વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનની કટોકટી વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યાપારિક સંબંધોને એક નવી દિશા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેર પહોંચ્યા છે, જ્યાં તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ (CEOs Forum) ને સંબોધિત કર્યું હતું. આ હાઈ-લેવલ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.
ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન કેમ્પસ ખોલવાની જાહેરાત આ સમિટનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની બે પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ વોલોંગોન્ગ યુનિવર્સિટી (Wollongong University) અને ડીકિન યુનિવર્સિટી (Deakin University) ગુજરાતમાં પોતાના આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરવા જઈ રહી છે. તેવી જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, ભારત અત્યારે શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ બંનેને સમાંતર રીતે આગળ વધારી રહ્યું છે. આ બે વૈશ્વિક યુનિવર્સિટીઓના આગમનથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે અને વિદ્યાર્થીઓની ગતિશીલતા હવે ‘ટેલેન્ટ પાર્ટનરશિપ’ માં પરિવર્તિત થશે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ઉત્પાદનો પર લાગતી આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે, જેના કારણે ભારતમાંથી થતી નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે. સામે પક્ષે ભારતે પણ ઓસ્ટ્રેલિયન પ્રોડક્ટ્સ પર ધીમે-ધીમે ટેરિફ ઘટાડવાની ખાતરી આપી છે.
ગ્રીન એનર્જી અને ન્યુક્લિયર સેક્ટરમાં મોટી તકો પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન રોકાણકારોને ભારતમાં ગ્રીન હાઇડ્રોજન, સોલાર મોડ્યુલ્સ, વિન્ડ ટર્બાઇન અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ જેવા અદભુત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા પાસે રહેલો યુરેનિયમનો વિશાળ ભંડાર અને ક્લીન એનર્જી ટેકનોલોજી ભારતના આ સપનાને ઝડપથી સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત ભારતના એરપોર્ટ, પોર્ટ, રેલવે અને હાઈવે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઓસ્ટ્રેલિયન લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર્સ માટે રોકાણની વ્યાપક સંભાવનાઓ રહેલી છે.
ઉત્તર પ્રદેશ વિજિલન્સ વિભાગ (વિજિલન્સ) ટીમે અપ્રમાણસર સંપત્તિના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે, ટીમે પરિવહન વિભાગના નિવૃત્ત સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી (ARTO) લલિત કુમારના લખનૌ નિવાસસ્થાને દરોડા પાડયા હતા. બે દિવસની કાર્યવાહી દરમિયાન, ટીમે રૂા.1.62 કરોડ રોકડા, 13 કિલો સોનું, 9 કિલો ચાંદી, હીરા અને સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો છે. જપ્ત કરાયેલી મિલકતની અંદાજિત કિમત રૂા.20 કરોડ છે.
ઉત્તર પ્રદેશ વિજિલન્સ વિભાગ (વિજિલન્સ) દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન અનુસાર, લલિત કુમાર સામે તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ મેળવવાના આરોપસર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવવામાં આવ્યું હતું અને 7 અને 8 જુલાઈ, 2026 ના રોજ લખનૌના અલીગંજ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રકાશન અનુસાર, સર્ચ દરમિયાન આરોપીના નિવાસસ્થાન પરથી મોટી માત્રામાં રોકડ, સોનાના બિસ્કિટ અને કિમતી સોનું, ચાંદી અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. નિવાસસ્થાનની અંદર વિવિધ સ્થળોએ પેકેટમાં આશરે રૂા. 16.2 મિલિયન (16.2 મિલિયન રૂપિયા) છુપાયેલા હતા, જે ટીમે સંપૂર્ણ તપાસ દરમિયાન જપ્ત કર્યા. આશરે ૧૩ કિલો સોલિડ ગોલ્ડ બિસ્કિટ, ઇંટો અને દાગીના અને ૯ કિલો ચાંદીની ઇંટો, બિસ્કિટ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની કિંમત રૂા. 20 કરોડ આંકવામાં આવી છે.
