સુપ્રીમ કોર્ટમાં આજે બુધવારે નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરાશે. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ આજે સુનાવણી માટે સૂચિબદ્ધ હોવાનું કહેવાય છે. તેની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે. વિશ્વનાથનની બેંચ દ્વારા એક સાથે 10 અરજીઓની સુનાવણી કરવામાં આવશે. જ્યારે બાદમાં થયેલી અરજીઓની સુનાવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવી શકે છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદાથી વકફ મિલકતોનું અસામાન્ય સંચાલન થશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વકફ સંશોધન અધિનિયમ-2025ની કાયદેસરતાને પડકારતી 20થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મોટાભાગની અરજીઓ કાયદાની વિરુદ્ધ છે, જોકે કેટલીક અરજીઓ કાયદાને સમર્થન પણ આપે છે. આવી બે અરજીઓ પણ છે જેમાં મૂળભૂત વકફ કાયદા, વકફ એક્ટ 1995ને પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
બુધવારની સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેટલીક અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 પર વચગાળાનો સ્ટે માંગવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેવિયેટ પણ દાખલ કરી છે જેથી સુપ્રીમ કોર્ટ એકપક્ષીય સુનાવણી કરીને કોઈ વચગાળાનો આદેશ ન આપે. કોર્ટે કોઈપણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ.
જ્યારે સાત રાજ્યો, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારોએ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને વકફ સુધારા કાયદાને ટેકો આપ્યો છે. આ ઉપરાંત, કેટલીક એવી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે જેમાં વકફના મૂળભૂત કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓમાં નવા સુધારેલા કાયદાની જોગવાઈઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે વકફ સુધારો અધિનિયમ 2025 બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ અરજીઓ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈનો પણ વિરોધ કરે છે.