Home Blog Page 1006

જો તમારે એસ.ટીમાં લેપટોપ વાપરવું હોય તો ટિકિટ લેવી પડશે, મહિલા કંડક્ટરે પરાણે લેવડાવી ટિકિટ

0
  • એસ.ટી બસમાં મુસાફરી કરતા એક મુસાફરને કડવો અનુભવ ત્યારે થયો જ્યારે બસના મહિલા કંડક્ટરે તેમને લેપટોપની ટિકિટ લેવા માટે કહ્યું.

આ વાત વાંચીને તમને નવાઈ લાગશે પરંતુ ગુજરાત એસ.ટીની બસમાં એક પેસેન્જર સાથે આવી ઘટના હકીકતમાં બની છે અને તેણે લેપટોપ માટે રીત સર પૈસા ચૂકવીને ટિકિટ લીધી છે.

હકીકતમાં મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે ભાવિન પરમાર નામનો યુવક તેના મિત્ર સાથે એસ.ટી બસમાં બેસીને અમદાવાદ જતો હતો. દરમિયાન તેને કંઈક કામ હોવાથી બસમાં લેપટોપ ખોલ્યું હતું અને કામ કરી રહ્યો હતો. એટલેમાં મહિલા કન્ડક્ટર આવ્યા લેપટોપ બંધ કરવાનું કહ્યું પરંતુ કામ ચાલતું હોવાથી ભાવિને લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું હતું.

હું શનિવારે બેંકની પરિક્ષા આપવા માટે એસ.ટી બસમાં મોડાસાથી અમદાવાદ જતો હતો. રસ્તામાં મારા મિત્રનો ફોન આવતા હું લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યો હતો. ત્યારે કંડક્ટર આવ્યા અને કહ્યું તમારે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો ટિકિટ લેવી પડશે.

આથી મેં કહ્યું, આવો કોઈ નિયમ કે પરિપત્ર હોય તો બતાવો. તો મેડમ અસભ્ય વર્તન કરવા લાગ્યા. લગેજની ટિકિટમાં ૮૮ રૂપિયા લીધી. હું અને મારા મિત્ર હતા એની પાસે પણ લેપટોપ હતું અને બંને જોડેથી ટિકિટના પૈસા લીધા.

મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમારે આ બાબતે સોશિયલ મીડિયાના ફેસબુકમાં ટિકિટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજર એચ.આર પટેલે શરત ચૂકથી ટીકીટ અપાઈ ગઈ હોવાનું માલુમ પડતા ટિકિટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

શહીદ થયેલા અમદાવાદના જવાનને પ્રેગ્નેટ પત્નીની અંતિમ સલામી, તમારી આંખો ભીની થઈ જશે

0
  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના બાપુનગર ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ વીરગતિ પામ્યા હતા. હવાઈ માર્ગથી શહીદનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો હતો. ત્યારે રવિવારે તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને લઈ જવાયો હતો અને બાદમાં લીલાનગર સ્મશાન ગૃહ લવાયો હતો.

શહીદ જવાન મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને ઘરે લવાતા તેમના પ્રેગ્નેટ પત્નીને હોસ્પિટલથી ઘરે લવાયા હતા. જ્યાં તેમણે રડતી આંખે પણ પતિને અંતિમ સલામી આપી હતી. જોકે આ સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતા, જે કોઈની પણ આંખો ભીની કરી નાખે. મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે અને મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત ભરાયું હતું અને આગામી થોડા દિવસોમાં જ તેમના ઘરે પારણું બંધાવાનું છે. જોકે સંતાનનું મોઢું જોતા પહેલા જ તેઓ દેશ માટે લડતા-લડતા શહીદ થઈ ગયા.

મહિપાલસિંહના પાર્થિવદેહને નિવાસસ્થાને લવાતા એરપોર્ટથી લઈને વિરાટનગર સુધીના રોડ પર મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મોજિદડ ગામના મુળ વતની તેવા મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરજ પર હતા.

દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલા સંઘર્ષમાં શહિદ થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ શહિદ જવાનના વિરાટ નગર ખાતેના ઘરે શ્રદ્ધાંજલી પાઠવવા માટે પહોંચ્યા હતા. તેમના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની બાંહેધરી આપી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

બે હાર બાદ ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા ! આ ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તું 

0
  • ટીમ ઈન્ડિયા હવે ૫ મેચની T20 સીરિઝમાં ૨-૦થી પાછળ છે. એવામાં ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરી શકે છે તો શું ટીમમાંથી આ ખેલાડીઓનું પત્તું કપાઈ જશે?

ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ૨ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા હવે ૫ મેચની T20 સીરિઝમાં ૨-૦થી પાછળ છે. સતત બે મેચ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે ત્રીજી T20માં અલગ પ્લેઈંગ ૧૧ સાથે મેદાનમાં ઉતરી શકે છે. ખાસ કરીને ટીમમાં બે મહત્વના ફેરફાર આવનારી મેચોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

શું ટીમમાંથી આ ખેલાડીઓનું પત્તું કપાઈ જશે?

સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં ૧૧ રનની રમતમાંથી બહાર કરવામાં આવી શકે છે. જ્યારે સંજુ ODI ફોર્મેટમાં સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો હતો. જ્યારે T20 ની વાત આવે ત્યારે તેનું ખરાબ પ્રદર્શન ફરી એકવાર ચાલુ રહે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન સીરિઝની પ્રથમ મેચમાં સેમસન માત્ર ૧૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો તો બીજી મેચમાં તે માત્ર ૦૭ રન બનાવીને આઉટ થયો હતો. સેમસનની છેલ્લી ૫ ઈનિંગ્સની વાત કરીએ તો તેણે ૩૦, ૧૫, ૫, ૧૨ અને ૦૭ રન બનાવ્યા છે. ટૂંકમાં તે કોઈપણ મેચમાં ૩૦નો આંકડો પણ પાર કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તેને ત્રીજી ટી20માં ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

સેમસન સિવાય ટીમ માટે ઓપનિંગ કરનાર શુભમન ગિલનું પ્રદર્શન પણ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ઘણું ખરાબ રહ્યું છે. ઓડીઆઈ સીરીઝની ત્રીજી મેચને બાદ કરતાં ગીલે સમગ્ર પ્રવાસમાં સારી ઇનિંગ રમી નથી. એ મેચમાં ગિલે ૮૫ રન બનાવ્યા હતા. ટી-૨૦ સિરીઝની વાત કરીએ તો પહેલી મેચમાં ગિલ માત્ર ૩ રન બનાવીને આઉટ થયો હતો તો બીજી મેચમાં માત્ર ૭ રન બનાવ્યા હતા.

