Home Blog Page 823

Test Post

0

Test Post

ISRO ‘નોટી બોય’ દ્વારા આજે INSAT-3DSનું લોન્ચિંગ કરશે, જાણો આ મિશન ખાસ કેમ?

0

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-૩DS ને લોન્ચ કરશે. આ લોન્ચિંગ જીએસએલવી એફ૧૪ને રોકેટ દ્વારા કરાશે. ઈનસેટ-૩ ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આજે સાંજે ૦૫:૩૫ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાશે.

INSAT-૩DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે ‘GSLV-F૧૪/INSAT-૩DS મિશન ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના લોન્ચ માટે ૨૭.૫ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

‘નૉટી બોય’નું વજન ૨૨૭૪ કિલો છે. એકવાર કાર્યરત થયા પછી ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી, હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ ૫૧.૭ મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ સહાયિત શોધ અને બચાવ ટ્રાન્સપોન્ડર વહન કરશે. તેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં મોત

0

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો ૧૪માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી. છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવાનું રહેશે.

મહત્વનું છે કે, બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. જ્યાં પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.

સૌરાષ્ટ્રનાં જગપ્રસિદ્ધ ‘બાપા સીતારામ’ બગદાણા ધામનાં પ્રહરી મનજીબાપાનો અનંતનાં માર્ગે પ્રયાણ

