ધરતીનો માણસ ગોવિંદ ધો‌ળકિયાની રાજ્યસભા માટે પસંદગી યથાયોગ્ય

Share this story
  • ગોવિંદકાકાને ખબર પણ નહોતી અને વડાપ્રધાન મોદીએ અચાનક રાજ્યસભાના સભ્ય બનવા માટે તેડું મોકલ્યું!
  • સૌરાષ્ટ્રના ઊંડાણના ગામડામાંથી ખેતી કરતા કરતા સુરતમાં હીરા ઘસવા આવેલા ગોવિંદ ધોળકિયાએ ‘પ્રારબ્ધ’ અને ‘પુરૂષાર્થ’ના સથવારે હીરા, શિક્ષણ, સોલાર સહિત અનેક ક્ષેત્રોએ સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું
  • અઢળક સંપત્તિના માલિક છતાં છેવાડાના લોકો માટે તેમના મનમાં સતત કરૂણ વહેતી રહે છે પોતે અભ્યાસ નથી કર્યો પરંતુ વર્તમાન પેઢીના બાળકોને અદ્યતન શિક્ષણ અને આર્થિક સહાય કરવી ગોવિંદકાકાની પહેલી પ્રાથમિકતા છે
ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠક માટે સુરતનાં હીરાના ઉદ્યોગ અગ્રણી ગોવિંદ ધોળકિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગી કરી લોકોને સુખદ આશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. ખુદ ગોવિંદ ધોળ‌િકયા તેમના નામની પસંદગીથી અજાણ હતા. અમિત શાહે તેમને ફોર્મ ભરવા માટે જાણ કરી ત્યારે ગોવિંદકાકા અચંબો પામી ગયા હતા તથા અમિત શાહ તેમની મજાક કરી રહ્યા હોવાનું માની લઈને વાતને હળવાશથી લીધી હતી.
પરંતુ અમિત શાહે તેમને ફોર્મ ભરવા માટે ગંભીરતા સાથે કહ્યું ત્યારે ગોવિંદ ધોળકિયાએ પોતે રાજકીય માણસ નહીં હોવાનું અને તેમની પસંદગી કંઈ રીતે કરવામાં આવે એવો પ્રશ્ન કરતાં અમિત શાહે માત્ર એક લીટીમાં જવાબ આપ્યો તમારી પસંદગી સાહેબે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. મતલબ પક્ષનો નિર્ણય ફાઈનલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગી કરી હશે તો વિચારીને જ કરી હશે!
અમિત શાહનાં જવાબ બાદ ગોવિંદ ધોળકિયા પાસે કોઈ જ જવાબ નહોતો અને વડાપ્રધાન મોદીનો નિર્ણય સ્વીકારી લેવા સિવાય કોઈ જ છુટકો નહોતો.
ખેર, ગોવિંદ ધોળ‌િકયાની રાજ્યસભાનાં સભ્યપદે એક ઉદ્યોગપતિ તરીકે પસંદગી યથાયોગ્ય ગણી શકાય. વિશ્વમાં પથરાયેલો અને લાખો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગને દેશની રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળે એ ખરેખર ન્યા‌િયક પગલું ગણી શકાય. આમ પણ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓની રાજ્યસભામાં નિમણૂંકો કરવામાં આવે છે જ. ગોવિંદ ધોળ‌િકયાની રાજ્યસભાનાં સભ્ય પદે પસંદગી કરીને ભાજપ નેતાગીરીએ ઉદ્યોગ અગ્રણીની પસંદગી કરવાનો જુદો માર્ગ પસંદ કર્યો છે. મતલબ ગોવિંદ ધોળકિયા સીધી નિમણૂંક પામવાને બદલે ગુજરાત વિધાનસભામાંથી ચૂંટાઈને રાજ્યસભાનાં સભ્ય બનશે.
ગોવિંદ ધોળકિયાનું જીવન ધરતીનાં માણસ તરીકે રહ્યું છે. તેમની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સહિત અનેક ક્ષેત્રે સેવાઓ અવિરત ચાલુ રહે છે. મૂળભૂત રીતે ગોવિંદ ધોળકિયા અનુકંપાથી ભરેલા માણસ છે અને એટલે જ તેમણે તેમની કંપનીનું નામ ‘SRK’ એટલે કે શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપની રાખ્યું છે. તેમણે કંપની બનાવી ત્યારે કદાચ કલ્પના પણ કરી નહીં હોય કે તેઓ એક દિવસ જાહેર જીવનમાં ટોચ ઉપર હશે. ગામમાં ખેતી કરતો માણસ અને બળદ જેવા પશુઓ સાથે વાત કરતાં કરતાં સુરત આવી ચઢેલા ગોવિંદ ધોળકિયાનું ‘પ્રારબ્ધ’ અને પુરૂષાર્થ તેમને સમાજ જીવનમાં ટોચ ઉપર લઈ આવ્યા છે. ગોવિંદ ધોળકિયાએ તેમના ધંધાના વિકાસની સાથે સમાજ વિકાસની પણ ખેવના કરી છે. પોતે ભલે શિક્ષણથી વંચિત રહ્યાં પરંતુ આવનારી પેઢી શિક્ષણથી વંચિત રહેવી જોઈએ નહીં આ તેમની હંમેશની ‘ખેવના’ રહી છે. પોતે આજે અઢળક સંપત્તિનાં માલિક હશે પરંતુ હજુ તેઓ ગામડાંની શેરી, ખેતર અને આદિવાસી વિસ્તારોમાં જીવતા લોકોનાં જીવનથી એટલા જ વાકેફ છે.

કારણ કે પોતે આવું જીવન જીવી ચૂક્યા છે અને એટલે જ તેમને વાત વાતમાં લોકોને મળવાનું મન થાય છે. ગમતાં માણસને બોલાવીને સાથે બેસીને જમવાની ઈચ્છા થઈ આવે છે અને તેઓ તેનો અમલ પણ કરતાં આવ્યા છે. આજે પણ તેમને ત્યાં કોઈને કોઈ મહેમાનની હાજરી અવશ્ય હોય જ. મતલબ ગોવિંદ ધોળકિયા મોટા માણસ બનવાને બદલે ‘સામાન્ય’ બનીને જીવવા માંગે છે. પરંતુ ‘પ્રારંબ્ધ’નાં પાસા બદલી શકાતા નથી. સાથે જ ‘પુરૂષાર્થ’ પણ હોવાથી પ્રારબ્ધને રોકી શકાતું નથી. અન્યથા રાજ્યસભાની બેઠક માટે ગોવિંદ ધોળકિયાની પસંદગી કઈ રીતે કરવામાં આવે?! કારણ કે, તેઓ રાજકીય પક્ષનાં માણસ નથી અને તેમ છતાં તેઓ આવનારા દિવસોમાં રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્ય તરીકે બેસતા જોવા મળશે!

ઘણાં લોકોએ સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટ પણ કરી કે, રામ મંદિર માટે ૧૧ કરોડનાં કરેલા દાનની આ ‘પ્રસાદી’ મળી છે. મતલબ આવી કોમેન્ટ કરનારાને કદાચ એ ખબર નહીં હોય કે રામ મંદિરને કરોડો રૂપિયાનું દાન આપનારા ઘણાં દાનવીરો પૈકીનાં ગોવિંદ ધોળકિયા એક હતા.
ગોવિંદ ધોળકિયાની જીવનયાત્રા વર્ણવતું તાજેતરમાં એક પુસ્તક પ્રસિદ્ધ કરાયું હતું. આ પુસ્તકમાં ગોવિંદ ધોળકિયાએ તેમના જીવન સાથે વણાયેલી તમામ ઘટનાઓ, વાતોને સાવ સહજતાથી વર્ણવી છે.
ગોવિંદ ધોળકિયાએ તેમની જીવનયાત્રામાં બધી જ વાતો પેટછુટ્ટી કરી છે. તેમનું બાળપણ ખેતર, વાડી, શાળા, ધીંગામસ્તી અને ગામમાં પ્રસુ‌િત કરાવવાનું કામ કરતી ‘દાયણ મણિમા’ને પણ યાદ કર્યા છે. ગોવિંદ ધોળકિયાએ ઝૂંપડામાં રહેતા પરિવારની ગરીબી પણ જોઈ છે અને શેઠનાં ઘરની ‘અમીરી’ પણ જોઈ છે અને એટલે જ તેઓ ‘ગીતાનાં શ્લોક’ને હંમેશા ગણ ગણાવતા રહે છે.

કરોડોનો કારોબાર છતાં પેલો દુધાળા ગામનો ‘ગોવિંદ’ આજે પણ અકબંધ છે. ગોવિંદ ધોળકિયાને નજીકથી ઓળખતા લોકો તેમની નમ્રતા, તેમનામાં ભરેલી કરૂણા, તેમની સાદાઈને સારી રીતે જાણે છે. પરંતુ ઉદ્યોગજગત માટે તેઓ આજે એક ‘સેલિબ્રીટી’ છે તેઓ રતન ટાટા ઈસરોના વૈજ્ઞાનિકો અને વૈશ્વિક જગતના લોકો સાથે સંબંધો અને સતત સંપર્કો ધરાવે છે. વૈશ્વિક વેપાર જગતમાં તેમની શાખ છે અને તેમના શબ્દોની નોંધ લેવામાં આવે છે. લોકો તેમના શબ્દોમાં ભરોસો મુકે છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદકાકા ઉર્ફે ગોવિંદ ભગત ઉર્ફે ગોવિંદ ધોળકિયાને રાજ્યસભામાં લઈ જવાનો કરેલો નિર્ણય યથાયોગ્ય રહેશે. આવનારા દિવસોમાં ધરતીનો માણસ દિલ્હી ખાતે રાજ્યસભામાં બેસીને વિચારો અને કર્મોની સુવાસ ફેલાવતો હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદકાકાએ ડાંગ જિલ્લાના ૩૧૧ ગામડાઓમાં હનુમાનજીના મંદિરો બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આ પૈકી ૫૭ મંદિરો બનાવી દીધા છે.

આ પણ વાંચો :-