મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ

Share this story

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા વલ્લભ ભવન રાજ્ય સચિવાલયમાં આજે એક વિશાળ આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકાર માટે આ ઇમારત ઘણી મહત્વપૂર્ણ ગણાય છે. આગને કારણે સરકારી દસ્તાવેજો પણ બળીને રાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. થોડી જ વારમાં જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચવા લાગી હતી. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ પછી તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પાંચ અને છ નંબરના ગેટની સામે સફાઈ કરતા કર્મચારીઓએ બિલ્ડીંગમાં ધુમાડો નીકળતો જોયો હતો. જે બાદ મંત્રાલયના સુરક્ષા અધિકારી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ચાર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે, તેમને કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ બળી ન જાય તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. આગ પર કાબૂ મેળવવાની સાથે ઘટનાના કારણની માહિતી મેળવવી જોઈએ. તેમણે કહ્યું કે, કલેક્ટરે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો :-