Home Blog Page 38

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: 38 આરોપીને ફાંસીની સજા યથાવત

અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.

26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે.

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવર્સિટી PI સહિતનો 120 પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.

18 ફેબ્રુઆરી, 2022ના રોજ સેશન્સ કોર્ટે સજા સંભળાવી હતી
વર્ષ 2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

આરોપીઓએ હાલોલ અને કેરળમાં તાલીમ લીધી હતી
આરોપીઓ જાન્યુઆરી, 2008માં હાલોલ કેમ્પમાં ગયા હતા. કયામુદ્દીન કેરળ ખાતે યોજાયેલ આતંકી કેમ્પમાં પણ ગયો હતો. તેને ખબર હતી કે તેના પિતા તેને ગુજરાત નહીં જવા દે એટલે તેને પોતાના મોટા ભાઈને રફિયુદિનને આગળ ધરીને તેને સાથે લઈને ગુજરાત આવ્યો હતો. કૅમ્પમાં પહોંચ્યા બાદ રફીઉદિનને ખબર પડી હતી કે આ SIMIના કાર્યકરોનો કેમ્પ છે ,જે સંગઠનને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે. તેને એમ કે અહીં ધાર્મિક કાર્યક્રમ હશે. જેથી તે આ કેમ્પમાંથી નીકળી ગયો હતો.

82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી.

એલર્જીક રાઇનાઇટિસ (નાકની એલર્જી) માં નાકનું ઓપરેશન ક્યારે કરાવવું?

0

ઘણા દર્દીઓ પૂછે છે:
“મને એલર્જી છે, તો શું નાકનું ઓપરેશન કરાવવાથી એલર્જી મટી જશે?”

જવાબ છે – નહીં.

નાકનું ઓપરેશન (Nasal Surgery) એલર્જીનો ઈલાજ નથી. તેનું મુખ્ય કામ નાકનો રસ્તો ખુલ્લો કરવો છે.

ક્યારે ઓપરેશનની જરૂર પડે?

  1. દવાની સારવાર છતાં નાક સતત બંધ રહે

એલર્જીની દવા અને નેઝલ સ્પ્રે યોગ્ય રીતે લીધા છતાં રાહત ન મળે.

  1. નાકની અંદર હાડકું વાંકું હોય (Deviated Nasal Septum)

જેના કારણે એક અથવા બંને બાજુથી શ્વાસ લેવામાં તકલીફ રહે.

  1. ટર્બિનેટ્સ (નાકની અંદરનું માંસ) ખૂબ વધેલું હોય

લાંબા સમયથી એલર્જીના કારણે નાકનો રસ્તો સાંકડો થઈ જાય.

  1. નાકમાં પોલિપ્સ ( નાકમાં મસા) (Nasal Polyps) હોય ખાસ કરીને લાંબા સમયથી એલર્જી અથવા સાઇનસની સમસ્યા સાથે.
  2. વારંવાર સાઇનસ ઇન્ફેક્શન થતું હોય

દવા છતાં ફરી ફરી સમસ્યા થાય.

ઓપરેશન પછી શું એલર્જી મટી જાય?

❌ ના.
ઓપરેશન પછી:

  • શ્વાસ લેવામાં સરળતા થાય.
  • નાકની દવાઓ વધુ અસરકારક બને.
  • જીવનની ગુણવત્તા સુધરે.

પરંતુ…

  • છીંક
  • નાકમાંથી પાણી
  • ખંજવાળ
  • એલર્જીની તકલીફ

આ માટે હજુ પણ એલર્જીની યોગ્ય સારવાર જરૂરી રહે છે.

એલર્જીની શ્રેષ્ઠ સારવાર શું છે?

  • ✔️ એલર્જનથી બચવું (Avoid allergens)
  • ✔️ નિયમિત Intranasal Steroid Spray
  • ✔️ જરૂર મુજબ Antihistamine દવા
  • ✔️ Saline Nasal Wash
  • ✔️ યોગ્ય દર્દીઓમાં એલર્જન ઇમ્યુનોથેરાપી એટલે કે એલર્જીની રસી (Allergen Immunotherapy / Allergy Vaccine)

એલર્જીની રસીની સારવારથી એલર્જી મટી શકે છે

યાદ રાખો:
“એલર્જીક રાઇનાઇટિસમાં સર્જરી માત્ર ત્યારે જ કરાવવી જોઈએ જ્યારે નાક કાયમ બંધ રહેતું હોય, દવાથી પણ નાક ખુલતું ના હોય, નાકમાં મસા હોય, નાકનું હાડકુ વાંકું થઈ ગયું હોય, નાકથી પૂરતો શ્વાસ ના લેવાતો હોય, વારંવાર સાઇનસમાં ઇન્ફેકશન થઈ જતું હોય અથવા દવાથી પૂરતી રાહત ન મળતી હોય. સર્જરી એલર્જી દૂર કરતી નથી, પરંતુ શ્વાસ લેવામાં સરળતા અને સારવારને વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે.”

