નેશનલ હાઈવે પર વલસાડમાં બસનું ટાયર ફાટતાં લક્ઝરી બસમાં લાગી આગ

Share this story

વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેથી બસમાં સવાર મુસાફરોને જીવના જોખમે ફાયરની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી, આ દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ લાગી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 ફાયર વિભાગની ટીમે રાહદારીઓની મદદથી બસમાં સવાર મુસાફરોને સમય સૂચકતા વાપરીને નીચે ઉતારી લીધા હતા. આ અંગેની જાણ થતાં જ પારડી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ ફાયરની ટીમે પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. બે કલાક બાદ બસમાં લાગેલી આગ કાબુમાં આવતા રાબેતા મુજબ હાઈવે શરુ કરવામાં આવ્યો હતો.

બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 16 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

આ પણ વાંચો :-