0
  • બજરંગદાસ બાપુએ ફરકાવેલા ધર્મનાં વાવટાનાં દંડને વધુ મજબૂત બનાવવા સાથે સદાવ્રતની પરંપરાને મનજીબાપા વધુ ઊંચાઈએ લઈ ગયા હતા
  • યુવાવયથી બજરંગદાસ બાપુનાં કૃપાપાત્ર મનજીબાપાએ સમગ્ર જીવન બગદાણા ધામને અર્પણ કરી દીધું હતું અને છેલ્લાં શ્વાસ સુધી બાપાનું સ્મરણ કરતાં રહ્યા હતા
  • હજુ થોડા દિવસ પહેલાં જ મનજીબાપા સુરત આવ્યા હતા અને લોકોને બગદાણા ધામની મુલાકાતે આવવા વારંવાર આગ્રહ કરી રહ્યા હતા, કદાચ આ આગ્રહ પાછળ પણ કોઈ સંકેત હશે
  • મનજીબાપા વ્યવસ્થાનાં એક ભાગરૂપે બગદાણા ધામનાં મેનેજી‍ંગ ટ્રસ્ટી હતા પરંતુ હકીકતમાં તેઓ સંત પુરૂષ હતા; વડાપ્રધાન મોદીએ પણ પોતે વિદેશ પ્રવાસે હોવા છતાં મનજીબાપાનાં નિધન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી
જગપ્રસિદ્ધ સંત અને ‘બાપા સીતારામ’નો દુનિયામાં સંદેશો વહેતો કરનાર સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાનાં ખોબા જેવડા છતાં વિશ્વ વિખ્યાત બગદાણા ધામનાં સંત બજરંગદાસ બાપાએ પ્રભુ ભક્તિની જગાવેલી આહલેકને પગલે આજે બગદાણા ગામ ‘બગદાણા ધામ’ના નામથી ઓળખાઈ રહ્યું છે. બજરંગદાસ બાપા દેવ થઈ ગયાને લગભગ ૪૭ વર્ષ થઈ ગયા, પરંતુ બજરંગદાસ બાપાએ માનવધર્મ અને અન્‍નક્ષેત્રની જ્યોત આજે પણ પ્રજવ‌િલ્લત ઝળહળી રહી છે. બગદાણા ધામમાં સતત સદાવ્રત ‘અન્‍નક્ષેત્ર’નો દોર દાયકાઓથી યથાવત વહી રહ્યો છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ બજરંગદાસ બાપાનાં બગદાણા ધામમાં આવેલો દર્શનાર્થી ભૂખ્યો જતો નથી. સેંકડો લોકોની ભોજન વ્યવસ્થા કોણ કરે છે? ભંડારો ક્યાંથી આવે છે? આ બધુ આજે પણ રહસ્યમય છે. બજરંગદાસ બાપા સ્વયં મીજાજી હતા. તેમના આશ્રમમાં ઊંચ, નીચ, વર્ણ, જ્ઞાતિનો કોઈ જ ભેદભાવ નહોતો. કુંવારી દિકરીઓ તેમને ખુબ વહાલી હતી. બજરંગદાસ બાપા પાસે કોઈ મિલકત કે ખજાનો નહોતો. તેમ છતાં કુબેર કરતાં તેમનો ભંડાર મોટો હતો. તહેવારોનાં શોખીન બજરંગદાસ બાપાનાં આશ્રમમાં લગભગ રોજેરોજ તહેવારોની ઉજવણી, સંતો, મહંતોનું આગમન અને ભજનોની સરવાણી સતત વહેતી રહેતી હતી.
બજરંગદાસ બાપાનો ઈતિહાસ હજુ નજર સામેની ઘટનાઓ છે. વર્તમાન પેઢીનાં અનેક લોકોએ બજરંગદાસ બાપાની રૂબરૂ મુલાકાત અને દર્શન કર્યા હશે. અલગારી મીજાજનાં બજરંગદાસ બાપાની એક એક વાતો અને નિર્ણયો આશ્ચર્ય ચકીત કરી દે તેવા હતા. તેમની પાસે એક માટીનું કાચા મકાન સિવાય કોઈ મિલકતો નહોતી પરંતુ તેમની સદ્‍ગુરૂની ભક્તિ ખુબ મોટી હતી. બાપા એવા કોઈ અહંકારી સંત પણ નહોતા. તેઓ લોકોની વચ્ચે જ બેસતા અને લોકોની પંગતમાં બેસીને ભોજન કરતા હતા.
એક વખત એટલે કે ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ સમયે સરકારને મદદ કરવા પોતાનો આશ્રમ વેચી દીધો હતો!
બજરંગદાસ બાપા પોતે ચમત્કારોમાં માનતા નહોતા. પરંતુ તેમના એક એક નિર્ણય ચમત્કારોથી ઓછા નહોતા અને એટલે જ આજે દેશ, દેશાવરમાં બજરંગદાસ બાપાનાં નામનો જયઘોષ થઈ રહ્યો છે. કોઈ ગામ કે શહેર એવું નહીં હોય કે જેના પાદરમાં બજરંગદાસ બાપાનો ઓટલો (મઢુલી) નહીં હોય. અનેક સંસ્થાઓ બજરંગદાસ બાપાનાં નામથી ચાલી રહી છે. ‘બાપા સીતારામ’…નો ગુંજરતો કરેલો નાદ આજે ચારેતરફ સંભળાઈ રહ્યો છે અને હવે તો લોકો સામાન્ય બોલચાલમાં પણ ‘બાપા સીતારામ’નો ઉપયોગ કરી રહ્યાં છે.
ખેર, આવી વટવૃક્ષ જેવી દૈવીતત્વ ધરાવતી સંસ્થા બગદાણા ધામનાં પ્રહરી અને બજરંગદાસ બાપાએ ચાતરેલા ચીલાને આગળ ધપાવનાર અને આખી જી‍ંદગી બગદાણા ધામને શરણે ધરી દેનાર સંતપુરૂષ મનજીદાદાનું ગઈકાલે પ્રભુસ્મરણ કરતાં કરતાં નિધન થયું હતું અને આજે ગુરૂવાર તા.૧૫ ફેબ્રુઆરીનાં રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ઠેર-ઠેરથી બજરંગદાસ બાપુનાં અનુયાયીઓ, શ્રદ્ધાળુઓ સદ્‍ગતને અંતિમ અંજલી આપવા ઉમટી પડ્યા હતા અને સેંકડો લોકોની અશ્રૃભીની શ્રદ્ધાંજલિ સાથે મનજીબાપા પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા હતા.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદ્‍ગત મનજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદેશ પ્રવાસ દરમિયાન મનજીબાપાનાં નિધનની જાણ થતાં વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરવા સાથે મનજીબાપાનાં બજરંગદાસ બાપા અને બગદાણા ધામની સેવાની જ્યોત સતત પ્રજવલ્લીત રાખવાની તેમની અંતરની ધગશની સરાહના કરી હતી.
ઘણાં લોકો તેમને મનજીબાપા કહેતા હતા તો ઘણાં મનજી દાદા કહેતા હતા. થોડા દિવસ પહેલા મનજીબાપા સુરત પધાર્યા હતા. તેમના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાની દિકરીનાં લગ્નનો પ્રસંગ હતો. આ સમયે મનજીબાપા સંપૂર્ણ તંદુરસ્ત હતા અને લોકોને આગ્રહ કરી કરીને બગદાણાનાં દર્શને આવવા ભારપૂર્વક કહી રહ્યાં હતા. કદાચ આ તેમના ભારપૂર્વકનાં આગ્રહ પાછળ જરૂર કોઈક સંકેત હશે.
અને મનજીબાપાએ જાણે જીવનલીલા સંકેલી લેવાનું નક્કી કરી લીધું હોય તેમ સામાન્ય માંદગીમાં સપડાયા હતા અને ગણતરીનાં દિવસોમાં ગુરૂ બજરંગદાસ બાપા અને સીતારામનું સ્મરણ કરતાં કરતાં અનંતનાં માર્ગે ઉપડી ગયા હતા. મનજીબાપા ખુબ જ નાની વયથી બગદાણા ધામમાં જોડાયા હતા અને બજરંગદાસ બાપાનાં કૃપાપાત્ર હતા. તેઓ કહેવા ખાતર બગદાણા ધામનાં મેનેજી‍ંગ ટ્રસ્ટી હતા, પરંતુ હકીકતમાં સંતપુરૂષ હતા. બદલાયેલુ રાજકારણ કે બદલાયેલા સમય, સંજોગોની તેમની ઉપર કોઈ જ અસરો નહોતી અને એટલે જ મનજીબાપાએ બજરંગદાસ બાપાએ ફરકાવેલી ધર્મધજાને ઊંની આંચ પણ આવવા દીધી નહોતી અને જી‍ંદગીનાં અંતિમ શ્વાસ સુધી બજરંગદાસ બાપાએ ચિંધેલા માર્ગે અડગ મનથી આગળ ધપતા રહ્યાં હતાં અને ધર્મધજાનાં દંડને અડીખમ અને વધુ મજબૂતીથી ટકાવી રાખ્યો હતો.
મનજીબાપાની વિદાયે અનેક શ્રદ્ધાળુઓને વ્યાકુળ બનાવી દીધા હતા તથા કેટલાંક લોકોએ બજરંગદાસ બાપાની ગાદી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી પરંતુ મનજીબાપાએ એવી વ્યવસ્થા ઊભી કરી છે કે, સૌકાઓ સુધી બગદાણા ધામની ધજા ફરકતી રહેશે. બજરંગદાસ બાપાએ આપેલો ‘બાપા સીતારામ’નો જયઘોષ આકાશમાં ગુંજતો રહેશે.
આ પણ વાંચો :-

અમેરિકાના કેન્સાસમાં ગોળીબારીની ઘટના, ૨ લોકોના મોત, ૨૨ ઘાયલ

0

અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં આઠ બાળકો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ ઘટના સ્પોટર્સ ઇવેન્ટ સિટી ચીફ્સ સુપર બાઉલ દરમિયાન બની હતી. આવો જ એક કિસ્સો કેન્સાસ સિટીમાંથી પણ બહાર આવ્યો છે. કેન્સાસમાં ગોળીબારની ઘટનામાં એકનું મૃત્યુ થયું છે. આ આંકડો હજુ વધી શકે છે. કેન્સાસ શહેરમાં થયેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ લોકોમાં આઠ બાળકો છે. ફાયરિંગની આ ઘટના સ્પોર્ટિંગ ઈવેન્ટ ‘સિટી ચીફ્સ સુપર બાઉલ’ની પરેડ દરમિયાન બની હતી.

કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવ્સે જણાવ્યું હતું કે આ ઘટનાના સંબંધમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે તેમને માહિતી મળી છે કે કાર્યક્રમમાં સામેલ કેટલાક લોકોએ શંકાસ્પદની ધરપકડ કરવામાં મદદ કરી હતી. અગાઉ ગયા વર્ષે પણ ડેન્વર શહેરમાં MBA ચેમ્પિયનશિપમાં ગોળીબાર થયો હતો. તેમાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ગોળીબાર બાદ અવિશ્વાસ સાથે ભાગતા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા તેમજ થોડા દિવસો પહેલા ન્યૂયોર્કના સબવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પણ ફાયરિંગ થયું હતું.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કેલિફોર્નિયા રાજ્યમાં મૃતકોની ઓળખ આનંદ સુજીત હેનરી, તેની પત્ની એલિસ પ્રિયંકા અને ચાર વર્ષના જોડિયા પુત્રો તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આ કેસની તપાસ હત્યા-આત્મહત્યાના પરિપ્રેક્ષ્યથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં ભીષણ આગ, ૧૧ શ્રમિકોના મોત

0

દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે અહીં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં દાઝી જવાથી ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડની ટીમે ૨૨ ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવ્યા બાદ જ્યારે ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે વધુ ચાર બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવી હતી. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પાછળના કારણોની તપાસમાં વ્યસ્ત છે.

ગઈ કાલે સાંજે દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનાથી શોકનો માહોલ છે. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા જેના કારણે તેમની ઓળખ થઇ શકી નથી. ફેક્ટરી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલી છે, ઘટના સમયે ફેક્ટરીની અંદર રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. અચાનક આગ ફાટી નીકળી હતી ત્યાર બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ કે કર્મચારીઓને બચવાની તક ના મળી.

નોંધનીય છે કે દિલ્હીનો આલીપુર વિસ્તાર ખુબ જ ભીડભાડવાળો છે. આ ગીચ વિસ્તારમાં આવેલી પેઇન્ટ ફેક્ટરી આગ ફાટી નીકળી હતી અને કેમિકલના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો દાઝી ગયા હતા. અગાઉ ત્રણ શ્રમિકોના મોતના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે બહાર પાડેલા અપડેટમાં સામે આવ્યું છે કે દાઝી જવાથી ૧૧ શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આગના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :-

૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શુક્રવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષ

બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબુત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા, ખોટી સોબત, મિત્રોથી પરેશાની વધે.

વૃષભ

માનસિક સ્વસ્થતા જળવાય. મોજ શોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીયક્ષેત્રે આનંદ.

મિથુન

નિખાલસ અને ચરિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્ક

આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ, નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં ‌વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

‌સિંહ

નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા

નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા

લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ-અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ, મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃ‌‌શ્ચિક

ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન

દિવસ દરમ્યાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકર

શાંતિનો અનુભવ થાય. નાના-ભાઇ બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ

વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

ધરતીનો માણસ ગોવિંદ ધો‌ળકિયાની રાજ્યસભા માટે પસંદગી યથાયોગ્ય

0
  • ગોવિંદકાકાને ખબર પણ નહોતી અને વડાપ્રધાન મોદીએ અચાનક રાજ્યસભાના સભ્ય બનવા માટે તેડું મોકલ્યું!
  • સૌરાષ્ટ્રના ઊંડાણના ગામડામાંથી ખેતી કરતા કરતા સુરતમાં હીરા ઘસવા આવેલા ગોવિંદ ધોળકિયાએ ‘પ્રારબ્ધ’ અને ‘પુરૂષાર્થ’ના સથવારે હીરા, શિક્ષણ, સોલાર સહિત અનેક ક્ષેત્રોએ સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું
  • અઢળક સંપત્તિના માલિક છતાં છેવાડાના લોકો માટે તેમના મનમાં સતત કરૂણ વહેતી રહે છે પોતે અભ્યાસ નથી કર્યો પરંતુ વર્તમાન પેઢીના બાળકોને અદ્યતન શિક્ષણ અને આર્થિક સહાય કરવી ગોવિંદકાકાની પહેલી પ્રાથમિકતા છે
ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠક માટે સુરતનાં હીરાના ઉદ્યોગ અગ્રણી ગોવિંદ ધોળકિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગી કરી લોકોને સુખદ આશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. ખુદ ગોવિંદ ધોળ‌િકયા તેમના નામની પસંદગીથી અજાણ હતા. અમિત શાહે તેમને ફોર્મ ભરવા માટે જાણ કરી ત્યારે ગોવિંદકાકા અચંબો પામી ગયા હતા તથા અમિત શાહ તેમની મજાક કરી રહ્યા હોવાનું માની લઈને વાતને હળવાશથી લીધી હતી.
પરંતુ અમિત શાહે તેમને ફોર્મ ભરવા માટે ગંભીરતા સાથે કહ્યું ત્યારે ગોવિંદ ધોળકિયાએ પોતે રાજકીય માણસ નહીં હોવાનું અને તેમની પસંદગી કંઈ રીતે કરવામાં આવે એવો પ્રશ્ન કરતાં અમિત શાહે માત્ર એક લીટીમાં જવાબ આપ્યો તમારી પસંદગી સાહેબે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. મતલબ પક્ષનો નિર્ણય ફાઈનલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગી કરી હશે તો વિચારીને જ કરી હશે!
અમિત શાહનાં જવાબ બાદ ગોવિંદ ધોળકિયા પાસે કોઈ જ જવાબ નહોતો અને વડાપ્રધાન મોદીનો નિર્ણય સ્વીકારી લેવા સિવાય કોઈ જ છુટકો નહોતો.
ખેર, ગોવિંદ ધોળ‌િકયાની રાજ્યસભાનાં સભ્યપદે એક ઉદ્યોગપતિ તરીકે પસંદગી યથાયોગ્ય ગણી શકાય. વિશ્વમાં પથરાયેલો અને લાખો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગને દેશની રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળે એ ખરેખર ન્યા‌િયક પગલું ગણી શકાય. આમ પણ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓની રાજ્યસભામાં નિમણૂંકો કરવામાં આવે છે જ. ગોવિંદ ધોળ‌િકયાની રાજ્યસભાનાં સભ્ય પદે પસંદગી કરીને ભાજપ નેતાગીરીએ ઉદ્યોગ અગ્રણીની પસંદગી કરવાનો જુદો માર્ગ પસંદ કર્યો છે. મતલબ ગોવિંદ ધોળકિયા સીધી નિમણૂંક પામવાને બદલે ગુજરાત વિધાનસભામાંથી ચૂંટાઈને રાજ્યસભાનાં સભ્ય બનશે.
ગોવિંદ ધોળકિયાનું જીવન ધરતીનાં માણસ તરીકે રહ્યું છે. તેમની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સહિત અનેક ક્ષેત્રે સેવાઓ અવિરત ચાલુ રહે છે. મૂળભૂત રીતે ગોવિંદ ધોળકિયા અનુકંપાથી ભરેલા માણસ છે અને એટલે જ તેમણે તેમની કંપનીનું નામ ‘SRK’ એટલે કે શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપની રાખ્યું છે. તેમણે કંપની બનાવી ત્યારે કદાચ કલ્પના પણ કરી નહીં હોય કે તેઓ એક દિવસ જાહેર જીવનમાં ટોચ ઉપર હશે. ગામમાં ખેતી કરતો માણસ અને બળદ જેવા પશુઓ સાથે વાત કરતાં કરતાં સુરત આવી ચઢેલા ગોવિંદ ધોળકિયાનું ‘પ્રારબ્ધ’ અને પુરૂષાર્થ તેમને સમાજ જીવનમાં ટોચ ઉપર લઈ આવ્યા છે. ગોવિંદ ધોળકિયાએ તેમના ધંધાના વિકાસની સાથે સમાજ વિકાસની પણ ખેવના કરી છે. પોતે ભલે શિક્ષણથી વંચિત રહ્યાં પરંતુ આવનારી પેઢી શિક્ષણથી વંચિત રહેવી જોઈએ નહીં આ તેમની હંમેશની ‘ખેવના’ રહી છે. પોતે આજે અઢળક સંપત્તિનાં માલિક હશે પરંતુ હજુ તેઓ ગામડાંની શેરી, ખેતર અને આદિવાસી વિસ્તારોમાં જીવતા લોકોનાં જીવનથી એટલા જ વાકેફ છે.

કારણ કે પોતે આવું જીવન જીવી ચૂક્યા છે અને એટલે જ તેમને વાત વાતમાં લોકોને મળવાનું મન થાય છે. ગમતાં માણસને બોલાવીને સાથે બેસીને જમવાની ઈચ્છા થઈ આવે છે અને તેઓ તેનો અમલ પણ કરતાં આવ્યા છે. આજે પણ તેમને ત્યાં કોઈને કોઈ મહેમાનની હાજરી અવશ્ય હોય જ. મતલબ ગોવિંદ ધોળકિયા મોટા માણસ બનવાને બદલે ‘સામાન્ય’ બનીને જીવવા માંગે છે. પરંતુ ‘પ્રારંબ્ધ’નાં પાસા બદલી શકાતા નથી. સાથે જ ‘પુરૂષાર્થ’ પણ હોવાથી પ્રારબ્ધને રોકી શકાતું નથી. અન્યથા રાજ્યસભાની બેઠક માટે ગોવિંદ ધોળકિયાની પસંદગી કઈ રીતે કરવામાં આવે?! કારણ કે, તેઓ રાજકીય પક્ષનાં માણસ નથી અને તેમ છતાં તેઓ આવનારા દિવસોમાં રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્ય તરીકે બેસતા જોવા મળશે!

