શહીદ થયેલા અમદાવાદના જવાનને પ્રેગ્નેટ પત્નીની અંતિમ સલામી, તમારી આંખો ભીની થઈ જશે

Share this story
  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના બાપુનગર ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ વીરગતિ પામ્યા હતા. હવાઈ માર્ગથી શહીદનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો હતો. ત્યારે રવિવારે તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને લઈ જવાયો હતો અને બાદમાં લીલાનગર સ્મશાન ગૃહ લવાયો હતો.

શહીદ જવાન મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને ઘરે લવાતા તેમના પ્રેગ્નેટ પત્નીને હોસ્પિટલથી ઘરે લવાયા હતા. જ્યાં તેમણે રડતી આંખે પણ પતિને અંતિમ સલામી આપી હતી. જોકે આ સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતા, જે કોઈની પણ આંખો ભીની કરી નાખે. મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે અને મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત ભરાયું હતું અને આગામી થોડા દિવસોમાં જ તેમના ઘરે પારણું બંધાવાનું છે. જોકે સંતાનનું મોઢું જોતા પહેલા જ તેઓ દેશ માટે લડતા-લડતા શહીદ થઈ ગયા.

મહિપાલસિંહના પાર્થિવદેહને નિવાસસ્થાને લવાતા એરપોર્ટથી લઈને વિરાટનગર સુધીના રોડ પર મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મોજિદડ ગામના મુળ વતની તેવા મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરજ પર હતા.

દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલા સંઘર્ષમાં શહિદ થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ શહિદ જવાનના વિરાટ નગર ખાતેના ઘરે શ્રદ્ધાંજલી પાઠવવા માટે પહોંચ્યા હતા. તેમના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની બાંહેધરી આપી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-