એક ઉંદરને કારણે ગુજરાતમાં મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Share this story
  • વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન ૧૪ મિનિટ અટકાવી હતી. ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ રણકતાં સ્ટાફ દોડતો થયો હતો.

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા કોરોમંડલ ટ્રેન અકસ્માતની યાદ હજી તાજી જ છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતમાં આવો જ એક મોટો અકસ્માત થયો રહી ગયો. વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ મિનિટ અટકાવી હતી. વરણામા ઈટોલા વચ્ચે ચાલુ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યું હતું.

ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. તંત્ર દ્વારા તપાસ કરતા માલૂમ પડયું કે એક ઉંદરના કારણે શોર્ટ સર્કિટ થયુ હતું. આખરે ટ્રેનમાં સ્પ્રિંકલર ચાલુ થાય એ પેહલા જ ધુમાડાને અટકાવી દેવાયો હતો. આખરે ૧૪ મિનિટ બાદ ટ્રેન ને રવાના કરાતા હાશકારો. ખાસ વાત એ છે કે આ ટ્રેન માતા વૈષ્ણોદેવીના ધામમાં જતી હતી.

વૈષ્ણોદેવીથી બાંદ્રા જતી ટ્રેનમાં આ વિચિત્ર ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ આ ઘટના બની હતી. જેમાં સવારે ૧૦.૫૫ વાગ્યાની આસપાસ વૈષ્ણોદેવીથી બાંદ્રા જઈ રહેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યુ હતું. એલાર્મ વાગતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો સાથે જ ટ્રેનના સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. આ સાથે જ આખી ટ્રેનમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ગણગણાટ શરૂ થયો હતો. જેથી ટ્રેન તાત્કાલિક અસરથી વરણામા-ઈંટોલા વચ્ચેના રુટમાં થોભાવી દેવામાં આવી હતી.

આ બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટ પાસે ધુમાડો થયા એલાર્મ વાગ્યું હતું. જેમાં જોયુ તો એક ઉંદર સર્કિટ પાસે ચોંટી ગયો હતો. ઉંદરનું મોત થવાથી ધુમાડાને કારણે એલાર્મ વાગ્યો હતો. આમ ઉંદરને હટાવી લેવાતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તો બીજી તરફ,મુસાફરોને પણ આ વિશે જાણ કરતા મુસાફરો પણ નિશ્ચિંત બન્યા હતા. એક ઉંદરને કારણે લગભગ ૧૪ મિનિટ સુધી ટ્રેન વરણામા-ઈટોલા વચ્ચે અટકી હતી તેના બાદ રાબેતા મુજબ શરૂ કરાવી હતી. ધુમાડો નીકળતાની સાથે જ એલાર્મ વાગતું હોય છે અને ત્યારબાદ ૦૪ સેકન્ડ પછી સ્પ્રિન્ક્લરમાંથી પાણી નીકળતું હોય છે. જોકે ગણતરીની મિનિટમાં તમામ કામગીરી કરી દેવામાં આવી હતી.

ઘટના અંગે વડોદરા રેલવે ડિવિઝનના સિનિયર પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ટ્રેનમાં આધુનિક સુવિધાઓ હોય છે અને આગ લાગવા જેવી ઘટના બને તો સ્પ્રિન્કલર પણ તુરત ચાલુ થઈ જતાં હોય છે.

આ પણ વાંચો :-