Home Blog Page 487

સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી

0

સુપ્રીમ કોર્ટમાં આજે બુધવારે નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરાશે. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ આજે સુનાવણી માટે સૂચિબદ્ધ હોવાનું કહેવાય છે. તેની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે. વિશ્વનાથનની બેંચ દ્વારા એક સાથે 10 અરજીઓની સુનાવણી કરવામાં આવશે. જ્યારે બાદમાં થયેલી અરજીઓની સુનાવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવી શકે છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદાથી વકફ મિલકતોનું અસામાન્ય સંચાલન થશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

વકફ સંશોધન અધિનિયમ-2025ની કાયદેસરતાને પડકારતી 20થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મોટાભાગની અરજીઓ કાયદાની વિરુદ્ધ છે, જોકે કેટલીક અરજીઓ કાયદાને સમર્થન પણ આપે છે. આવી બે અરજીઓ પણ છે જેમાં મૂળભૂત વકફ કાયદા, વકફ એક્ટ 1995ને પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

બુધવારની સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેટલીક અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 પર વચગાળાનો સ્ટે માંગવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેવિયેટ પણ દાખલ કરી છે જેથી સુપ્રીમ કોર્ટ એકપક્ષીય સુનાવણી કરીને કોઈ વચગાળાનો આદેશ ન આપે. કોર્ટે કોઈપણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ.

જ્યારે સાત રાજ્યો, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારોએ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને વકફ સુધારા કાયદાને ટેકો આપ્યો છે. આ ઉપરાંત, કેટલીક એવી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે જેમાં વકફના મૂળભૂત કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓમાં નવા સુધારેલા કાયદાની જોગવાઈઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે વકફ સુધારો અધિનિયમ 2025 બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ અરજીઓ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈનો પણ વિરોધ કરે છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં દિલ્હી-NCR ક્ષેત્ર સહિત ભારતના કેટલાંક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ આ માહિતી આપી હતી.

NCS અનુસાર, ભૂકંપ 75 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. 5.9ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો મજબૂત માનવામાં આવે છે. ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની નજીક. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.

ભૂકંપના આંચકા વહેલી સવારે 4:44 વાગ્યે અનુભવાયા હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી ઊઠી ગયા હતા. ભારતમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ આફ્ટર શૉક અનુભવાયા હતા.

અભિયાન માટે પેડલ પેરી સમાજ જાગૃતિ ફેલાવતાં સાઇકલિસ્ટ્સ સુરત પહોંચ્યા

પ્રિયા અને પ્રદીપ, જે હાલ રાષ્ટ્રવ્યાપી સાઇકલ યાત્રા પર છે, તેઓ સંદેશ આપતી આ યાત્રાના ભાગરૂપે સુરત પહોંચ્યા. તેમની યાત્રાનો મુખ્ય હેતુ છે. મહત્વપૂર્ણ બે સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવી.

પ્રિયા વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે મેનસ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ વિષયક જાગૃતિ ફેલાવી રહી છે, જ્યારે પ્રદીપ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોમાં પર્યાવરણ મૈત્રી પ્રવૃત્તિઓ અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે.

આ બંનેના ઉમદા પ્રયાસને સપોર્ટ કરવા માટે સુરતમાં ઓમેગા હોસ્પિટલના સહયોગથી એક સમૂહ સવારી (ગ્રુપ રાઈડ)નું આયોજન કરવામાં આવ્યું. આ એક કલાકની રાઈડ દરમિયાન, શહેરના સાઇકલિસ્ટ્સ અને જનતામાં આ અભિયાનનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.