– ડૉક્ટરની સલાહ વિના નાકનું ઓપરેશન કરાવવાનો નિર્ણય ન લો.

સુરતમાં વરસાદ બન્યો કાળ! કરંટ લાગતા બે મિત્રોના કરુણ મોત

સુરત શહેરમાં વરસાદ દરમિયાન બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. વરસાદમાં નાહીને ઘરે પરત ફરેલા એક યુવકનું કરંટ લાગવાથી મોત થયું હતું. તેને બચાવવા દોડેલા તેના મિત્રને પણ કરંટ લાગતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા.

કેવી રીતે બની દુર્ઘટના?
ગઈકાલે સાંજે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે દરમિયાન રાંદેરગામની સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતો 28 વર્ષીય યુવક વરસાદમાં ભીનો થઈ ઘરે પરત ફરી રહ્યો હતો. ભીના કપડાં સાથે ઘરની લોખંડની સીડી ચઢી રહ્યો હતો ત્યારે અચાનક કરંટની ચપેટમાં આવી ગયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. યુવકની ચીસો સાંભળીને પડોશમાં રહેતો તેનો મિત્ર તેને બચાવવા દોડી આવ્યો. જોકે ભીના શરીરના કારણે તેને પણ કરંટ લાગ્યો અને બંને મિત્રો ત્યાં જ ઢળી પડ્યા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવી બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેઓ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં લાંબા સમયથી સમગ્ર પરિસરમાં કરંટ આવતો હતો. આ અંગે મકાન માલિકને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

પરિવારજનોએ જણાવ્યું કે મકાન માલિક માત્ર ભાડું વસૂલવામાં જ રસ રાખતા હતા. હવે તેઓ આકાશી વીજળી પડવાનું કારણ બતાવી રહ્યા છે, પરંતુ જો ખરેખર વીજળી પડી હોત તો શરીર બળી જવું જોઈએ. પરિવારજનોએ આ દુર્ઘટના માટે મકાન માલિકની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

પોલીસે શરૂ કરી તપાસ
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સાંજે વીજળીના કડાકા-ભડાકા થતાં કદાચ આકાશી વીજળીના કારણે આ ઘટના બની હોઈ શકે. જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

સુરતમાં ભારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં કુલ 5.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે જ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ભારતથી ગુજરાત સુધી વરસાદનું એલર્ટ, મુંબઈ-સુરતમાં મેઘરાજાનો કહેર!

0

દેશના અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય બન્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં 4થી 5 દિવસ વહેલું પહોંચી ગયું છે, છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર (NCR)માં 12 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ચોમાસું પોતાની સંપૂર્ણ અસર બતાવે છે કે નહીં.

બીજી તરફ મુંબઈ, સુરત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોઈડા, ગાઝિયાબાદ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 7થી 12 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં 9 અને 12 જુલાઈએ વરસાદ પડી શકે છે. પૂર્વી રાજસ્થાનમાં પણ 9 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 12 જુલાઈ સુધી વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ 8થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ છે. શિમલા અને મનાલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે.

પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ વરસાદની સંભાવના
પંજાબમાં 7થી 9 જુલાઈ અને ફરી 11થી 12 જુલાઈ દરમિયાન વરસાદ પડી શકે છે. હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 7થી 9 તથા 10થી 12 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે. પૂર્વી રાજસ્થાનમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી એકથી બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં 9 જુલાઈએ વાવાઝોડા, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદનું એલર્ટ
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 7થી 9 જુલાઈ અને ફરી 12 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વી મધ્ય પ્રદેશમાં 10થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. વિદર્ભમાં 9થી 12 જુલાઈ અને છત્તીસગઢમાં 8થી 11 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

મુંબઈમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજો બંધ
ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ વરસાદે જોર પકડ્યું છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ, ઠાણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કોંકણ અને ગોવામાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં સુરત, જામનગર સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે.

