નવસારી-બારડોલી લોકસભા બેઠક પર મતદાન કરવા માટે ડો.સૌરભ પારધીની અપીલ

Share this story

આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસારી-બારડોલી બેઠક માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટરે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું હતું. જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે, સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરવામાં આવ્યો છે. જેમાં પેરા મિલિટરી ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે.

ડો.પારધીએ ઉમેર્યું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭મીએ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચના અધિકારપત્રો ધરાવતા મીડિયાકર્મીઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.

સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, મતદાનને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ સ્ટાફ ખડા પગે છે. સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. સાથે જ પેરામિલિટરી અને એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે. આવતીકાલના મતદાનને લઈને આજથી જ મતદાન બૂથ પર તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકની આસપાસ પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નવસારી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૪ વિધાનસભા બેઠકોના ૫૩૫ મતદાન મથકો માટે પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર, ૩ જોઈન્ટ પોલીસ કમિશનર, ૧૧ DCP, ૨૭ ACP, ૧૦૦ PI, ૨૬૦ PSI, ૧૬૦૦ પોલીસ સ્ટાફ, CAPFની ૩ કંપની, મળી ૨૭૦પોલીસ ફોર્સ, ૨૭ જવાનોની એક SRP પ્લાટુન અને ૧૯૬૬ હોમગાર્ડ સહિત કુલ ૪૨૬૬ પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે.

લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો પર પીવાના ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકે ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ આપવામાં આવી છે. નજીકના આરોગ્ય કેન્દ્રનો ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો સાથે નિયત સ્થળો પર સ્ટેન્ડ બાય રહેશે.

૨૩-બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં માંગરોળ ૧૧૫૮૧૧ પુરૂષો તથા ૧૧૨૬૯૨ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૨૮,૫૦૬ મતદારો નોંધાયેલા છે. માંડવીમાં ૧,૨૦,૧૫૨ પુરૂષો તથા ૧,૨૫,૮૯૦ સ્ત્રી મળી કુલ ૨,૪૬,૦૪૨ મતદારો છે. કામરેજ બેઠક પર ૩,૦૦૩૨૯ પુરષો તથા ૨૫૩૩૭૯ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૫,૫૩,૭૧૧ મતદારો છે. બારડોલી બેઠકમાં ૧,૪૬,૩૨૭ પુરૂષો તથા ૧,૩૫,૯૯૪ સ્ત્રીઓ તેમજ ૮ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૮૨,૩૨૯ મતદારો નોંધાયેલા છે. મહુવામાં ૧,૧૧,૮૯૪ પુરૂષો તથા ૧,૧૮,૨૨૭ સ્ત્રીઓ મળી કુલ ૨,૩૦,૧૨૧ મતદારો નોંધાયેલા છે. આમ પાંચ વિધાનસભા બેઠકો પર ૭,૯૪,૫૧૩ પુરૂષો તથા ૭૪૬૧૮૨ સ્ત્રીઓ તેમજ ૧૪ જેન્ડર મળી કુલ ૧૫,૪૦,૭૦૯ મતદારો નોધાયેલા છે.

આ પણ વાંચો :-