણ અને ખાતમુરતના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉમરગામ શહેરમાં કોંગ્રેસ પક્ષની નબળી કામગીરી અને નારાજગી રહેતા તમામે તમામ પાંચ કોર્પોરેટરો ભાજપના વિકાસને અંબાઈને પોતાના વિસ્તારોમાં વણથમ્યો વિકાસ થાય એવી આશાએ ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશેર ચૌહાણ, છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. તે સાથે અન્ય ત્રણ મહિલા કોર્પોરેટરો ત્રણ ચાર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા. કોંગ્રેસ સાથેનો છેડો ફાડી, કાયમી નાતો તોડી શનિવારના રોજ ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમના પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો,ઉમરગામ તાલુકા ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાઈ કારોબારી સમિતિના અધ્યક્ષ અંકુશ કામલી સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે તમામે તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગાવોનો કેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડવામાં આવતા કોંગ્રેસના તળે ધરતી હલવા સમાન ઘટના બની પામતા ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બન્યું હોવાનું સાબિત થયું છે.

આ પણ વાંચો :-

કેનેડામાં આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાનો વીડિયો સામે આવ્યો

ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કથિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી તેની પીકઅપ ટ્રકમાં બહાર નીકળ્યો અને પીકઅપ ટ્રક પરિસરની બહાર નીકળતા જ એક સેડાન કાર અચાનક તેની સામે આવીને ઉભી રહી ગઈ. જેમાંથી બે લોકોએ બહાર આવીને હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કર્યું હતું. આ હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના રાષ્ટ્રપતિ ટ્રુડોએ કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો જો કે ભારતે તેનું ખંડન કર્યું હતું

નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં ૨૦૨૩ની જૂનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર કથિત હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી અને આ મામલો બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બની ગયો હતો

કેનેડાના વડા પ્રધાનના આરોપોને કારણે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડાના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નિજ્જરની હત્યા અંગે કેનેડા દ્વારા હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

આ પણ વાંચો :-

દિલ્હીમાં રોડ પર નમાજ પઢતા લોકોને લાત મારનાર સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

0

દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં રોડ પર શુક્રવારે નમાઝ પઢનારા નમાઝીઓને લાત મારનારા સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દિલ્હીમાં રોડ પર નમાઝ અદા કરી રહેલા નમાઝીઓને પોલીસકર્મી લાત મારી રહ્યો છે.

આ મામલે વિવાદ વધી જતાં પોલીસે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યાર બાદ આરોપી સબ- ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મુસ્લિમ સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સબ-ઇન્સ્પેક્ટરની ગેરવર્તણૂક પછી ઘણા લોકો ત્યાં ભેગા થાય છે અને તેની સાથે દલીલ કરે છે. ઘણા લોકોએ પોલીસકર્મીનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાઈ રહ્યો છે કે – ‘આ પોલીસકર્મી નમાઝ કરી રહેલા લોકોને લાત મારી રહ્યો છે.

આ પહેલા ડીસીપી મીણાએ પ્રદર્શનકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનો ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યારે, દિલ્હી કોંગ્રેસે આ શરમજનક ગણાવતા કહ્યું કે, દિલ્હી પોલીસના જવાનો નમાઝ અદા કરી રહેલા વ્યક્તિઓને હટાવી રહ્યા છે અને લાત મારી રહ્યા છે. તેનાથી વધુ શરમજનક વાત બીજી શું હોય શકે છે.

પોલીસકર્મીની અભદ્રતા પર લોકોએ હંગામો મચાવ્યો જે બાદ સાથે રહેલા જવાનો ત્યાંથી નાસી છૂટયા હતા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકો ઈન્દ્રલોક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો મચાવ્યો. મામલાની ગંભીરતા જોઈને પોલીસ અધિકારીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લોકોને શાંત પાડવા લાગ્યા. તેમજ આરોપી પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, ૫ મજૂરો ઈજાગ્રસ્ત

0

મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક નિર્માણાધીન મેડિકલ કોલેજની ઈમારતનો સ્લેબ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ કર્મચારી ઘાયલ થયાની માહિતી મળી રહી છે. ત્યારે અચાનક આ નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઇ ગયો હતો. તો બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મોરબીના ફાયર ઓફિસર દેવેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશન પર રાત્રે ૮:૧૦ વાગ્યે કોલ આવ્યો હતો, મેડિકલ કોલેજનો એક બાજુનો સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી કોલ પર આપવામાં આવી હતી. અમથી ટીમે ઘટના સ્થળે પહોચીને ચાર બડકો ને બચાવી લીધા હતા. એક વ્યક્તિ હજુ પણ ફસાયેલો હતો. નવી ઇમારતના બાંધકામ દરમિયાન ધાબું ભરતી વખતે જ આ ઘટના બની હોવાના દાવા થઇ રહ્યા છે. કોલેજના અધિકારીઓ સહિત પોલીસ ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૫ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક મજૂર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો જેને બચાવવા માટે ઓપરેશન ચલાવાયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે કહ્યું કે મોરબીમાં એક સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન સ્લેબ તૂટી પડ્યું હતું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. અમે સરકારને આગ્રહ કરીશું કે જે પણ તેના માટે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ

0

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા વલ્લભ ભવન રાજ્ય સચિવાલયમાં આજે એક વિશાળ આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકાર માટે આ ઇમારત ઘણી મહત્વપૂર્ણ ગણાય છે. આગને કારણે સરકારી દસ્તાવેજો પણ બળીને રાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. થોડી જ વારમાં જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચવા લાગી હતી. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ પછી તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પાંચ અને છ નંબરના ગેટની સામે સફાઈ કરતા કર્મચારીઓએ બિલ્ડીંગમાં ધુમાડો નીકળતો જોયો હતો. જે બાદ મંત્રાલયના સુરક્ષા અધિકારી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ચાર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે, તેમને કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ બળી ન જાય તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. આગ પર કાબૂ મેળવવાની સાથે ઘટનાના કારણની માહિતી મેળવવી જોઈએ. તેમણે કહ્યું કે, કલેક્ટરે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો :-