સંજોગોનો શિકાર બની જેલમાં સજા કાપતા કેદીઓના જીવનમાં સુધાર લાવી શકાય : હર્ષ સંઘવી

Share this story
  • રાજ્ય સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત જેલથી કરેલી શરૂઆત ઉદાહરણરૂપ પુરવાર થશે
  • કોઈને ગુનો કરવો નથી, પરંતુ ભૂલ અથવા તો કોઈ કારણોને લઈને જેલમાં ધકેલાઈ ગયેલા કેદીના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ એક સારા નાગરિકનું નિર્માણ કરવા બરાબર પુરવાર થશે.
  • સુરત જેલમાં કેદ બે કેદીઓમાં છુપાયેલી ચિત્રકળાને પ્રોત્સાહન મળતા ૫૩ કેદીઓ ચિત્રકાર બની ગયા અને ૧૩૦ ચિત્રોનું પ્રદર્શન યોજવા સાથે તંત્રએ કેદીઓની માનસિક સ્થિતિ બદલી નાંખી.

સુરતમાં આજે એક સુખદ આશ્ચર્ય પમાડતો કાર્યક્રમ યોજાઈ ગયો. સામાન્ય રીતે નફરતનું પાત્ર ગણાતા જેલમાં બંધ કેદીઓમાં પણ લાગણી, કલા, સર્જકતા, સંગીત વગેરે ઘણું ઘણું વહેતું હોય છે, પરંતુ જેલમાં દિવસો કાપતા કેદીઓનાં મન, હૃદયમાં ધબકતી લાગણીઓને પ્રદર્શિત કરવાની ભાગ્યે જ તક મળે છે. જ્યાં માત્ર ને માત્ર ગુનેગારો, ગુનાખોરી અને અંધારી દુનિયાની જ ચર્ચા થતી હોય ત્યાં લાગણી, કલા, પ્રેમ, સર્જકતાનું કોણ વિચારે અને શા માટે વિચારે? કોઈ ગુનો આચરીને કે સંજોગોનો શિકાર બનીને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયેલા વ્યક્તિને જાહેર જીવન સાથેનો નાતો જ ભુલાઈ જાય છે.

DSC_0121 (2)DSC_0121 (2)DSC_0121 (2)01

વર્ષો પહેલા ફિલ્મસર્જક વિ.શાંતારામે કેદીઓના જીવનમાં સુધાર લાવવાના વિષય સાથે ‘દો આંખે, બારાહ હાથ’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ખૂંખાર કેદીઓને સુધારવા અને એક સારા નાગરિક તરીકે સમાજ જીવનમાં પુનઃસ્થાપિત કરવા ફિલ્મનો હીરો ખુદ નિર્માતા વિ.શાંતારામ બીડું ઝડપે છે અને લાંબા સંઘર્ષના અંતે ખૂંખાર ગુનેગારોના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ પુરવાર થાય છે. કાળમીંઢ પથ્થર જેવી છાતી ધરાવતા લોકોને ધ્રુજાવતા ગુનેગારોના જીવનમાં પરિવર્તન આવવાથી ‘મીણ’ જેવા કોમળ બની જાય છે. ગુજરાતનાં જ ઇતિહાસમાં ખૂંખાર બહારવટિયા જેસલ જાડેજાનું હૃદયપરિવર્તન થવાથી સંત તરીકે પુજાતો હોવાના દાખલા મૌજૂદ છે. મતલબ રીઢા ગુનેગારોનાં જીવનમાં પણ પરિવર્તન લાવી શકાય.

DSC_0215

છેક છેવાડાના નાગરિકનાં જીવનથી વાકેફ અને સંઘર્ષમય જીવન જીવતા લોકો માટે ભારોભાર અનુકંપા ધરાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેદીઓએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરાવતી વખતે મજબૂર લોકો પ્રત્યેની સંવેદનામાં સરી પડયાં હતાં.

ખેર, સુરત લાજપોર મધ્યસ્થ જેલનાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હાલમાં જે.એન. દેસાઈ ફરજ બજાવે છે. અત્યંત લાગણીશીલ સ્વભાવ અને ઈશ્વરીય શક્તિમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા જે.એન. દેસાઈએ હાલમાં કેદીઓનાં જીવનમાં બદલાવ લાવવા સાથે એક સારા નાગરિક બનાવવાની દિશામાં સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્ય સરકાર અને ખાસ કરીને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સાનુકૂળ સહયોગ મળવાથી જે.એન. દેસાઈના પ્રયાસોને નવું બળ મળ્યું હતું અને તેમણે કેદી સુધારણા અભિયાન હેઠળ સૌપ્રથમ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ચિત્રોનું પ્રદર્શન અને વેચાણના કરેલા પ્રયાસને અદ્‍ભુત સફળતા મળી હતી અને ચિત્ર પ્રદર્શનના પ્રારંભે પ્રથમ દિવસે જ તમામ ચિત્રો વેચાઈ ગયાં હતાં !

