અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમે થોડા પૈસા ચૂકવીને હેલિકોપ્ટરમાં રામ મંદિરના દર્શન કરી શકશો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.
હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું પ્રતિ વ્યક્તિ 4130 રૂપિયા છે. એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન કરવા ઈચ્છે છે તો તેણે ઉત્તર પ્રદેશ સરકારને 4130 રૂપિયા ચૂકવવા પડશે. જો કે આ રકમ ચૂકવ્યા બાદ તમને હેલિકોપ્ટર દ્વારા કેટલા સમય સુધી ફેરવવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું રામ મંદિર આગામી સપ્ટેમ્બર 2025 સુધીમાં બની જશે. આ વર્ષની શરૂઆતમાં 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, ‘મંદિરની ચાર દીવારોમાં 8.5 લાખ ધન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરાશે અને આ પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યા છે, પરંતુ 200 શ્રમિકોની અછતના કારણે નિર્માણ કાર્યમાં મોડું થઈ રહ્યું છે.’
તેમણે કહ્યું કે, ‘પહેલા માળે કેટલાક પથ્થરો નબળા અને પાતળા દેખાય છે, તેમની જગ્યાએ મકરાણા પથ્થરો સ્થાપિત કરવામાં આવશે. તમામ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહી.’
આ પણ વાંચો :-