આવી સ્થિતિમાં ત્રીજી ટી-૨૦માં ગિલ અને સેમસનમાંથી કોઈ એક ખેલાડીને બહાર બેસાડવામાં આવી શકે છે. જો આ બેમાંથી કોઈ એક ખેલાડી ટીમ છોડી દે તો યશસ્વી જયસ્વાલને મોકો મળી શકે છે. જયસ્વાલે તાજેતરમાં IPL 2023માં ૬૨૫ રન બનાવ્યા હતા અને આ ખેલાડી હજુ પણ તેના T20 ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે.

બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને ૨ વિકેટે હરાવ્યું. બીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૧૫૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને વિન્ડીઝની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે ૧૮.૫ ઓવરમાં ૮ વિકેટે ૧૫૫ રન બનાવીને આ લક્ષ્યનો પીછો કર્યો હતો.

આ પણ વાંચો :-

૮૦ ફુટ ઉંચા ટાવર પર ચડી નારાજ પ્રેમિકા, તેને મનાવવા પ્રેમી પણ ટાવર પર પહોંચ્યો પછી…

0
  • પ્રેમિકાની પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યો હતો. પ્રેમિકા ટાવરના ટોપ પર જઈ પહોંચી હતી. બંન્નેએ જોઈને ગામના લોકો અને પરિવારના લોકો ગભરાઈ ગયા હતા.

લોકોએ બુમો પાડવાનું શરૂ કરી દીધું અને તેમને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. જો કે યુવતી નીચે નહોતીઉતરી અને ન તો તેનો પ્રેમી પણ નીચે ઉતર્યો. છત્તીસગઢના ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ નાબાલિક પ્રેમિકા હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી ગઈ હતી. પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પણ તેની પાછળ પાછળ ટાવરના ટોપર પર જઈ પહોંચ્યા. જેવા લોકો અને પરિવારના બંન્નેએ જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા.

તત્કાલ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંન્નેને સમજાવ્યા. ઘણા લાંબા સમય સુધી આ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો હતો. ઘણી મહેનત બાદ પોલીસ આખરે બંન્નેને સમજાવવામાં સફળ રહી હતી. બંન્નેને નીચે ઉતારવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર મામલો ગૌરેલા પેંડ્રા મરવાહી જિલ્લાનો છે. અહીં રહેનારી એક કિશોરીને ગામના જ એક યુવક સાથે પ્રેમપ્રસંગ હતો. ફોન પર વાત કરતા સમયે બંન્ને વચ્ચે કોઈ મુદ્દે ઝગડો થયો હતો. નારાજ પ્રેમી ગામથી નિકળતી હાઈટેન્શન વાયરના ૮૦ ફુટ ઉંચા ટાવર પર ચડી ગઈ હતી. ઘટનાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમિકા પાછળ પાછળ તેનો પ્રેમી પણ ટાવર પર ચડવા લાગ્યા. પ્રેમિકા ટાવરના ટોપ પર જઈને પહોંચી હતી. બંન્નેને ટાવર પર જોઈને ગામના લોકો અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. આખરે પોલીસે સમગ્ર મામલો ઉકેલ્યો હતો. જેના પગલે બંન્નેને શાંતિથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

રીલ્સ બનાવવામાં ભાન ભૂલ્યા ગુજરાતના યંગસ્ટર્સ : ભરૂચની એક યુવતી તો ચાલુ કારમાં બહાર નીકળી

0
  • ગુજરાત પોલીસની સખત કાર્યવાહી બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગુજરાતના યુવકોને જીવ કરતા રીલ્સ વધુ વ્હાલી હોય તેમ રીલ્સ બનાવવા ગમે તે જોખમ ખેડવા તૈયાર થઈ રહ્યાં છે.

આજની સૌથી પહેલી ઘટના પર નજર કરીએ તો નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના રોડ પર એક યુવતીની જોખમી સફર જોવા મળી. વારંવાર પોલીસ દ્વારા કહેવામાં આવતા પણ પ્રવાસીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. એક ભરૂચ પાસિંગની કારમાં એક યુવતી દરવાજા બહાર નીકળીને સનરૂફ જેવી કારની મજા લેતી જોવા મળી હતી. જો આવામાં બાજુમાંથી કોઈ વાહન આવી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ યુવતીનો જીવ પણ જઈ શકે છે.

સવાલ એ થાય છે ક્યાં સુધી આવા નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકાશે. પોલીસ પેટ્રોલિંગના દાવા કરે છે પરંતુ આવા નબીરાઓને રોકવામાં કેમ નિષ્ફળ છે. શું પોલીસની કાર્યવાહીની વાતો માત્ર કાગળ પર જ છે. આવા નબીરાઓને ક્યારે થશે કાયદાનું ભાન. ક્યાં સુધી આવી રીતે નિયમ તોડ સ્ટંટ થતા રહેશે. ક્યારે થશે આવા તત્વો સામે કડક કાર્યવાહી.

આ પણ વાંચો :-

આ ભારતીય યુવા ક્રિકેટરે કાશ્મીરી યુવતી સાથે કર્યા નિકાહ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

0
  • જે યુવતી સાથે નિકાહ કર્યા છે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો.

ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સરફરાઝ ખાને એક કાશ્મીરી યુવતી સાથે નિકાહ કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સરફરાઝ ખાને જે યુવતી સાથે નિકાહ કર્યા છે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સરફરાઝ ખાન શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં સરફરાઝ ખાન ભૂતકાળમાં ઘણી વખત ચર્ચામાં આવ્યો હતો. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. જે બાદ સરફરાઝ ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. જો કે, હવે સરફરાઝ ખાનના નિકાહની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે :

ઉલ્લેખનીય છે કે સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સરફરાઝ ખાન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. IPL ૨૦૨૩ની સીઝન સરફરાઝ ખાન માટે નિરાશાજનક રહી પરંતુ આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં ઘણા રન બનાવ્યા. જો કે આમ છતાં સરફરાઝ ખાન ભારતીય ટીમમાં સ્થાન  મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ વસીમ જાફર અને સુનીલ ગવાસ્કર જેવા ઘણા પૂર્વ ખેલાડીઓએ BCCI અને પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. તે ભારતીય અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે IPLમાં તે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ રમી ચૂક્યો છે.

આ રીતે થઇ હતી સરફરાઝની લવસ્ટોરીની શરૂઆત 

સરફરાઝ ખાનના નિકાહ જે કાશ્મીરી યુવતી સાથે થયા હતા જેનું નામ રોમાના ઝહૂર છે. રોમાના ઝહૂરના માતા-પિતા અને બહેનના કેટલાક વીડિયો પણ જાહેર થયા છે. આ વીડિયોમાં તેના પિતા અને બહેને જણાવ્યું કે કેવી રીતે રોમાના સરફરાઝને દિલ્હીમાં મળી અને બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી સરફરાઝના પરિવારજનોએ અહી આવ્યા અને બંન્નેના નિકાહ કરવાનું નક્કી કર્યું હતું.

રોમાનાની બહેને કહ્યું કે અમને બિલકુલ અપેક્ષા નહોતી કે આટલો સારો સંબંધ આવશે. તેણે જણાવ્યું કે રોમાના દિલ્હીમાં MSC નો અભ્યાસ કરતી હતી. સરફરાઝનો પિતરાઈ ભાઈ પણ રોમાના સાથે ભણતો હતો. રોમાના એક વાર મેચ જોવા ગઈ. પિતરાઈ ભાઈએ જ સરફરાજને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી સરફરાઝે પિતરાઈ ભાઈને સીધું જ કહી દીધું હતું કે તેણે રોમાના સાથે લગ્ન કરવા છે. આ પછી મામલો પરિવાર સુધી પહોંચ્યો અને આ લગ્ન થયા હતા.

આ પણ વાંચો :-

 

બાઈક ચાલકે અચાનક ટર્ન લેતા પૂરપાટ આવતી કારે ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો

0
  • આણંદ જિલ્લાના ખંભાતના બામણવા રોડ પર ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર અચાનક બાઈક સવારે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો.

મૃતક બાઈક ચાલક બામણવા ગામનો હોવાનુ સામે આવ્યુ છે. તો કાર ચાલક ઉંદેલ ગામનો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આણંદ જીલ્લાના ખંભાત પાસે બામણવા રોડ પર ઉંદેલગામના સુનિલભાઈ પ્રજાપતિ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન બામણગામનો રમણભાઈ સોલંકી રોડ પર પેટ્રોલપંપ બાજુ એકાએક ટર્ન લઈ રસ્તા વચ્ચે આવી જતા પુરઝડપે જઈ રહેલી કારની ટક્કર બાઈકને વાગતા બાઈક હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે.

તો બાઈક પર સવાર સુનિલભાઈ પણ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાય છે અને રોડ પર ઘણા ફૂટ સુધી ઢસડાય છે. અકસ્માત બાદ સ્થળ પર જ તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે બન્યો તે જોઈ શકાય છે. જોકે આ અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

શું ગુજરાત સરકાર સરકારી શાળાઓને તાળાં મારી દેશે ? શું સરકારને શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી ?

0
  • છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા બહુ ઉંચા છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોનું ભણતર જોખમમાં છે. કારણ કે આંકડો કહે છે કે, રાજ્યની ૧૬૫૭ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. આવામાં શિક્ષકો જ નથી તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩ની સ્થિતિમાં ધોરણ ૦૧ થી ૦૮માં ૧૯ હજાર ૯૬૩ શિક્ષકોની જગ્યા ખાલી છે.

જેના કારણે સંખ્યાબંધ શાળાઓને તાળા લાગ્યા અથવા તો શાળાને મર્જ કરી દેવાની ફરજ પડી. આ સમાચાર તાજેતરમાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે વધુ એક સમાચાર એવા છે કે, દિલ્હી-તમિલનાડુ કરતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની જગ્યા વધુ ખાલી છે. ૨૦૨૨-૨૩ના આંકડા અનુસાર, ગુજરાતમાં ૧૯,૯૬૩ શિક્ષકની જગ્યા ખાલી છે.

ગુજરાતમાં સતત શિક્ષણ તંત્રની પોલ ખૂલતી રહે છે. સરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવતી હોવા છતા શિક્ષણમાં ધાર્યુ પરિણામ આવતુ નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા કહે છે કે, ગુજરાતમાં ધોરણ ૦૧ થી ૦૮ સુધીના મંજૂર થયેલી શિક્ષકોની જગ્યા હજી સુધી ભરાઈ નથી. કુલ ૧૯,૯૬૩ જગ્યાઓ ખાલી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા જોઈએ કે કયા રાજ્યમાં કેટલી જગ્યા ખાલી છે તો…

લોકસભા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા અપાયા છે. તેમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી હોય કે મંજૂર કરાયેલી જગ્યા ભરાઈ ન હોય તેમાં ગુજરાત મોખરા પર છે. એટલુ જ નહિ શિક્ષકોની મંજૂર થયેલી જગ્યાઓ પણ છેલ્લા બે વર્ષમાં સીધી ૪૧ હજારની ઘટાડી દેવાઈ છે.