લો-પ્રેશર સિસ્ટમથી વરસાદનું જોર વધશે
ઝારખંડ અને ઉત્તર ઓડિશા નજીક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના પ્રભાવથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ ઉપરાંત કોંકણ, ગુજરાત અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં 7 જુલાઈએ પણ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદનું જોર રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતની સાથે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું વધુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદનું જોર યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે સુરત-વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર!

0

રાજ્ય પર હાલ એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 થી 11 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટના પગલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ ગીર સોમનાથ, દીવ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 5 ઇંચથી વધારે, સાત તાલુકામાં 4 ઇંચથી વધારે, 11 તાલુકામાં 3 ઇંચથી વધારે, 21 તાલુકામાં 2 ઇંચથી વધારે, 49 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 128 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

ક્રમવિસ્તારવરસાદ (ઇંચ)
1વાપી8.58
2કામરેજ6.46
3પારડી6.34
4ઉમરગામ6.26
5ઘોઘા6.14
6નાનાપોંઢા5.91
7કપરાડા5.39
8સુરત શહેર5.39
9વલસાડ5.28
10ખેરગામ4.88
11લાઠી4.61
12ભાવનગર4.49
13શિહોર4.45
14બાબરા4.37
15અમરેલી4.25
16રાધનપુર4.21
17સિનોર3.90
18ખાનપુર3.86
19સાવરકુંડલા3.82
20ડોલવણ3.70
21ધરમપુર3.62
22ડભોઈ3.54
23બોડેલી3.43
24ગારિયાધાર3.39
25ઉમરાળા3.15
26સાગબારા3.11
27વાગરા3.07

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 17 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 268માંથી 260 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પરંતુ કચ્છ જિલ્લાના અબડાસા, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકા કોરાધાકોડ રહ્યા છે.

કર્ણાટકના મંદિરમાં કરોડોની ચોરી, 32 કિલોની ચાંદીની મૂર્તિ ગાયબ!

0

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલ પ્રસિદ્ધ શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો વજનની ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ ચાંદીના આભૂષણોની ચોરી થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોરી ગયેલા તમામ ચાંદીના સામાનની બજાર કિંમત અંદાજે 1.20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

મંદિર સમિતિના અધ્યક્ષ કરનંદપ્પા બિરદારની ફરિયાદ અનુસાર, સવારે લગભગ 4 વાગ્યે મંદિરના પુજારી સાધુ શંકરલિંગે મંદિરના દરવાજા ખુલ્લા અને તાળા તૂટેલા જોયા હતા. ત્યારબાદ ગર્ભગૃહમાં તપાસ કરતાં ચાંદીની મૂર્તિ પોતાના સ્થાન પરથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે મંદિરના પુજારી શરણૈયા સલિમતે 5 જુલાઈની રાત્રે લગભગ 9 વાગ્યે નિયમિત પૂજા પૂર્ણ કર્યા બાદ અંદર અને બહારના લોખંડના દરવાજા બંધ કરી તાળા માર્યા હતા. પોલીસના અનુમાન મુજબ ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી.

મંદિરના CCTV કેમેરા પણ મળ્યા બંધ
ચોંકાવનારી બાબત એ છે કે મંદિર પરિસરમાં સંતો અને સાધુઓ સૂતા હોવા છતાં ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. વધુમાં તપાસ દરમિયાન મંદિરના CCTV કેમેરા પણ બંધ હાલતમાં મળ્યા હતા, જેના કારણે પૂર્વયોજિત સડયંત્રની આશંકા વધુ મજબૂત બની છે.

પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ મુદ્દેબિહાલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(d) અને 331(4) હેઠળ FIR નોંધવામાં આવી છે.

