ગાઝાના હોસ્પિટલમાં હુમલાની સેટેલાઇટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ

Share this story

ઇઝરાઇલ-હમાસ વચ્ચેનો જંગ સતત ખતરનાક બની રહ્યો છે. ૧૭ ઓક્ટોબરે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર વિનાશક હુમલો થયો જેમાં ઓછામાં ઓછા ૫૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ હુમલો સેન્ટ્રલ ગાઝાના અલ અહલી અલ અરબી હોસ્પિટલમાં થયો હતો. હુમલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સેટેલાઇટ તસવીરોમાં હુમલાની ભયાનકતા વધુ સ્પષ્ટપણે દેખાઇ રહી છે.

હમાસે ઇઝરાઇલ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાઇલની સેનાનું કહેવું છે કે આ હુમલો મિસફાયરનું પરિણામ છે. આઇડીએફનું કહેવું છે કે પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે ઇઝરાઇલ પર રોકેટ છોડ્યું હતું પરંતુ તે મિસફાયર થઇને હોસ્પિટલ પર પડ્યું હતું. બુધવારે ઇઝરાઇલના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું હતું કે મેં જે જોયું એના પરથી મને એવું લાગી રહ્યું છે કે હુમલામાં અન્ય કોઇનો દોષ છે તમારો નહિ.

સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરો અને વીડિયોમાં તો સ્પષ્ટપણે હુમલાની ભયાનકતા દેખાય છે પરંતુ મેક્સાર ટેકનોલોજી વડે મળેલી હુમલાની તસવીરો આ ભયાનકતાને વધુ ગંભીર દર્શાવે છે. એક્સપર્ટ મુજબ જે જગ્યાએ વિસ્ફોટ થયો ત્યાં એક ખાડો પડી ગયો છે. તેની આસપાસ તૂટેલી બારીઓ, સળગેલી હાલતમાં ગાડીઓ અને ક્ષતિગ્રસ્ત છત દેખાઇ રહી છે.

મેક્સાર ટેકનોલોજીથી મળેલી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે હુમલા બાદ ઇમારતોની જે હાલત થઇ છે એના પરથી ખ્યાલ આવે છે કે આ ટાર્ગેટેડ એટેક ન હોઇ શકે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે. હુમલા બાદ પાર્કિંગમાં રહેલી અનેક ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. કેટલાક ભાગો બળી ગયા હતા જ્યારે ફેન્સિંગ પણ તૂટી ગઇ હતી. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગને તો નુકસાન નહોતું થયું પરંતુ મેઇન બિલ્ડીંગ પાસેની ૨ ઇમારતોની છતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હુમલાની પહેલા અને બાદની તસવીરોની તુલના કરતા હવામાં ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાઇલની સેનાના હુમલાથી બચવા માટે નાગરિકોએ અહીં શરણ લીધું હતું.

અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સીલના પ્રવક્તા એડ્રિઅન વોટ્સનનું કહેવું છે કે અમેરિકા એવું માને છે કે આ હુમલા પાછળ ઇઝરાઇલ જવાબદાર નથી. ઇન્ટેલિજન્સ, મિસાઇલ એક્ટિવીટી અને ઓપન સોર્સ તસવીરો પરથી અમે આ તારણ કાઢ્યું છે તેવું તેમણે જણાવ્યું.