આ પણ વાંચો :-

બળવાખોરી ભાજપની ગળથૂથીમાં છે, જેને નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતા દાબી શક્યો નથી

  • ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપની સરકાર બની ત્યારથી માત્ર નરેન્દ્ર મોદીને બાદ કરતાં ભાજપનો એક પણ મુખ્યમંત્રી પાંચ વર્ષ પૂરા કરી શક્યો નથી.
  • નરેન્દ્ર મોદી સામે પણ મેદાને પડેલા પોતીકા લોકોએ કોઈ કમી છોડી નહોતી, પરંતુ નરેન્દ્ર મોદી એકને પણ તાબે થયા વગર ગુજરાતમાં સતત ૧૩ વર્ષ અને ૭ માસનું શાસન કરી ૨૦૧૪ના વર્ષમાં દેશના વડાપ્રધાન બન્યા હતા.
  • ભૂતકાળમાં નરેન્દ્ર મોદી સામે ભાજપના જ પૂર્વમંત્રી કેશુબાપાની આગેવાનીમાં ભાજપના નેતાઓ મળીને ‘‘ગુજરાત પરિવર્તન પાટી’’ બનાવીને મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ મોદીને સત્તાસ્થાને આવતા રોકવાનું તો દૂર રહ્યું, પરંતુ ગણીને માત્ર બે બેઠકો મળી હતી !
  • પરંતુ મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ તેમનાં અનુગામી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને અડધી સરકારે મુખ્યમંત્રીની ગાદી ખાલી કરવી પડી હતી અને આ ગાદી ખાલી કરાવનાર બીજા કોઈ નહીં પોતીકા ભાજપ પક્ષના જ લોકો હતા.
  • સરેરાશ જોવા જઈએ તો ભાજપમાં લગભગ સરમુખત્યાર જેવી સ્થિતિ ગણી શકાય પરંતુ દરેક વખતે બળવાખોરોને દબાવી શકાય એવું ન પણ બની શકે, વળી લોકશાહી દેશમાં પક્ષમાં પણ લોકશાહી પદ્ધતિ હોવી જોઈએ તો જ પક્ષ વધારે મજબૂત બની શકે અને નેતૃત્વમાં વિશ્વાસ વધી શકે, સાથે જ પક્ષના આદેશ સામે ‘‘નાફરમાની’’ ચલાવી લેવાય તો લાંબે ગાળે પક્ષનું અસ્તિત્વ જ ભુંસાઈ જાય.
  • ગુજરાત ભાજપમાં હાલમાં પણ યાદવાસ્થળી જેવી સ્થિતિ છે, ભાજપ પ્રદેશપ્રમુખની છબી સામે કાદવ ઉછાળવા બીજું કોઈ નહીં, પોતીકા લોકો જ મેદાને પડ્યા છે; નરેન્દ્ર મોદીનાં પગલાંનું કંઈક અંશે અનુસરણ કરતાં આવેલા સી.આર. પાટીલે બળવાખોરો સામે આક્રમક વલણ અપનાવી કેટલાંકને પોલીસની હવાલાતમાં કેદ કરવા સાથે કેટલાંકને રાજીનામાં ધરી દેવાની ફરજ પાડી હતી તો કેટલાંકને પક્ષમાંથી તગેડી મૂક્યા હતા.

પાછલા કેટલાક દિવસોથી ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. ટોચના નેતાઓને પાડી દેવા ચારિત્ર્યહનન, ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે પત્રિકાઓ ફરતી કરવાની જાણે ભાજપમાં એક પરંપરા ઊભી થવા જઈ રહી છે. પરંતુ ભાજપમાં બળવાખોરીની કોઈ નવાઈ નથી. કદાચ ભાજપની ગળથૂથીમાં આ સ્વભાવ વણાયેલો હશે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ૧૯૯૫નાં વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી અને કેશુબાપાને મુખ્યમંત્રી પદે બેસાડયાંનાં માત્ર આઠ માસમાં જ કેશુબાપાની સરકારને ઉથલાવીને સુરેશ મહેતાને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા.

મોદી-બાપા

હકીકતમાં ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં કેશુબાપાનો ખૂબ મોટો ફાળો હતો. બલ્કે એમ કહી શકાય કે, એ જમાનામાં ગામડે-ગામડે ફરીને કેશુબાપા, શંકરસિંહ બાપુ, નાથાલાલ ઝઘડા, કાશીરામ રાણા સહિતનાં લોકોએ ભાજપનાં મૂળિયા નાંખ્યા હતા. વર્ષોની તપસ્યા અને લોહી-પાણી એક કર્યા બાદ ૧૯૯૫માં ગુજરાતની ગાદી ઉપર કેશુબાપાની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. કેશુબાપા સ્વભાવે નિખાલસ છતાં સત્તાલક્ષી સ્વભાવના હતા જ. કેશુબાપા એવું ઈચ્છતા હતા કે સરકારની કામગીરીમાં પક્ષનાં સંગઠને માથું મારવું જોઈએ નહીં. આ સ્વભાવને કારણે જ તેઓ સત્તાથી દૂર ધકેલાઈ ગયા હતા અને નરેન્દ્ર મોદીને ગુજરાત છોડાવીને પોતાના પગમાં જ કુહાડો મારવા જેવો ઘાટ કર્યો હતો.

નરેન્દ્ર મોદીને ગુજરાત છોડાવ્યું ત્યારે કેશુબાપાને કલ્પના પણ નહીં હોય કે તેઓ જેને ગુજરાત છોડવાની ફરજ પાડી રહ્યા છે એ નરેન્દ્ર મોદી એક દિવસ તેમનું એટલે કે, કેશુબાપાનું રાજકારણ કાયમ માટે સમાપ્‍ત કરી દેશે !

