સૌરાષ્ટ્રનાં જગપ્રસિદ્ધ ‘બાપા સીતારામ’ બગદાણા ધામનાં પ્રહરી મનજીબાપાનો અનંતનાં માર્ગે પ્રયાણ

Share this story
  • બજરંગદાસ બાપુએ ફરકાવેલા ધર્મનાં વાવટાનાં દંડને વધુ મજબૂત બનાવવા સાથે સદાવ્રતની પરંપરાને મનજીબાપા વધુ ઊંચાઈએ લઈ ગયા હતા
  • યુવાવયથી બજરંગદાસ બાપુનાં કૃપાપાત્ર મનજીબાપાએ સમગ્ર જીવન બગદાણા ધામને અર્પણ કરી દીધું હતું અને છેલ્લાં શ્વાસ સુધી બાપાનું સ્મરણ કરતાં રહ્યા હતા
  • હજુ થોડા દિવસ પહેલાં જ મનજીબાપા સુરત આવ્યા હતા અને લોકોને બગદાણા ધામની મુલાકાતે આવવા વારંવાર આગ્રહ કરી રહ્યા હતા, કદાચ આ આગ્રહ પાછળ પણ કોઈ સંકેત હશે
  • મનજીબાપા વ્યવસ્થાનાં એક ભાગરૂપે બગદાણા ધામનાં મેનેજી‍ંગ ટ્રસ્ટી હતા પરંતુ હકીકતમાં તેઓ સંત પુરૂષ હતા; વડાપ્રધાન મોદીએ પણ પોતે વિદેશ પ્રવાસે હોવા છતાં મનજીબાપાનાં નિધન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી
જગપ્રસિદ્ધ સંત અને ‘બાપા સીતારામ’નો દુનિયામાં સંદેશો વહેતો કરનાર સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાનાં ખોબા જેવડા છતાં વિશ્વ વિખ્યાત બગદાણા ધામનાં સંત બજરંગદાસ બાપાએ પ્રભુ ભક્તિની જગાવેલી આહલેકને પગલે આજે બગદાણા ગામ ‘બગદાણા ધામ’ના નામથી ઓળખાઈ રહ્યું છે. બજરંગદાસ બાપા દેવ થઈ ગયાને લગભગ ૪૭ વર્ષ થઈ ગયા, પરંતુ બજરંગદાસ બાપાએ માનવધર્મ અને અન્‍નક્ષેત્રની જ્યોત આજે પણ પ્રજવ‌િલ્લત ઝળહળી રહી છે. બગદાણા ધામમાં સતત સદાવ્રત ‘અન્‍નક્ષેત્ર’નો દોર દાયકાઓથી યથાવત વહી રહ્યો છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ બજરંગદાસ બાપાનાં બગદાણા ધામમાં આવેલો દર્શનાર્થી ભૂખ્યો જતો નથી. સેંકડો લોકોની ભોજન વ્યવસ્થા કોણ કરે છે? ભંડારો ક્યાંથી આવે છે? આ બધુ આજે પણ રહસ્યમય છે. બજરંગદાસ બાપા સ્વયં મીજાજી હતા. તેમના આશ્રમમાં ઊંચ, નીચ, વર્ણ, જ્ઞાતિનો કોઈ જ ભેદભાવ નહોતો. કુંવારી દિકરીઓ તેમને ખુબ વહાલી હતી. બજરંગદાસ બાપા પાસે કોઈ મિલકત કે ખજાનો નહોતો. તેમ છતાં કુબેર કરતાં તેમનો ભંડાર મોટો હતો. તહેવારોનાં શોખીન બજરંગદાસ બાપાનાં આશ્રમમાં લગભગ રોજેરોજ તહેવારોની ઉજવણી, સંતો, મહંતોનું આગમન અને ભજનોની સરવાણી સતત વહેતી રહેતી હતી.
બજરંગદાસ બાપાનો ઈતિહાસ હજુ નજર સામેની ઘટનાઓ છે. વર્તમાન પેઢીનાં અનેક લોકોએ બજરંગદાસ બાપાની રૂબરૂ મુલાકાત અને દર્શન કર્યા હશે. અલગારી મીજાજનાં બજરંગદાસ બાપાની એક એક વાતો અને નિર્ણયો આશ્ચર્ય ચકીત કરી દે તેવા હતા. તેમની પાસે એક માટીનું કાચા મકાન સિવાય કોઈ મિલકતો નહોતી પરંતુ તેમની સદ્‍ગુરૂની ભક્તિ ખુબ મોટી હતી. બાપા એવા કોઈ અહંકારી સંત પણ નહોતા. તેઓ લોકોની વચ્ચે જ બેસતા અને લોકોની પંગતમાં બેસીને ભોજન કરતા હતા.
એક વખત એટલે કે ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ સમયે સરકારને મદદ કરવા પોતાનો આશ્રમ વેચી દીધો હતો!
