રાજ્યસભાની ચૂંટણીમાં ઉતરતા પહેલા કોંગ્રેસે હથિયાર મૂકી દીધા…

Share this story
  • ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણી એક તરફી બની રહી છે. કોંગ્રેસ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. આખરે કેમ કોંગ્રેસે આ નિર્ણય લેવો પડયો.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મેદાન છોડયું છે. કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દીધી છે. જેથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ભાજપને બિનહરીફ મળશે. અપૂરતા સંખ્યાબળને જોતાં કોંગ્રેસે પીછેહઠ કરી છે. એક ઉમેદવારને જીતાડવા ૪૭ મતની જરૂર છે. જ્યારે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત ૧૭ બેઠકો છે. આવામાં કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી લડે.

ગુજરાત, પશ્વિમ બંગાળ અને ગોવાની ૧૦ રાજ્યસભા બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ મુકાબલો હવે ફક્ત એક ઔપચારિકતા બની રહ્યો છે. સંખ્યાબળને જોતાં પહેલાથી જ કોંગ્રેસ ચિત્રમાં નહતી. હવે કોંગ્રેસે સામેથી જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણીમાં નહીં ઝંપલાવે.

ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની ઔપચારિકતા તો થશે, પણ ચૂંટણીની પ્રક્રિયા નહીં યોજાય, એટલે કે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. તેની પાછળનું કારણ છે ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ, ભાજપ પાસે સૌથી વધુ ૧૫૬, કોંગ્રેસ પાસે ૧૭ અને આમ આદમી પાર્ટી પાસે ૫ ધારાસભ્યો છે.

આ જ સંખ્યાબળ રાજ્યસભામાં ઉમેદવારની હાર-જીતનો ફેંસલો કરતું હોય છે, કેમ કે રાજ્યસભાની ચૂંટણી પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે થાય છે. વિધાનસભાના સંખ્યાબળના આધારે રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે ૪૭ મતોની જરૂર પડે. જ્યારે ત્રણ ઉમેદવારને જીતાડવા માટે ૧૪૧ મત જરૂરી છે. આ સંખ્યાબળ ફક્ત ભાજપ પાસે જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે વોટિંગ કરે તો પણ એક ઉમેદવારને જીતાડી શકે તેમ નથી.

ચૂંટણીનું જાહેરનામું ૬ જુલાઈએ બહાર પડયું છે. નોમિનેશનની છેલ્લી તારીખ ૧૩ જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ છે. ૨૪ જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.

આ પણ વાંચો :-