સુરત: બાળકો અને મહિલાઓની સુરક્ષા તથા તેમના અધિકારો અંગે જાગૃતિ વધારવાના હેતુથી પી.પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી ખાતે પ્રિન્સિપાલ ડૉ. રિતેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ સુરત પોલીસના સહયોગથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અને 73થી વધુ સ્ટાફ સભ્યોને બાળ સુરક્ષા, પોક્સો એક્ટ તથા ઉપલબ્ધ સરકારી સહાય સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સુરત પોલીસના મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ તથા બાળ સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને POCSO Act, Child Safety, Good Touch–Bad Touch, અજાણ્યા કે અયોગ્ય વ્યક્તિઓથી સાવચેતી, પોતાની સુરક્ષા માટે જરૂરી પગલાં તથા મુશ્કેલીના સમયે મદદ મેળવવાની પ્રક્રિયા અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. બાળકોને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે શોષણનો સામનો કરવો પડે ત્યારે મૌન ન રહેવા અને વિશ્વાસુ વ્યક્તિ તથા યોગ્ય સરકારી તંત્રનો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ACP શ્રી મીની જોસેફ, મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર; PI એન.એલ. દેસાઈ, Investigation Unit for Crime Against Women, Crime Branch; ASI વૈશાલીબેન દેવરે; ASI નિકિતા કિરીટભાઈ, સિંગણપોર પોલીસ સ્ટેશન; મહેશ વી. પરમાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, DHEW મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સુરત; મનિષાબેન આહીર, કાઉન્સેલર; ASI ભાવનાબેન ચૌધરી, મહિલા અભયમ 181 તથા કાંતાબેન જોગડિયા, DLSA PLV અને POCSO સપોર્ટ પર્સન, બાળ સુરક્ષા એકમ (DCPU) ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓને પોલીસની હેલ્પલાઇન, બાળ સુરક્ષા સેવાઓ અને ફરિયાદ બાદની ન્યાય પ્રક્રિયા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષકો અને સ્ટાફને અભયમ 181, વિધવા સહાય યોજના, પ્રી-મેરેજ કાઉન્સેલિંગ સહિતની ઉપયોગી સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી શ્રીમતી માનસી સવાણી, શ્રીમતી રિદ્ધિ સવાણી તેમજ દિવ્યા સવાણી અને સમગ્ર શાળા મેનેજમેન્ટે સક્રિય સહયોગ આપ્યો હતો.
પી.પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીએ આ કાર્યક્રમ દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે બાળકો અને મહિલાઓની સંપૂર્ણ સુરક્ષા માત્ર એક સંસ્થા કે એક વિભાગની જવાબદારી નથી. પોલીસ તંત્ર અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને સતત જાગૃતિ અને સુરક્ષાનું કાર્ય કરે તો જ દેશના બાળકો અને મહિલાઓને વધુ સુરક્ષિત વાતાવરણ આપી શકાય.