કેશુબાપાએ નરેન્દ્ર મોદી પછી શંકરસિંહ બાપુને પણ ઓળખવાની ભૂલ કરી હતી. એક સમય એવો હતો કે, કેશુબાપા અને શંકરસિંહ બાપુનો રોજ સવારે સાથે બેસીને ચા પીવાનો નિત્યક્રમ હતો. શંકરસિંહ બાપુ મુખ્યમંત્રીના દાવેદાર હતા જ નહીં, પરંતુ સરકારમાં તેમને બરાબરીનું એટલે ગૃહ મંત્રાલય જેવું ખાતું મળવું જોઈએ તેઓ તેમનો આગ્રહ રહ્યો હતો. પરંતુ કેશુબાપા શંકરસિંહ બાપુની લાગણીને સમજવામાં થાપ ખાઈ ગયા હતા ઉપરાંત શંકરસિંહ બાપુમાં તેમને પોતાનો હરીફ દેખાઈ રહ્યો હતો. મતલબ કેશુબાપા પોતાનાં મુખ્યમંત્રી પદને ‘અસલામત’ સમજતા હતા અને થયું પણ એવું જ. માત્ર આઠ માસમાં જ કેશુબાપાની સરકારનું પતન થયું અને વિકલ્પે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ સ્વભાવે સીધા-સાદા સુરેશ મહેતા પણ સરકાર લાંબી ચલાવી શક્યા નહોતા અને ગણતરીના એક વર્ષમાં ઘર ભેગા થઈ જવું પડયું હતું અને કમનસીબે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું !

આ તરફ અપમાનિત થયેલા શંકરસિંહ બાપુએ ભાજપમાં બળવો કરીને (ખજુરાહોકાંડ) ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ રાજપા (રાષ્ટ્રીય જનતા પાર્ટી)ની ટનાટન સરકારની રચના કરી પોતાની મુખ્યમંત્રી બનવાની ખેવના પૂરી કરી હતી અને લગભગ એક વર્ષ ગુજરાતમાં શાસન કર્યું હતું. પરંતુ શંકરસિંહ પણ ગુજરાતને સ્થિર સરકાર આપી શક્યા નહોતા અને એક વર્ષમાં તો બાપુની સરકારનાં ટાંટિયા હલી ગયા હતા અને ૧૯૯૭ની ૨૭ ઓક્ટોબરે બાપુની ટનાટન સરકાર ઉથલી પડી હતી! અને વચગાળાની વ્યવસ્થા તરીકે માત્ર છ માસ માટે દિલીપ પરીખને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. દિલીપ પરીખની સરકારનું કોઈ જ યોગદાન રહ્યું નહોતું. માત્ર ‘રખેવાળ સરકાર’ તરીકેની ભૂમિકા ભજવી હતી.

કાશીરામ રાણા

દરમિયાન ભાજપની છાવણીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે ફરી કેશુબાપા ભાજપ પક્ષમાં ‘હાવી’ થઈ ગયા હતા અને ૪થી માર્ચ ૧૯૯૮ના દિવસે ફરી કેશુબાપાની સરકારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. કેશુબાપાના મંત્રીમંડળમાં હરેન પંડ્યા, અશોક ભટ્ટ, જયનારાયણ વ્યાસ, નીતિન પટેલ જેવા અનેક ખમતીધર મંત્રીઓ હતા. પરંતુ કેશુબાપાના પક્ષના સંગઠનને દૂર રાખવાના હઠાગ્રહમાં તેમની ખુરશી નીચે ચાલી રહેલી બળવાખોરીની રાજરમતને ઓળખી શક્યા નહોતા. કેશુબાપા વધારે પડતા આત્મવિશ્વાસમાં રહ્યા હતા. તેમને અટલબિહારી બાજપાઈ, અડવાણી, મુરલી મનોહર જોષી જેવા કેન્દ્રીય નેતૃત્વમાં ભરોસો હતો.

શંકર_સિંહ વાઘેલા

આ ઉપરાંત ગુજરાત ભાજપનાં સંગઠનમાં ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવતા સંજય જોષી અને નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની ગંધ સુદ્ધાં આવી નહોતી અને આ બેમાં કોણ ખમતીધર છે એ ઓળખવામાં કેશુબાપા થાપ ખાઈ ગયા હતા અને સંજય જોષીનો પક્ષ લઈને નરેન્દ્ર મોદીને સતત અપમાનિત કરવામાં આવ્યા હતા.

અલબત્ત, નરેન્દ્ર મોદીએ સમયે અપમાનનો ઘૂંટડો ગળી ગયા હતા. પરંતુ તેમના મનમાં ધૂંધવાતો રોષ શાંત થયો નહોતો. નરેન્દ્ર મોદી એવું માનતા હતા કે, સરકારમાં નિમણૂકોથી લઈને મંત્રીપદની ફાળવણીમાં સંગઠનની ભૂમિકા જ હોવી જ જોઈએ. (અલબત્ત, આજે કેન્દ્ર સરકારમાં સંગઠનની ભૂમિકા કેટલી છે એ કહેવાની જરૂર નથી) અને આ વાતને લઈને જ કેશુબાપાએ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડવાની કેન્દ્રીય નેતાગીરીને ફરજ પાડી હતી. પરંતુ કેશુબાપા એ વાત ભૂલી ગયા હતા કે, તેઓ જેમને ગુજરાત છોડાવી રહ્યા છે એ નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં તેમનું જ એટલે કે કેશુબાપાનું રાજકારણ કાયમ માટે પૂરું કરી નાંખશે! ‘કોઠાસૂઝ’વાળા માનવામાં આવતા કેશુબાપાનાં કોઠામાં આટલી સમજણ પડી નહોતી.

