ભાજપ-કોંગ્રેસના આ દિગ્ગજોએ કર્યું મતદાન, જાણો ઇલેક્શનની લેટેસ્ટ અપડેટ

Share this story

અદાણી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે ​​ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે ગુજરાતના અમદાવાદમાં તેમના વિસ્તારના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો. લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો.

રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવાસસ્થાનેથી ૭ના ટકોરે ઢોલ નગરા સાથે મતદાન કરવા નીકળ્યા હતાં. પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. પીપલોદ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. સામાન્ય લોકોને સાથે ગૃહરાજ્ય મંત્રી લાઈનમાં ઉભા રહ્યા હતાં. મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું હતું.

કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રાજકોટ બેઠકનાં ઉમેદવાર રૂપાલાએ પરિવાર સાથે અમરેલીમાં મતદાન કર્યું હતું. અમરેલીનાં ઈશ્વરીયા ગામે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરષોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.

નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીજીની જેમ માથે ટકો અને હાથમાં લાકડી સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. ફોર્મ ભર્યુ ત્યારથી નૈષધભાઈ આ પહેરવેશમાં છે. જે આજે પણ મતદાન વખતે દેખાયો હતો.મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, તમામ નાગરિકોએ બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીઓએ નિવેદન આપ્યું હતું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. ૪૦૦ પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.

વોટ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટ પાસેથી વિશ્વની લોકશાહીઓને શીખવા જેવું છે. ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓ માટે કેસ સ્ટડી છે. લગભગ ૬૪ દેશોમાં ચૂંટણી છે અને તે બધામાં સરખામણી થવી જોઈએ. આ વર્ષ લોકશાહીની ઉજવણી જેવું છે. હું ફરીથી દેશવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરું છું.

આ પણ વાંચો :-