બળવાખોરી ભાજપની ગળથૂથીમાં છે, જેને નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતા દાબી શક્યો નથી

Share this story
  • ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપની સરકાર બની ત્યારથી માત્ર નરેન્દ્ર મોદીને બાદ કરતાં ભાજપનો એક પણ મુખ્યમંત્રી પાંચ વર્ષ પૂરા કરી શક્યો નથી.
  • નરેન્દ્ર મોદી સામે પણ મેદાને પડેલા પોતીકા લોકોએ કોઈ કમી છોડી નહોતી, પરંતુ નરેન્દ્ર મોદી એકને પણ તાબે થયા વગર ગુજરાતમાં સતત ૧૩ વર્ષ અને ૭ માસનું શાસન કરી ૨૦૧૪ના વર્ષમાં દેશના વડાપ્રધાન બન્યા હતા.
  • ભૂતકાળમાં નરેન્દ્ર મોદી સામે ભાજપના જ પૂર્વમંત્રી કેશુબાપાની આગેવાનીમાં ભાજપના નેતાઓ મળીને ‘‘ગુજરાત પરિવર્તન પાટી’’ બનાવીને મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ મોદીને સત્તાસ્થાને આવતા રોકવાનું તો દૂર રહ્યું, પરંતુ ગણીને માત્ર બે બેઠકો મળી હતી !
  • પરંતુ મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ તેમનાં અનુગામી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને અડધી સરકારે મુખ્યમંત્રીની ગાદી ખાલી કરવી પડી હતી અને આ ગાદી ખાલી કરાવનાર બીજા કોઈ નહીં પોતીકા ભાજપ પક્ષના જ લોકો હતા.
  • સરેરાશ જોવા જઈએ તો ભાજપમાં લગભગ સરમુખત્યાર જેવી સ્થિતિ ગણી શકાય પરંતુ દરેક વખતે બળવાખોરોને દબાવી શકાય એવું ન પણ બની શકે, વળી લોકશાહી દેશમાં પક્ષમાં પણ લોકશાહી પદ્ધતિ હોવી જોઈએ તો જ પક્ષ વધારે મજબૂત બની શકે અને નેતૃત્વમાં વિશ્વાસ વધી શકે, સાથે જ પક્ષના આદેશ સામે ‘‘નાફરમાની’’ ચલાવી લેવાય તો લાંબે ગાળે પક્ષનું અસ્તિત્વ જ ભુંસાઈ જાય.
  • ગુજરાત ભાજપમાં હાલમાં પણ યાદવાસ્થળી જેવી સ્થિતિ છે, ભાજપ પ્રદેશપ્રમુખની છબી સામે કાદવ ઉછાળવા બીજું કોઈ નહીં, પોતીકા લોકો જ મેદાને પડ્યા છે; નરેન્દ્ર મોદીનાં પગલાંનું કંઈક અંશે અનુસરણ કરતાં આવેલા સી.આર. પાટીલે બળવાખોરો સામે આક્રમક વલણ અપનાવી કેટલાંકને પોલીસની હવાલાતમાં કેદ કરવા સાથે કેટલાંકને રાજીનામાં ધરી દેવાની ફરજ પાડી હતી તો કેટલાંકને પક્ષમાંથી તગેડી મૂક્યા હતા.

પાછલા કેટલાક દિવસોથી ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. ટોચના નેતાઓને પાડી દેવા ચારિત્ર્યહનન, ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે પત્રિકાઓ ફરતી કરવાની જાણે ભાજપમાં એક પરંપરા ઊભી થવા જઈ રહી છે. પરંતુ ભાજપમાં બળવાખોરીની કોઈ નવાઈ નથી. કદાચ ભાજપની ગળથૂથીમાં આ સ્વભાવ વણાયેલો હશે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ૧૯૯૫નાં વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી અને કેશુબાપાને મુખ્યમંત્રી પદે બેસાડયાંનાં માત્ર આઠ માસમાં જ કેશુબાપાની સરકારને ઉથલાવીને સુરેશ મહેતાને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા.

મોદી-બાપા

હકીકતમાં ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં કેશુબાપાનો ખૂબ મોટો ફાળો હતો. બલ્કે એમ કહી શકાય કે, એ જમાનામાં ગામડે-ગામડે ફરીને કેશુબાપા, શંકરસિંહ બાપુ, નાથાલાલ ઝઘડા, કાશીરામ રાણા સહિતનાં લોકોએ ભાજપનાં મૂળિયા નાંખ્યા હતા. વર્ષોની તપસ્યા અને લોહી-પાણી એક કર્યા બાદ ૧૯૯૫માં ગુજરાતની ગાદી ઉપર કેશુબાપાની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. કેશુબાપા સ્વભાવે નિખાલસ છતાં સત્તાલક્ષી સ્વભાવના હતા જ. કેશુબાપા એવું ઈચ્છતા હતા કે સરકારની કામગીરીમાં પક્ષનાં સંગઠને માથું મારવું જોઈએ નહીં. આ સ્વભાવને કારણે જ તેઓ સત્તાથી દૂર ધકેલાઈ ગયા હતા અને નરેન્દ્ર મોદીને ગુજરાત છોડાવીને પોતાના પગમાં જ કુહાડો મારવા જેવો ઘાટ કર્યો હતો.

નરેન્દ્ર મોદીને ગુજરાત છોડાવ્યું ત્યારે કેશુબાપાને કલ્પના પણ નહીં હોય કે તેઓ જેને ગુજરાત છોડવાની ફરજ પાડી રહ્યા છે એ નરેન્દ્ર મોદી એક દિવસ તેમનું એટલે કે, કેશુબાપાનું રાજકારણ કાયમ માટે સમાપ્‍ત કરી દેશે !

કેશુબાપાએ નરેન્દ્ર મોદી પછી શંકરસિંહ બાપુને પણ ઓળખવાની ભૂલ કરી હતી. એક સમય એવો હતો કે, કેશુબાપા અને શંકરસિંહ બાપુનો રોજ સવારે સાથે બેસીને ચા પીવાનો નિત્યક્રમ હતો. શંકરસિંહ બાપુ મુખ્યમંત્રીના દાવેદાર હતા જ નહીં, પરંતુ સરકારમાં તેમને બરાબરીનું એટલે ગૃહ મંત્રાલય જેવું ખાતું મળવું જોઈએ તેઓ તેમનો આગ્રહ રહ્યો હતો. પરંતુ કેશુબાપા શંકરસિંહ બાપુની લાગણીને સમજવામાં થાપ ખાઈ ગયા હતા ઉપરાંત શંકરસિંહ બાપુમાં તેમને પોતાનો હરીફ દેખાઈ રહ્યો હતો. મતલબ કેશુબાપા પોતાનાં મુખ્યમંત્રી પદને ‘અસલામત’ સમજતા હતા અને થયું પણ એવું જ. માત્ર આઠ માસમાં જ કેશુબાપાની સરકારનું પતન થયું અને વિકલ્પે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ સ્વભાવે સીધા-સાદા સુરેશ મહેતા પણ સરકાર લાંબી ચલાવી શક્યા નહોતા અને ગણતરીના એક વર્ષમાં ઘર ભેગા થઈ જવું પડયું હતું અને કમનસીબે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું !

આ તરફ અપમાનિત થયેલા શંકરસિંહ બાપુએ ભાજપમાં બળવો કરીને (ખજુરાહોકાંડ) ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ રાજપા (રાષ્ટ્રીય જનતા પાર્ટી)ની ટનાટન સરકારની રચના કરી પોતાની મુખ્યમંત્રી બનવાની ખેવના પૂરી કરી હતી અને લગભગ એક વર્ષ ગુજરાતમાં શાસન કર્યું હતું. પરંતુ શંકરસિંહ પણ ગુજરાતને સ્થિર સરકાર આપી શક્યા નહોતા અને એક વર્ષમાં તો બાપુની સરકારનાં ટાંટિયા હલી ગયા હતા અને ૧૯૯૭ની ૨૭ ઓક્ટોબરે બાપુની ટનાટન સરકાર ઉથલી પડી હતી! અને વચગાળાની વ્યવસ્થા તરીકે માત્ર છ માસ માટે દિલીપ પરીખને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. દિલીપ પરીખની સરકારનું કોઈ જ યોગદાન રહ્યું નહોતું. માત્ર ‘રખેવાળ સરકાર’ તરીકેની ભૂમિકા ભજવી હતી.

કાશીરામ રાણા

દરમિયાન ભાજપની છાવણીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે ફરી કેશુબાપા ભાજપ પક્ષમાં ‘હાવી’ થઈ ગયા હતા અને ૪થી માર્ચ ૧૯૯૮ના દિવસે ફરી કેશુબાપાની સરકારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. કેશુબાપાના મંત્રીમંડળમાં હરેન પંડ્યા, અશોક ભટ્ટ, જયનારાયણ વ્યાસ, નીતિન પટેલ જેવા અનેક ખમતીધર મંત્રીઓ હતા. પરંતુ કેશુબાપાના પક્ષના સંગઠનને દૂર રાખવાના હઠાગ્રહમાં તેમની ખુરશી નીચે ચાલી રહેલી બળવાખોરીની રાજરમતને ઓળખી શક્યા નહોતા. કેશુબાપા વધારે પડતા આત્મવિશ્વાસમાં રહ્યા હતા. તેમને અટલબિહારી બાજપાઈ, અડવાણી, મુરલી મનોહર જોષી જેવા કેન્દ્રીય નેતૃત્વમાં ભરોસો હતો.

શંકર_સિંહ વાઘેલા

આ ઉપરાંત ગુજરાત ભાજપનાં સંગઠનમાં ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવતા સંજય જોષી અને નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની ગંધ સુદ્ધાં આવી નહોતી અને આ બેમાં કોણ ખમતીધર છે એ ઓળખવામાં કેશુબાપા થાપ ખાઈ ગયા હતા અને સંજય જોષીનો પક્ષ લઈને નરેન્દ્ર મોદીને સતત અપમાનિત કરવામાં આવ્યા હતા.

અલબત્ત, નરેન્દ્ર મોદીએ સમયે અપમાનનો ઘૂંટડો ગળી ગયા હતા. પરંતુ તેમના મનમાં ધૂંધવાતો રોષ શાંત થયો નહોતો. નરેન્દ્ર મોદી એવું માનતા હતા કે, સરકારમાં નિમણૂકોથી લઈને મંત્રીપદની ફાળવણીમાં સંગઠનની ભૂમિકા જ હોવી જ જોઈએ. (અલબત્ત, આજે કેન્દ્ર સરકારમાં સંગઠનની ભૂમિકા કેટલી છે એ કહેવાની જરૂર નથી) અને આ વાતને લઈને જ કેશુબાપાએ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડવાની કેન્દ્રીય નેતાગીરીને ફરજ પાડી હતી. પરંતુ કેશુબાપા એ વાત ભૂલી ગયા હતા કે, તેઓ જેમને ગુજરાત છોડાવી રહ્યા છે એ નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં તેમનું જ એટલે કે કેશુબાપાનું રાજકારણ કાયમ માટે પૂરું કરી નાંખશે! ‘કોઠાસૂઝ’વાળા માનવામાં આવતા કેશુબાપાનાં કોઠામાં આટલી સમજણ પડી નહોતી.

