ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદમાં અલર્ટ, ૬૦૦૦થી વધું પોલીસકર્મીઓ તૈનાત

Share this story

ગુજરાતના પોલીસ વડાઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન અસામાજિક તત્વો અને સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખીને ‘એલર્ટ મોડ’ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૬૦૦૦ પોલીસકર્મીઓ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષાના પાંચ પાસાં હશે, સ્ટેડિયમ અને દર્શકોની સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, ક્રિકેટ ટીમોની સુરક્ષા, અસામાજિક તત્વો પર નજર રાખવી અને સમગ્ર રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરવી.

સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં ૪ IG-DIG, ૨૧ DCP, ૪૭ ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત ૧૩૧ PI, ૩૬૯ PSI સહિત ૬૦૦૦ હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે.

ડીજીપી વિકાસ સહાયે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ‘રાજ્યના વિવિધ ભાગોમાં તેમના મુખ્ય મથક પર તૈનાત તમામ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) એકમોને પણ કોઈપણ કટોકટીના કિસ્સામાં ઝડપી તૈનાત માટે ‘એલર્ટ મોડ’ પર મૂકવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘મેચ દરમિયાન અથવા પછી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે રાજ્યભરના તમામ પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અને રેન્જ આઈજીને સંવેદનશીલ વિસ્તારો તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ડીજીપી તરીકે હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે પૂરતા પગલા લીધા છે.

આ પણ વાંચો :-