આજના ઝડપી અને તનાવભરી જીવનશૈલીમાં જ્યાં ફાસ્ટ ફૂડનો વધતો પ્રભાવ, બેઠાડું કામ અને વ્યાયામનો અભાવ સામાન્ય બની ગયા છે, ત્યારે મેદસ્વિતા એક ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા બની ગઈ છે. તે માત્ર શારીરિક દેખાવની સમસ્યા નથી, પણ અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર આઠ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ વજન કરતા વધુ વજન ધરાવે છે અને ૧૬ ટકા લોકો મેદસ્વિતા ધરાવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમણે ભોજનમાં ૧૦ ટકા તેલ ઓછું કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સ્વસ્થ ચુસ્તદુરસ્ત રહેવા માટે દેશવાસીઓને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવા અને આહારશૈલીમાં બદલાવ લાવવાનું સૂચન કર્યું છે.
‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જનજાગૃત્તિ સાથે રાજ્ય સરકાર મેદસ્વિતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી પણ ચલાવશે.
મેદસ્વિતા (Obesity) એટલે શું?
મેદસ્વિતા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ચરબીની અતિશયતા રહે છે. જ્યારે વ્યક્તિનું વજન તેમનાં ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વધુ હોય અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) 30 કે તેથી વધુ હોય, ત્યારે તેને મેદસ્વી માનવામાં આવે છે.
મેદસ્વિતાના કારણો
અસંતુલિત આહાર – વધુ કૅલરીયુક્ત અને ચરબીયુક્ત ખોરાક.
શારીરિક વ્યાયામ, હલનચલનનો અભાવ – નિયમિત કસરત કે ચાલવાની ટેવ ન હોવી.
માનસિક તણાવ – જેના કારણે ઘણીવાર લોકો ઓવરઈટિંગ કરે છે.
જાતીય, આનુંવાંશિક કારણો – કેટલાક લોકોમાં વંશપરંપરાગત રીતે વજન વધવાની પ્રકૃતિ હોય છે.
હોર્મોન્સ અને દવાઓ – થાઈરોઇડ જેવા હોર્મોનલ રોગો કે કેટલીક દવાઓનું સેવન.
જોખમો અને પરિણામો
મેદસ્વિતાને લીધે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, બાળપણથી જ વધતી જતી મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે જેમ કે, હ્રદયરોગ, ટાઈપ ટુડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, ઘૂંટણ અને પગના સાંધાનો દુ:ખાવો, હોર્મોન્સમાં અસંતુલન, નિદ્રાવિકાર (Sleep Apnea), આત્મવિશ્વાસમાં ઘટાડો, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન
નિવારણ અને ઉપાય:
સંતુલિત આહાર – તાજા શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત અનાજ તથા ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો.
નિયમિત વ્યાયામ – ચાલવું, દોડવું, યોગ કે સ્વિમિંગ કરવું
પાણીનું પૂરતું સેવન – દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું
માનસિક શાંતિ – ધ્યાન (meditation) અને તણાવ નિવારણ માટે યોગ, ચાલવું, વહેલું ઉઠવું અને સારા પુસ્તકોનું વાંચન
નિયમિત આરોગ્ય ચકાસણી – દર વર્ષે એકવાર સંપૂર્ણ હેલ્થ ચેકઅપ
સગર્ભા મહિલાઓ વિશેષ કાળજી લે
જો ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો ભવિષ્યમાં તમારા બાળકમાં મેદસ્વિતાનું જોખમ ૫૨% વધી જાય છે. આ આંકડો પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ (PLOS)ના સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યો છે. જ્યારે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભવિષ્યમાં આવા બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ૪૦ % સુધી વધી જાય છે.
બાળકો મેદસ્વી બને નહીં તે માટે ખાસ આટલું ધ્યાન રાખો
સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો
પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક આપવાનું ટાળો
રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક ખોરાક આપો
તાજા ફળો અને શાકભાજી ખવડાવો
મેંદાવાળી ચીજવસ્તુઓ, મીઠાઈઓ, નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંકથી દૂર રાખો