રિલીઝ અનુસાર, તપાસમાં લખનૌ, નોઇડા, બારાબંકી અને રાયબરેલીમાં અનેક ઘરો, પ્લોટ, ફલેટ અને ખેતીની જમીન સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત, બે લક્ઝરી કાર, એક રિવોલ્વર અને બેંક ખાતા, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ ડિપોઝિટમાં રૂા.૧ કરોડથી વધુના રોકાણનું પ્રતિનિધિત્વ કરતા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વિજિલન્સ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી સંપત્તિઓ અને રોકાણોની તપાસ ચાલુ છે. બધા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સફળ કામગીરી માટે, પોલીસ મહાનિર્દેશક અને વિજિલન્સ સ્થાપનાના નિયામકે લખનૌ સેક્ટર ટીમને રૂા. ૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે
દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર-26 (કે.એન. કટજુ માર્ગ પોલીસ સ્ટેશન વિસ્તાર)માં નવી નિર્માણાધીન ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. આ ઘટના G4/151-152 ખાતે બનેલી નવી બિલ્ડિંગમાં બની હતી.
ઘટનાની જાણ થતાં જ NDRF, દિલ્હી ફાયર સર્વિસ (DFS), TPDDL અને અન્ય નાગરિક એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સદ્દામ ઉર્ફે રવિ (32) નામના એક મજૂરને જીવિત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ચોથા મૃતકની ઓળખ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જોકે કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. આ સમગ્ર મામલે સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં પડેલા 18 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરની ઘણી ટેક્સટાઈલ માર્કેટ અને શોપિંગ કોમ્પલેક્સમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ શહેરમાં વરસાદથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને રૂ. 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 26થી વધુ મુખ્ય ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કરોડો રૂપિયાના તૈયાર કાપડ, કાચો માલ અને અન્ય સ્ટોક નાશ પામ્યો હતો. વેપારીઓએ આ તબાહીને તાજેતરના વર્ષોની સૌથી ભયાનક તબાહી ગણાવી હતી.
આ વિસ્તારની ટેક્સટાઈલ માર્કેટને સૌથી વધુ નુકસાન સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ, સારોલી, લિંબાયત અને પર્વત પાટિયાનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદની સાથે બ્લોક થયેલી ડ્રેનેજ લાઈનો અને ઓવરફ્લો થતી ખાડીઓના બેક મારેલા પાણીને કારણે માર્કેટો ડૂબી ગયા હતા. 1000 થી વધુ દુકાનો અને ગોડાઉનોમાં પાણી ભરાઈ ગયા હતા.
માલ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કોઈ તક ન મળી વેપારીઓના જણાવ્યા અનુસાર, મંગળવાર સાંજ સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી. જો કે, મોડી રાત્રે ખાડીઓ ઓવરફ્લો થતાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું અને ટૂંક જ સમયમાં બજારોમાં પાણી ફરી વળ્યા હતા. માર્કેટો તે દિવસ માટે પહેલેથી જ બંધ થઈ ગયા હોવાથી, વેપારીઓને તેમનો માલ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કોઈ તક મળી ન હતી. ઘણા વેપારીઓએ પૂરની અસર વકરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂનઅપૂરતી કામગીરીને જવાબદાર ઠેરવી હતી.
વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) એ બુધવારે શહેરના ટેક્સટાઇલ માર્કેટો બંધ રાખવાની જાહેરાત કરી હતી. સફાઈ કામગીરી સરળતાથી થઈ શકે અને વેપારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવાર સવારથી વરસાદનું જોર ઘટતાં પૂરના પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા છે. પરિસ્થિતિમાં સુધારો થતાં, વેપારીઓ અને મજૂરોએ સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી, દુકાનોમાંથી કાદવ-કીચડ દૂર કર્યો હતો, જેટલો બચી શકે તેટલો સ્ટોક બચાવ્યો હતો અને પોતાના નુકસાનનો અંદાજ લગાવ્યો હતો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં નવી અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી કચેરી દ્વારા નાગરિકોને ટેકનોલોજી આધારિત, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. નવી RTO કચેરી શરૂ થતાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળ અને સુવિધાજનક બનશે.
તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના અમલથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર લાયકાત ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. સરકારની તમામ સેવાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રે સંકલનથી કામગીરી કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો.
નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે નવી RTO કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં સહભાગી બને, કારણ કે જાહેર સંપત્તિનું જતન કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક RTO કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં વાહન સંબંધિત નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, DL/ચલણ શાખા, RMA, AMC ટેક્સ તેમજ કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સુવિધાઓના કારણે નાગરિકોને તમામ સેવાઓ એક જ સ્થળે સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થશે.
આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારીત શુક્લ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મનપાના વહિવટીતંત્રની ઘોર નિષ્ફળતાના પગલે ફરી માનવસર્જીત હોનારત થવાના અણસાર, મ્યુનિ. કમિ. એમ. નાગરાજનના ભરોસે રહેવા જેવું નથી
નાસિરનગરના ડિમેલિશનકાંડમા સુરત મનપાની આબરૂનો ફજેતો કરનાર કમિ. એમ. નાગરાજનની પ્રિ-મોનસુન કામગીરી માત્ર કહેવા પુરતી, પ્રથમ વરસાદમાં વરાછા, સીમાડા, સરથાણા વિસ્તાર ટાપુમાં ફેરવાઇ ગયા
ભૂતકાળમાં સુરતના જ એકમંત્રીએ પોતે નિષ્ણાંત હોવાનો ફાંકો રાખીને ઉકાઇડેમમાં ભયજનક સપાટી ૩૪૫ કરતા વધુ પાણી ભર્યું હતુ અને પછી સુરતે વેેઠેલી તારાજી હજુ ઘણા ભુલ્યા નથી
સુરતે ભૂતકાળમાં ૧૦૦ ઇંચ કરતા પણ વધુ વરસાદ જોયો છે અનેક વખત તાપીની રેલ આવી છે. પરંતુ ક્યારેય પણ વહિવટતંત્ર નિષ્ફળ રહ્યંુ નથી પરંતુ આ વખતના ચોમાસાના પ્રારંભથી જ તંત્ર બોદુ પુરવાર થઇ રહ્યંુ છે
વહિવટી તંત્રની નિષ્ફળતા જાનમાલની ખુવારી માટે કેટલી ઘાતક પુરવાર થઇ શકે એ વાત સુરત મહાપાલિકાના તંત્રની નિષ્ફળતાએ પુરવાર કરી બતાવી છે. ચોમાસામા ભારે વરસાદ પડે એ સુરત શહેર માટે નવાઇની વાત નથી. સુરતે ભૂતકાળમાં અતીભારે વિનાશક તાપીના પૂરની રેલનો સામનો કર્યો છે. અહિંયા ભૂતકાળમાં ૧૦૦ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતો હતો છે. અનેકવાર શેરી-મહોલ્લા પાણીમાં ડૂબી ગયાની ઘટનાઓ બનવા પામી છે. પરંતુ સુરત શહેર ક્યારેય પણ લાચાર અવસ્થામાં મુકાયું નથી.
સુરતીઓ અને વહિવટીતંત્રના સહિયારા પ્રયાસોથી સુરત અનેક વખત વરસાદી હોનારતોમાંથી ઉગરતુ આવ્યું છે. પરંતુ આ વખતે ચોમાસાના પ્રારંભે સુરતની થયેલી બેહાલી વહિવટી તંત્રની નાદારીનો નમૂનો છે. ચોમાસા પૂર્વેની કરવી જોઇતી પ્રિ-મોનસુન કામગીરીમા નરી વેઠ અને સુપરવિઝનના અભાવને પગલે વરસાદી પાણીના નિકાલના કુદરતી અને કૃત્રિમ રસ્તા બંધ થઇ જવાથી પ્રથમ વરસાદમાં શહેર આખુ પાણીમાં ઘેરાઇ ગયંુ હતું. સૌથી સલામત ગણાતા અને ઉંચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળવાની ઘટનાએ લોકોને આઘાત પહોચાડ્યો હતો. શહેરનો એકપણ ખૂંણો એવો બાકી રહ્યો નહોતો કે જ્યાં પાણી ઘુસ્યા ન હોય.
સુરતના મ્યુનિ. કમિ. એમ.નાગરાજન નજીકના ભૂતકાળમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. સરકારે ફરી એમ. નાગરાજનની સુરત મહાપાલિકાના કમિશ્નર તરીકે નિમણૂંક કરી ત્યારથી જ સુરત મહાપાલિકાનું તંત્ર ખોંગડાતુ રહ્યું છે. તાજેતરમાં નાસિરનગર વસાહતનું ડિમોલિશન કમિ. એમ. નાગરાજનની ધરાર નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ ગણી શકાય કમિશ્નરના નાક નીચે એક આખી વસાહત તોડી પાડવામાં આવે અને મહાપાલિકાના કમિશ્નરને જાણ ન હોય એ કેવી રીતે શક્ય બને? વળી વસાહતનું ડિમોલિશન બીજા કોઇએ નહીં ખુદ સુરત મહાપાલિકાના અધિકારીઓએ ઉપર ઉભા રહીને કરાવ્યું હતું છતાં કમિ. એમ.નાગરાજન નફટાઇથી કહી રહ્યા હતા કે નાસિરનગરનું ડિમોલિશન કોણે કર્યું અને કોણે કરાવ્યું તેની મને જાણકારી નથી!! નિષ્ફળતાનું આનાથી મોટું કયું ઉદાહરાણ હોઇ શકે?વળી કમિ. એમ.નાગરાજને થોડા દિવસ પછી બેશરમીથી સ્વીકાર્યું હતું કે નાસિરનગર વસાહતનું ડિમોલિશન સુરત મહાપાલિકાએ કર્યું હતું! અને બધાના આશ્ચર્ય વચ્ચે મહાપાલિકાના પાંચ પાંચ અધિકારી, કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મતલબ સુરત મહાપાલિકાના સુકાની અસક્ષમ છે એવું ચોક્કસ કહી શકાય.
ખેર, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઇ છે. પરંતુ લોકોને આશંકા હતી કે જો આ વખતે ભારે વરસાદ પડશે તો સુરત ચોક્કસ પાણીમાં ડૂબી જશે. કારણ ચોમાસા પૂર્વે જેને પ્રિ-મોનસુન કામગીરી કહેવામાં આવે એ કરવામાં આવી જ નહોતી અને પરિણામે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સુરત શહેરમાં ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. શહેરના વિકાસ સાથે નવા બાંધકામો થવાના. નવી વસ્તીનો ઉમેરો થવાનો જ પરંતુ વિકાસની સાથે પાણીના કુદરતી નિકાલની સમાંતર વ્યવસ્થા કરવી અત્યંત અનિવાર્ય છે.
સુરત દરિયાકાંઠાનું શહેર છે. એટલે દરિયાને મળતી ખાડીઓ, નદીઓ સુરત શહેર અને ફરતેના વિસ્તારમાંથી પસાર થાય છે પરંતુ ખાડીઓ અને નહેરોની સમયાંતરે સફાઇ થતી નહીં હોવાથી સ્વભાવિક કુદરતી વહેણ પુરાઇ જવાથી દરવર્ષે પ્રિ-મોનસુન કામગીરીના નામે ખાડીઓમાં કહેવાતી સફાઇ કરવામાં આવે છે પરંતુ ચોમાસા સિવાયના બાકીના સમયમાં રોજબરોજ પુરાતી જતી ખાડીઓની જાળવણી કરવાનું ભાગ્યે જ કોઇ વિચારે છે અને થોડો ભારે વરસાદ પડે અેટલે તંત્ર હોડીઓ બચાવ, રાહતના નામે નીકળી પડે છે.
સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં ખરેખર શહેરનું એકટીપુ પણ પાણી જતું નથી. સુરતની ઉપરવાસના કામરેજ બારડોલી, કડોદરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તોજ આ ખાડીઓમાં ધસમસતા પૂર આવે છે અને શહેરમાં ફરી વળે છે વળી આ ખાડી કુદરતી છે. મતલબ માનવ સર્જિત નથી પરંતુ ખાડીઓને પુરવાનું કામ લોકો કરી રહ્યા છે. જેને રોકવાનું કામ મહાપાલિકાનુ છે.
પરંતુ આ વખતે મ્યુનિ. તંત્ર સાવ ઉણું ઉતર્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને મેયર માયાબેન માવાણી ખાડી સફાઇની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા અને ખાડી કાંઠે ઉભા રહીને ફોટા પડાવી સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા હતા પરંતુ ખાડીમાં ખરેખર સફાઇ થઇ હતી કે કેમ? તેની દરકાર કરી હોત તો કદાચ આજે મોસમના પ્રથમ ભારે વરસાદમાં વરાછા વિસ્તારમાં થયેલી બે હાલી થવા પામી નહોત. મંત્રી અને મેયર ચૂંટાયેલા પ્રતિનિધિ છે. પરંતુ ખાડીના વહેણને સક્ષમ બનાવવાનું કામ મ્યુનિ. કમિશ્નરનું છે. કમિશ્નર અને સમગ્ર વહિવટીતંત્ર ચોમાસા પૂર્વેની કામગીરી કરવામાં અધુરા પુરવાર થતા તેમની નિષ્ફળતા ગણો કે બેદરકારીની સજા સુરત શહેરના નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે. વળી હજી આખુ ચોમાસુ બાકી છે. સુરતના ઉપરવાસમા અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો નથી. ઉકાઇ ડેમની જળ સપાટી નિયંત્રણ છે એટલે હજુ પણ સુરત શહેર સલામત છે પરંતુ કુદરતી સંજોગોમાં સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશે તો કદાચ સુરત શહેર અને સુરતના લોકોએ જાનમાલની ભારે ખુંવારી વેઠવી પડશે.
ભૂતકાળમાં એક મંત્રીની જીદને કારણે સમગ્ર સુરત શહેર પાણીમાં ડૂબ્યંુ હતું. આ મંત્રી પોતાની જાતને નિષ્ણાંત માનતા હતા અને ઉકાઇડેમની સપાટી ભયજનક ૩૪૫ ફૂટ કરતા વધુ ઊંચે લઇ જતા ભયાનકતા સર્જાઇ હતી તારાજી બાદ મંત્રી સુરત છોડીને દિવસો સુધી ભાગી ગયા હતા પરંતુ લોકોને કરોડોનું નુકશાન અને કેટલાક લોકોના મોત થયા હતા. ૧૯૬૮ની તારાજી પછી આ સૌથી મોટી ખુંવારી હતી.આ માનવ સર્જીત ખુવારીનો ભોગ બનેલા સેંકડો લોકો દર ચોમાસે ચોક્કસ ભયનો અનુભવ કરતા હતા.
આ વખતે સૌથી મોટી ચિંતાજનક એ વાત છે કે કેન્દ્રીયમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ત્રણ ત્રણ પૂર્વ મંત્રીઓની આખી ફોજ સુરતમાં છે અને તેમ છતાં સુરત રાજકીય તખ્તે નેતૃત્વહીન છે. ભાજપની આંતરિક યાદવાસ્થળીને કારણે સુરતનું કોઇ ધણીધોરી રહ્યું નથી. લગભગ ૮૫ લાખની વસ્તીથી ફાટફાટ થતા સુરતમાં કોઇ કુદરતી આફત આવે તો એકપણ એવો નેતા નથી કે સમગ્ર તંત્રને અને લોકોને દોરી શકે. આવી સ્થિતિમાં માત્રને માત્ર વહિવટીતંત્રની કુશળતા ઉપર સુરતના લોકોને આધાર છે. આજે એટલે કે ૭મી જુલાઇના રોજ સુરતમાં લગભગ ૧૯ ઇંચ જેટલો દેમાર વરસાદ ઝિકાયો હતો.
આ ભારે વરસાદે શહેરમાં તારાજી વેરી હતી. આ તારાજી અને માનસિક યાતના માટે વહિવટીતંત્રની ઘોર નિષ્ફળતા કારણભૂત ગણી શકાય ભૂતકાળમાં આના કરતા પણ અતિભારે અને દિવસો સુધી સુરત શહેરના લોકોએ વરસાદનો સામનો કર્યો હતો. પરંતુ વર્તમાન હાલત જોતા વહિવટીતંત્ર સક્રિય નહી થાય અને સુરત શહેર અને તાપીના ઉપરવાસમાં ભારે વરસાદ પડશે તો સુરતના લોકોએ ફરી વખત મોટી માનવ સર્જીત હોનારતનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.
સિરિયાની રાજધાની દમાસ્કસમાં મંગળવારે એક મોટો આત્મઘાતી સુરક્ષા ભંગ સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દમાસ્કસની જે હોટેલમાં રોકાયા હતા, તેની બિલકુલ નજીક જ શ્રેણીબદ્ધ વિસ્ફોટકો દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સિરિયાની સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ ફરી એકવાર દુનિયા સમક્ષ છતી થઈ છે.
આ બ્લાસ્ટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમના પર આ ઘટનાની કોઈ અસર થઈ નથી. ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ‘એલીસી પેલેસ’ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે મેક્રોન સુરક્ષિત છે અને તેમની આ મુલાકાત નિર્ધારિત શિડ્યુલ મુજબ જ આગળ વધશે.
ફ્રેન્ચ પ્રેસિડેન્સીના જણાવ્યા અનુસાર, જ્યારે આ વિસ્ફોટો થયા ત્યારે રાષ્ટ્રપ્રમુખ મેક્રોન હોટેલ છોડી ચૂક્યા હતા. તેઓ તે સમયે સિરિયાના નવા રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ-શરા સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપ્રમુખ પેલેસમાં હાજર હતા. બ્લાસ્ટ બાદ તુરંત જ સિરિયન સુરક્ષા દળોએ હોટેલ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દીધા છે અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તેની હજુ સુધી સત્તાવાર ઓળખ થઈ શકી નથી.
ઇમેન્યુઅલ મેક્રોનની આ સિરિયા મુલાકાત અત્યંત ઐતિહાસિક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2024 માં સિરિયાના પૂર્વ સરમુખત્યાર બશર અલ-અસદના શાસનના પતન બાદ, સિરિયાની મુલાકાત લેનારા મેક્રોન યુરોપિયન યુનિયન (EU) ના પ્રથમ દેશના વડા બન્યા છે. અહેમદ અલ-શરાના નેતૃત્વમાં બળવાખોર દળોએ અસદ સરકારનો તખ્તાપલટ કર્યો હતો, જેનાથી સિરિયામાં લાંબા સમયથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત આવ્યો અને મોટો રાજકીય બદલાવ આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ શરા હાલમાં પશ્ચિમી અને પશ્ચિમ એશિયાઈ દેશો સાથે સંબંધો સુધારવા માટે સક્રિય બન્યા છે.
સિરિયામાં હજુ પણ સુરક્ષા મોટો પડકાર ભલે સિરિયામાં સત્તા પરિવર્તન થઈ ગયું હોય, પરંતુ સુરક્ષા હજુ પણ ત્યાં સૌથી મોટો સવાલ છે. 13 વર્ષ લાંબા ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન ઇસ્લામિક સ્ટેટ (IS) સહિતના અનેક આતંકી સંગઠનોએ સિરિયામાં મજબૂત પકડ જમાવી હતી. સિરિયાના બહુમતી સુન્ની મુસ્લિમ સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપ્રમુખ શરાએ 5 દાયકાથી વધુ સમયના અસદ પરિવારના શાસન બાદ એક સર્વસમાવેશી રાજકીય વ્યવસ્થા બનાવવાનું વચન આપ્યું છે. પરંતુ, તેમના વહીવટીતંત્રને હજુ પણ લઘુમતી સમુદાયો અને હિંસક જૂથો તરફથી વારંવાર પડકારો મળી રહ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં આજે એક મોટો વહીવટી ફેરફાર થયો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેમના સ્થાને કૃષ્ણ મોહનને કાર્યવાહક મહાસચિવ બનાવવામાં આવ્યા છે. હવે કૃષ્ણ મોહન કાર્યવાહક મહાસચિવ તરીકે ટ્રસ્ટના વહીવટી અને સંગઠનાત્મક કાર્યોનું સંચાલન કરશે.
જાણો કોણ છે કૃષ્ણ મોહન? કૃષ્ણ મોહન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પદાધિકારી અને ભારતીય વન સેવા (IFS)ના ભૂતપૂર્વ અધિકારી રહી ચૂક્યા છે. 73 વર્ષીય કૃષ્ણ મોહન મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના વતની છે. વહીવટી અનુભવ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમની લાંબી સફરને ધ્યાનમાં રાખીને તેમને રામ મંદિર ટ્રસ્ટની આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સંઘમાં ક્ષેત્ર પ્રભારીની નિભાવી રહ્યા છે ભૂમિકા કૃષ્ણ મોહન હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વી ઉત્તર પ્રદેશ ક્ષેત્રના ‘ક્ષેત્ર સંઘ ચાલક’ (ક્ષેત્ર પ્રભારી) છે. સંઘમાં લાંબા સમય સુધી વિવિધ જવાબદારીઓ નિભાવવાને કારણે તેઓ સંગઠન અને વ્યવસ્થાપનનો વ્યાપક અનુભવ ધરાવે છે. આ જ અનુભવ હવે રામ મંદિર ટ્રસ્ટના સંચાલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
ગયા વર્ષે બન્યા હતા ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનને વર્ષ 2025માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે ટ્રસ્ટમાં કામેશ્વર ચૌપાલનું સ્થાન લીધું હતું. ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી જ તેઓ મંદિર નિર્માણ, વહીવટી વ્યવસ્થાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
2012માં IFS માંથી થયા હતા નિવૃત્ત કૃષ્ણ મોહને પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ લખનૌ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગથી કરી હતી, જ્યાં તેમણે થોડા વર્ષો સુધી સેવાઓ આપી. ત્યારબાદ તેમણે ભારતીય વન સેવા (IFS) માં મહત્વની જવાબદારીઓ સંભાળી. વર્ષ 2012માં ભારતીય વન સેવામાંથી નિવૃત્ત થયા પછી કૃષ્ણ મોહન સંપૂર્ણપણે સામાજિક અને સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય થઈ ગયા હતા.
હવે સંભાળશે ટ્રસ્ટનું સંચાલન ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ, હવે ટ્રસ્ટના દૈનિક વહીવટ, વિવિધ પ્રોજેક્ટ્સના સંકલન (કો-ઓર્ડિનેશન), બેઠકોનું સંચાલન અને મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા મહત્વના કાર્યોની જવાબદારી કૃષ્ણ મોહન પાસે રહેશે. આ સાથે જ રામ મંદિરમાં આવતી ભેટ-સોગાદો અને દાનમાં પારદર્શિતા લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. મંદિરમાં અપાતા દાનની કડક દેખરેખ રાખવાની જવાબદારી પણ તેમની જ રહેશે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા અને મંદિર પરિસરના વિકાસ કાર્યોને જોતાં તેમની આ ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.
26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે.
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવર્સિટી PI સહિતનો 120 પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.
18 ફેબ્રુઆરી, 2022ના રોજ સેશન્સ કોર્ટે સજા સંભળાવી હતી વર્ષ 2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
આરોપીઓએ હાલોલ અને કેરળમાં તાલીમ લીધી હતી આરોપીઓ જાન્યુઆરી, 2008માં હાલોલ કેમ્પમાં ગયા હતા. કયામુદ્દીન કેરળ ખાતે યોજાયેલ આતંકી કેમ્પમાં પણ ગયો હતો. તેને ખબર હતી કે તેના પિતા તેને ગુજરાત નહીં જવા દે એટલે તેને પોતાના મોટા ભાઈને રફિયુદિનને આગળ ધરીને તેને સાથે લઈને ગુજરાત આવ્યો હતો. કૅમ્પમાં પહોંચ્યા બાદ રફીઉદિનને ખબર પડી હતી કે આ SIMIના કાર્યકરોનો કેમ્પ છે ,જે સંગઠનને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે. તેને એમ કે અહીં ધાર્મિક કાર્યક્રમ હશે. જેથી તે આ કેમ્પમાંથી નીકળી ગયો હતો.
82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી.
ઘણા દર્દીઓ પૂછે છે: “મને એલર્જી છે, તો શું નાકનું ઓપરેશન કરાવવાથી એલર્જી મટી જશે?”
જવાબ છે – નહીં.
નાકનું ઓપરેશન (Nasal Surgery) એલર્જીનો ઈલાજ નથી. તેનું મુખ્ય કામ નાકનો રસ્તો ખુલ્લો કરવો છે.
ક્યારે ઓપરેશનની જરૂર પડે?
દવાની સારવાર છતાં નાક સતત બંધ રહે
એલર્જીની દવા અને નેઝલ સ્પ્રે યોગ્ય રીતે લીધા છતાં રાહત ન મળે.
નાકની અંદર હાડકું વાંકું હોય (Deviated Nasal Septum)
જેના કારણે એક અથવા બંને બાજુથી શ્વાસ લેવામાં તકલીફ રહે.
ટર્બિનેટ્સ (નાકની અંદરનું માંસ) ખૂબ વધેલું હોય
લાંબા સમયથી એલર્જીના કારણે નાકનો રસ્તો સાંકડો થઈ જાય.
નાકમાં પોલિપ્સ ( નાકમાં મસા) (Nasal Polyps) હોય ખાસ કરીને લાંબા સમયથી એલર્જી અથવા સાઇનસની સમસ્યા સાથે.
વારંવાર સાઇનસ ઇન્ફેક્શન થતું હોય
દવા છતાં ફરી ફરી સમસ્યા થાય.
ઓપરેશન પછી શું એલર્જી મટી જાય?
❌ ના. ઓપરેશન પછી:
શ્વાસ લેવામાં સરળતા થાય.
નાકની દવાઓ વધુ અસરકારક બને.
જીવનની ગુણવત્તા સુધરે.
પરંતુ…
છીંક
નાકમાંથી પાણી
ખંજવાળ
એલર્જીની તકલીફ
આ માટે હજુ પણ એલર્જીની યોગ્ય સારવાર જરૂરી રહે છે.
એલર્જીની શ્રેષ્ઠ સારવાર શું છે?
✔️ એલર્જનથી બચવું (Avoid allergens)
✔️ નિયમિત Intranasal Steroid Spray
✔️ જરૂર મુજબ Antihistamine દવા
✔️ Saline Nasal Wash
✔️ યોગ્ય દર્દીઓમાં એલર્જન ઇમ્યુનોથેરાપી એટલે કે એલર્જીની રસી (Allergen Immunotherapy / Allergy Vaccine)
એલર્જીની રસીની સારવારથી એલર્જી મટી શકે છે
યાદ રાખો: “એલર્જીક રાઇનાઇટિસમાં સર્જરી માત્ર ત્યારે જ કરાવવી જોઈએ જ્યારે નાક કાયમ બંધ રહેતું હોય, દવાથી પણ નાક ખુલતું ના હોય, નાકમાં મસા હોય, નાકનું હાડકુ વાંકું થઈ ગયું હોય, નાકથી પૂરતો શ્વાસ ના લેવાતો હોય, વારંવાર સાઇનસમાં ઇન્ફેકશન થઈ જતું હોય અથવા દવાથી પૂરતી રાહત ન મળતી હોય. સર્જરી એલર્જી દૂર કરતી નથી, પરંતુ શ્વાસ લેવામાં સરળતા અને સારવારને વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે.”
– ડૉક્ટરની સલાહ વિના નાકનું ઓપરેશન કરાવવાનો નિર્ણય ન લો.