સુરત મનપાના વહિવટીતંત્રની ઘોર નિષ્ફળતાના પગલે ફરી માનવસર્જીત હોનારત થવાના અણસાર, મ્યુનિ. કમિ. એમ. નાગરાજનના ભરોસે રહેવા જેવું નથી
નાસિરનગરના ડિમેલિશનકાંડમા સુરત મનપાની આબરૂનો ફજેતો કરનાર કમિ. એમ. નાગરાજનની પ્રિ-મોનસુન કામગીરી માત્ર કહેવા પુરતી, પ્રથમ વરસાદમાં વરાછા, સીમાડા, સરથાણા વિસ્તાર ટાપુમાં ફેરવાઇ ગયા
ભૂતકાળમાં સુરતના જ એકમંત્રીએ પોતે નિષ્ણાંત હોવાનો ફાંકો રાખીને ઉકાઇડેમમાં ભયજનક સપાટી ૩૪૫ કરતા વધુ પાણી ભર્યું હતુ અને પછી સુરતે વેેઠેલી તારાજી હજુ ઘણા ભુલ્યા નથી
સુરતે ભૂતકાળમાં ૧૦૦ ઇંચ કરતા પણ વધુ વરસાદ જોયો છે અનેક વખત તાપીની રેલ આવી છે. પરંતુ ક્યારેય પણ વહિવટતંત્ર નિષ્ફળ રહ્યંુ નથી પરંતુ આ વખતના ચોમાસાના પ્રારંભથી જ તંત્ર બોદુ પુરવાર થઇ રહ્યંુ છે
વહિવટી તંત્રની નિષ્ફળતા જાનમાલની ખુવારી માટે કેટલી ઘાતક પુરવાર થઇ શકે એ વાત સુરત મહાપાલિકાના તંત્રની નિષ્ફળતાએ પુરવાર કરી બતાવી છે. ચોમાસામા ભારે વરસાદ પડે એ સુરત શહેર માટે નવાઇની વાત નથી. સુરતે ભૂતકાળમાં અતીભારે વિનાશક તાપીના પૂરની રેલનો સામનો કર્યો છે. અહિંયા ભૂતકાળમાં ૧૦૦ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતો હતો છે. અનેકવાર શેરી-મહોલ્લા પાણીમાં ડૂબી ગયાની ઘટનાઓ બનવા પામી છે. પરંતુ સુરત શહેર ક્યારેય પણ લાચાર અવસ્થામાં મુકાયું નથી.
સુરતીઓ અને વહિવટીતંત્રના સહિયારા પ્રયાસોથી સુરત અનેક વખત વરસાદી હોનારતોમાંથી ઉગરતુ આવ્યું છે. પરંતુ આ વખતે ચોમાસાના પ્રારંભે સુરતની થયેલી બેહાલી વહિવટી તંત્રની નાદારીનો નમૂનો છે. ચોમાસા પૂર્વેની કરવી જોઇતી પ્રિ-મોનસુન કામગીરીમા નરી વેઠ અને સુપરવિઝનના અભાવને પગલે વરસાદી પાણીના નિકાલના કુદરતી અને કૃત્રિમ રસ્તા બંધ થઇ જવાથી પ્રથમ વરસાદમાં શહેર આખુ પાણીમાં ઘેરાઇ ગયંુ હતું. સૌથી સલામત ગણાતા અને ઉંચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળવાની ઘટનાએ લોકોને આઘાત પહોચાડ્યો હતો. શહેરનો એકપણ ખૂંણો એવો બાકી રહ્યો નહોતો કે જ્યાં પાણી ઘુસ્યા ન હોય.

સુરતના મ્યુનિ. કમિ. એમ.નાગરાજન નજીકના ભૂતકાળમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. સરકારે ફરી એમ. નાગરાજનની સુરત મહાપાલિકાના કમિશ્નર તરીકે નિમણૂંક કરી ત્યારથી જ સુરત મહાપાલિકાનું તંત્ર ખોંગડાતુ રહ્યું છે. તાજેતરમાં નાસિરનગર વસાહતનું ડિમોલિશન કમિ. એમ. નાગરાજનની ધરાર નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ ગણી શકાય કમિશ્નરના નાક નીચે એક આખી વસાહત તોડી પાડવામાં આવે અને મહાપાલિકાના કમિશ્નરને જાણ ન હોય એ કેવી રીતે શક્ય બને? વળી વસાહતનું ડિમોલિશન બીજા કોઇએ નહીં ખુદ સુરત મહાપાલિકાના અધિકારીઓએ ઉપર ઉભા રહીને કરાવ્યું હતું છતાં કમિ. એમ.નાગરાજન નફટાઇથી કહી રહ્યા હતા કે નાસિરનગરનું ડિમોલિશન કોણે કર્યું અને કોણે કરાવ્યું તેની મને જાણકારી નથી!! નિષ્ફળતાનું આનાથી મોટું કયું ઉદાહરાણ હોઇ શકે?વળી કમિ. એમ.નાગરાજને થોડા દિવસ પછી બેશરમીથી સ્વીકાર્યું હતું કે નાસિરનગર વસાહતનું ડિમોલિશન સુરત મહાપાલિકાએ કર્યું હતું! અને બધાના આશ્ચર્ય વચ્ચે મહાપાલિકાના પાંચ પાંચ અધિકારી, કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મતલબ સુરત મહાપાલિકાના સુકાની અસક્ષમ છે એવું ચોક્કસ કહી શકાય.
ખેર, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઇ છે. પરંતુ લોકોને આશંકા હતી કે જો આ વખતે ભારે વરસાદ પડશે તો સુરત ચોક્કસ પાણીમાં ડૂબી જશે. કારણ ચોમાસા પૂર્વે જેને પ્રિ-મોનસુન કામગીરી કહેવામાં આવે એ કરવામાં આવી જ નહોતી અને પરિણામે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સુરત શહેરમાં ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. શહેરના વિકાસ સાથે નવા બાંધકામો થવાના. નવી વસ્તીનો ઉમેરો થવાનો જ પરંતુ વિકાસની સાથે પાણીના કુદરતી નિકાલની સમાંતર વ્યવસ્થા કરવી અત્યંત અનિવાર્ય છે.
સુરત દરિયાકાંઠાનું શહેર છે. એટલે દરિયાને મળતી ખાડીઓ, નદીઓ સુરત શહેર અને ફરતેના વિસ્તારમાંથી પસાર થાય છે પરંતુ ખાડીઓ અને નહેરોની સમયાંતરે સફાઇ થતી નહીં હોવાથી સ્વભાવિક કુદરતી વહેણ પુરાઇ જવાથી દરવર્ષે પ્રિ-મોનસુન કામગીરીના નામે ખાડીઓમાં કહેવાતી સફાઇ કરવામાં આવે છે પરંતુ ચોમાસા સિવાયના બાકીના સમયમાં રોજબરોજ પુરાતી જતી ખાડીઓની જાળવણી કરવાનું ભાગ્યે જ કોઇ વિચારે છે અને થોડો ભારે વરસાદ પડે અેટલે તંત્ર હોડીઓ બચાવ, રાહતના નામે નીકળી પડે છે.
સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં ખરેખર શહેરનું એકટીપુ પણ પાણી જતું નથી. સુરતની ઉપરવાસના કામરેજ બારડોલી, કડોદરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તોજ આ ખાડીઓમાં ધસમસતા પૂર આવે છે અને શહેરમાં ફરી વળે છે વળી આ ખાડી કુદરતી છે. મતલબ માનવ સર્જિત નથી પરંતુ ખાડીઓને પુરવાનું કામ લોકો કરી રહ્યા છે. જેને રોકવાનું કામ મહાપાલિકાનુ છે.
પરંતુ આ વખતે મ્યુનિ. તંત્ર સાવ ઉણું ઉતર્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને મેયર માયાબેન માવાણી ખાડી સફાઇની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા અને ખાડી કાંઠે ઉભા રહીને ફોટા પડાવી સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા હતા પરંતુ ખાડીમાં ખરેખર સફાઇ થઇ હતી કે કેમ? તેની દરકાર કરી હોત તો કદાચ આજે મોસમના પ્રથમ ભારે વરસાદમાં વરાછા વિસ્તારમાં થયેલી બે હાલી થવા પામી નહોત. મંત્રી અને મેયર ચૂંટાયેલા પ્રતિનિધિ છે. પરંતુ ખાડીના વહેણને સક્ષમ બનાવવાનું કામ મ્યુનિ. કમિશ્નરનું છે. કમિશ્નર અને સમગ્ર વહિવટીતંત્ર ચોમાસા પૂર્વેની કામગીરી કરવામાં અધુરા પુરવાર થતા તેમની નિષ્ફળતા ગણો કે બેદરકારીની સજા સુરત શહેરના નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે. વળી હજી આખુ ચોમાસુ બાકી છે. સુરતના ઉપરવાસમા અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો નથી. ઉકાઇ ડેમની જળ સપાટી નિયંત્રણ છે એટલે હજુ પણ સુરત શહેર સલામત છે પરંતુ કુદરતી સંજોગોમાં સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશે તો કદાચ સુરત શહેર અને સુરતના લોકોએ જાનમાલની ભારે ખુંવારી વેઠવી પડશે.
ભૂતકાળમાં એક મંત્રીની જીદને કારણે સમગ્ર સુરત શહેર પાણીમાં ડૂબ્યંુ હતું. આ મંત્રી પોતાની જાતને નિષ્ણાંત માનતા હતા અને ઉકાઇડેમની સપાટી ભયજનક ૩૪૫ ફૂટ કરતા વધુ ઊંચે લઇ જતા ભયાનકતા સર્જાઇ હતી તારાજી બાદ મંત્રી સુરત છોડીને દિવસો સુધી ભાગી ગયા હતા પરંતુ લોકોને કરોડોનું નુકશાન અને કેટલાક લોકોના મોત થયા હતા. ૧૯૬૮ની તારાજી પછી આ સૌથી મોટી ખુંવારી હતી.આ માનવ સર્જીત ખુવારીનો ભોગ બનેલા સેંકડો લોકો દર ચોમાસે ચોક્કસ ભયનો અનુભવ કરતા હતા.
આ વખતે સૌથી મોટી ચિંતાજનક એ વાત છે કે કેન્દ્રીયમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ત્રણ ત્રણ પૂર્વ મંત્રીઓની આખી ફોજ સુરતમાં છે અને તેમ છતાં સુરત રાજકીય તખ્તે નેતૃત્વહીન છે. ભાજપની આંતરિક યાદવાસ્થળીને કારણે સુરતનું કોઇ ધણીધોરી રહ્યું નથી. લગભગ ૮૫ લાખની વસ્તીથી ફાટફાટ થતા સુરતમાં કોઇ કુદરતી આફત આવે તો એકપણ એવો નેતા નથી કે સમગ્ર તંત્રને અને લોકોને દોરી શકે. આવી સ્થિતિમાં માત્રને માત્ર વહિવટીતંત્રની કુશળતા ઉપર સુરતના લોકોને આધાર છે. આજે એટલે કે ૭મી જુલાઇના રોજ સુરતમાં લગભગ ૧૯ ઇંચ જેટલો દેમાર વરસાદ ઝિકાયો હતો.
આ ભારે વરસાદે શહેરમાં તારાજી વેરી હતી. આ તારાજી અને માનસિક યાતના માટે વહિવટીતંત્રની ઘોર નિષ્ફળતા કારણભૂત ગણી શકાય ભૂતકાળમાં આના કરતા પણ અતિભારે અને દિવસો સુધી સુરત શહેરના લોકોએ વરસાદનો સામનો કર્યો હતો. પરંતુ વર્તમાન હાલત જોતા વહિવટીતંત્ર સક્રિય નહી થાય અને સુરત શહેર અને તાપીના ઉપરવાસમાં ભારે વરસાદ પડશે તો સુરતના લોકોએ ફરી વખત મોટી માનવ સર્જીત હોનારતનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.