સુરતમાં ગુનાખોરી નિયંત્રણમાં કેમ છે? કારણ લોકો અને પોલીસ એક પરિવાર જેવા છેઃ પો.કમિ. તોમર

Share this story
  • સુરત પોલીસે કાયદાથી બહાર મળીને લોકો સાથે દોસ્તીનો હાથ ફેલાવ્યો અને ચમત્કારિક પરિણામો આવ્યાં
  • બીમારને દવા આપવી, ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી – પરપ્રાંતીયોના દુઃખમાં ભાગીદાર બનવું, રક્તદાન શિબિરો યોજવી આ બધું પોલીસનું કામ નથી, પરંતુ આવા સદ્‍કાર્યોને કારણે સુરત પોલીસ સમાજજીવનનો એક ભાગ બની ગઇ છે
  • સુરત પોલીસે ગુનેગારોને ક્યારેય માફ કર્યા નથીઃ બાળકો, મહિલાઓનું શોષણ કરનારા નરાધમોને ગણતરીના સમયમાં જ ફાંસીની સજા કરાવીને પોલીસે ખાખીવર્દીની ખુમારી પણ બતાવી હતી
  • વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવી પોલીસે આગળ ચાલીને બેંકો સાથે સમન્વય સાધીને લોકોને લગભગ ૬૦ કરોડ જેવી લોન અપાવી; આ કામ પણ પોલીસનું નહોતું છતાં સમાજસેવાના અક ભાગ તરીકે કર્યું
  • કોરોના કાળમાં અનેક લોકોને પોલીસે રાશન સાથે જમવાનું પહોચાડ્યું હતું, સ્વજનના મૃતદેહને વતન લઈ જવા શબવા‌િહનીથી શરૂ કરીને રસ્તામાં ખાવા-પીવાની વ્યવસ્થા પોલીસે કરી હતી

આજે શુક્રવારના નમતા પોરે સુરતમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો, સુરત શહેર પોલીસની કામગીરીને બિરદાવવા માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં શહેર પોલીસદળના છેક છેવાડાના પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષકદળના જવાનોથી શરૂ કરીને પોલીસ કમિશનર સુધીના વરિષ્‍ઠ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રત્યેક કર્મચારી, અધિકારીઓની ફરજનિષ્‍ઠા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે લોકોનું રક્ષણ કરવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે સુરત શહેર દેશમા પ્રથમ ક્રમે હોવાનું પોલીસદળે ગૌરવ અનુભવ્યુ હતું અને સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પો.કમિ. અજયકુમાર તોમરે કોઈ એક કર્મચારી કે અધિકારીને નહીં પરંતુ સમગ્ર પોલીસને યશના હકદાર ગણાવ્યા હતા. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા હિસ્સો પરપ્રાંતીય અથવા ગુજરાતનાં જ અન્ય ભાગનાં લોકો વસવાટ કરે છે. આ પૈકી ગુજરાત બહારથી એટલે કે બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દ‌િક્ષણ ભારતના રાજ્યોમાંથી રોજગારી માટે આવતા લોકો, યુવાનો પૈકી મોટા ભાગનાં એકલા કે સમૂહમાં રહેતા હોય છે. આ ‌િસ્થતિ કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ જ કપરી હોય છે, વળી સુરત નેશનલ હાઇ-વે, રેલ્વે સહિત અન્ય માર્ગોથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું હોવાથી ગુનેગારોને ભાગી છૂટવા માટે તત્કાળ રસ્તાઓ મળી જતા હોય છે. પરંતુ આવી સ્થિતિ વચ્ચે પણ સુરત પોલીસે શહેરમાં કોઇ મોટી ગુનાખોરી એટલે કે ઓર્ગેનાઇઝ્ડ-ક્રાઇમ, ષડ્‍યંત્ર સાથે આચરવામાં આવતી ગુનાખોરીને અંજામ આપવા દીધો નથી અને કદાચ કોઈ ઘટના બનવા પામી હોય તો પણ ગણતરીના દિવસોમાં પોલીસે ઉકેલી નાંખીને ગુનેગારોને ગરદનમાંથી પકડીને જેલના હવાલે કરી દીધા હશે.
ગુનાખોરી ઉપર નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં સુરત શહેર પોલીસને જ સફળતા શા માટે? ગુજરાતમાં સુરત છોડીને અન્ય મહાનગરો પણ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના મહાનગરો અને નગરોમાં રોજેરોજ ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે અને દિવસો સુધી ઉકેલાતી નથી, પરંતુ સુરતમાં આવું કેમ થતું નથી? પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત પોલીસની સફળતાનું રહસ્ય સમજાવતા કહ્યું હતું કે, સૌપ્રથમ તો સમગ્ર સુરત શહેર પોલીસદળ એક પરિવારની ભાવનાથી કામ કરે છે, સુરત પોલીસદળમાં બદલાની ક્યાંય પણ વૃતિ નથી અને આવી કોઈ એકલ-દોકલ ઘટના ધ્યાનમાં આવે તો સુપરવાઇઝરી અધિકારીઓ દ્વારા વ્યક્તિગત રસ લઇને આવી ઘટનાઓનું નિરાકરણ કરવામાં આવે છે, ખરેખર તો આવી બાબતોને ઘટના કહી શકાય નહીં.
આ ઉપરાંત સુરત પોલીસ માત્ર કાયદાની પરિભાષામાં વર્તવાને બદલે જાહેર જીવનનો એક ભાગ બની જાય છે. શહેરના લોકોને પોલીસ દ્વારા આવકારવામાં આવે છે. પરિણામે લોકો પોતાના પારિવા‌િરક, સામાજિક કિસ્સાઓ લઈને પોલીસ અધિકારીઓ સમક્ષ આવતા થવાથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટી જવાથી પોલીસને પણ સમાજમાં આકાર લઈ રહેલી ઘટનાઓ અંગે ખ્યાલ આવતો રહે છે. મતલબ કોઈપણ સમસ્યાને ઉકેલવામાં વિલંબ કરવામાં આવે એટલે તેમાંથી ગુનાખોરીને આકાર મળે છે અને ઘણી વખત ગંભીર પ્રકારના ગુનાને પણ સ્થાન મળે છે.
બદલાયેલા સમય અને સંજોગો સામે હવે પોલીસ માત્ર દંડાના જોરે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરી શકે નહીં. દંડાનાં જોરથી કદાચ થોડા દિવસ શાંતિ જાળવી શકાય, પરંતુ લાંબાગાળાની શાંતિની કોઇ જ શક્યતા નથી અને એટલે જ સુરત પોલીસે સામાજિક વ્યવસ્થામાં ભળી જઇને સમાજનો જ એક હિસ્સો બનીને કામ કરવાની શરૂઆત કરતાં અપેક્ષા બહારનાં પરિણામો મળી રહ્યાં છે. મતલબ ગુનાખોરીનું નિર્મૂલન કરવાનું શક્ય નથી, પરંતુ ગુનાખોરી રોકવા માટે સમાજનો સહયોગ જડીબુટ્ટી જેવો પુરવાર થઈ રહ્યો છે. આના કારણે લોકો પોતાનાં પ્રશ્નો, સમસ્યા અને સાથે સુઝાવ લઈને પોલીસ મથકમાં આવતા થવાથી પોલીસ માટે કાયદો-વ્યવસ્થાની જાળવણીનું કામ આસાન થઈ ગયું છે.
કદાચ લોકોને જાણીને નવાઈ લાગશે કે જે કામ સમાજસેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ કરવાનું હોય છે એ કામ સુરત પોલીસ કરી રહી છે, બીમાર લોકોની લોહીની જરૂરિયાત પૂરી કરવા માટે પોલીસ મથકોમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરો યોજવામાં આવે છે. શાળામાં ભણતાં બાળકો માટે શિક્ષણ, પુસ્તકની સહાય વગેરે કામ પણ પોલીસ કરે છે. આનાથી પણ આગળ વધીને નાના, ગરીબ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સુરત પોલીસે બેંક અધિકારીઓ સાથે સમન્વય સાધીને જરૂરિયાતમંદ લોકોને વિવિધ બેંકોમાંથી અત્યાર સુધીમાં લગભગ ૬૦ કરોડની લોન અપાવી હતી! ખરેખર તો આ કામ પોલીસનું નથી, પરંતુ બદલાતા સમય અને સંજોગો વચ્ચે પોલીસ કાયદાની પરિભાષામાંથી નીકળીને બહાર આવે તો ઘણાં સારાં પરિણામો મેળવી શકાય.
ગત કોરોનાની મહામારી વખતે પણ સુરત પોલીસે અપનાવેલો માનવીય અભિગમ હજુ પણ લોકો ભુલી શક્યા નહીં હોય, લોકોને હોસ્પિટલ પહોંચાડવા, ગરીબ, નિરાધાર લોકોને રાશન અને જમવાનું પહોંચાડવું. આવું ઘણું-બધું કામ પોલીસે કર્યું હતું અને એટલે જ લોકો અને પોલીસ વચ્ચેની અવિશ્વાસની દીવાલ ક્રમશઃ તોડવામાં સફળતા મળી હતી. ઘણી વખત તો પરપ્રાંતીય ગરીબ પરિવારમાં મૃત્યુ થાય અને સુરતમાં તેમનું કોઈ જ ન હોય એવા સમયે સુરત પોલીસે મૃતકને વતન પહોંચાડવા શબવાહિનીથી માંડીને રસ્તામાં ખાવા-પીવા માટે પણ વ્યવસ્થા અને હજુ પણ કરે છે. આવા અનેક કારણોને લઈને સુરત પોલીસને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે અદ્‍ભુત સફળતા મળી રહી છે.