ખેર, ૪થી માર્ચ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી કેશુબાપાએ સરકાર ચલાવી હતી. અનેક વાદ-વિવાદ છતાં કેશુબાપાના કહેવાતા શુભચિંતકો કેશુબાપાને તેમની ગાદી પાછળ ચાલી રહેલી રાજકીય ગડમથલની વાત સમજાવી શક્યા નહોતા. બલ્કે, કેશુબાપાને સુરતના દિગ્ગજ નેતા કાશીરામ રાણામાં પણ પોતાનો હરીફ દેખાઈ રહ્યો હતો. કેશુબાપા નરેન્દ્ર મોદીને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. સાથે કાશીરામ રાણા માટે પણ તેમને પૂર્વગ્રહ થઈ ગયો હતો. મતલબ પોતીકા પક્ષમાં મજબૂત વિરોધીઓમાં એક ખમતીધર નેતાનો ઉમેરો થયો હતો.

જોકે, કેશુબાપાનો પૂર્વગ્રહ છતાં કાશીરામ રાણાએ નરેન્દ્ર મોદી સાથે હાથ ‌મિલાવ્યા નહોતા. આ તેમની ખાનદાની અથવા તો રાજકીય સૂઝ ગણી શકાય.

આ દિવસોમાં સુરતના સી.આર. પાટીલને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. એક સમયે સી.આર. પાટીલ, કાશીરામ રાણા અને ફકીર ચૌહાણનાં ‘હનુમાન’ ગણવામાં આવતા હતા. ભાજપના ઉદયકાળમાં સી.આર.પાટીલ જ કાશીરામ રાણા સાથે અડીખમ ઊભા રહ્યા હતા. જ્યારે કોઈ ભાજપમાં જોડાવાની હિંમત કરતું નહોતું એવા દિવસોમાં સુરતનાં કોટસફીલ રોડ ઉપર ભાજપની જાહેરસભામાં સી.આર. પાટીલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનાં હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એ દિવસથી આજ પર્યન્ત ભાજપની છાવણીમાં અનેક પરિવર્તનો આવ્યા અને ગયા. નરોત્તમ પટેલ જેવા નેતાઓએ સી.આર. પાટીલની અવગણના કરવાની કોશિશ કરી હતી. પરંતુ સી.આર. પા‌િટલ પક્ષ સાથે અડીખમ બનીને ઊભા રહ્યા હતા.

હજુ ઘણાંને યાદ હશે કે, નરોત્તમ પટેલ એ દિવસોમાં એવું કહેતા સાંભળવા મળતા હતા કે, કાશીરામ રાણાનાં ‘પેગડા’માં પગ ઘાલવાની સી.આર. પાટીલની તાકાત નથી !!

ખેર, હવે મૂળ વાત ઉપર આવીએ તો કેશુબાપાની કમનસીબી ગણો કે રાજકીય પતનની તૈયારી, ૨૦૦૧નાં વર્ષમાં ગુજરાતનાં કચ્છમાં ભીષણ ભૂકંપ આવ્યો. હજારો લોકો દફન થઈ ગયા. વિશ્વના દેશોએ મદદનો હાથ લંબાવ્યો. કેશુબાપાએ પણ પુનઃવસન માટે દિવસ-રાત એક કર્યાં. પરંતુ ભૂકંપમાં સેંકડો લોકોનાં મોત સાથે કેશુબાપાની સરકારના પતનની તૈયારી થઈ ચૂકી હતી. ભૂકંપ બાદ વિધાનસભાની સાબરમતી બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસનો પરાજય થયો અને કોંગ્રેસના નરહરિ અમીન જીતી ગયા હતા. પરંતુ કેશુબાપાને ખબર નહોતી કે, પેટાચૂંટણીમાં હાર સાથે કેશુબાપાની સરકારના પતનની તારીખ લખાઈ ચૂકી હતી.

અને ૬ ઓક્ટોબર ૨૦૦૧નાં દિવસે દિલ્હીની નેતાગીરીએ કેશુબાપાને મુખ્યમંત્રીપદેથી હટાવીને નરેન્દ્ર મોદીની સીધી વરણી કરી હતી. નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત પૂર્વે સુરતના કાશીરામ રાણા મુખ્યમંત્રી બની રહ્યા હોવાનાં હોર્ડિંગ લાગી ગયાં હતાં. પરંતુ નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થતાં જ મોડી રાત્રે શાહ પ‌િબ્લસિટી દ્વારા હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યાં હતાં !

૭મી ઓક્ટોબર ૨૦૦૧નાં દિવસે નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડયા વગર સીધા જ ગુજરાતનાં મુખ્યમંત્રી બની ગયા હતા અને એ દિવસથી ગુજરાતમાં ભાજપની મજબૂત કિલ્લેબંધી ઊભી કરી હતી અને રાજકોટમાં વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરીને નરેન્દ્ર મોદીને ધારાસભ્ય બનાવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી બન્યા હતા.

નરેન્દ્ર મોદી ૭મી ઓક્ટોબર ૨૦૦૧થી ૨૨મી મે ૨૦૧૪ સુધી સતત ૧૩ વર્ષ અને ૭ માસ ગુજરાતમાં મુખ્યમંત્રી બની રહ્યા હતા. આ વર્ષો દરમિયાન ગોધરામાં ટ્રેન સળગાવી આચરાયેલો હત્યાકાંડ અને ભયાનક કોમી રમખાણો સહિતની ઘટનાઓ દુનિયાના ઈતિહાસમાં નોંધાયેલી છે. સામૂહિક હત્યાકાંડ, આંતકી હુમલા, બોમ્બ વિસ્ફોટની હારમાળાઓ છતાં પણ નરેન્દ્ર મોદીની સરકારને આંચ આવી નહોતી. ખુદ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ પણ મોદીને ‘રાજધર્મ’ નિભાવવાની સલાહ આપી હતી અને બાજપાઈની બાજુમાં જ બેસીને નરેન્દ્ર મોદીએ ઉચ્ચારેલા શબ્દો ‘‘રાજધર્મ હી નિભા રહા હૂં’’ આજે પણ ઘણાંને યાદ હશે.

ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીનાં ઘણાં વિરોધીઓ હતાં. કેન્દ્રની નેતાગીરી પૈકીનાં પણ ઘણાં ઈચ્છતા હતાં કે, નરેન્દ્ર મોદીને બદલવા જોઈએ. પણ એક પણ નેતા મોદી સામે બાથ ભીડવાની હિંમત કરી શક્યો નહોતો. બલ્કે, સરકાર અને સંગઠનમાં નરેન્દ્ર મોદીએ બરાબરની પકડ જમાવી હતી. ઉપરાંત ગુજરાત બહાર દેશનાં અન્ય રાજ્યોમાં ‘ગુજરાત મોડેલ’ વખણાવા માંડયું હતું. કેન્દ્રીય નેતૃત્વમાં પણ નરેન્દ્ર મોદીનું કદ વધી ગયું હતું.

મતલબ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારનો પક્ષમાં અને લોકપ્રિયતામાં વધારો થવા સાથે ગુનેગારોમાં, કોમી માનસ ધરાવતા લોકોમાં ‘ખોફ’ ફરી વળ્યો હતો અને આ ‘ખોફ’નાં કારણે જ નરેન્દ્ર મોદીની સરકાર ‘બેધડક’ દોડતી હતી. પરંતુ એક વાત એટલી ચોક્કસ હતી કે, મોદી સરકારની સરમુખત્યારશાહી સામે નારાજગી ધૂંધવાતી હતી જ.

