- જગતજમાદાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવાનો અભરખો હતો, પરંતુ ટ્રમ્પને પણ કડવો અનુભવ થશે ત્યારે ખ્યાલ આવશે
- ગદ્દારી પાકિસ્તાનના લોહીમાં છે અને એટલે જ ભારત-પાક.ના ભાગલા વખતે સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતીઃ દેશને આઝાદી મળી અને સત્તાલાલચુઓએ અખંડ ભારતના બે ટુકડા કરાવી દીધા હતા
- ૧૯૭૧માં સ્વ.વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પાકિસ્તાનને ઘૂંટણિએ લાવી વિશ્વના નકશામાં બાંગ્લાદેશના નામે એક સ્વતંત્ર દેશની રચના કરી હતી, પરંતુ ત્યાર પછી પણ પાકિસ્તાનનુંઝેર ઓછું થયું નહોતું
- સ્વ.વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ દોસ્તીનો હાથ લંબાવી બે દેશોને ફરી એક કરવા સમજૌતા એક્સપ્રેસ નામથી ટ્રેન અને બસ વહેવાર શરૂ કર્યો પરંતુ પરિણામ એ જ આવ્યું; ૧૯૯૮માં કારગીલ યુદ્ધ કરવું પડ્યું, આ સમયે દોસ્તીના હાથની પાછળ પાકિસ્તાને પીઠમાં ખંજર માર્યું હતું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૫ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે પડોશી દેશ સાથે દોસ્તીનો હાથ લંબાવવા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા પહોંચી ગયા હતા, પરંતુ વડાપ્રધાન મોદીએ દાખવેલા ભાઈચારાના બદલામાં પાકિસ્તાને શું આપ્યું? અને કેટલી કદર કરી?
- વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ પુલવામામાં સૈનિક થાણામાં થયેલ હુમલામાં ૪૦ ભારતીય જવાનોના મોતની ઘટના અને છેલ્લે પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘટનાએ ફરી એક વખત પુરવાર કર્યું કે પાકિસ્તાનને યુદ્ધવિરામ આપેલા વચનની કોઈ જ કિંમત નથી
ગુજરાતીમાં એક કહેવત છે ‘‘વાર્યા ન વળે એ હાર્યા વળે’’. મતલબ અનેક વખત સમજાવવા છતાં વાત માને નહીં એવા લોકો ઠોકર વાગે ત્યારે પાછા વળે. યુદ્ધનો માર્ગ દુનિયામાં ક્યાંય પણ સુખ અપાવનારો રહ્યો નથી. સેંકડો સૈનિકોની લાશો ઉપર મેળવેલી સત્તા એ ખરેખર સત્તા નથી. અન્યાય સામે લડવું એ રાજધર્મ છે. દેશની પ્રજા માટે થઈને જંગ માંડવો પડે તો એ ન્યાયિક છે. પરંતુ પોતાના બદઇરાદા પાર પાડવા માટે લોકોની સતામણી કરતા રહેવું ન્યાયિક નથી.પાકિસ્તાનનો જન્મ જ વિભાજનવાદી પરિબળોની જીદને કારણે થયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી છુટકારો મેળવવા હિંદુ અને મુસલમાનો સાથે મળીને આઝાદીનો જંગ લડ્યા હતા, પરંતુ ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યાર બાદ પાકિસ્તાનના સર્જક ઝીણાના મનમાં સળવળી રહેલી સત્તાની લાલસા અખંડ ભારતના ભારત અને પાકિસ્તાન નામે ભાગલા કરાવીને રહી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં જેટલું માનવલોહી રેડાયું નહોતું એટલું માનવલોહી ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે રેડાયું હતું. વળી, પાકિસ્તાનનું સર્જન ‘કોમ’ના નામે થયું હતું. ત્યાર પહેલા અખંડ ભારત બિનસાંપ્રદાયિક દેશ હતો અને ભાગલા પછી પણ ભારત બિનસાંપ્રદાયિક દેશ રહ્યો છે. આજે પણ ભારતના બંધારણમા ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિક-હિંદુ હોય કે મુસલામન હોય કે ઇસાઇ હોય- તમામને નાગરિકતાના સમાન અધિકાર છે. ભારતમાં આનાથી પણ આગળ વધીને સમાનતાના નામે વિશેષ અધિકારો આપવામાં આવે છે. કદાચ દુનિયામાં કોઇ એવો દેશ નહીં હોય કે જ્યાં ચોક્કસ સમુદાય માટે વ્યક્તિગત કાયદાકીય અધિકાર હશે. ભારતમાં ‘મુસ્લિમ પર્સનલ લો’ આનું જીવંત ઉદાહરણ છે. આ ‘પર્સનલ લો’ના કારણે બંધારણમાં પણ વિશેષ અધિકાર મળે છે. ચોક્કસ સમુદાયના નામે આટલા વિશેષ અધિકાર ક્યાં હોઈ શકે? ખુદ ઇસ્લામિક દેશોમાં પણ આટલી છૂટ આપવામાં આવતી નથી.
ખેર, ભારત-પાકિસ્તાનના ભાગલાનો કાળ અત્યંત દુઃખદાયી રહ્યો હતો. અનેક નિર્દોષ લોકોની કતલ કરવામાં આવી હતી. આ એવા લોકો હતા, જે ને ભાગલા સાથે કોઈ નિસ્બત નહોતી, પરંતુ તેમના દિલો-દિમાગમાં ‘કોમવાદ’નું ઝેર રેડી દેવામાં આવ્યું હતું. આઝાદી પૂર્વે જે હિંદુ-મુસ્લિમ પરિવારો અડોશ-પડોશમાં રહીને એકબીજાના જીવનમાં સહભાગી બનતા હતા એ લોકો રાતોરાત ‘કોમ’ના નામે એકબીજાના લોહીના તરસ્યા બની ગયા હતા. શેરી-મહોલ્લામાં ઊછરી રહેલા બાળકોને હિંદુ, મુસલમાન કે ઇશ્વર-અલ્લાહના નામે કોઇ ભેદભાવ નહોતો એવા બાળકોના મનમાં પણ કોમવાદનું ઝેર રેડીને કોમવાદી બનાવી દેવામાં આવ્યા હતા અને આ બધું માત્ર ને માત્ર સત્તાની ‘હવસ’ માટે થયું હતું.અને જે દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ભાગલાની ‘રેખા’ ખેંચવામાં આવી એ દિવસથી જ પાકિસ્તાનના શાસકોએ ભારત સામે ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું અને કાશ્મીરના મુદ્દાને લઈને ભારત સાથે સંઘર્ષના મંડાણ કર્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પણ કાશ્મીર ભારતનો જ હિસ્સો હતો. બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરીને કાશ્મીરને કેટલીક સ્વતંત્રતા આપવામાં આવી હતી, પરંતુ ભારતના નકશામાંથી ક્યારેય પણ અલગ કરાયું નથી. વીતેલા દાયકાઓ દરમિયાન કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને સેંકડો વખત ઉધામા કરી ભારત સાથે સતત શિંગડા ભેરવવાનું ચાલુ રાખ્યું છે અને આ લડાઇમાં જ આતંકવાદનો જન્મ થયો હતો આતંકવાદી કોઈ દેશભક્ત નથી, સેનાની નથી કે પ્રજાના હામી નથી; બલ્કે એક ‘સોપારીબાજ’થી વિશેષ નથી. કોઇપણ એક દૂષણને પેદા કરવું સહજ છે. પરંતુ પોષવું અઘરું છે. પાકિસ્તાની શાસકોએ ભારતને પજવવા ભારતમાં ભાંગફોડ કરવા આતંકીઓ પેદા કર્યા, પરંતુ હવે તેને પોષવા માટે બજેટનો ખૂબ મોટો હિસ્સો ફાળવવો પડે છે.
પાકિસ્તાની શાસકોએ ભારત સાથે સંઘર્ષ કરતા રહેવાને પગલે વિકાસનો માર્ગ અખત્યાર કર્યો હોત તો પાકિસ્તાને દુનિયા પાસે ભીખ માંગવાના સંજોગોનું નિર્માણ જ થયું ન હોત. કારણ, પાકિસ્તાન સાવ ખોખલો દેશ નથી. જો કરતા આવડે તો સમૃદ્ધ ખેતી છે, જમીનમાં મિનરલ્સ પણ છે અને બુદ્ધિમતા પણ છે પરંતુ શાસકોએ પ્રજાના મનમાં ભારતવિરોધી ઝેર રેડીને આખા દેશને ખોખલો કરી નાંખ્યો છે.પાકિસ્તાને ભારત સામે અત્યાર સુધી કરેલા યુદ્ધ સાવ અકારણ હતા. આઝાદી બાદ કે અખંડ ભારત વખતે પણ ભારતે ક્યારેય પણ પાકિસ્તાનની ઉશ્કેરણી કરી હોવાની એકપણ ઘટના નોંધાઈ નથી. ૧૯૬૫માં સાવ કારણ વગર પાકિસ્તાને ભારત ઉપર ચઢાઇ કરી હતી અને ખુંવારી વેઠીને હાર સ્વીકારવી પડી હતી. ત્યાર બાદ ૧૯૭૧માં પણ પાકિસ્તાની શાસકોને ફરી યુદ્ધ કરવાની ચળ ઉપડી હતી અને પરિણામ શું આવ્યું એ દુનિયાની સામે છે. બલ્કે દુનિયાના નકશામાં ‘બાંગ્લાદેશ’ નામના એક દેશનો વધારો થયો હતો. એ વખતના વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધી અને ભારતીય સેનાએ પાકિસ્તાનને જબરજસ્ત લપડાક આપવા સાથે પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવીને ‘બાંગ્લાદેશ’ની રચના કરી હતી. મતલબ, પાકિસ્તાની શાસકોએ એક આખો પ્રદેશ ગુમાવી દેવો પડ્યો હતો.આટલી જબરજસ્ત લપડાક પછી સાવ બુદ્ધિવગરની વ્યક્તિને પણ પોતાની ભૂલનો અહેસાસ થાય પરંતુ મનમાં ‘કોમવાદ’ નામે ઝેર ભરીને ફરતા પાકિસ્તાની શાસકોની માર ખાધા પછી પણ અક્કલ ઠેકાણે આવતી નથી. આમ છતાં ભારત તરફથી વખતોવખત દોસ્તીનો હાથ લંબાવવામાં આવતો રહ્યો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ અને તેમની પૂર્વેના શાસકોએ પાકિસ્તાન સાથેના સંબંધો સામાન્ય બનાવવા ‘સમજૌતા એકસપ્રેસ’ નામે ટ્રેન વહેવાર અને બસ વહેવાર શરૂ કર્યા હતા. બંને દેશના લોકો વચ્ચેનો વહેવાર સાવ સામાન્ય બની ગયો હતો. બંને દેશની સરકારો એકબીજા પ્રત્યે વિશ્વાસ મૂકીને વહેવાર કરતી હતી. આયાત-નિકાસ બધું જ ચાલતું હતું, પરંતુ હંમેશાં પીઠમાં ખંજર મારવાની કુટેવ ધરાવતા પાકિસ્તાની શાસકોએ ૧૯૯૮ના વર્ષના મે અને જુલાઇ માસમાં કારગીલમાં ઘુસણખોરી કરીને ભારતની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું હતું. અલબત્ત, ભારત સરકારે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને ઘુંટિણયે લાવી દીધું હતું અને ભારતીય સેનાએ ઘેરી લીધેલા પાંચ હજાર સૈનિકોને છોડાવવા પાકિસ્તાને આજીજી કરવી પડી હતી. અલબત્ત, ઉદારિદલ ધરાવતી ભારત સરકાર અને શાસકોએ પાકિસ્તાનના એક પણ સૈનિકનું લોહીનું ટીપું વહેડાવ્યા વગર પાછા ફરવા માટેનો માર્ગ ખોલી આપ્યો હતો.