પોલીસ અનુસાર, ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો કારણ કે મંદિર સમિતિએ પોલીસ સુધી પહોંચતા પહેલાં ગામલોકો સાથે ચર્ચા કરી હતી. હાલ પોલીસ દ્વારા અજાણ્યા આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ સહિત 23ના મોત, 100થી વધુ ઘાયલ

શ્રીલંકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની કોલંબોની મુખ્ય જેલમાં બે ગેંગ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 4 જેલ ગાર્ડ અને 19 કેદીઓ સહિત કુલ 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હિંસક ઘટનામાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા છ વર્ષમાં શ્રીલંકાની કોઈ જેલમાં બનેલી આ સૌથી મોટી હિંસક ઘટના માનવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સાથે જોડાયેલા બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી, જે બાદ જેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હિંસા બાદ તમામ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલેએ જણાવ્યું કે હોસ્પિટલમાં કુલ 23 મૃતદેહો લાવવામાં આવ્યા હતા, જ્યારે 100થી વધુ કેદીઓ અને જેલ ગાર્ડ સારવાર હેઠળ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા લોકોને ગોળી વાગવાથી ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય અનેક લોકોને મારપીટ અને હિંસાના કારણે ગંભીર ઈજાઓ થઈ છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જેલની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

રતન ટાટાની ભત્રીજીને ટાટા ગ્રુપે સોંપી મોટી જવાબદારી, જાણો કોણ છે માયા ટાટા

0

ટાટા ગ્રુપના રિટેલ બિઝનેસને લઈને એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નોએલ ટાટાની પુત્રી અને રતન ટાટાની ભત્રીજી માયા ટાટાને ટ્રેન્ટ લિમિટેડ (Trent Limited)ની સૌથી મોટી ફેશન બ્રાન્ડ વેસ્ટસાઇડ (Westside)માં એક બહુ મોટી જવાબદારી મળવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 વર્ષીય માયા ટાટા હવે વેસ્ટસાઇડના ઓનલાઇન બિઝનેસ અને ઓવરસીઝ (વિદેશી) ઈ-કોમર્સ માર્કેટિંગનું કામ સંભાળશે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે વેસ્ટસાઇડ પોતાના ડિજિટલ બિઝનેસને ઝડપથી આગળ વધારી રહી છે અને વિદેશોમાં પણ પોતાની મજબૂત ઉપસ્થિતિ કરી રહી છે.

આ સમગ્ર પ્લાન પાછળ તેમના પિતા નોએલ ટાટાની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે, જેઓ હાલમાં ટ્રેન્ટના ચેરમેન છે અને આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત (રિટાયર) થવાના છે. જોકે, આ સમાચાર પર ટ્રેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ટાટા ડિજિટલ પછી હવે નવો રોલ
માયા ટાટા આ પહેલા ટાટા ડિજિટલમાં કામ કરી રહ્યા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમણે રાજીનામું આપ્યું છે. ટાટા ડિજિટલમાં આશરે ₹17,000 કરોડના નુકસાનના સમાચારો વચ્ચે હવે તેમને આ નવા રોલમાં જોવામાં આવી રહ્યા છે. માયા ટાટા પાસે ડિજિટલ કોમર્સ, ઓનલાઇન રિટેલ અને ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડવાનો ખૂબ જ સારો અનુભવ છે, જેનો લાભ હવે વેસ્ટસાઇડને મળશે.

ટાટા ડિજિટલ પહેલા તેમણે ટાટા કેપિટલના ‘ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ’માં પણ કામ કર્યું હતું. માયા ટાટાના ભાઈ નેવિલ ટાટા પણ ટ્રેન્ટના હાઇપરમાર્કેટ બિઝનેસ ‘સ્ટાર બાઝાર’ને સંભાળી રહ્યા છે, જ્યારે તેમના મોટા બહેન ગ્રુપના હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે. આ રીતે, ટાટા પરિવારની નવી પેઢી હવે ગ્રુપના અલગ-અલગ બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.

વેસ્ટસાઇડનો બિઝનેસ અને ટાટાનો મેગા પ્લાન
ટ્રેન્ટ લિમિટેડ માટે વેસ્ટસાઇડ કેટલું મહત્વનું છે તેનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે ટ્રેન્ટની કુલ કમાણીનો આશરે 40 ટકા હિસ્સો એકલી વેસ્ટસાઇડ બ્રાન્ડમાંથી આવે છે. કંપનીનો ટાર્ગેટ છે કે તે દર વર્ષે વેસ્ટસાઇડના આશરે 50 નવા સ્ટોર્સ ખોલશે.

વેસ્ટસાઇડ (Westside) એ તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં પોતાનો પહેલો ઇન્ટરનેશનલ સ્ટોર ખોલીને ગ્લોબલ માર્કેટમાં ડગ માંડ્યા છે. કંપની હવે પોતાની ભારતીય ફેશન બ્રાન્ડને દુનિયાના અન્ય બજારો સુધી પહોંચાડવા માંગે છે.