અને એટલે જ લગભગ ૨૦૧૨નાં વર્ષમાં નરેન્દ્ર મોદીનાં વિરોધીઓએ કેશુબાપાનાં ખંભે બંદૂક મૂકીને જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી નરેન્દ્ર મોદી સામે સીધો મોરચો માંડ્યો હતો. આ મોરચામાં મોટાભાગનાં લોકો ભાજપનાં જ બળવાખોર હતા. ભાજપમાં આટલી મોટી સંખ્યામાં બળવાખોરી એ કદાચ પ્રથમ ઘટના હતી. કેશુબાપા, પ્રવીણ તોગડિયા, ગોરધન ઝડફીયા, ફકીર ચૌહાણ, કાશીરામ રાણા, સુરેશ મહેતા જેવા રાજ્યભરમાંથી અનેક લોકો કેશુબાપાની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા. આ બધાનો હેતુ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને હટાવવાનો હતો. પરંતુ પરિણામ આઘાતજનક રહ્યું હતું. કેશુબાપાની આગેવાની હેઠળની પાર્ટીને આખા રાજ્યમાંથી ગણીને માત્ર બે બેઠકો મળી હતી !

૨૦૧૨ની ચૂંટણીનાં પરિણામોએ એક વાત પુરવાર કરી હતી કે લોકો બળવાખોરોને નહીં, પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વને જ ઈચ્છે છે.

જાણીને નવાઈ લાગશે કે, કેશુબાપાની પાર્ટીની આગેવાની લેનાર સુરતનાં આગેવાનોએ તો ચૂંટણીનાં પરિણામ પહેલાં મંત્રીમંડળની પણ રચના કરી નાંખી હતી.

ખેર, ૨૦૧૨નાં ગુજરાતનાં પરિણામે દેશનાં રાજકીય સમીકરણો બદલી નાંખ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સતત ચોથી વખત મુખ્યમંત્રી બન્યા હતા, સાથે જ દેશનાં વિવિધ રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વના પડઘા પડ્યા હતા અને લોકોનાં મન ભાજપ તરફી ઢળ્યા હતા અને ૨૦૧૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીએ દિલ્હીની ગાદીનો તખ્તો બદલી નાંખ્યો હતો.

untitled_1603968940

નરેન્દ્ર મોદી ૨૦૧૪ના મે માસમાં દેશનાં સર્વોચ્ચપદે એટલે કે વડાપ્રધાન પદે નિયુક્ત થયા હતા. આ દિવસથી દેશનો રાજકીય ઈતિહાસ બદલાઈ ગયો હતો. ૨૦૧૪ બાદ ફરી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા અને હવે ૨૦૨૪નું વર્ષ ફરી તેમના માટે રાજકીય કટોકટીનું વર્ષ બનીને આવી રહ્યું છે. દેશભરનાં વિપક્ષો ભાજપ સામે નહીં, પરંતુ નરેન્દ્ર મોદી સામે એક થઈને મેદાનમાં આવી રહ્યા છે. ૨૦૧૨નાં વર્ષમાં ભાજપનાં જ મોદી વિરોધી લોકો ગુજરાતની ચૂંટણીમાં એક થઈને મેદાનમાં આવ્યા હતાં. પરંતુ લોકોએ મોદી વિરોધીઓને રસ્તો બતાવી દીધો હતો. અલબત્ત ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓનું ભવિષ્ય આજનાં તબક્કે કહેવું કવેળાનું ગણાશે.

પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપમાં બળવાખોરી એ કોઈ નવાઈની વાત નથી. કદાચ બળવાખોરી એ ભાજપની ગળથૂથીમાં છે.

વળી ભાજપમાં એક માત્ર નરેન્દ્ર મોદી જ એક એવું વ્યક્તિત્વ છે કે જે ક્યારેય પણ શરણે થયા નથી અને હંમેશા તકદીરે તેમને સાથ આપ્યો છે.

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ ભલે શાસન ભાજપનું રહ્યું છે, પરંતુ આનંદીબેન પટેલ કે વિજય રૂપાણી નરેન્દ્ર મોદી જેવું કૌવત દાખવી શક્યાં નથી.