DSC_0218

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.એન. દેસાઈના પ્રયાસોને પગલે કેદીઓના જીવનમાં ક્રમશઃ સુધાર આવી રહ્યો છે. હર્ષ સંઘવીના કહેવા મુજબ જેલમાં માત્ર બે જ કેદીઓને ચિત્રકામમાં રૂચિ હતી. સામાન્ય રીતે જેલની નિયમાવલીમાં આવા કોઈ નિયમો નથી, પરંતુ જેલમાં કેદ વ્યક્તિ આખરે તો માનવી છે અને એક માનવી હોવાના નાતે જેલમાં કેદ પ્રત્યેક વ્યક્તિઓના જીવનમાં ડોકિયું કરવામાં આવતા અનેક હૃદયદ્રાવક ઘટનાઓ બહાર આવી રહી છે.

કોઈને ગુનો કરવો નથી કે કોઈને ગુનેગાર થવું નથી. પરંતુ સંજોગોનો શિકાર બનીને કે ભૂલમાં ગુનો આચરીને જેલમાં આવતા લોકો સાથે સહાનુભૂતિ દાખવીને સમાજ જીવનમાં પુનઃસ્થાપિત કરવાનું પવિત્ર કાર્ય સુરત જેલમાં થઈ રહ્યું છે અને માત્ર બે કેદીઓની પ્રેરણાથી જેલમાં શરૂ થયેલી ચિત્રકળાએ અનેકને ચિત્રકાર બનાવી દીધા! અને ફળશ્રુતિરૂપ આજે તેમના જ નામથી ચિત્ર પ્રદર્શનમાં મુકાયેલા ચિત્રોએ લોકોના હૃદયને ઝંઝોળી નાંખ્યાં હતાં અને પ્રદર્શનનાં પ્રારંભે જ તમામ ૧૩૦ ચિત્રોનું ગણતરીની મ‌િનિટોમાં વેચાણ થઈ ગયું હતું. વળી ચિત્રવેચાણની રકમમાંથી ચોક્કસ હિસ્સો કેદીના પરિવાર સુધી પહોંચતો કરવામાં આવશે.

DSC_0224

જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.એન. દેસાઈના કહેવા મુજબ સુરત મધ્યસ્થ જેલ દ્વારા ખેતીવાડી અને પશુપાલન પણ કરવામાં આવે છે અને હીરાનું પોલિશિંગ કામ કરવા ઉપરાંત સાડી, ભરત ઉપર ડાયમંડ લગાડવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓને કારણે કેદીઓનાં મનમાં નવા વિચારનાં બીજ અને આદર્શ નાગરિક તરીકે જીવન જીવવાનો માર્ગ મળે છે. કેદીઓને જેલવાસ દરમિયાન અભ્યાસ કરવાની પણ તક આપવામાં આવે છે અને ઘણા કેદીઓ પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી ચૂક્યા છે.

DSC_0227

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જેલમાં રહીને પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન થઈ શકે એવું રશિયન જેલનાં કેદીનું ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેલમાં કેદ વ્યક્તિને એક ગુનેગાર તરીકે જોવાને બદલે તેમણે કરેલ ગુનો, તેમનું પારિવા‌િરક જીવન વગેરેનો અભ્યાસ કરીને તેમના જીવનમાં ચોક્કસ સુધાર લાવી શકાય. ગુનો કર્યો છે એટલે કાયદાકીય જોગવાઈ મુજબ કરાયેલી સજામાંથી મુક્તિ આપી શકાય નહીં. પરંતુ કોર્ટે કરેલી સજા, ગુનાનો પ્રકાર અને કેદીના જીવનનો અભ્યાસ કરીને તેમના જીવનમાં સુધાર લાવી શકાય.

DSC_0266DSC_0266

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેદી સુધારણા ઝુંબેશ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અંગે ધ્યાન દોરવા સાથે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર કેદીઓના જીવનમાં સુધાર લાવવા અને સારા નાગરિક બનાવવા માટે મક્કમ છે અને એટલે જ માનવીય અભિગમ સાથે વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં નિર્ણાયક પ્રયાસો હાથ ધરાયા છે અને સુરત મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ચિત્રોનું પ્રદર્શન અને વેચાણની ઘટના જીવંત ઉદાહરણ કહી શકાય.

આ પણ વાંચો :-DSC_0266