વડોદરામાં તળાવની સફાઈ દરમિયાન એવી વસ્તુ મળી આવી કે પોલીસ અને IT વિભાગ થયું દોડતું

Share this story

lake in Vadodara

  • વડોદરાના કમલાનગર તળાવમાં સફાઇ દરમ્યાન 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવતા પોલીસ અને IT વિભાગ દોડતું થઇ ગયું.

વડોદરામાં (Vadodara) તળાવમાં સફાઇ દરમિયાન 2000ની નોટોના બંડલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવ્યા. જો કે, બાપોદ પોલીસે (Bapod police) નોટોના બંડલનો કબજો લઇ લીધો છે. હાલમાં પોલીસે આ મામલે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. હાલ વડોદરામાં IT વિભાગ હોસ્પિટલ ગ્રુપની તપાસ કરી રહ્યું છે. છેલ્લાં 3 દિવસથી IT વિભાગે આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ITની તપાસને લઇને નોટોના બંડલ તળાવમાં (Lake) ફેંક્યા હોવાની આશંકા.

સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરી હતી :

તમને જણાવી દઇએ કે આ ઘટના અંગેની સમગ્ર વિગત એવી છે કે શનિવારે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સફાઇ કર્મચારીઓ દ્વારા કમલાનગર તળાવમાં સફાઇ કામગીરી ચાલતી હતી. એ દરમ્યાન એક કોથળામાં બે હજારની ચલણી નોટોનો જથ્થો સફાઇ કર્મચારીને મળી આવ્યો. આ અંગે સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરતા રેલવે પોલીસ કર્મચારીએ શહેર પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. બાદમાં બાપોદ પોલીસને મેસેજ આપતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ITનાં દરોડાને લઇને નોટોના બંડલ તળાવમાં ફેંક્યા હોવાની આશંકા :

બાદમાં પોલીસે બે હજારની ચલણી નોટો કબજે કરી તેની તપાસ કરાવતા તે સાચી હોવાનું જણાયું હતું. સાથે આ ચલણી નોટો રૂ. 5.30 લાખની હોવાનું સામે આવ્યું હતું. કમલાનગર તળાવ પાસે બે હજારની ચલણી નોટો કોણ બિનવારસી નાખી ગયું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસનું એમ માનવું છે કે, કદાચ ઇન્કમટેક્સની રેડ પડે તો ચલણી નોટો ના પકડાઇ જાય એવા ડરથી આ નોટોનો બારોબાર નિકાલ કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.