આટલી ઉદારતા પછી પણ પાકિસ્તાની શાસકોનું ઝેર ઓછું થયું નહોતું અને આતંકીઓને એ જ ઝેર પીવડાવી ભારતમાં સમયાંતરે નાપાક હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતના વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદી ડિસેમ્બર ૨૦૧૫ની ૧૫મી તારીખે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની મહેમાનગિત માણવા સામે ચાલીને પાકિસ્તાન ગયા હતા અને શરીફની માતા પૌત્રી માટે ભારતીય ભેટ સોગાદો લઇ ગયા હતા. આટલી ઉદારતા કોણ દાખવે? અને શા માટે દાખવે? અલબત્ત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું ઇચ્છતા હતા કે સંબંધો સુધારવા કોઈએ પણ પહેલ કરવામાં વાંધો હોવો જોઈએ નહીં અને મોદીએ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂથી શરૂ કરીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના બધા જ શાસકોએ પાકિસ્તાનને ક્યારેય દુશ્મન દેશ માન્યો નથી, પરંતુ સામે પક્ષે પાકિસ્તાને ક્યારેય પણ ભારતને પોતાનું પડોશી કે મિત્ર રાષ્ટ્ર માન્યું નથી. અન્યથા આતંકીઓને હાથો બનાવીને ભારતમાં હુમલા કરવાના પ્રયાસ કર્યા ન હોત. પુલવામામાં સૈનિકો ઉપર હુમલો અને ભારતના ૪૦ જવાનોની શહીદીની ઘટના અને છેલ્લે પહલગામમાં સાવ નિર્દોષ ૨૬ સહેલાણીઓની છાતીમાં ગોળીઓ ધરબી દેવાની ઘટના બનવા પામી નહોત.પુલવામામાં ૪૦ જવાનોની શહીદી અને પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડથી ભારત સ્વાભાવિક હચમચી ગયું હતું. ભારતની વળતી પ્રક્રિયા બિલકુલ વ્યાજબી હતી, પરંતુ ભારતે એક પણ નાગરિક વસાહતો કે પાકિસ્તાનના લશ્કરી થાણાને નિશાન બનાવ્યા નહોતા. આતંકીઓનો નાશ કરવો આ એકમાત્ર ભારતનો ઉદ્દેશ હતો, પરંતુ સામે પક્ષે પાકિસ્તાને ભારતની સરહદી નાગરિક વસાહતોને નિશાન બનાવીને ડ્રોન, રોકેટ, મોર્ટારાર હુમલા કરીને પોતાના ‘નાપાક’ ઇરાદાઓ જાહેર કરી દીધા હતા.
અલબત્ત, ભારતે પાકિસ્તાનના તમામ લક્ષ્યાંકો નિષ્ફળ બનાવીને ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવ્યો હતો અને ગણતરીના ત્રણ દિવસમાં પાકિસ્તાનની ‘સાન’ ઠેકાણે આવી ગઈ. અલબત્ત, ભૂતકાળમાં પણ પાકિસ્તાન અનેક વખત શરણાગતિ સ્વીકારી ચૂક્યું છે.આજે શનિવાર તા.૧૦મી મેના રોજ બપોરે પાકિસ્તાની સેનાના વડાએ ભારતીય સેનાના વડાને જાણ કરીને પોતે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અલબત્ત હિંસામાં નહીં માનતા ભારતનો પ્રત્યુત્તર પણ સાનુકૂળ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશના વડાપ્રધાન અને સમકક્ષ સાથે ચર્ચા કરી હતી અને બંને દેશોને ‘યુદ્ધવિરામ’ માટે સમજાવ્યા હતા.પરંતુ ભારતે યુદ્ધવિરામના બદલામાં કોઈ જ શરતનો સ્વીકાર કર્યો નહોતો તેમજ મધ્યસ્થી પણ સ્વીકારી નહોતી. બંને દેશો વચ્ચેના પ્રશ્નોનો નિકાલ માત્ર ને માત્ર બંને દેશો મળીને જ લાવશે એવી ચોખ્ખી સ્પષ્ટતા સાથે યુદ્ધવિરામનો સ્વીકાર કરીને લશ્કરી કાર્યવાહી ઉપર રોક લગાવી હતી.પરંતુ પાકિસ્તાન સાથેના ભૂતકાળના અનુભવો જોતા નિષ્ણાતોને શંકા છે કે સીમાપારથી આતંકવાદીની પ્રવૃત્તિ સંદતર બંધ થઇ જશે એવું વિશ્વાસ મૂકીને કહી શકાય નહી. યુદ્ધવિરામ એ દેશ અને દુનિયા માટે સારી વાત છે, પરંતુ ભારતે સીમાપારની આતંકી પ્રવૃત્તિ સામે હંમેશ સતર્ક રહેવું પડશે.