બજરંગદાસ બાપા પોતે ચમત્કારોમાં માનતા નહોતા. પરંતુ તેમના એક એક નિર્ણય ચમત્કારોથી ઓછા નહોતા અને એટલે જ આજે દેશ, દેશાવરમાં બજરંગદાસ બાપાનાં નામનો જયઘોષ થઈ રહ્યો છે. કોઈ ગામ કે શહેર એવું નહીં હોય કે જેના પાદરમાં બજરંગદાસ બાપાનો ઓટલો (મઢુલી) નહીં હોય. અનેક સંસ્થાઓ બજરંગદાસ બાપાનાં નામથી ચાલી રહી છે. ‘બાપા સીતારામ’…નો ગુંજરતો કરેલો નાદ આજે ચારેતરફ સંભળાઈ રહ્યો છે અને હવે તો લોકો સામાન્ય બોલચાલમાં પણ ‘બાપા સીતારામ’નો ઉપયોગ કરી રહ્યાં છે.
ખેર, આવી વટવૃક્ષ જેવી દૈવીતત્વ ધરાવતી સંસ્થા બગદાણા ધામનાં પ્રહરી અને બજરંગદાસ બાપાએ ચાતરેલા ચીલાને આગળ ધપાવનાર અને આખી જી‍ંદગી બગદાણા ધામને શરણે ધરી દેનાર સંતપુરૂષ મનજીદાદાનું ગઈકાલે પ્રભુસ્મરણ કરતાં કરતાં નિધન થયું હતું અને આજે ગુરૂવાર તા.૧૫ ફેબ્રુઆરીનાં રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ઠેર-ઠેરથી બજરંગદાસ બાપુનાં અનુયાયીઓ, શ્રદ્ધાળુઓ સદ્‍ગતને અંતિમ અંજલી આપવા ઉમટી પડ્યા હતા અને સેંકડો લોકોની અશ્રૃભીની શ્રદ્ધાંજલિ સાથે મનજીબાપા પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા હતા.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદ્‍ગત મનજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદેશ પ્રવાસ દરમિયાન મનજીબાપાનાં નિધનની જાણ થતાં વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરવા સાથે મનજીબાપાનાં બજરંગદાસ બાપા અને બગદાણા ધામની સેવાની જ્યોત સતત પ્રજવલ્લીત રાખવાની તેમની અંતરની ધગશની સરાહના કરી હતી.
ઘણાં લોકો તેમને મનજીબાપા કહેતા હતા તો ઘણાં મનજી દાદા કહેતા હતા. થોડા દિવસ પહેલા મનજીબાપા સુરત પધાર્યા હતા. તેમના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાની દિકરીનાં લગ્નનો પ્રસંગ હતો. આ સમયે મનજીબાપા સંપૂર્ણ તંદુરસ્ત હતા અને લોકોને આગ્રહ કરી કરીને બગદાણાનાં દર્શને આવવા ભારપૂર્વક કહી રહ્યાં હતા. કદાચ આ તેમના ભારપૂર્વકનાં આગ્રહ પાછળ જરૂર કોઈક સંકેત હશે.
અને મનજીબાપાએ જાણે જીવનલીલા સંકેલી લેવાનું નક્કી કરી લીધું હોય તેમ સામાન્ય માંદગીમાં સપડાયા હતા અને ગણતરીનાં દિવસોમાં ગુરૂ બજરંગદાસ બાપા અને સીતારામનું સ્મરણ કરતાં કરતાં અનંતનાં માર્ગે ઉપડી ગયા હતા. મનજીબાપા ખુબ જ નાની વયથી બગદાણા ધામમાં જોડાયા હતા અને બજરંગદાસ બાપાનાં કૃપાપાત્ર હતા. તેઓ કહેવા ખાતર બગદાણા ધામનાં મેનેજી‍ંગ ટ્રસ્ટી હતા, પરંતુ હકીકતમાં સંતપુરૂષ હતા. બદલાયેલુ રાજકારણ કે બદલાયેલા સમય, સંજોગોની તેમની ઉપર કોઈ જ અસરો નહોતી અને એટલે જ મનજીબાપાએ બજરંગદાસ બાપાએ ફરકાવેલી ધર્મધજાને ઊંની આંચ પણ આવવા દીધી નહોતી અને જી‍ંદગીનાં અંતિમ શ્વાસ સુધી બજરંગદાસ બાપાએ ચિંધેલા માર્ગે અડગ મનથી આગળ ધપતા રહ્યાં હતાં અને ધર્મધજાનાં દંડને અડીખમ અને વધુ મજબૂતીથી ટકાવી રાખ્યો હતો.
મનજીબાપાની વિદાયે અનેક શ્રદ્ધાળુઓને વ્યાકુળ બનાવી દીધા હતા તથા કેટલાંક લોકોએ બજરંગદાસ બાપાની ગાદી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી પરંતુ મનજીબાપાએ એવી વ્યવસ્થા ઊભી કરી છે કે, સૌકાઓ સુધી બગદાણા ધામની ધજા ફરકતી રહેશે. બજરંગદાસ બાપાએ આપેલો ‘બાપા સીતારામ’નો જયઘોષ આકાશમાં ગુંજતો રહેશે.
આ પણ વાંચો :-