ઘણાં લોકોએ સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટ પણ કરી કે, રામ મંદિર માટે ૧૧ કરોડનાં કરેલા દાનની આ ‘પ્રસાદી’ મળી છે. મતલબ આવી કોમેન્ટ કરનારાને કદાચ એ ખબર નહીં હોય કે રામ મંદિરને કરોડો રૂપિયાનું દાન આપનારા ઘણાં દાનવીરો પૈકીનાં ગોવિંદ ધોળકિયા એક હતા.
ગોવિંદ ધોળકિયાની જીવનયાત્રા વર્ણવતું તાજેતરમાં એક પુસ્તક પ્રસિદ્ધ કરાયું હતું. આ પુસ્તકમાં ગોવિંદ ધોળકિયાએ તેમના જીવન સાથે વણાયેલી તમામ ઘટનાઓ, વાતોને સાવ સહજતાથી વર્ણવી છે.
ગોવિંદ ધોળકિયાએ તેમની જીવનયાત્રામાં બધી જ વાતો પેટછુટ્ટી કરી છે. તેમનું બાળપણ ખેતર, વાડી, શાળા, ધીંગામસ્તી અને ગામમાં પ્રસુ‌િત કરાવવાનું કામ કરતી ‘દાયણ મણિમા’ને પણ યાદ કર્યા છે. ગોવિંદ ધોળકિયાએ ઝૂંપડામાં રહેતા પરિવારની ગરીબી પણ જોઈ છે અને શેઠનાં ઘરની ‘અમીરી’ પણ જોઈ છે અને એટલે જ તેઓ ‘ગીતાનાં શ્લોક’ને હંમેશા ગણ ગણાવતા રહે છે.

કરોડોનો કારોબાર છતાં પેલો દુધાળા ગામનો ‘ગોવિંદ’ આજે પણ અકબંધ છે. ગોવિંદ ધોળકિયાને નજીકથી ઓળખતા લોકો તેમની નમ્રતા, તેમનામાં ભરેલી કરૂણા, તેમની સાદાઈને સારી રીતે જાણે છે. પરંતુ ઉદ્યોગજગત માટે તેઓ આજે એક ‘સેલિબ્રીટી’ છે તેઓ રતન ટાટા ઈસરોના વૈજ્ઞાનિકો અને વૈશ્વિક જગતના લોકો સાથે સંબંધો અને સતત સંપર્કો ધરાવે છે. વૈશ્વિક વેપાર જગતમાં તેમની શાખ છે અને તેમના શબ્દોની નોંધ લેવામાં આવે છે. લોકો તેમના શબ્દોમાં ભરોસો મુકે છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદકાકા ઉર્ફે ગોવિંદ ભગત ઉર્ફે ગોવિંદ ધોળકિયાને રાજ્યસભામાં લઈ જવાનો કરેલો નિર્ણય યથાયોગ્ય રહેશે. આવનારા દિવસોમાં ધરતીનો માણસ દિલ્હી ખાતે રાજ્યસભામાં બેસીને વિચારો અને કર્મોની સુવાસ ફેલાવતો હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદકાકાએ ડાંગ જિલ્લાના ૩૧૧ ગામડાઓમાં હનુમાનજીના મંદિરો બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આ પૈકી ૫૭ મંદિરો બનાવી દીધા છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ MSPની કાયદેસર ગેરંટી આપશે, ખેડૂતોને રાહુલ ગાંધીનું સમર્થન

0

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. ત્યારે હવે  ખેડૂતોના આંદોલન વચ્ચે કોંગ્રેસે એક ગેરેંટી આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું ૧૫ કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના પથ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે

છત્તીસગઢના અંબિકાપુરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેઓ શું કહે છે? તેઓ માત્ર તેમની મહેનતનું ફળ માંગી રહ્યા છે. ભાજપ સરકારે એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, પરંતુ તેઓ એમએસ સ્વામીનાથને જે કહ્યું હતું તેનો અમલ કરવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો :-