Home Blog Page 61

રાજકીય ભાષણ દરમિયાન એક સમુદાયને ચેતવણી આપવા બદલ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ

0

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ હવે ખતમ થવાના આરે છે. 28 વર્ષ જૂની પાર્ટી પોતાની હારને 28 દિવસ પણ પચાવી શકી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો બધા પાર્ટી છોડીને ભાગી રહ્યા છે. કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા બેનર્જી વિરુદ્ધ બળવાના સૂર ઉઠી રહ્યા છે. નાના-મોટા અનેક નેતાઓમાં પાર્ટી છોડવાની હોડ લાગી છે. આ દરમિયાન મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોલકાતામાં પોલીસે તેમની સામે FIR દાખલ કરી છે.

શું છે આખો મામલો?
હકીકતમાં, માર્ચ 2026 દરમિયાન એક રાજકીય સભામાં મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું હતું કે જો કોઈ ખાસ સમુદાય એક થઈ જાય, તો તેના અન્ય લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. તેમના આ જાહેર ભાષણનો ઉલ્લેખ કરીને એક વેપારીએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હવે કોલકાતા પોલીસે FIR નોંધી છે.

અભિષેક બેનર્જીની પૂછપરછ
અગાઉ મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ પણ પોલીસે FIR નોંધી છે. ગુરુવારે બંગાળ CIDએ તેમની પૂછપરછ કરી હતી. ફેક સાઇન કેસમાં ગુરુવારે અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળ CID સમક્ષ હાજર થયા હતા. તેઓ હાઈકોર્ટના આદેશ બાદ CID સમક્ષ હાજર થયા હતા. લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન CID અધિકારીઓએ અભિષેક પાસેથી તેમની ડાયરી અંગે પણ માહિતી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ CIDએ તેમને તે ડાયરી સાથે લાવવા કહ્યું હતું, જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હવે CIDએ અભિષેક બેનર્જીને 14 જૂને ફરીથી પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. CID કાર્યાલયમાંથી નીકળ્યા બાદ અભિષેક સીધા મમતા બેનર્જીના ઘરે પહોંચ્યા હતા.

જહાંગીર ખાનની પોલીસે પરેડ કાઢી
આ ઉપરાંત, પોલીસે ફાલ્ટામાં TMC નેતા જહાંગીર ખાનની જાહેર પરેડ કાઢી હતી. જહાંગીર ખાનને હાફ પેન્ટમાં ફાલ્ટાની તે જ ગલીઓ અને રસ્તાઓ પર ફેરવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એક સમયે રાજ કરતા હતા. ઉલ્લેખનીય છે કે જહાંગીર ખાન પર જબરદસ્તી વસૂલી, ગેરકાયદે કબજો તેમજ લોકોને ધમકાવવાના ગંભીર આરોપો છે.

વાપીના કરવડમાં ભંગાર-કેમિકલના 4 ગોડાઉનમાં આગ, બ્લાસ્ટના અવાજોથી ગ્રામજનો ધ્રૂજી ઉઠ્યા

વાપીના કરવડ ગામની સીમમાં આજે સવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કરવડ ગામમાં વર્ષોથી ધમધમતા ભંગારના મોટા ગોડાઉનો પૈકીના એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આગે મિનિટોની અંદર જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સાથે ઉદ્યોગોમાંથી નીકળતું જોખમી કેમિકલ વેસ્ટ મટીરીયલ ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યું હતું.

આગે લીધો વિકરાળ રૂપ, 4 ગોડાઉન બન્યા ભસ્મીભૂત
આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેની ઝપેટમાં આસપાસ આવેલા અન્ય ચાર ગોડાઉનો પણ આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોડાઉનની અંદર રાખવામાં આવેલા કેમિકલના ડ્રમોમાં એક પછી એક જોરદાર બ્લાસ્ટ થતા રહ્યા હતા, જેના કારણે આગ વધુ ભયાનક બની ગઈ હતી. કરવડ ગામ અને આસપાસના વિસ્તારોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જે ઘણા કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. ઝેરી ધુમાડાને કારણે નજીકના રહેણાંક અને વાડી વિસ્તારોના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેઓ સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા.

GIDC ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ વાપી GIDC ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં 4 વોટર બ્રાઉઝર સહિત અનેક ફાયર ફાઇટરોને આગ બુઝાવવા માટે મોકલવામાં આવ્યા હતા. કેમિકલની આગ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા પાણી ઉપરાંત ખાસ પ્રકારના કેમિકલ ફોમ (Foam)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ઓક્સિજનનો સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લઈ શકાય.

પોલીસનો કાફલો પણ તૈનાત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ આ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, કરોડો રૂપિયાનો ભંગાર અને કેમિકલનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

CBSEનું OSM સિસ્ટમ આખરે કેમ નિષ્ફળ ગયું? મૂલ્યાંકન પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો

0

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ વર્ષ 2026માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) લાગુ કરી હતી. તેને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા અને ટેકનિકલ સુધારાની દિશામાં એક મોટું પગલું ગણાવવામાં આવ્યું હતું. જોકે પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ આ સિસ્ટમને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોર્ડ પરીક્ષામાં જ્યાં અગાઉના વર્ષોની સરખામણીએ વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા, ત્યાં મોટી સંખ્યામાં સામે આવેલી ફરિયાદોએ OSM સિસ્ટમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

શું છે OSM એટલે કે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ?
OSM એટલે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ એક ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયા છે. તેના હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ (જવાબપોથીઓ)ને પહેલા સ્કેન કરવામાં આવે છે અને તેમની ડિજિટલ નકલો તૈયાર કરીને ઓનલાઈન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષકો કમ્પ્યુટરની સ્ક્રીન પર આ ઉત્તરવહીઓ જોઈને ગુણ આપે છે.

સીબીએસઈનું માનવું હતું કે આ સિસ્ટમ પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિની સરખામણીએ વધુ પારદર્શક, ચોક્કસ અને સમય બચાવનારી સાબિત થશે. અગાઉ ઉત્તરવહીઓ સીધી શિક્ષકોને મોકલવામાં આવતી હતી, જ્યાં તેઓ દરેક પાનું વાંચીને ગુણ આપતા હતા. પરંતુ આ વખતે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી હતી.

તૈયારીના દાવાઓ છતાં વધ્યો વિવાદ
સીબીએસઈનો દાવો હતો કે નવી સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં વ્યાપક સ્તરે તૈયારી કરવામાં આવી હતી અને તમામ સંભવિત ટેકનિકલ ખામીઓને દૂર કરવામાં આવી હતી. તેમ છતાં પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂલ્યાંકનમાં ગડબડીઓના આરોપો લગાવ્યા હતા. સતત સામે આવી રહેલા કિસ્સાઓએ બોર્ડના દાવાઓને કટઘરામાં ઊભા કર્યા છે.

વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ
શરૂઆતમાં બોર્ડ અને સરકારે આ આરોપોને ફગાવી દેતા સમગ્ર વિવાદને નિરાધાર ગણાવ્યો હતો. જોકે બાદમાં જ્યારે ટેકનિકલ ખામીઓ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકાર્યું કે મૂલ્યાંકન પ્રક્રિયામાં ભૂલો થઈ છે.

સીબીએસઈએ પણ ટેકનિકલ સમસ્યાઓને સ્વીકારી સંભવિત ગડબડીઓની નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન 18 લાખથી વધુ પરીક્ષાર્થીઓમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો માંગેલી હતી.

પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પણ વિવાદમાં
ઉત્તરવહીઓના ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે સીબીએસઈએ 1 જૂનથી પોતાનું પોર્ટલ ફરી શરૂ કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નહોતું. ત્યારબાદ પણ સતત ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદો સામે આવતી રહી હતી.

વિવાદ વધતા કેન્દ્ર સરકારે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરી દીધી હતી. જોકે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસની વિદ્યાર્થી અને યુવા એકમોએ આ મુદ્દે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. દેશના વિવિધ શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી રહી છે.

વિવાદિત કંપનીના સર્વર પરથી ડેટા હટાવવામાં આવ્યો
આ દરમિયાન સીબીએસઈએ ધોરણ 12ની ઉત્તરવહીઓ અને પુનઃમૂલ્યાંકન સંબંધિત ડેટાને હૈદરાબાદ સ્થિત કોમ્પ્ટ એડ્યુટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સર્વર પરથી હટાવીને પોતાના સર્વર પર ટ્રાન્સફર કરી દીધો છે. આ એ જ ખાનગી કંપની છે, જેના કાર્યને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

જોકે ટેકનિકલ ખામીઓના આરોપો છતાં બોર્ડે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત ઉત્તરવહીઓની સ્કેનિંગનું કામ હજુ પણ આ જ કંપનીને સોંપેલું છે. આવી સ્થિતિમાં OSM સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ અંગે ઉઠેલા સવાલો હજુ સુધી સંપૂર્ણપણે શાંત થયા નથી.

આકાશમાં ઉડતા જેટમાં સચિનની બેટિંગ, પરિવાર સાથે ક્રિકેટ રમતો વીડિયો થયો વાયરલ

0

ભારતીય ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ રમત પ્રત્યેનો તેમનો પ્રેમ યથાવત્ છે. તાજેતરમાં સચિને સોશિયલ મીડિયા પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ક્રિકેટ મેચ કોઈ મેદાનમાં નહીં, પરંતુ આકાશમાં ઉડતા પ્રાઇવેટ જેટની અંદર રમાઈ હતી.

વીડિયો શેર કરતાં સચિને લખ્યું, “No matter what the altitude, the attitude shouldn’t change”, એટલે કે ઊંચાઈ કેટલી પણ હોય, ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ક્યારેય બદલાતો નથી.

વીડિયોમાં સચિન પ્રાઇવેટ જેટની કેબિનમાં બેટિંગ કરતા જોવા મળે છે, જ્યારે તેમના પુત્રવધૂ સાનિયા ચંદોક સોફ્ટ બોલથી બોલિંગ કરતી જોવા મળે છે. બીજી તરફ તેમની દીકરી સારા તેંડુલકર ફિલ્ડિંગમાં મદદ કરતી નજરે પડે છે.

વીડિયોનો સૌથી મજેદાર ક્ષણ ત્યારે આવે છે જ્યારે સારા મજાકમાં સચિનને આઉટ કરવાની અપીલ કરે છે. તેના જવાબમાં સચિન હસતાં કહે છે, “તું મને ક્યારેય આઉટ નહીં કરી શકે… ક્યારેય નહીં!” આ સાંભળીને જેટમાં હાજર તમામ લોકો હસી પડે છે.

આ પછી સચિન બેટને ઊંધું પકડીને બેટિંગ શરૂ કરે છે અને મજાકમાં કહે છે કે હવે કદાચ તેમને આઉટ કરવાની થોડી શક્યતા છે. થોડા સમય બાદ સારાને સચિનનો કેચ લેવાની તક મળે છે, પરંતુ તે કેચ છોડી દે છે. જોકે આગામી જ બોલ પર તે શાનદાર કેચ પકડી લે છે અને જોરદાર “Yay!” બોલીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. આખરે સચિને પણ પોતાની હાર સ્વીકારી લીધી હતી.

સચિનના સરળ સ્વભાવનો વીડિયો થયો વાયરલ
સચિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેમના સરળ સ્વભાવ, પરિવાર સાથેની મસ્તીભરી પળો અને ક્રિકેટ પ્રત્યેના અતૂટ પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ચાહકોનું માનવું છે કે ક્રિકેટ સચિનના જીવનનો એવો અભિન્ન હિસ્સો છે, જે તેઓ ક્યારેય છોડવાના નથી.

સુરતના ઉત્રાણમાં પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ યુવકની કોહવાયેલી લાશ મળી

0

સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સી બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી 28 વર્ષીય યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. શંકા જતાં લોકોએ કારની નજીક જઈ તપાસ કરતાં અંદર એક યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી લાશ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિ વાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રવિ ગત 6 જૂનથી ગુમ હતો અને પરિવાર સતત તેની શોધખોળ કરી રહ્યો હતો.

લાશ એકદમ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ દિશામાં તપાસ કરી રહી છે.

રશિયન તેલ મુદ્દે યુરોપને જયશંકરનો જડબાતોડ જવાબ, યુરોપની બેવડી નીતિનો કર્યો પર્દાફાશ

0

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિનું મજબૂત રીતે સમર્થન કર્યું છે. ફિનલેન્ડમાં યોજાયેલા ‘કુલતારંતા ટોક્સ’ દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોના સવાલોનો જવાબ આપતાં તેમણે યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુરોપ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચે છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે છે.

યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષા
પેનલ ચર્ચા દરમિયાન એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત ‘સહાનુભૂતિ’ અને તેલ ખરીદી અંગે પ્રશ્ન પૂછતા જયશંકરે તીખો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો વિશે ભારત માટે પણ આવું કહી શકતો હોત.” તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મન દેશોને હથિયારો પૂરા પાડતું રહ્યું છે.

તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિત
પોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, “હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા.”

અમેરિકાની નીતિઓ પર પણ નિશાન
વર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વૈશ્વિક બજારમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી ઘટાડવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. જોકે બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિતો અનુસાર પ્રતિબંધોની નીતિ અપનાવી હતી.

જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, “આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતાનો દેખાવ ન કરો. જ્યારે પોતાના હિતમાં હોય ત્યારે એક નીતિ અપનાવવી અને જરૂર ન રહે ત્યારે તેને બદલવી – અમે બધા સમજદાર છીએ અને આ રમતને સારી રીતે સમજીએ છીએ.”

આ નિવેદન દ્વારા વિદેશ મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લે છે અને કોઈપણ બાહ્ય દબાણ સામે પોતાના વલણ પર અડગ રહે છે.

ઈસનપુર આંબા તળાવમાં તંત્રની મોટી કાર્યવાહી: ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન

0

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી સતત તેજ બની રહી છે. ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલની ગલીમાં આવેલા શાક માર્કેટ નજીકના આંબા તળાવ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવની આસપાસ વર્ષોથી ઉભા થયેલા 160થી વધુ નાના-મોટા કાચા અને પાકા મકાનોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અહીં લાંબા સમયથી અનેક પરિવારો વસવાટ કરતા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ તળાવની જમીન ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી અને રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી ન કરાતા આજે તંત્રે દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી. આ અભિયાન હેઠળ અંદાજે 26 હજાર ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરવામાં આવશે.

કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઈસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્થળ પર તહેનાત રાખવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના તળાવો અને જળાશયોને પુનર્જીવિત કરવા તેમજ તેમની ક્ષમતા વધારવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમયથી અહીં વસવાટ કરતા પરિવારોને તાત્કાલિક મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને માનવતાવાદી અભિગમ પણ અપનાવ્યો છે. અસરગ્રસ્ત પરિવારો માટે નજીકના રેન બસેરામાં રહેવા અને જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, જે લોકો પાસે વર્ષોથી અહીં વસવાટ કરતા હોવાના સરકારી પુરાવા અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી નિર્ધારિત ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દસ્તાવેજોની ચકાસણી બાદ પાત્ર પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ વૈકલ્પિક આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગેરકાયદે દબાણો સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ અભિયાનની શરૂઆત ચંડોળા તળાવ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરદારનગરના કમલ તળાવ કિનારે વર્ષોથી ઉભેલા કાચા-પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદના ત્રીજા સૌથી મોટા ઈસનપુર તળાવની આસપાસ પણ અગાઉ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

કેનેડામાં: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવતું બિલ રજૂ

0

કેનેડા સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિજિટલ સેફ્ટી બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. જોકે, આ કાયદામાં એવી ટેક કંપનીઓને વિશેષ છૂટ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે સરકાર દ્વારા નક્કી કરાયેલા કડક સુરક્ષા ધોરણોને પૂર્ણ કરતી હોવાનો પુરાવો આપી શકશે.

શું બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવો જોઈએ?
સરકાર દ્વારા રજૂ કરાયેલા આ નવા બિલમાં મુખ્યત્વે સાત પ્રકારની હાનિકારક અને સંવેદનશીલ સામગ્રીને ચિહ્નિત કરવામાં આવી છે, જેથી બાળકોને દૂર રાખવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે. તેમાં બાળ યૌન શોષણ સંબંધિત કન્ટેન્ટ, આત્મહત્યા અથવા સ્વ-હાનિ માટે ઉશ્કેરતું કન્ટેન્ટ, સાયબર બુલિંગ, હિંસા અને નફરત ફેલાવતી પોસ્ટ્સ, આતંકવાદ અથવા હિંસક ઉગ્રવાદ સાથે જોડાયેલી સામગ્રી તેમજ કોઈ વ્યક્તિની મંજૂરી વિના શેર કરવામાં આવેલી ખાનગી અથવા અંગત તસવીરોનો સમાવેશ થાય છે. સરકાર આ તમામ પ્રકારની સામગ્રી પર કડક નિયંત્રણ લાગુ કરવા જઈ રહી છે, જેથી કેનેડાના બાળકોને વધુ સુરક્ષિત ડિજિટલ વાતાવરણ મળી શકે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બિલને તકનીકી અને કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થઈને સંસદમાં સંપૂર્ણ રીતે મંજૂરી મેળવવામાં અંદાજે એક વર્ષનો સમય લાગી શકે છે. ઉપરાંત, કાયદો અમલમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં આ નિયમોની કડક દેખરેખ રાખવા માટે નવા “ડિજિટલ રેગ્યુલેટર”ની સ્થાપના કરવામાં આવશે, જેમાં લગભગ 18 મહિનાનો વધુ સમય લાગી શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતી સોશિયલ મીડિયા કંપનીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડક આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે.

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન

0

ભારતના દિગ્ગજ નિશાનેબાજ (શૂટર) રહેલા જસપાલ રાણાનું નિધન થયું છે. શુક્રવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. જસપાલ રાણા 49 વર્ષના હતા. પૂર્વ આંતરરાષ્ટ્રીય શૂટર જસપાલ રાણા નિશાનેબાજીને અલવિદા કહ્યા બાદ, હવે એક કોચ તરીકે નિશાનેબાજીની ઊભરતી પ્રતિભાઓને નિખારવાનું અને યોગ્ય દિશા આપવાનું કામ કરી રહ્યા હતા.

જસપાલ રાણાના અવસાનના સમાચારથી રમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. માહિતી મુજબ, જસપાલ રાણા હાલમાં જ મ્યુનિકથી ભારત પરત ફરી રહ્યા હતા. મ્યુનિકથી નવી દિલ્હીની મુસાફરી દરમિયાન તેમને અસ્વસ્થતા (બેચેની) અનુભવાઈ હતી. ફ્લાઈટ દિલ્હી પહોંચ્યા બાદ, અસ્વસ્થતાની ફરિયાદને કારણે તેમને એરપોર્ટથી સીધા સાકેતની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે સવારે સારવાર દરમિયાન જસપાલ રાણાનું અવસાન થયું હતું.

સંરક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
દિગ્ગજ નિશાનેબાજ જસપાલ રાણાના અવસાન પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, “જસપાલ એક ઉત્કૃષ્ટ ખેલાડી અને કોચ હોવાની સાથે-સાથે સહજ, સરળ અને ખૂબ જ નેકદિલ માણસ હતા. ભારતમાં શૂટિંગને એક રમત તરીકે લોકપ્રિય બનાવવામાં તેમની ખૂબ જ અસરકારક ભૂમિકા હતી.

‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત
“જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીત્યા હતા. દેશમાં નિશાનેબાજીને લોકપ્રિય બનાવવામાં જસપાલ રાણાની ખૂબ મોટી ભૂમિકા માનવામાં આવે છે. મૂળ ઉત્તરાખંડના ઉત્તરકાશીના રહેવાસી જસપાલ રાણાને નિશાનેબાજીના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સફળતા માટે વર્ષ 2002માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.”

જસપાલ રાણા પેરિસ ઓલિમ્પિકમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ હતા. તેઓ જુનિયર ટીમના કોચ અને હાઈ પર્ફોર્મન્સ ટ્રેનર હતા. જસપાલ રાણાને ફેબ્રુઆરી 2025થી 25 મીટર પિસ્તોલમાં ભારતના હાઈ પર્ફોર્મન્સ કોચ બનાવવામાં આવ્યા હતા.

એક ખેલાડી તરીકે જસપાલ રાણાએ એશિયન ગેમ્સમાં 8 મેડલ જીત્યા હતા. જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં 9 ગોલ્ડ સહિત કુલ 15 મેડલ જીત્યા છે. જેમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં 14 મહિના બાદ ફરી કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચારધામ યાત્રાથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

શરદી-ઉધરસ અને તાવ બાદ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ, ચારધામ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ મહિલાને શરદી, ઉધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાયા હતા. તબિયત વધુ બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કરાયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ
મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના તમામ સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગરમાં એક વર્ષ બાદ કોરોનાનો કેસ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગાંધીનગરમાં છેલ્લો એક્ટિવ કોરોના કેસ એપ્રિલ 2025માં નોંધાયો હતો. ત્યારબાદ શહેરમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નહોતો અને શહેર કોરોનામુક્ત બન્યું હતું. હવે 14 મહિના બાદ ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગે તકેદારી વધારી છે.

પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ
આ ઘટનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અન્ય રાજ્યો અથવા ધાર્મિક પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપી છે.

મહામારી દરમિયાન રાજ્યમાં 11 હજારથી વધુ મોત
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં આશરે 11 હજાર લોકોના મોત થયા હતા અને 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હતા. જોકે, તે સમયે સરકારના આંકડાઓ અંગે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના દાવા મુજબ, કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યમાં થયેલા વાસ્તવિક મોતનો આંકડો અઢીથી ત્રણ લાખની વચ્ચે હતો.