સુરત ખાતે યોજાયેલી આ ઇવેન્ટનું નેતૃત્વ બાઇસિકલ મેયર અનિલ માર્દિયા જૈન, અનુ અનિતા વૈદ અને ડો. અમી યાગ્નિકે કર્યું હતું અને તેઓએ સમગ્ર કાર્યક્રમના સંકલન અને પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ રાઈડમાં આશરે ૭૦ સાઇકલિસ્ટ્સ જોડાયા અને પ્રિયા તથા પ્રદીપના આ પ્રેરણાદાયક મિશનને દિલથી સમર્થન આપ્યું. સુરતની ધરતીએ વધુ એકવાર સાબિત કર્યું કે સમાજ માટે કરેલા ઉમદા પ્રયત્નોને હંમેશા ઉર્જાવાન સાથ મળે છે.

મેદસ્વિતા ઓછું કરવા રાજ્ય સરકારનું અભિયાન, સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત

આજના ઝડપી અને તનાવભરી જીવનશૈલીમાં જ્યાં ફાસ્ટ ફૂડનો વધતો પ્રભાવ, બેઠાડું કામ અને વ્યાયામનો અભાવ સામાન્ય બની ગયા છે, ત્યારે મેદસ્વિતા એક ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા બની ગઈ છે. તે માત્ર શારીરિક દેખાવની સમસ્યા નથી, પણ અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર આઠ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ વજન કરતા વધુ વજન ધરાવે છે અને ૧૬ ટકા લોકો મેદસ્વિતા ધરાવે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમણે ભોજનમાં ૧૦ ટકા તેલ ઓછું કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સ્વસ્થ ચુસ્તદુરસ્ત રહેવા માટે દેશવાસીઓને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવા અને આહારશૈલીમાં બદલાવ લાવવાનું સૂચન કર્યું છે.

‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જનજાગૃત્તિ સાથે રાજ્ય સરકાર મેદસ્વિતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી પણ ચલાવશે.

મેદસ્વિતા (Obesity) એટલે શું?
મેદસ્વિતા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ચરબીની અતિશયતા રહે છે. જ્યારે વ્યક્તિનું વજન તેમનાં ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વધુ હોય અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) 30 કે તેથી વધુ હોય, ત્યારે તેને મેદસ્વી માનવામાં આવે છે.

મેદસ્વિતાના કારણો
અસંતુલિત આહાર – વધુ કૅલરીયુક્ત અને ચરબીયુક્ત ખોરાક.
શારીરિક વ્યાયામ, હલનચલનનો અભાવ – નિયમિત કસરત કે ચાલવાની ટેવ ન હોવી.
માનસિક તણાવ – જેના કારણે ઘણીવાર લોકો ઓવરઈટિંગ કરે છે.
જાતીય, આનુંવાંશિક કારણો – કેટલાક લોકોમાં વંશપરંપરાગત રીતે વજન વધવાની પ્રકૃતિ હોય છે.
હોર્મોન્સ અને દવાઓ – થાઈરોઇડ જેવા હોર્મોનલ રોગો કે કેટલીક દવાઓનું સેવન.

જોખમો અને પરિણામો
મેદસ્વિતાને લીધે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, બાળપણથી જ વધતી જતી મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે જેમ કે, હ્રદયરોગ, ટાઈપ ટુડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, ઘૂંટણ અને પગના સાંધાનો દુ:ખાવો, હોર્મોન્સમાં અસંતુલન, નિદ્રાવિકાર (Sleep Apnea), આત્મવિશ્વાસમાં ઘટાડો, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન

નિવારણ અને ઉપાય:
સંતુલિત આહાર – તાજા શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત અનાજ તથા ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો.
નિયમિત વ્યાયામ – ચાલવું, દોડવું, યોગ કે સ્વિમિંગ કરવું
પાણીનું પૂરતું સેવન – દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું
માનસિક શાંતિ – ધ્યાન (meditation) અને તણાવ નિવારણ માટે યોગ, ચાલવું, વહેલું ઉઠવું અને સારા પુસ્તકોનું વાંચન
નિયમિત આરોગ્ય ચકાસણી – દર વર્ષે એકવાર સંપૂર્ણ હેલ્થ ચેકઅપ

સગર્ભા મહિલાઓ વિશેષ કાળજી લે
જો ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો ભવિષ્યમાં તમારા બાળકમાં મેદસ્વિતાનું જોખમ ૫૨% વધી જાય છે. આ આંકડો પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ (PLOS)ના સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યો છે. જ્યારે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભવિષ્યમાં આવા બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ૪૦ % સુધી વધી જાય છે.

બાળકો મેદસ્વી બને નહીં તે માટે ખાસ આટલું ધ્યાન રાખો
સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો
પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક આપવાનું ટાળો
રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક ખોરાક આપો
તાજા ફળો અને શાકભાજી ખવડાવો
મેંદાવાળી ચીજવસ્તુઓ, મીઠાઈઓ, નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંકથી દૂર રાખો

અમદાવાદમાં ખ્યાતિકાંડના કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ

અમદાવાદના ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે 6 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં 30 મહત્વના સાક્ષીઓના નિવેદન છે. આ કેસમાં અગાઉ 8 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. ખ્ચાતિ હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હવે તેની સામે ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ ફાઈલ કરી છે. 6 હજારથી વધુ પાનાની આ ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરાયો છે. 164 મુજબ સાત વ્યક્તિઓના નિવેદન લેવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. 20 ઈલેક્ટ્રોનિક પુરાવા ક્રાઈમ બ્રાંચે કબ્જે કર્યા છે. પીએમજયની એએસઓપી અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યાં છે. આ ચાર્જશીટમાં સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.

શું હતો મામલો

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.

હૉસ્પિટલમાંથી બાળકોની ચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, જાણો

0

સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના વધતા કેસોને નિયંત્રિત કરવા માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમજ અનેક અવલોકનો કર્યા છે. રાજ્ય સરકારોને તેનો અમલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારોને નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જેમાં કહ્યું છે કે સૌ પ્રથમ જે હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થાય છે તેનું લાઇસન્સ રદ કરવું જોઈએ.

આ સમગ્ર કેસની વિગત મુજબ વારાણસી અને તેની આસપાસની હોસ્પિટલોમાં બાળકોની ચોરીના કેસોના આરોપીઓને 2024 માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાળકોના પરિવારોએ આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે પોતાનો વ્યાપ વધાર્યો હતો. કોર્ટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને ભારતીય વિકાસ સંસ્થા પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

તાજેતરના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે આરોપીના જામીન રદ કર્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ એક દેશવ્યાપી ગેંગ હતી. તેના ચોરાયેલા બાળકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ મળી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને સમાજ માટે ખતરો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જામીનના આદેશને પડકાર ન આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની પણ ટીકા કરી છે.

સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસમાં ભારતીય સંસ્થા દ્વારા આપવામાં આવેલા સૂચનોને પોતાના નિર્ણયમાં સામેલ કર્યા છે અને તમામ રાજ્ય સરકારોને તેને વાંચવા અને અમલમાં મૂકવા કહ્યું છે. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું છે કે જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં આવે છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે, તો સૌ પ્રથમ સરકારે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવું જોઈએ. આનાથી બાળકોની ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળશે.

અમરેલીના ધારીમા લક્ઝરી પલટતા અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ

અમરેલી જિલ્લાના ધારીમા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલાના અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે ચલાલા જતી ખાનગી બસને અકસ્માત નડયો. મોડી રાત્રે ખાનગી બસને અકસ્માત નડતા લોકોની ભીડ ભેગી થઈ. સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો. મોડી રાત્ર અકસ્માત થતા ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા.

