Low voter turnout in elections can
- મોંઘવારી, બેકારી, બેરોજગાર, વેપાર, ઉદ્યોગમાં અનિશ્ચિતતા અને ઉપરથી કાયદાની નાકાબંધીથી લોકો ત્રાસી ગયા છે, પરંતુ વિકલ્પ મળતો નથી.
- ભાજપ અને આપનો પ્રચાર જોતાં આ વખતે જબરજસ્ત મતદાન થવાની આશા હતી, પરંતુ ‘આપ’વાળા પણ ગાજ્યા એટલા વરસી શક્યા નહીં, ટોળાં ભેગા કરવા અને ટોળાંને મતદાનમાં રૂપાંતર કરવા વચ્ચે ખૂબ મોટો તફાવત છે.
- દેશમાં રોડ-રસ્તા બન્યા, સરકારી અને ભાજપની ઈમારતો બની પરંતુ સામાન્ય જીવનમાં આર્થિકક્ષેત્રે કેટલો બદલાવ આવ્યો એ મહત્ત્વનું છે, આવાસ બાંધી આપવાથી ગરીબી દૂર થઈ જતી નથી પરંતુ આવાસમાં રહીને પરિવારનું ભરણપોષણ માટે રોજગાર પણ જરૂરી છે.
- દેશ અને રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિથી વડાપ્રધાન વાકેફ નથી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનું પરિણામ ભાજપનું નવું ભાવિ નક્કી કરશે.
ખાસ કરીને સુરતમાં ‘આપ’નાં મોટાભા કેજરીવાલ (Kejriwal) સહિત યુવાઓનાં ટોળાંએ મતદાન પહેલા ગાઈ વગાડીને વગાડેલા ઢોલ મતદાનનાં દિવસે ગાજ્યા એટલા વરસ્યા નહોતા, સુરતનાં વરાછા, કતારગામ (Katargam), ઓલપાડ અને કામરેજ બેઠક માટે મતદાનનાં (Voting) આગલા દિવસ સુધી ભાજપ માટે આફતના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ મતદાનનાં એટલે કે ૧લી ડિસેમ્બરનાં દિવસે અચાનક ‘આમ આદમી પાર્ટી’નો (Aam Aadmi Party) નશો જાણે ઓસરી ગયો હોય એવું લાગી રહ્યું હતું.
આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અને તોફાની ગણાતા ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) કતારગામ બેઠક ઉપર ભાજપનાં વર્તમાન મંત્રી વિનુ મોરડિયા (Vinu Mordia) સામે જંગે મેદાનમાં હતા. ભાજપનાં સુપ્રીમો અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત ત્રણ દિવસ સુરતમાં પડાવ નાંખ્યો હતો અને કતારગામ તથા વરાછા વિસ્તારમાં ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશ્યિલ મીડિયામાં ‘આપ’નો પ્રચાર જોતા એવું લાગતું હતું કે, મતદાનનાં દિવસે ‘આપ’નાં જુવાનિયાઓનાં ટોળા નીકળી પડશે.
પરંતુ આમાનું કંઈ જ થવા પામ્યુ નહોતું. બલ્કે આ બેઠકો ઉપરનાં મતદાનમાં ગત ચૂંટણી કરતાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પાંચ ટકા ઓછું મતદાન થવા પાછળ લોકોની ઉદાસીનતા ચોક્કસ કારણભૂત ગણી શકાય. મોંઘવારી, બેકારી, આરાજકતાથી લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે, લોકોને હવે દરેક પક્ષમાં એકનાં એક ચહેરા દેખાઈ રહ્યાં છે. લોકો આવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા તરફડી રહ્યાં છે. પરંતુ ક્યાંય પણ આશાનું કિરણ દેખાતુ નથી. લોકોનો હવે ભાજપ પ્રત્યેનો ‘મોહભંગ’ જરૂર થયો છે. પરંતુ ભાજપને ઉથલાવી શકે એવો કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી. પાછલાં ૨૭ વર્ષથી ગુજરાતમાં અને આઠ વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારનું રાજ છે.
દેશની માળખાગત સુવિધાઓમાં ચોક્કસ વધારો થયો હશે. પરંતુ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો લગભગ દરેક વ્યક્તિ જાત જાતની સમસ્યાથી વાજ આવી ગયો છે. સાંજનાં છેડે ઘર પરિવારનું પેટ ભરી શકાય એટલી કમાણી થતી નથી. લોકોને કામ કરવું છે, પરંતુ કામ નથી. ઘણાં પરિવારોનાં ચુલા પણ કદાચ એક જ ટાઈમ સળગતા હશે. સેંકડો બાળકોની પ્રાથમિક જરૂરિયાતો પણ છીનવાઈ ગઈ હશે. અનેક પરિવારો વ્યાજનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. આવા એક નહીં અનેક પ્રશ્નોથી સામાન્ય નાગરિકનું જીવન દુષ્કર બની ગયું છે અને એટલે જ હવે લોકો ભાજપથી નહીં પરંતુ ભાજપનાં નિષ્ફળ શાસનથી કંટાળી ગયા છે.
આ બધાની વચ્ચે લોકો કોઈ નવા ચહેરાની શોધમાં છે. લોકોને એ પણ ખબર છે કે આ બધા જ ‘એક જ દરિયાના જીવ છે’. પરંતુ શાસનમાં કોઈક સારી વ્યક્તિ આવે તો બીજુ નહીં તો કંઈ નહીં સારી રીતે જીવી શકાય. બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપી શકાય અને સારી રોજગારી મેળવી શકાય. બસ, આનાથી વિશેષ કોઈ જ અપેક્ષા નથી. પરંતુ ભાજપની ટોચની નેતાગીરી ‘સુ-શાસન’ આપવામાં ચોક્કસ નિષ્ફળ નિવડી છે. સરકારો એ રીતે ચાલે છે કે, જાણે કોઈ પ્રાઈવેટ કંપની ચાલતી હોય.
ખરેખર તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા બીજા કોઈએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ નિરાંતે મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે, લોકોને ભાજપ ઉપર નહીં પરંતુ મોદી ઉપર ભરોસો છે અને એટલે જ મોદીનાં નામ ઉપર લોકો ભાજપને મત આપતા આવ્યા છે અને ભાજપને જીતાડવા માટે મોટા અમીરો નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. જો વડાપ્રધાન મોદી આ સત્યને ખરેખર સમજી શકતા હોય અને દિલ દિમાગથી વિચારી શકતા હોય તો ચોક્કસ સરકારી તંત્રમાં અસરો જોવા મળે. પરંતુ અનુભવે એવું ચોક્કસ કહી શકાય કે, લોકોનાં દર્દ, સમસ્યા અને વાસ્તવિક તકલીફ વડાપ્રધાન મોદીનાં દિલ અને દિમાગ સુધી પહોંચતી નહીં હોય.
અન્યથા વહિવટમાં સુધારો થયો હોત. રોડ, રસ્તા બન્યા, વીજળીનું વિસ્તરણ થયું, સરકારી ઓફિસો અને ખુદ ભાજપની કાર્યાલયો વૈભવી મહેલ જેવી બની. પરંતુ બીજી તરફ ગરીબોનાં માથેનું છાપરું રીપેર કરાવવાનાં પણ પૈસા નથી. ગરીબો માટે આવાસ બનાવ્યા, પરંતુ આવાસમાં પરિવાર સાથે સુખેથી જીવનનો ગુજારો કરવા માટે કમાણીનાં સાધનો નથી. કાશ, વડાપ્રધાન મોદીને આ વાત સમજાતી હોત તો ગરીબોને આવાસ આપતા પહેલાં રોજગારીનું પણ સર્જન કર્યું હોત. પરંતુ રોજગારીની દિશામાં કોઈ જ અસરકારક પગલાં ભરાયા નથી. બલ્કે લોકોને રોજગારી આપતા મધ્યમ અને લઘુકક્ષાનાં સેંકડો રોજગાર બંધ થઈ ગયા! વેપાર, ઉદ્યોગનાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકારે એટલી હદે ‘નાકાબંધી’ કરી છે કે, વેપાર, ધંધા કરનારાઓની હાલત ગુનેગાર જેવી છે. વેપારીઓ, ઉદ્યોગકારો પોતે ગુનેગાર હોય એવા ભાવથી પીડાઈ રહ્યાં છે. બીજી તરફ કાયદાની ઐસી કી તૈસી કરીને બેધડક ટેક્સ ચોરી કરીને રાતોરાત દુકાનનાં પાટીયા બદલી નાંખનારાઓનો વાળ પણ વાંકો થતો નથી. આ નરી વાસ્તવિકતા છે.
ખેર, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં ઉદયની સાથે લોકોને થોડા ઘણાં લડવૈયા મળવાની આશા બંધાઈ હતી, પરંતુ પાટીદાર સમાજને ‘અનામત’ અપાવનાર અને બદલાયેલા રૂપમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ખાસ કરીને પાટીદાર સમાજનાં યુવાનો મતદાન ટાણે ગાજ્યા એટલા વરસ્યા નહોતા અને લોકોને અસરકારક મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા હતા. બલ્કે વિતેલા દિવસો દરમિયાન માથું ફાડી નાંખે એવો પ્રચાર અને જાત જાતનાં વાયદા અને વચનોને કારણે વિમાસણમાં મુકાઈ ગયેલા મતદારોને મતપેટી નજીક પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી નામનો કોઈ વિકલ્પ જ દેખાયો નહોતો એવું કહી શકાય. ઘણી જગ્યાએ પરિવર્તન. પરિવર્તનની બુમરાણ સાંભળવા મળી હતી. પરંતુ મતદાન સમયે જાણે પરિવર્તન નામની હવા ગાયબ થઈ ગઈ હતી.
બીજી તરફ રાજકીય અપપ્રચારને કારણે પણ જાતિવાદ, કોમવાદનાં વાડામાં વહેંચાયેલા લોકોએ પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. ગત ચૂંટણીમાં સુરત શહેર-જિલ્લામાં સરેરાશ ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે આક્રમક પ્રચાર છતાં મતદાનની ટકાવારીમાં સીધો પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વખતે શહેર-જિલ્લામાં સરેરાશ ૬૧.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. આ બતાવે છે કે, લોકો હવે ત્રાસી ગયા છે અને કોઈનામાં પણ ‘ભરોસો’ નથી અને સાથે નવો વિકલ્પ પણ નથી.
‘આપ’ના અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ ગુજરાતનાં લોકોનાં મનમાં ‘ભરોસો’ પેદા કરી શકશે કે કેમ તેની સામે હવે ચોક્કસ પ્રશ્નાર્થ કરી શકાય. કારણ કે, આમ આદમી પાર્ટી એટલે ‘આપ’ માટે સુરત મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને સુરતમાં જ જો ‘આપ’ને આવકાર મળવાનો ન હોય તો રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ‘આપ’ને વિશેષ આવકાર મળવાની શક્યતા દેખાતી નથી. મતલબ કે અમિત શાહનાં શબ્દો ખરેખર સાચા બનીને રહી જશે.
અમિત શાહનાં અત્યાર સુધીનાં ચૂંટણી પ્રચારમાં તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતની ચૂંટણીમાં ‘આપ’નું કોઈ જ અસ્તિત્વ નથી. અને અંતમાં એવી વાત ચાલી રહી છે કે, ઓલપાડ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર ધાર્મિક માલવિયા પાછલાં કેટલાંક દિવસોથી સક્રિય નહોતો. તેમની નિષ્ક્રિયતા માટે પણ અનેક સવાલ પુછાઈ રહ્યાં છે. પરંતુ કારણો સહિતનાં જવાબ મળવાનું મુશ્કેલ જણાય છે. કદાચ ઓલપાડ બેઠકનાં પરિણામનાં પોસ્ટમોર્ટમ વખતે ધાર્મિકની નિષ્ક્રિયતા માટેનાં સંભવત કારણો બહાર આવી શકે.
આ પણ વાંચો :-