ખેર, ૪થી માર્ચ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી કેશુબાપાએ સરકાર ચલાવી હતી. અનેક વાદ-વિવાદ છતાં કેશુબાપાના કહેવાતા શુભચિંતકો કેશુબાપાને તેમની ગાદી પાછળ ચાલી રહેલી રાજકીય ગડમથલની વાત સમજાવી શક્યા નહોતા. બલ્કે, કેશુબાપાને સુરતના દિગ્ગજ નેતા કાશીરામ રાણામાં પણ પોતાનો હરીફ દેખાઈ રહ્યો હતો. કેશુબાપા નરેન્દ્ર મોદીને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. સાથે કાશીરામ રાણા માટે પણ તેમને પૂર્વગ્રહ થઈ ગયો હતો. મતલબ પોતીકા પક્ષમાં મજબૂત વિરોધીઓમાં એક ખમતીધર નેતાનો ઉમેરો થયો હતો.

જોકે, કેશુબાપાનો પૂર્વગ્રહ છતાં કાશીરામ રાણાએ નરેન્દ્ર મોદી સાથે હાથ ‌મિલાવ્યા નહોતા. આ તેમની ખાનદાની અથવા તો રાજકીય સૂઝ ગણી શકાય.

આ દિવસોમાં સુરતના સી.આર. પાટીલને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. એક સમયે સી.આર. પાટીલ, કાશીરામ રાણા અને ફકીર ચૌહાણનાં ‘હનુમાન’ ગણવામાં આવતા હતા. ભાજપના ઉદયકાળમાં સી.આર.પાટીલ જ કાશીરામ રાણા સાથે અડીખમ ઊભા રહ્યા હતા. જ્યારે કોઈ ભાજપમાં જોડાવાની હિંમત કરતું નહોતું એવા દિવસોમાં સુરતનાં કોટસફીલ રોડ ઉપર ભાજપની જાહેરસભામાં સી.આર. પાટીલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનાં હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એ દિવસથી આજ પર્યન્ત ભાજપની છાવણીમાં અનેક પરિવર્તનો આવ્યા અને ગયા. નરોત્તમ પટેલ જેવા નેતાઓએ સી.આર. પાટીલની અવગણના કરવાની કોશિશ કરી હતી. પરંતુ સી.આર. પા‌િટલ પક્ષ સાથે અડીખમ બનીને ઊભા રહ્યા હતા.

હજુ ઘણાંને યાદ હશે કે, નરોત્તમ પટેલ એ દિવસોમાં એવું કહેતા સાંભળવા મળતા હતા કે, કાશીરામ રાણાનાં ‘પેગડા’માં પગ ઘાલવાની સી.આર. પાટીલની તાકાત નથી !!

ખેર, હવે મૂળ વાત ઉપર આવીએ તો કેશુબાપાની કમનસીબી ગણો કે રાજકીય પતનની તૈયારી, ૨૦૦૧નાં વર્ષમાં ગુજરાતનાં કચ્છમાં ભીષણ ભૂકંપ આવ્યો. હજારો લોકો દફન થઈ ગયા. વિશ્વના દેશોએ મદદનો હાથ લંબાવ્યો. કેશુબાપાએ પણ પુનઃવસન માટે દિવસ-રાત એક કર્યાં. પરંતુ ભૂકંપમાં સેંકડો લોકોનાં મોત સાથે કેશુબાપાની સરકારના પતનની તૈયારી થઈ ચૂકી હતી. ભૂકંપ બાદ વિધાનસભાની સાબરમતી બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસનો પરાજય થયો અને કોંગ્રેસના નરહરિ અમીન જીતી ગયા હતા. પરંતુ કેશુબાપાને ખબર નહોતી કે, પેટાચૂંટણીમાં હાર સાથે કેશુબાપાની સરકારના પતનની તારીખ લખાઈ ચૂકી હતી.

અને ૬ ઓક્ટોબર ૨૦૦૧નાં દિવસે દિલ્હીની નેતાગીરીએ કેશુબાપાને મુખ્યમંત્રીપદેથી હટાવીને નરેન્દ્ર મોદીની સીધી વરણી કરી હતી. નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત પૂર્વે સુરતના કાશીરામ રાણા મુખ્યમંત્રી બની રહ્યા હોવાનાં હોર્ડિંગ લાગી ગયાં હતાં. પરંતુ નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થતાં જ મોડી રાત્રે શાહ પ‌િબ્લસિટી દ્વારા હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યાં હતાં !

૭મી ઓક્ટોબર ૨૦૦૧નાં દિવસે નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડયા વગર સીધા જ ગુજરાતનાં મુખ્યમંત્રી બની ગયા હતા અને એ દિવસથી ગુજરાતમાં ભાજપની મજબૂત કિલ્લેબંધી ઊભી કરી હતી અને રાજકોટમાં વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરીને નરેન્દ્ર મોદીને ધારાસભ્ય બનાવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી બન્યા હતા.

નરેન્દ્ર મોદી ૭મી ઓક્ટોબર ૨૦૦૧થી ૨૨મી મે ૨૦૧૪ સુધી સતત ૧૩ વર્ષ અને ૭ માસ ગુજરાતમાં મુખ્યમંત્રી બની રહ્યા હતા. આ વર્ષો દરમિયાન ગોધરામાં ટ્રેન સળગાવી આચરાયેલો હત્યાકાંડ અને ભયાનક કોમી રમખાણો સહિતની ઘટનાઓ દુનિયાના ઈતિહાસમાં નોંધાયેલી છે. સામૂહિક હત્યાકાંડ, આંતકી હુમલા, બોમ્બ વિસ્ફોટની હારમાળાઓ છતાં પણ નરેન્દ્ર મોદીની સરકારને આંચ આવી નહોતી. ખુદ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ પણ મોદીને ‘રાજધર્મ’ નિભાવવાની સલાહ આપી હતી અને બાજપાઈની બાજુમાં જ બેસીને નરેન્દ્ર મોદીએ ઉચ્ચારેલા શબ્દો ‘‘રાજધર્મ હી નિભા રહા હૂં’’ આજે પણ ઘણાંને યાદ હશે.

ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીનાં ઘણાં વિરોધીઓ હતાં. કેન્દ્રની નેતાગીરી પૈકીનાં પણ ઘણાં ઈચ્છતા હતાં કે, નરેન્દ્ર મોદીને બદલવા જોઈએ. પણ એક પણ નેતા મોદી સામે બાથ ભીડવાની હિંમત કરી શક્યો નહોતો. બલ્કે, સરકાર અને સંગઠનમાં નરેન્દ્ર મોદીએ બરાબરની પકડ જમાવી હતી. ઉપરાંત ગુજરાત બહાર દેશનાં અન્ય રાજ્યોમાં ‘ગુજરાત મોડેલ’ વખણાવા માંડયું હતું. કેન્દ્રીય નેતૃત્વમાં પણ નરેન્દ્ર મોદીનું કદ વધી ગયું હતું.

મતલબ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારનો પક્ષમાં અને લોકપ્રિયતામાં વધારો થવા સાથે ગુનેગારોમાં, કોમી માનસ ધરાવતા લોકોમાં ‘ખોફ’ ફરી વળ્યો હતો અને આ ‘ખોફ’નાં કારણે જ નરેન્દ્ર મોદીની સરકાર ‘બેધડક’ દોડતી હતી. પરંતુ એક વાત એટલી ચોક્કસ હતી કે, મોદી સરકારની સરમુખત્યારશાહી સામે નારાજગી ધૂંધવાતી હતી જ.

અને એટલે જ લગભગ ૨૦૧૨નાં વર્ષમાં નરેન્દ્ર મોદીનાં વિરોધીઓએ કેશુબાપાનાં ખંભે બંદૂક મૂકીને જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી નરેન્દ્ર મોદી સામે સીધો મોરચો માંડ્યો હતો. આ મોરચામાં મોટાભાગનાં લોકો ભાજપનાં જ બળવાખોર હતા. ભાજપમાં આટલી મોટી સંખ્યામાં બળવાખોરી એ કદાચ પ્રથમ ઘટના હતી. કેશુબાપા, પ્રવીણ તોગડિયા, ગોરધન ઝડફીયા, ફકીર ચૌહાણ, કાશીરામ રાણા, સુરેશ મહેતા જેવા રાજ્યભરમાંથી અનેક લોકો કેશુબાપાની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા. આ બધાનો હેતુ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને હટાવવાનો હતો. પરંતુ પરિણામ આઘાતજનક રહ્યું હતું. કેશુબાપાની આગેવાની હેઠળની પાર્ટીને આખા રાજ્યમાંથી ગણીને માત્ર બે બેઠકો મળી હતી !

૨૦૧૨ની ચૂંટણીનાં પરિણામોએ એક વાત પુરવાર કરી હતી કે લોકો બળવાખોરોને નહીં, પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વને જ ઈચ્છે છે.

જાણીને નવાઈ લાગશે કે, કેશુબાપાની પાર્ટીની આગેવાની લેનાર સુરતનાં આગેવાનોએ તો ચૂંટણીનાં પરિણામ પહેલાં મંત્રીમંડળની પણ રચના કરી નાંખી હતી.

ખેર, ૨૦૧૨નાં ગુજરાતનાં પરિણામે દેશનાં રાજકીય સમીકરણો બદલી નાંખ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સતત ચોથી વખત મુખ્યમંત્રી બન્યા હતા, સાથે જ દેશનાં વિવિધ રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વના પડઘા પડ્યા હતા અને લોકોનાં મન ભાજપ તરફી ઢળ્યા હતા અને ૨૦૧૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીએ દિલ્હીની ગાદીનો તખ્તો બદલી નાંખ્યો હતો.

untitled_1603968940

નરેન્દ્ર મોદી ૨૦૧૪ના મે માસમાં દેશનાં સર્વોચ્ચપદે એટલે કે વડાપ્રધાન પદે નિયુક્ત થયા હતા. આ દિવસથી દેશનો રાજકીય ઈતિહાસ બદલાઈ ગયો હતો. ૨૦૧૪ બાદ ફરી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા અને હવે ૨૦૨૪નું વર્ષ ફરી તેમના માટે રાજકીય કટોકટીનું વર્ષ બનીને આવી રહ્યું છે. દેશભરનાં વિપક્ષો ભાજપ સામે નહીં, પરંતુ નરેન્દ્ર મોદી સામે એક થઈને મેદાનમાં આવી રહ્યા છે. ૨૦૧૨નાં વર્ષમાં ભાજપનાં જ મોદી વિરોધી લોકો ગુજરાતની ચૂંટણીમાં એક થઈને મેદાનમાં આવ્યા હતાં. પરંતુ લોકોએ મોદી વિરોધીઓને રસ્તો બતાવી દીધો હતો. અલબત્ત ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓનું ભવિષ્ય આજનાં તબક્કે કહેવું કવેળાનું ગણાશે.

પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપમાં બળવાખોરી એ કોઈ નવાઈની વાત નથી. કદાચ બળવાખોરી એ ભાજપની ગળથૂથીમાં છે.

વળી ભાજપમાં એક માત્ર નરેન્દ્ર મોદી જ એક એવું વ્યક્તિત્વ છે કે જે ક્યારેય પણ શરણે થયા નથી અને હંમેશા તકદીરે તેમને સાથ આપ્યો છે.

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ ભલે શાસન ભાજપનું રહ્યું છે, પરંતુ આનંદીબેન પટેલ કે વિજય રૂપાણી નરેન્દ્ર મોદી જેવું કૌવત દાખવી શક્યાં નથી.