દરમિયાન પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. ધારીના ચલાલા નજીક ખાનગી બસની અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઇજાઓ પંહોચી છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી સ્થિતિ કાબુમાં લીધી અને ઘાયલ 18 મુસાફરોને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘાયલ 18 મુસાફરોને સારવાર માટે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ મુસાફર અત્યારે ગંભીર સ્થિતિમાં હોય તેવું સામે આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગરમીમાં બરફનું પાણી પીવાથી થઇ શકે છે આ પાંચ સમસ્યાઓ, જાણો

ઉનાળાની ઋતુ શરૂ થતા જ લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરવા લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ડ્રિંક પીવે છે, જેમાં ઠંડું પાણી, લસ્સી, છાશ, જ્યુસ, નાળિયેર પાણી વેગેરે સામેલ છે.

ઉનાળામાં તરસ છીપાવવા માટે લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. ઠંડુ પાણી પીવાથી શરીરને તરત જ ઠંડક મળે છે અને શરીરને તાજગી મળે છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઇએ. પરંતુ ઘણા લોકો ઉનાળાની ઋતુમાં બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. ડાઇટ્રીફિટના ડાયેટિશિયન અબરના મેથ્યુવને જણાવ્યું હતું કે ઉનાળામાં બરફનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?

ડાયેટિશિયન અબરના મેથ્યુવનના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ઘણીવાર બરફનું પાણી પીવે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે અથવા પાણીમાં બરફ નાખીને પીવે છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું સારું લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આના કારણે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

બરફનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખરેખર તો ઠંડા પાણીને પચવામાં ઘણો સમય લાગે છે. તે ખોરાકની પાચન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. જો તમે ભોજન કરતી વખતે ઠંડા પાણીનું સેવન કરો છો, તો શરીર તે ઉર્જાનો ઉપયોગ ખોરાકને પચાવવાને બદલે પાણીનું તાપમાન સામાન્ય કરવા માટે કરે છે. માટે તમારે ભોજન કરતી વખતે ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઇએ.

ગળાની સમસ્યાઓ
બરફનું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ લાળ ઉત્પન્ન થાય છે. જેનાથી ગળામાં દુખાવો, કફ, શરદી અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોને શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે બરફનું પાણી પીવાનું ટાળવું જોઈએ.

માથાનો દુખાવો
તડકામાંથી આવ્યા બાદ બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની નસો ઠંડી પડે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાઇનસની સમસ્યાથી પીડાતા લોકોએ બરફનું પાણી ક્યારેય પીવું ન જોઇએ. જેનાથી તેમની હાલત ગંભીર થઇ શકે છે.

પાઇલ્સ
જો તમે લાંબા સમય સુધી બરફનું પાણી પીતા રહો છો તો તે પાઇલ્સનું કારણ બની શકે છે. અતિશય ઠંડીમાં વસ્તુઓ થીજી જવાનું શરૂ કરે છે. એ જ રીતે બરફનું પાણી પીવાથી મળ કઠણ બની જાય છે, જે પાઇલ્સનું કારણ બની શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી આંતરડામાં ઘા પણ થઈ શકે છે. આ કારણે તમને મળમાં લોહી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પાણીની ઉણપ
બરફનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ખરેખર તો બરફનું પાણી તરસ છીપાવે છે. આવી સ્થિતિમાં થોડું પાણી પીધા પછી પણ તમને પાણી પીવાનું મન નહીં થાય. તેનાથી તમે ઓછું પાણી પીશો, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

ભારતનું નવું લેઝર હથિયાર કેમ ડ્રોન-મિસાઇલને પળભરમાં કરશે રાખ? DRDO એ ગણાવી ખાસિયતો

ભારતનું નવું લેઝર સિસ્ટમ એટલું શક્તિશાળી છે કે તે ડ્રોન, મિસાઇલ અને જાસૂસી સેન્સરોને પળભરમાં રાખમાં ફેરવી શકે છે. તાજેતરમાં DRDO એ તેનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. 30-કિલોવોટ લેઝર આધારિત ડિરેક્ટેડ એનર્જી વેપન (DEW) Mk-II (A) સિસ્ટમના પરીક્ષણ સાથે ભારત હવે તે દેશોમાં સામેલ થઈ ગયું છે, જેમના પાસે આ શક્તિશાળી લેઝર હથિયાર સિસ્ટમ છે.

