ઈઝરાઇલ અને હમાસના યુદ્ધમાં હમાસે છોડેલા ૭,૦૦૦ રોકેટમાંથી ૧,૦૦૦ મીસફાયર થઈ ગાઝામાં જ પડયા

Share this story

ગાઝામાં અલ-અલહિ હોસ્પિટલ પર હુમલામાં ૫૦૦થી વધુનાં મોત થયા પછી ઈઝરાઇલે દાવો કર્યો હતો કે આ વિસ્ફોટ હમાસનું રોકેટ મીસફાયર થવાના કારણે થયો હતો. ઈઝરાયેલન દાવાને સમર્થન આપતાં અમેરિકાએ કહ્યું કે, ૭ ઑક્ટોબર પછી પેલેસ્ટાઈનના આતંકી જૂથે ઈઝરાઇલ પર અંદાજે ૭,૦૦૦થી વધુ રોકેટનો મારો કર્યો છે, જેમાંથી ૧,૦૦૦ જેટલા રોકેટ મીસફાયર થઈને ગાઝામાં જ પડયા હતા. બીજીબાજુ ઈઝરાઇલે પેલેસ્ટાઈનના સિક્યોરિટી હેડ જેહાદ મ્હેસેનને ઉડાવી હમાસને મોટો ફટકો આપ્યો છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૩ દિવસથી ચાલતા યુદ્ધમાં અત્યાર સુધીમાં હમાસના હુમલામાં ઈઝરાઇલના ૧,૪૦૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૩,૪૭૮ લોકો ઘાયલ થયા છે. બીજીબાજુ ઈઝરાયેલના આક્રમણમાં ગાઝામાં ૧,૫૨૪ બાળકો અને ૧,૦૦૦ મહિલાઓ સહિત ૪,૪૭૫ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૨,૦૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

ગાઝામાં અલ-અલહિ હોસ્પિટલ પર હુમલામાં ૫૦૦ લોકોનાં મોત પછી સમગ્ર દુનિયામાં ઈઝરાઇલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા, જેના જવાબમાં ઈઝરાઇલે ગુરુવારે પુરાવાઓ રજૂ કરીને દાવો કર્યો હતો કે હમાસના આતંકીઓએ છોડેલું રોકેટ મીસફાયર થઈને હોસ્પિટલ પર પડયું હતું. આ સિવાય ઈઝરાઇલે વધુ પુરાવાઓ અને વીડિયો રજૂ કરતાં દાવો કર્યો હતો કે માત્ર અલ-અલહિ હોસ્પિટલ પર જ નહીં હમાસે ઈઝરાઇલ પર હુમલો કરવા છોડેલા ૭,૦૦૦ રોકેટોમાંથી ૧,૦૦૦ જેટલા રોકેટો મીસફાયર થઈને ગાઝામાં જ પડયા હતા. તેના પુરાવાઓમાં ઈઝરાઇલે હમાસના બે આતંકીઓની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કર્યું હતું.

દરમિયાન ઈઝરાયેલે એક હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનમાં હમાસનું નેતૃત્વ કરનારા રાષ્ટ્રીય સુરક્ષા દળના પ્રમુખ જેહાદ મ્હેસેનના ઘર પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. ઈઝરાઇલ લેબેનોનમાંથી જ્યાંથી ટેન્ક વિરોધી મિસાઈલ છુટે ત્યાં જ બોમ્બમારો કરવાની વ્યૂહરચના અપનાવીને હિઝબુલ્લાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દરમિયાન ઈઝરાઇલના સૈન્યે ગાઝામાં હમાસ સામે યુદ્ધ શરૂ કર્યા પછી હવે વેસ્ટ બેન્કમાં પણ હમાસ સમર્થકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

ઈઝરાઇલના સૈન્યે વેસ્ટ બેન્કમાં હમાસના અનેક વોન્ટેડ આતંકીઓની ધરપકડ કરી છે.વધુમાં ઈઝરાઇલના પોલીસ વડા કોબિ શાબતાઈએ ઈઝરાયેલમાં ગાઝાની તરફેણમાં કોઈપણ પ્રકારના દેખાવો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા ચેતવણી આપી હતી. ઈઝરાઇલ અત્યારે યુદ્ધ કરી રહ્યું છે તેવા સમયે દેશમાં યુદ્ધ વિરોધી અથવા પેલેસ્ટાઈનની તરફેણના કોઈપણ પ્રકારના દેખાવો ચલાવી નહીં લેવાય.

આ પણ વાંચો :-