હિંદી નેશનલ ચેનલ ‘ભારત-૨૪’ દ્વારા આયો‌િજત પોલીસને સન્માનવાનાં ‘શૂરવીર’ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અજય તોમરનો સુરત અને સુરત શહેર પોલીસ માટેનો પ્રેમ, અહોભાવ, અસ્ખલિત બનીને વહી રહ્યો હતો. તેઓ એક-એક સવાલના જવાબમાં સુરત પોલીની સફળતા માટે સમગ્ર યશ સુરત શહેરનાં લોકો અને સુરત પોલીસને આપી રહ્યા હતા. તેમણે સુરત પોલીસની સફળતાનાં અનેક રહસ્યો કહ્યા હતા. તેમણે યુવાધનને નશાખોરીનાં રવાડેથી પાછુ વાળવા માટે ખાસ કરીને વાલીઓને કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે યુવાનો નશાખોરી તરફ શા માટે આકર્ષાય છે તેના કારણો જાળવા અને મૂળમાં જવા અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવાનોનાં મનમાં આકાર લઈ રહેલી ઘટનાઓ, સોબત અને ટીવીનાં પડદે મનોરંજનની સાથે પીરસવામાં આવતી ગંદકી તરફ પણ અગું‌િલનિર્દેશ કર્યો હતો. પો.કમિ. અજયકુમાર તોમરે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા કહ્યું હતું કે, સંતાનોને પરિવારની વાસ્તવિક સ્થિતિથી હંમેશા વાકેફ રાખવા જોઈએ જેથી તેના મિત્રવર્તુળોમાં કોઈ માલેતુજારનો બગડી ગયેલો નબીરો હોય તોપણ પોતાની જાતને તેની સાથે સરખામણી કરવાથી દૂર રહે.
સુરત પોલીસનાં લોખંડી પાસા તરફ પણ ધ્યાન દોરતા પો.કમિ. તોમરે ઉમેર્યું હતું કે, નાના બાળકોનું શોષણ અને બળાત્કાર જેવી ઘટના કે હત્યાનાં બનાવોને પોલીસે ક્યારે પણ માફ કર્યા નથી. ગુનેગારોની તત્કાળ ધરપકડ, ગુનો પુરવાર કરવા માટેના સજ્‍જડ પુરાવા અને ગુનેગારને ફાંસીની સજા કરાવવા સુધીના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે. વળી ગણતરીનાં દિવસોમાં સંપૂર્ણ તપાસ પૂરી કરીને અને કોર્ટ સાથે પણ સમન્વય સાધીને બળાત્કાર, હત્યા અને માસૂમ ભુલકાઓનાં શોષણની ઘટનાઓમાં પોલીસે ટુંકાગાળામા સાત ગુનેગારોને ફાંસીની સજા કરાવી હતી. તત્કાળ ન્યાય ઉપરાંત ફાંસી જેવી સજાને ગુનાખોરી આચરવાનું વિચારતા ગુનેગારોમાં માનસિક ભય ઊભો થવાથી પણ બળાત્કાર, હત્યા, બાળકોનું શોષણ જેવી ઘટનાઓ ઉપર નિયંત્રણ આવી રહ્યું છે.
અને છેલ્લે મહિલાઓની સલામતીને લઈને સુરત પોલીસે કરેલી વ્યવસ્થાની વાત કરીને પો.કમિ. તોમરે મહિલા વર્ગને સલામતીનો અહેસાસ કરાવ્યો હતો. સુરત પોલીસના તમામ પોલીસ મથકોમાં ‘શી ટીમ’ એટલે મહિલા પોલીસની ૨૪ કલાક હાજરી, જાહેર માર્ગો ઉપર પણ મહિલા પોલીસની સતત હાજરીને પગલે હવે મહિલાઓ, યુવતીઓ પણ બેધડક પોતાની સમસ્યા, ફરિયાદ લઈને પોલીસ મથકમાં આવતી-જતી હોવાથી મહિલાઓના મનમાં પોલીસ માટેનો કાલ્પનિક ભય દૂર થવા ઉપરાંત સલામતીનો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે. ઘણી વખત મહિલાએ પારિવારીક સંગત સમસ્યાઓ માટે પણ પોલીસનુ માર્ગદર્શન મેળવે છે.
સરેરાશ જોવા જઈએ તો પો.કમિ. અજય તોમરે સુરત શહેર પોલીસને પ્રજાભિમુખ બનાવીને કાયદો-વ્યવસ્થાની જાળવણી પાછળનું રહસ્ય ઉજાગર કર્યું હતું.

આ પણ વાંચો :-