આ હથિયારની સૌથી ખાસ વાત એ છે કે તે દુશ્મનને જવાબ આપવા માટે કોઈ ગોળા-બારૂદ કે રોકેટનો ઉપયોગ નથી કરતું, માત્ર લાઈટ (પ્રકાશ) વડે હુમલો કરે છે. આ લેઝર સિસ્ટમને ડિઝાઇન કરવામાં DRDOના હાઈ-એનર્જી સિસ્ટમ્સ સેન્ટર CHESS અને દેશના અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનું પરીક્ષણ સફળ રહ્યું અને તેણે ડ્રોનને પડી હાંકી દીધો, તેમજ દુશ્મનના સેન્સરો અને દેખરેખ માટેના એન્ટેના પણ નષ્ટ કરી નાખ્યા.

આ કેમ કામ કરે છે, તે સમજીએ. સૌથી પહેલાં તેમાં લાગેલ ઇનબિલ્ટ ઇલેક્ટ્રો ઑપ્ટિક (EO) સિસ્ટમ લક્ષ્યની ઓળખ કરે છે. ત્યારબાદ DEW પ્રકાશની ઝડપે લક્ષ્ય પર હુમલો કરે છે અને લેઝર બીમથી તેને કાપી નાખે છે. જો લેઝર બીમ સીધા વોર્હેડ (warhead) પર મારે છે તો પરિણામો વધુ અસરકારક હોય છે. લાઇટ વડે હુમલો થતો હોવાથી સૈનિકો માટે તેનો ઉપયોગ ખૂબ સરળ બને છે. તે એક સાથે આવતા ડ્રોનના જૂથને પણ પળભરમાં નષ્ટ કરી શકે છે.

નવું લેઝર સિસ્ટમ ખાસ કરીને એ ઓપરેશનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જ્યાં અવાજ વિના ઓપરેશન કરવું જરૂરી હોય. આ હથિયાર કોઈ અવાજ કે ધુમાડા વિના દુશ્મનના લક્ષ્યને નષ્ટ કરી શકે છે. યુદ્ધના મેદાનમાં ઝડપથી દુશ્મનના ડ્રોનનો ખાતમો કરી શકે છે.

ભારત અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શક્તિશાળી હથિયારો તૈયાર કરી રહ્યો છે. DRDOના ચેરમેન સમીર વી કામતે જણાવ્યું છે કે, આ તો માત્ર શરૂઆત છે. ભારત એવા હથિયારો પર કામ કરી રહ્યો છે જે “સ્ટાર વોર્સ” જેવી પાવર આપી શકે. તેમનાં નિવેદનથી સ્પષ્ટ છે કે ભારતીય સેનાને આવનારા સમયમાં આવા હથિયારો મળશે જે દુશ્મનને ચોંકાવી દેશે અને દેશને સુરક્ષા આપશે.

DRDOએ પોતાની વિજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જણાવ્યું કે, Mk-II (A) DEW સિસ્ટમે લાંબી અંતર પર ફિક્સ્ડ વિંગ ડ્રોનને નિશાન બનાવીને તોડી પાડ્યા. અનેક ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા. દુશ્મનના સેન્સરો અને એન્ટેનાને નષ્ટ કરીને પોતાની ક્ષમતા દર્શાવી. લક્ષ્ય સુધી વિજળીની જેમ થતી ઝડપ, ચોકસાઈ અને મારક ક્ષમતા એ સિસ્ટમને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ બનાવે છે.