આનંદીબેન પટેલને પડદા પાછળનાં પોતીકા લોકોને કારણે અધૂરી સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ વિજય રૂપાણીની પણ એવી જ હાલત થઈ હતી અને અધૂરી સરકારે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી હતી અને ત્યારબાદ આવેલા ભૂપેન્દ્ર પટેલને પણ પોતીકા લોકો જ શાંતિથી કારભાર ચલાવવા દેતા નથી. ગુજરાતમાં ફરી વખત સરકાર અને સંગઠન વચ્ચે સર્વોપરિતાની લડાઈ ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલનું એવું માનવું છે કે, સરકાર અને સંગઠને સાથે મળીને કામ કરવું જોઈએ અને તો જ પક્ષને મજબૂત બનાવવા સાથે લોકોનાં કામ થઈ શકે.

anandiben-1-650_041615051407_વિજય રૂપાણી

ભૂતકાળમાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપ સંગઠનના મહામંત્રી હતા ત્યારે તેઓ પણ એવું માનતા હતા કે, સરકાર ઉપર સંગઠનનું વર્ચસ્વ હોવું જ જોઈએ. આ સર્વોપરિતાની લડાઈમાં જ કેશુબાપાની સરકારનું પતન થયું હતું.

ગુજરાત ભાજપનાં પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ પણ નરેન્દ્ર મોદી જેવી જ વિચારધારા ધરાવે છે. પરંતુ તેમની ઉપર પણ કેન્દ્રીય નેતૃત્વનાં નિયંત્રણો હોવાથી આક્રમક પગલાં ભરી શકતા નથી.

cr

ફળશ્રુતિરૂપે તેમની સામે એટલે કે સી.આર. પાટીલની સામે પક્ષનાં જ કેટલાંક લોકોએ ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરતી પત્રિકા અને વીડિયો ફરતો કરવાની હિંમત કરી હતી.

અલબત્ત માથા ફરેલા સી.આર. પાટીલે આ બધાને બેનકાબ કરવા સાથે ફોજદારી પગલાં ભરવાની પણ હિંમત દાખવી હતી. વળી કેટલાક પૂર્વમંત્રી કક્ષાના પદાધિકારી સી.આર. પાટીલની માફી પણ માંગવા પહોંચી ગયા હતા. પ્રદેશ મહામંત્રી સહિત ઘણાંને રાજીનામાં પણ આપવા પડયાં હતાં. આ દૃશ્ય જોઈને કેટલાંક વિરોધીઓ ઊભા થઈને ફરી સી.આર. પાટીલની ડેલીએ આંટા મારતા થઈ ગયા છે. અલબત્ત હજુ સુધી પ્રદેશપ્રમુખ સી.આર.

પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અણબનાવ કહેવા જેટલી પણ ઘટના બનવા પામી નથી. અન્યથા નજીકનાં ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલ વચ્ચેનો ગજગ્રાહ જાહેર હતો.

ગુજરાત સહિત દેશભરનો ભાજપનો ઇતિહાસ જોવામાં આવે તો ભાજપમાં બળવાખોરીની કોઈ જ નવાઈ નથી અને બની શકે કે વારંવારની બળવાખોરીની ઘટનાઓ એક દિવસ પક્ષને સત્તા ઉપરથી ઉખેડીને ફેંકી દેવા સુધીની સ્થિતિનું નિર્માણ કરી શકે. ભાજપની એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાની છાપ છે. પરંતુ લોકશાહી દેશમાં રાજકીય પક્ષોમાં પણ આંતરિક લોકશાહી જળવાયેલી રહેશે તો જ પાર્ટી પણ ટકી રહેશે. અન્યથા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ માત્ર રબ્બર સ્ટેમ્પ બનીને આંગળી ઊંચી કરવાની જ હોય તો આવી ગુલામીની સ્થિતિ વધુ લાંબો સમય ટકી શકે નહીં.

ખેર, ભાજપના નેતૃત્વએ જ વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે. અન્યથા કાળની રેતમાં ભાજપ પણ એક દિવસ ભૂતકાળ બનીને દફન થઈ જશે.

આ પણ વાંચો :-