ઉધનાના બાદશાહ પરિવારના દાદી-પૌત્રએ મતદાન કર્યું

Share this story

નવસારી સંસદીય બેઠકની ચૂંટણી અંતર્ગત ઉધના ખાતે આવેલી ઉધના સિટીઝન કોમર્સ કોલેજના મતદાન કેન્દ્રમાં ઉધનાના બાદશાહ પરિવારના દાદી-પૌત્રએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ઉધના હરિનગર-૨માં પરિવાર સાથે રહેતા ૮૨ વર્ષના નિર્મલાબેન બાદશાહે આજ સુધીની મહત્તમ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવારજનો સાથે મત આપવા માટે આવે છે. તેમની સાથે આવેલા ૨૪ વર્ષીય પૌત્ર કૃતિક બાદશાહે પણ જીવનનું બીજુ મતદાન કર્યું હતું. આ પહેલાં તેણે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં દાદી સાથે જ મતદાન કરવાં ગયો હતો.

સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ઉત્સાહપૂર્વક ઉજવાયેલા લોકશાહીના પર્વમાં નાના–મોટા સહિત દરેક મતદારોએ સહભાગિતા દર્શાવી હતી. મતદાનનું વિશેષ મહત્વ જણાવતા સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે આવેલા કેના પટેલે પ્રથમ વખત મતદાન કરી, લોકશાહીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મતદાનનું સવિશેષ મહત્વ હોવાથી દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે અચૂક મતદાન કરવું જોઈએ.

સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે પગપાળા આવેલા ૭૭ વર્ષના વયોવૃદ્ધ હસમુખલાલ છગનલાલ નવસારીવાળા મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. દેશના આઝાદીના વર્ષ ૧૯૪૭માં તેમનો જન્મ થયો હતો. તેમનામાં નાનપણથી જ દેશપ્રેમની ભાવનાના બીજ રોપાયા હતા. તેઓ સુરતના ખટોદરાના શાસ્ત્રીનગરમાં પરિવાર સાથે રહી નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં છે. તેઓ અગાઉ દરજી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

તેમણે જણાવ્યું કે, આજ સુધીની મહતમ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કર્યું છે. લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે. મતદાનનું મહત્વ હું સમજુ છું, આપણા એક એક મત રાષ્ટ્રનિર્માણ માં ઉપયોગી બને છે, એટલે જ શક્ય તેટલા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરું છું. કોઈ પણ કામ અર્થે શક્યત: પગપાળા ચાલીને જવાનું પસંદ કરું છું, જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

આ પણ વાંચો :-