Thursday, Jul 9, 2026

18 ઇંચ વરસાદે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને કર્યો બેહાલ, ₹200 કરોડથી વધુનું નુકસાન

2 Min Read

ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં પડેલા 18 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરની ઘણી ટેક્સટાઈલ માર્કેટ અને શોપિંગ કોમ્પલેક્સમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ શહેરમાં વરસાદથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને રૂ. 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 26થી વધુ મુખ્ય ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કરોડો રૂપિયાના તૈયાર કાપડ, કાચો માલ અને અન્ય સ્ટોક નાશ પામ્યો હતો. વેપારીઓએ આ તબાહીને તાજેતરના વર્ષોની સૌથી ભયાનક તબાહી ગણાવી હતી.

આ વિસ્તારની ટેક્સટાઈલ માર્કેટને સૌથી વધુ નુકસાન
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ, સારોલી, લિંબાયત અને પર્વત પાટિયાનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદની સાથે બ્લોક થયેલી ડ્રેનેજ લાઈનો અને ઓવરફ્લો થતી ખાડીઓના બેક મારેલા પાણીને કારણે માર્કેટો ડૂબી ગયા હતા. 1000 થી વધુ દુકાનો અને ગોડાઉનોમાં પાણી ભરાઈ ગયા હતા.

માલ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કોઈ તક ન મળી
વેપારીઓના જણાવ્યા અનુસાર, મંગળવાર સાંજ સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી. જો કે, મોડી રાત્રે ખાડીઓ ઓવરફ્લો થતાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું અને ટૂંક જ સમયમાં બજારોમાં પાણી ફરી વળ્યા હતા. માર્કેટો તે દિવસ માટે પહેલેથી જ બંધ થઈ ગયા હોવાથી, વેપારીઓને તેમનો માલ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કોઈ તક મળી ન હતી. ઘણા વેપારીઓએ પૂરની અસર વકરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂનઅપૂરતી કામગીરીને જવાબદાર ઠેરવી હતી.

વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) એ બુધવારે શહેરના ટેક્સટાઇલ માર્કેટો બંધ રાખવાની જાહેરાત કરી હતી. સફાઈ કામગીરી સરળતાથી થઈ શકે અને વેપારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવાર સવારથી વરસાદનું જોર ઘટતાં પૂરના પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા છે. પરિસ્થિતિમાં સુધારો થતાં, વેપારીઓ અને મજૂરોએ સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી, દુકાનોમાંથી કાદવ-કીચડ દૂર કર્યો હતો, જેટલો બચી શકે તેટલો સ્ટોક બચાવ્યો હતો અને પોતાના નુકસાનનો અંદાજ લગાવ્યો હતો.

Share This Article