આનંદીબેન પટેલને પડદા પાછળનાં પોતીકા લોકોને કારણે અધૂરી સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ વિજય રૂપાણીની પણ એવી જ હાલત થઈ હતી અને અધૂરી સરકારે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી હતી અને ત્યારબાદ આવેલા ભૂપેન્દ્ર પટેલને પણ પોતીકા લોકો જ શાંતિથી કારભાર ચલાવવા દેતા નથી. ગુજરાતમાં ફરી વખત સરકાર અને સંગઠન વચ્ચે સર્વોપરિતાની લડાઈ ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલનું એવું માનવું છે કે, સરકાર અને સંગઠને સાથે મળીને કામ કરવું જોઈએ અને તો જ પક્ષને મજબૂત બનાવવા સાથે લોકોનાં કામ થઈ શકે.

anandiben-1-650_041615051407_વિજય રૂપાણી

ભૂતકાળમાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપ સંગઠનના મહામંત્રી હતા ત્યારે તેઓ પણ એવું માનતા હતા કે, સરકાર ઉપર સંગઠનનું વર્ચસ્વ હોવું જ જોઈએ. આ સર્વોપરિતાની લડાઈમાં જ કેશુબાપાની સરકારનું પતન થયું હતું.

ગુજરાત ભાજપનાં પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ પણ નરેન્દ્ર મોદી જેવી જ વિચારધારા ધરાવે છે. પરંતુ તેમની ઉપર પણ કેન્દ્રીય નેતૃત્વનાં નિયંત્રણો હોવાથી આક્રમક પગલાં ભરી શકતા નથી.

cr

ફળશ્રુતિરૂપે તેમની સામે એટલે કે સી.આર. પાટીલની સામે પક્ષનાં જ કેટલાંક લોકોએ ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરતી પત્રિકા અને વીડિયો ફરતો કરવાની હિંમત કરી હતી.

અલબત્ત માથા ફરેલા સી.આર. પાટીલે આ બધાને બેનકાબ કરવા સાથે ફોજદારી પગલાં ભરવાની પણ હિંમત દાખવી હતી. વળી કેટલાક પૂર્વમંત્રી કક્ષાના પદાધિકારી સી.આર. પાટીલની માફી પણ માંગવા પહોંચી ગયા હતા. પ્રદેશ મહામંત્રી સહિત ઘણાંને રાજીનામાં પણ આપવા પડયાં હતાં. આ દૃશ્ય જોઈને કેટલાંક વિરોધીઓ ઊભા થઈને ફરી સી.આર. પાટીલની ડેલીએ આંટા મારતા થઈ ગયા છે. અલબત્ત હજુ સુધી પ્રદેશપ્રમુખ સી.આર.

પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અણબનાવ કહેવા જેટલી પણ ઘટના બનવા પામી નથી. અન્યથા નજીકનાં ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલ વચ્ચેનો ગજગ્રાહ જાહેર હતો.

ગુજરાત સહિત દેશભરનો ભાજપનો ઇતિહાસ જોવામાં આવે તો ભાજપમાં બળવાખોરીની કોઈ જ નવાઈ નથી અને બની શકે કે વારંવારની બળવાખોરીની ઘટનાઓ એક દિવસ પક્ષને સત્તા ઉપરથી ઉખેડીને ફેંકી દેવા સુધીની સ્થિતિનું નિર્માણ કરી શકે. ભાજપની એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાની છાપ છે. પરંતુ લોકશાહી દેશમાં રાજકીય પક્ષોમાં પણ આંતરિક લોકશાહી જળવાયેલી રહેશે તો જ પાર્ટી પણ ટકી રહેશે. અન્યથા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ માત્ર રબ્બર સ્ટેમ્પ બનીને આંગળી ઊંચી કરવાની જ હોય તો આવી ગુલામીની સ્થિતિ વધુ લાંબો સમય ટકી શકે નહીં.

ખેર, ભાજપના નેતૃત્વએ જ વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે. અન્યથા કાળની રેતમાં ભાજપ પણ એક દિવસ ભૂતકાળ બનીને દફન થઈ જશે.

આ પણ વાંચો :-

લેપટોપને શટડાઉન કરવું કેમ જરૂરી ? આ કારણો જાણી ન કરતાં હોય તો કરી દેજો હવે..

0
  • લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવા માટે અનેક આદતોને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

અનેક યૂઝર્સ પોતાની સગવડતા માટે લેપટોપ સ્લીપ મોડમાં રાખે છે. શું તમે પણ આ પ્રકારે કરી રહ્યા છો, તો તમારે આ તમામ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે, તે અંગે જણાવવામાં આવ્યું છે.

લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે?

બેટરી

લેપટોપ સ્લીપ મોડ હોય તો પણ તે મોડમાં એક્ટીવ રહેવા માટે લેપટોપની બેટરી પણ યૂઝ થાય છે. વારંવાર સ્લીપ મોડનો ઉપયોગ કરવાને કારણે લેપટોપની બેટરી ડ્રેન થઈ શકે છે. ૩૦૦ ચાર્જ સાઈકલ પૂર્ણ થયા પછી લેપટોપની બેટરી લાઈફ શોર્ટ થવા લાગે છે. લેપટોપની બેટરી સારી ચાલે તે માટે તેને શટડાઉન કરવું જરૂરી છે.

પાવર સર્જ :

પાવર સર્જ પર કોઈ વ્યક્તિનો કંટ્રોલ રહેતો નથી. પાવર સર્જની સાથે લેપટોપને નુકસાન થાય છે અને યૂઝરનો ડેટા પણ લોસ્ટ થઈ શકે છે. લેપટોપ સ્લીપ મોડ પર રાખવાથી પાવર્જ સર્જના કારણે નુકસાન થઈ શકે છે. જેથી લેપટોપ શટડાઉન કરવામાં આવે તો મોટા ખર્ચાથી બચી શકાય છે.

પ્રોડક્ટિવિટી :

લેપટોપ સ્લીપ મોડ પર રાખવામાં આવે ત્યારે તમામ ટેબ એક્ટિવ હોય છે, જેના કારણે યૂઝરની પ્રોડક્ટિવિટી પર અસર થાય છે. લેપટોપ શટડાઉન કરવાથી ટેબ્સ, વિંડોઝ, ફાઈલ્સને એક નવું સ્ટાર્ટ મળે છે, જેથી તમામ જૂનો ડેટા ક્લિઅર થવાની સાથે પ્રોડક્ટિવિટી વધે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-