DRDOનું કહેવું છે કે ઓછી કિંમતવાળા ડ્રોન હુમલાઓને રોકવાની જરૂરિયાત વિશ્વભરના સૈન્ય સંગઠનોને DEW અપનાવવા માટે પ્રેરણા આપી રહી છે. આ લેઝર ફાયરિંગની માત્ર થોડા સેકન્ડ્સની કિંમત થોડા લિટર પેટ્રોલ જેટલી હોય છે. એટલે કે, આ હથિયાર લક્ષ્યને નષ્ટ કરવા માટે એક ખૂબ જ ઓછી કિંમતવાળો વિકલ્પ બની શકે છે.

નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતીથી જીવંત બન્યું જીવન : પ્રદિપભાઈ નેતા

0

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીએ ગતિ પકડી છે. અનેક ખેડૂતો આખેતી તરફ વળ્યા છે, આજે વાત કરીએ એવા ખેડૂતની જેમણે ઓએનજીસીમાં ૩૫ વર્ષ ઈજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે. આવકમાં પણ વૃદ્ધિ થઇ અને આરોગ્ય પણ જાળવણી થઇ છે. સાથોસાથ ગામના 10 લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

મહુવા તાલુકાના વાછાવડ ગામના પ્રદિપભાઈ લાલભાઈ નેતા ૨૨ વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત 40 પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂ.10 લાખની આવક મેળવી રહ્યા છે. પોતાના દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લીધી હતી. કારણ કે દાદા ગાયના છાણ આધારિત ખેતી કરતા હતા. હવે દાદાનો વારસો આગળ વધારી રહેલા પ્રદિપભાઈએ પણ જમીનને રાસાયણિક ખાતરમુક્ત બનાવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, “છાણ આધારિત ખાતર, જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, અને જંગલ મોડલ ખેતીના કારણે જમીનની ગુણવત્તા અને પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. શેરડીમાં 30 દિવસ સુધી પાણી આપવાની પણ જરૂર રહેતી નથી. જમીનની તંદુરસ્તી જાળવવી એ લાંબા ગાળે કૃષિનો ખરો વિકાસ છે.”

પ્રદિપભાઈએ 22 વીઘામાં કેસર કેરીના 600થી વધુ આંબા, સફેદ જાંબુ, કાળા જાંબુ, લાંબા ચીકૂ, અંજીર, વેલવેટ એપલ, એપલ બોર જેવી લગભગ 40 પ્રકારની ફળોની જાતોનું વાવેતર કરી ઉછેર્યા છે. આંતરપાક તરીકે તેઓ રીંગણ, કળાના ચોખા, ડાંગર વગેરે પણ લે છે. સાથે જ શેરડી ઉગાડી તેમાંથી ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન પણ શરૂ કર્યું, જેનાથી રૂ.75 હજાર જેટલી વધારાની આવક મેળવી રહ્યાં છે. તેમના ઉત્પાદનોની માંગ એવા સ્તરે પહોંચી છે કે વેચાણ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી.

જમીનની સંભાળ વિશે તેમણે જણાવ્યું કે, ગાયના છાણનું ખાતર નાંખવાથી જમીન પોચી અને ફળદ્રુપ બને છે. ઉપરાંત, છોડોની છટણી, સફાઈ અને નિયમિત ઘાસપાત દૂર કરીએ છીએ. જો આપણે જમીનને સાચવીશું તો જમીન એટલે કે ખેતી જીવનભર આપણને સાચવશે.

સરકારી સહાયની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટપક સિંચાઈ યોજનાનો લાભ લીધો છે. 70 ટકા સબસિડી પ્રાપ્ત થઈ છે. એક હેક્ટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન કરૂ છું જેમાં પાણીની મહત્તમ બચત થઈ રહી છે. સરકારની સહાયથી રૂ.૪ હજારનું વેટ મશીન, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સબસિડી મળી છે. સરકારની કૃષિસહાયથી મોટો આધાર મળ્યો છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની રાહ મળી છે.

આમ, પ્રદિપભાઈ સમજદારી સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને યુવા ખેડૂતોને માર્ગદર્શિત પણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને સહયોગ આપી વહેલી તકે આ ખેતી અપનાવવી જ જોઈએ.