ટ્રેન્ટ લિમિટેડનું શાનદાર પરફોર્મન્સ
ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડનું રિટેલ નેટવર્ક દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કંપની વેસ્ટસાઇડ ઉપરાંત ઝુડિયો (Zudio) અને સ્ટાર બાઝાર જેવી પોપ્યુલર બ્રાન્ડ્સ પણ ચલાવે છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં ટ્રેન્ટ લિમિટેડની કુલ આવક (રેવેન્યુ) લગભગ ₹19,700 કરોડ રહી છે. આ સાથે જ કંપનીનું આખું રિટેલ નેટવર્ક હવે દેશના 321 શહેરોમાં 1,286 સ્ટોર્સ સુધી પહોંચી ગયું છે.

આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદનો ધમાકો ચાલુ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રવિવારે રાજ્યના 120થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના રાજુલા અને ધારી તાલુકામાં 10-10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમરેલી-ગીર સોમનાથમાં પૂરની સ્થિતિ
છેલ્લા બે-ત્રણ દિવસથી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે.

ચલાલા નગરપાલિકા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન: ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અંદાજિત 100 લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની ત્વરિત કામગીરીથી તમામ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

વઢેરા ગામમાં પોલીસની બહાદુરી: અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસે પૂરના પાણીમાં ઉતરીને બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા. આ કાર્યમાં પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હવામાન વિભાગની આગાહી
ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. જિલ્લા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે:

  • નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો
  • બિનજરૂરી અવરજવર ન કરો
  • અફવાઓથી દૂર રહો
  • માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરો
  • જિલ્લા વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી કાર્યવાહી માટે તૈયાર છે.

સલામતી સર્વોપરી આ વરસાદી મોસમમાં સૌએ સાવધાની રાખવી જરૂરી છે. વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમોના સમયસરના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.

આવી કુદરતી આફતના સમયે એકતા અને ત્વરિત પ્રતિસાદ જ સૌથી મોટી તાકાત છે.

અમરેલીમાં મેઘતાંડવ! રાજુલામાં 10.79 ઇંચ વરસાદથી જનજીવન ઠપ

0

ગુજરાતમાં એકસાથે સક્રિય થયેલી અનેક વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં 10.79 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતાં જનજીવન પ્રભાવિત થયું છે અને ગામડાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક તાલુકામાં 10 ઇંચથી વધુ, એક તાલુકામાં 9 ઇંચથી વધુ, એક તાલુકામાં 6 ઇંચથી વધુ, બે તાલુકામાં 5 ઇંચથી વધુ, છ તાલુકામાં 4 ઇંચથી વધુ, બે તાલુકામાં 3 ઇંચથી વધુ, 14 તાલુકામાં 2 ઇંચથી વધુ, 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્યનો સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1સુબીર (ડાંગ)5.16
2સાવરકુંડલા5.04
3જાફરાબાદ4.92
4ડાંગ4.57
5વિજયનગર4.49
6બગસરા4.29
7લીલીયા4.21
8ઊના4.21
9જેસર4.21
10ચીખલી3.58
11અન્ય એક વિસ્તાર3.27

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1મહુવા (ભાવનગર)2.99
2વાપી2.95
3ગારિયાધાર2.80
4ડોલવણ2.76
5ઉમરગામ2.72
6ગીર ગઢડા2.72
7ગણદેવી2.64
8કોડીનાર2.60
9વ્યારા2.48
10ચુડા2.17
11અંબિકા2.09
12કપરાડા2.09
13અમરેલી2.01
14મહેસાણા1.97
15વઘઈ1.93
16પાલિતાણા1.85
17સૂત્રાપાડા1.81
18કોટડા સાંગાણી1.77
19ઓલપાડ1.77
20વિસાવદર1.57
21તારાપુર1.57
22કુકાવાવ-વડિયા1.42
23સિદ્ધપુર1.42
24લખતર1.38
25પલસાણા1.34
26દાંતા1.34
27વડગામ1.34
28કડી1.34
29ગોંડલ1.34
30નવસારી1.34
31હળવદ1.34
32વિસનગર1.30
33સાયલા1.30

આજે ક્યાં છે ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.