અમિત શાહના નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને પાઠવ્યું સમન્સ

Share this story

દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવન્ત રેડ્ડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી વીડિયોના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે રેવન્ત રેડ્ડીને ૧ મેના રોજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે.

રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વીડિયો પણ શેર કર્યો હતો. પોલીસે નોંધેલી FIRમાં અમિત શાહનો એડિટેડ વીડિયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં IPCની કલમ ૧૫૩/૧૫૩A/૪૬૫/૪૬૯/૧૭૧G અને IT એક્ટની કલમ ૬૬C હેઠળ FIR નોંધવામાં આવી છે.

આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે. પીટીઆઈના ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શાહનો નકલી વીડિયો ફેલાવવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (૧૪C) એ ફરિયાદ નોંધાવી છે. ઇન્ડિયન પીનલ કોડ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે આ કેસમાં દેશભરમાં ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચો :-