Home Blog Page 62

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન

0

ભારતના દિગ્ગજ નિશાનેબાજ (શૂટર) રહેલા જસપાલ રાણાનું નિધન થયું છે. શુક્રવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. જસપાલ રાણા 49 વર્ષના હતા. પૂર્વ આંતરરાષ્ટ્રીય શૂટર જસપાલ રાણા નિશાનેબાજીને અલવિદા કહ્યા બાદ, હવે એક કોચ તરીકે નિશાનેબાજીની ઊભરતી પ્રતિભાઓને નિખારવાનું અને યોગ્ય દિશા આપવાનું કામ કરી રહ્યા હતા.

જસપાલ રાણાના અવસાનના સમાચારથી રમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. માહિતી મુજબ, જસપાલ રાણા હાલમાં જ મ્યુનિકથી ભારત પરત ફરી રહ્યા હતા. મ્યુનિકથી નવી દિલ્હીની મુસાફરી દરમિયાન તેમને અસ્વસ્થતા (બેચેની) અનુભવાઈ હતી. ફ્લાઈટ દિલ્હી પહોંચ્યા બાદ, અસ્વસ્થતાની ફરિયાદને કારણે તેમને એરપોર્ટથી સીધા સાકેતની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે સવારે સારવાર દરમિયાન જસપાલ રાણાનું અવસાન થયું હતું.

સંરક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
દિગ્ગજ નિશાનેબાજ જસપાલ રાણાના અવસાન પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, “જસપાલ એક ઉત્કૃષ્ટ ખેલાડી અને કોચ હોવાની સાથે-સાથે સહજ, સરળ અને ખૂબ જ નેકદિલ માણસ હતા. ભારતમાં શૂટિંગને એક રમત તરીકે લોકપ્રિય બનાવવામાં તેમની ખૂબ જ અસરકારક ભૂમિકા હતી.

‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત
“જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીત્યા હતા. દેશમાં નિશાનેબાજીને લોકપ્રિય બનાવવામાં જસપાલ રાણાની ખૂબ મોટી ભૂમિકા માનવામાં આવે છે. મૂળ ઉત્તરાખંડના ઉત્તરકાશીના રહેવાસી જસપાલ રાણાને નિશાનેબાજીના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સફળતા માટે વર્ષ 2002માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.”

જસપાલ રાણા પેરિસ ઓલિમ્પિકમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ હતા. તેઓ જુનિયર ટીમના કોચ અને હાઈ પર્ફોર્મન્સ ટ્રેનર હતા. જસપાલ રાણાને ફેબ્રુઆરી 2025થી 25 મીટર પિસ્તોલમાં ભારતના હાઈ પર્ફોર્મન્સ કોચ બનાવવામાં આવ્યા હતા.

એક ખેલાડી તરીકે જસપાલ રાણાએ એશિયન ગેમ્સમાં 8 મેડલ જીત્યા હતા. જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં 9 ગોલ્ડ સહિત કુલ 15 મેડલ જીત્યા છે. જેમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં 14 મહિના બાદ ફરી કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચારધામ યાત્રાથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

શરદી-ઉધરસ અને તાવ બાદ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ, ચારધામ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ મહિલાને શરદી, ઉધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાયા હતા. તબિયત વધુ બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કરાયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ
મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના તમામ સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગરમાં એક વર્ષ બાદ કોરોનાનો કેસ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગાંધીનગરમાં છેલ્લો એક્ટિવ કોરોના કેસ એપ્રિલ 2025માં નોંધાયો હતો. ત્યારબાદ શહેરમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નહોતો અને શહેર કોરોનામુક્ત બન્યું હતું. હવે 14 મહિના બાદ ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગે તકેદારી વધારી છે.

પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ
આ ઘટનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અન્ય રાજ્યો અથવા ધાર્મિક પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપી છે.

મહામારી દરમિયાન રાજ્યમાં 11 હજારથી વધુ મોત
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં આશરે 11 હજાર લોકોના મોત થયા હતા અને 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હતા. જોકે, તે સમયે સરકારના આંકડાઓ અંગે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના દાવા મુજબ, કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યમાં થયેલા વાસ્તવિક મોતનો આંકડો અઢીથી ત્રણ લાખની વચ્ચે હતો.

અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ, 260 લોકોના મોત પર ફાઈનલ રિપોર્ટ હજુ નથી આવ્યો

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ વીતી જવા છતાં આ ભયાનક દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી. તપાસ સાથે સંકળાયેલા વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અંતિમ અહેવાલ રજૂ કરવામાં હજુ અંદાજે બે મહિનાનો સમય લાગી શકે છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને તેના તમામ તારણો જાહેર કરવામાં આવશે.

અમદાવાદથી ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ અકસ્માત છેલ્લા એક દાયકાનો વિશ્વના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાંનો એક ગણાય છે, જેમાં લગભગ 260 લોકોના મોત થયા હતા.

તપાસથી પરિચિત ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ, વ્યાપક અને તથ્યાધારિત અંતિમ અહેવાલ તૈયાર કરવાનો છે. દુર્ઘટનાના કારણોને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.

“કંઈ છુપાવવામાં આવશે નહીં”
એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, “કંઈ છુપાવવામાં આવશે નહીં. દરેક માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.” તેમણે તપાસને લઈને કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે અનેક અટકળો પાયાવિહોણી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનના એન્જિન નિર્માતા GE Aerospace તરફથી પણ તપાસ અંગે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી અને કંપની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે
તપાસની દેખરેખ રાખતા અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તપાસની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, મંત્રાલયે તપાસમાંથી બહાર આવી શકે તેવી સંવેદનશીલ અથવા આંતરિક વિગતો અંગે કોઈ દખલગીરી કરી નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે AAIB અંતિમ અહેવાલ જાહેર કરતા પહેલાં એક સ્ટેટસ રિપોર્ટ બહાર પાડે તેવી શક્યતા છે. જોકે, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા (ICAO)ના નિયમો અનુસાર આવો વચગાળાનો અહેવાલ જાહેર કરવાની કોઈ ફરજિયાત જોગવાઈ નથી.

પશ્ચિમ એશિયાના સંકટની પણ અસર
તપાસ સાથે સંકળાયેલા અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય સંકટ અને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર પર તેના પડેલા પ્રભાવને કારણે તપાસની પ્રક્રિયા પર પણ આડઅસર પડી છે. તેમણે જણાવ્યું કે તપાસકર્તાઓ તેમના નિયંત્રણ બહારની પરિસ્થિતિઓ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

પ્રારંભિક અહેવાલમાં શું સામે આવ્યું હતું?
ગયા વર્ષે જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ટેક-ઓફ બાદ તરત જ બોઇંગ 787ના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લગભગ એકસાથે ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ સ્થિતિમાં ખસી ગયા હતા. તેના કારણે બંને એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો, જે દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે કે નહીં તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

એક વર્ષ બાદ પણ 260 લોકોના મોત માટે જવાબદાર આ દુર્ઘટનાના અંતિમ કારણો સામે આવવાની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો છે.

રાજ્ય પોલીસ વડાનો મોટો નિર્ણય: અધિકારીઓ રોજ 2 કલાક સાંભળશે લોકોની ફરિયાદો

રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ તાત્કાલિક નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા એક મહત્ત્વપૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી બનાવવાનો અને અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો છે.

આ કચેરી હુકમ અન્વયે હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના થાણા અમલદારો માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ફરજિયાત દરરોજ બે કલાક ફાળવવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે.

આ નવીન વ્યવસ્થા અંતર્ગત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ તેમજ પોલીસ અધિક્ષકોએ દરરોજ સવારે 12 થી 2 (બે કલાક) દરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળીને અરજી મેળવવાની રહેશે અને તેને અધિકારીના ધ્યાન પર પ્રાયોરિટીમાં મૂકવાની રહેશે જેથી અરજદારને કચેરીએથી પરત ન ફરવું પડે.

સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની મુદત, તપાસ કે સોગંદનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી, તેઓના માટે પણ મુલાકાતનો ચોક્કસ સમય નક્કી કરાયો છે. તમામ થાણા અમલદારોએ દરરોજ સાંજે 4.00 થી 6.00 (બે કલાક) સમયગાળામાં પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી, લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે.

અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારીના વિવાદો તેમજ ભ્રષ્ટાચારને લગતા આક્ષેપો ધરાવતી અરજીઓનો નિકાલ 6 અઠવાડિયામાં અચૂક થાય, જ્યારે આ સિવાયની અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ વધુમાં વધુ 15 દિવસમાં કરવાનો રહેશે.

વહીવટી પારદર્શિતા માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં નિયત રજિસ્ટર રાખવાની પણ સૂચના અપાઈ છે. અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બન્યો હોવાનું માલૂમ પડે તો તે અંગે તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા છે. જી.એસ. મલિકે દરેક અરજીની તપાસ સંપૂર્ણ તટસ્થ અને ન્યાયિક રીતે થાય તે બાબત પર ખાસ ભાર મૂકીને તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું અચૂકપણે પાલન કરવા કડક આદેશ કર્યો છે.

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો પ્રતિબંધ, ભારતીય શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં

0

હિન્દુઓની આસ્થાના કેન્દ્ર ગણાતા કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જૂન-જુલાઈ દરમિયાન ભારતીય નાગરિકોને યાત્રા માટે પરમિટ આપવાની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકાતા હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિર્ણયના કારણે તિબેટ-ચીન સરહદ પર અનેક ભારતીય યાત્રાળુઓ અટવાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં માત્ર બિન-નિવાસી ભારતીયો (NRI)ને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી રહી છે.

3,000થી વધુ ભારતીયોની પરમિટ અટવાઈ
ચીન સરકાર દ્વારા વિઝા અને પરમિટ મંજૂરીમાં વિલંબ થવાને કારણે 3,000થી વધુ ભારતીય યાત્રાળુઓની પરમિટ પ્રક્રિયા અટવાઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો અગાઉ ચીને યાત્રાળુઓ માટે કોમન કિચનનો નિયમ પણ લાગુ કર્યો હતો, જેના કારણે ધાર્મિક પરંપરા અને પ્રાદેશિક ખાણીપીણીની રીતોને જાળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો
પરમિટ અને વિઝા ન મળવાને કારણે તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા અનેક શ્રદ્ધાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

સામાન્ય ભારતીયો માટે યાત્રાના દરવાજા બંધ
નવી વ્યવસ્થા મુજબ માત્ર ચોક્કસ પ્રકારના પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ યાત્રાળુઓને જ કૈલાશ માનસરોવર યાત્રાની મંજૂરી આપવામાં આવશે. સામાન્ય ભારતીય નાગરિકો માટે હાલ યાત્રાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારના પ્રતિસાદની રાહ
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ગુજરાત સહિત દેશભરના ટૂર ઓપરેટરોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરીને સમસ્યાના ઉકેલ માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ચીનના આ નિર્ણયથી કૈલાશ માનસરોવર યાત્રા માટે તૈયાર બેઠેલા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.

મુંબઈ ડિવિઝનની રેલવે લીગલ પેનલમાં સુરતનો દબદબો, અશ્વિન જોગડિયા સહિત 10 વકીલોની નિમણૂંક

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે.

ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે.

સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરત ડિવિઝનમાં અશ્વિન જોગડીયા, હાર્દિક શાહ, રવીન્દ્રન ટી. એસ. પંચાલ દિવ્યાકુમારી, મયુર બી. પટેલ, હીના શિંદે, ધ્રુમિકા લાંગલિયા, બિંદી દેસાઈ, માનવી પટેલ અને દિવ્યા અગ્રવાલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ ડિવિઝન માં આવતા નંદુરબારમાં 6, વલસાડ માં 5, નવસારી માં 2 અને વ્યારામાં 1 એકવોકેટ રુષિ ત્રિવેદીને રેલવેના કેસો ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ રુષિ ત્રિવેદી સુરતના વકીલ હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે સુરતમાંથી નિમણૂક પામેલા અશ્વિન જોગડિયા અને હાર્દિક શાહ જીએસટીના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકિટ્યુટર પણ છે. જ્યારે રવીન્દ્રન ટીએસ પણ NCBના ખાસ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હવે આ વકીલોની કામગીરી અને અનુભવ જોઈને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને સુરતના વકીલ આલમમાં ખુશીનો માહોલ છે.

મણિપુરમાં ફરી ભડકી હિંસા: 6 નાગા લોકોની હત્યાથી વધ્યો તણાવ, જાણો સંઘર્ષનો સંપૂર્ણ ઇતિહાસ

0

મણિપુરમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો છતાં લોહિયાળ સંઘર્ષ થંભવાનું નામ લઈ રહ્યો નથી. તાજેતરમાં થયેલી 6 લોકોની નિર્મમ હત્યાએ રાજ્યમાં પહેલેથી જ સળગી રહેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ઘટનાની જાણ થતાં જ જવાહરલાલ નહેરુ આયુર્વિજ્ઞાન સંસ્થાન (JNIMS) બહાર સેંકડો લોકો એકત્ર થઈ ગયા હતા. તણાવ વધતા સુરક્ષા દળોએ લોકોને વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. આ લોકો તે 6 નાગા વ્યક્તિઓના મૃતદેહ લેવા માટે ભેગા થયા હતા, જેમનું 13 મે 2026ના રોજ લેઇલોન વૈફેઈ ગામમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

મણિપુરમાં ચાલી રહેલી હિંસા કોઈ અચાનક ભડકેલી ઘટના નથી, પરંતુ તે દાયકાઓ જૂના જાતીય અવિશ્વાસ, ભૌગોલિક વિભાજન અને સંસાધનો માટેની લડાઈનું પરિણામ છે. રાજ્યમાં આવી ઘટનાઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે. મે 2023માં શરૂ થયેલો આ હિંસક સમયગાળો 2026માં પણ ચાલુ છે. ચાલો જાણીએ કે મણિપુરના સંઘર્ષનો ઇતિહાસ શું છે? કયા આંદોલનો થયા? અને તેના પરિણામો શું રહ્યા?

મણિપુરનો ભૂગોળ અને વસ્તીનું ગણિત શું છે?
મણિપુરમાં રાજ્યના મધ્ય ભાગમાં આવેલો સમતળ વિસ્તાર (ઇમ્ફાલ ખીણ) કુલ વિસ્તારનો માત્ર 10 ટકા ભાગ છે. પરંતુ અહીં રાજ્યની લગભગ 60 ટકા વસ્તી રહે છે. આ વસ્તીમાં મુખ્યત્વે મૈતેઈ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે, જે મોટાભાગે હિન્દુ છે. બીજી તરફ ખીણને ચારેય બાજુથી ઘેરતા પહાડી વિસ્તારો રાજ્યના 90 ટકા ભાગમાં ફેલાયેલા છે. અહીં રાજ્યની લગભગ 40 ટકા વસ્તી રહે છે, જેમાં કુકી અને નાગા જનજાતિઓનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી છે. ભૂગોળ અને વસ્તીનું આ વિભાજન જ વિવાદનું મુખ્ય કારણ છે.

મણિપુરમાં સંઘર્ષનો ઇતિહાસ
મણિપુરની પહાડીઓ અને ખીણોમાં 35થી વધુ સમુદાયો વસે છે. અહીં નાગા, કુકી અને મૈતેઈ જેવા સમુદાયો તેમજ વિવિધ બળવાખોર જૂથો વચ્ચે સંઘર્ષનો ખૂબ જ જૂનો ઇતિહાસ રહ્યો છે. રાજ્યમાં અશાંતિનો સમયગાળો 1950ના દાયકાના અંતમાં શરૂ થયો હતો.

નાગા બળવાખોર સંગઠન NSCN-IM લાંબા સમયથી નાગા વસ્તીવાળા વિસ્તારોને એકીકૃત કરવાની માંગ કરી રહ્યું છે. આ સંગઠને 1997માં ભારત સરકાર સાથે યુદ્ધવિરામ કરાર કર્યો હતો. બીજી તરફ, કુકી સમુદાય પણ અંગ્રેજોના સમયથી પોતાના હક્કો અને જમીન માટે સંઘર્ષ કરી રહ્યો છે.

મૈતેઈ અસંતોષની જડ જૂની છે
મૈતેઈ સમુદાયની અંદર પણ અસંતોષની જડ ખૂબ જૂની છે. આઝાદી પછી જ્યારે મણિપુરના રાજા બોધચંદ્ર અને ભારત સરકાર વચ્ચે વિલય કરાર થયો, ત્યારે મૈતેઈ સમુદાયે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. 1964માં યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)ની રચના થઈ હતી, જેણે ભારતથી અલગ થવાની માંગ કરી હતી. ત્યારબાદ PLA અને PREPAK જેવા અનેક બળવાખોર સંગઠનો ઉભા થયા. આ સંગઠનોના બે મુખ્ય ઉદ્દેશો હતા—ભારતથી આઝાદી અને નાગા બળવાખોર સંગઠનોનો સામનો કરવો. બીજી તરફ, કુકી-જોમી સંગઠનોનો ઉદય નાગા હુમલાઓના જવાબમાં થયો હતો. આરોપો અનુસાર, 1993માં NSCN-IM દ્વારા કુકી સમુદાય પર હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. ત્યારબાદ કુકી-જોમી જનજાતિઓએ પોતાના સશસ્ત્ર સંગઠનો ઉભા કર્યા.

આ જ સમયગાળા દરમિયાન મૈતેઈ અને મૈતેઈ પંગલ (મુસ્લિમ) સમુદાય વચ્ચે પણ હિંસક અથડામણો થઈ હતી. ત્યારબાદ પીપલ્સ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ નામનું સંગઠન બન્યું હતું, જે હવે સક્રિય નથી. આ રીતે મણિપુર લાંબા સમયથી અલગ-અલગ જૂથો વચ્ચેની હિંસા અને અથડામણોનો સામનો કરી રહ્યું છે.

બળવા વચ્ચે લાગુ થયો AFSPA કાયદો
મણિપુરમાં અલગતાવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે ભારત સરકારે 1958માં સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA) લાગુ કર્યો હતો. શરૂઆતમાં તે નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ લાગુ કરાયો હતો, પરંતુ બાદમાં બગડતી પરિસ્થિતિને જોતા સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો. 1980ના દાયકામાં પરિસ્થિતિ વધુ ખરાબ બનતા મણિપુરને “અશાંત વિસ્તાર” જાહેર કરવામાં આવ્યો હતો.

2008માં શાંતિ માટે મહત્વપૂર્ણ કરાર
શાંતિ સ્થાપવા માટે 2008માં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કુકી-જોમી બળવાખોર સંગઠનો વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો, જેને “સસ્પેન્શન ઓફ ઓપરેશન” (SOO) તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર બાદ શાંતિ વાટાઘાટોનો માર્ગ ખુલ્યો હતો. કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતા રાજ્યના અનેક વિસ્તારોમાંથી AFSPA હટાવવામાં આવ્યો હતો. જોકે, ખીણ વિસ્તારમાં સક્રિય બળવાખોર સંગઠનોએ ક્યારેય સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં ભાગ લીધો નથી અને તેઓ આજે પણ સક્રિય છે.

રાજ્યનો સૌથી વધુ ઉગ્રવાદગ્રસ્ત જિલ્લો
કુકી-જોમી બળવાખોર સંગઠનોનો ઇતિહાસ પણ સમય સાથે બદલાતો ગયો છે. શરૂઆતમાં આ આંદોલન અન્ય જૂથોના હુમલાઓથી બચવા માટે શરૂ થયું હતું, પરંતુ ધીમે-ધીમે તે અલગ “કુકીલેન્ડ”ની માંગમાં પરિવર્તિત થયું.

મણિપુરનો ચુરાચાંદપુર જિલ્લો ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત માનવામાં આવે છે. અહીં આજે પણ 20થી વધુ ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. જેમાં કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન, કુકી રિવોલ્યુશનરી આર્મી, જોમી રી-યુનિફિકેશન ઓર્ગેનાઇઝેશન, જોમી રિવોલ્યુશનરી આર્મી, કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ લિબરેશન ફ્રન્ટ, યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.

ખીણ વિસ્તારમાં સક્રિય રહેલા બળવાખોર સંગઠનો
ખીણના બળવાખોર સંગઠનોમાં UNLF લાંબા સમય સુધી સૌથી શક્તિશાળી સંગઠન રહ્યું છે. આ સંગઠન સુરક્ષા દળો પર ઘાતકી હુમલા અને IED વિસ્ફોટ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. સમય જતાં KCP અને KYKL જેવા અન્ય શક્તિશાળી સંગઠનો પણ સામે આવ્યા. હાલમાં આ સંગઠનો મ્યાનમાર સરહદ નજીક આવેલા કેમ્પોમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંગઠનો નબળા પડ્યા છે અને UNLF હાલમાં પોતાના સૌથી ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

હિંસા અંગે સંસદમાં શું કહ્યું હતું અમિત શાહે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના એક નિર્ણયને કારણે મણિપુરના બે સમુદાયો વચ્ચે અનામત સંબંધિત વિવાદ ઊભો થયો હતો, જેના કારણે જાતીય હિંસા શરૂ થઈ હતી.

તેમણે કહ્યું હતું કે આ ન તો દંગા છે અને ન તો આતંકવાદ, પરંતુ હાઈકોર્ટના નિર્ણયની વ્યાખ્યાને લઈને બે સમુદાયો વચ્ચે સર્જાયેલી જાતીય હિંસા છે. તેમણે કહ્યું કે હિંસા થવી જ ન જોઈએ અને તેને કોઈ રાજકીય પક્ષ સાથે જોડવી યોગ્ય નથી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 1993માં પણ મણિપુરમાં જાતીય હિંસા થઈ હતી અને 1993થી 1998 દરમિયાન નાગા-કુકી સંઘર્ષમાં આશરે 750 લોકોના મોત થયા હતા. ત્યારબાદ પણ એક દાયકા સુધી છૂટક હિંસક ઘટનાઓ ચાલુ રહી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર માને છે કે આવી સ્થિતિ ક્યારેય સર્જાવી ન જોઈએ, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયના કારણે આ હિંસા ભડકી હતી, જેને તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિંસામાં મૃત્યુ પામેલા 260 લોકોમાંથી 80 ટકા લોકોના મોત પ્રથમ એક મહિનાની અંદર થયા હતા, જ્યારે બાકીના મૃત્યુ ત્યારબાદના મહિનાઓમાં થયા હતા.

ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઆંગશીમાં ભયાનક વિસ્ફોટથી 7 લોકોના મોત, 17 ઘાયલ

0

ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઆંગશી વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ
ઘટનાની જાણ થતાં જ કટોકટી સેવાઓ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓ દ્વારા કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યો હતો.

પ્રારંભિક તબક્કે એવી અટકળો ચાલી રહી હતી કે ગેસ પાઇપલાઇનમાં લીકેજ અથવા ટેકનિકલ ખામીને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે, સ્થાનિક સત્તાવાળાઓએ પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાનો ગેસ પાઇપલાઇન સાથે કોઈ સંબંધ નથી.

વિસ્ફોટના કારણની તપાસ શરૂ
અધિકારીઓએ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. હાલ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટના પાછળના સાચા કારણનો ખુલાસો થઈ શકશે. સ્થાનિક પ્રશાસન સમગ્ર મામલે નજીકથી નજર રાખી રહ્યું છે અને વધુ માહિતી મળતા જાહેર કરવામાં આવશે.

ઓમાનના દરિયાકાંઠે ત્રીજી મોટી ઘટના: ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો, 3 ભારતીયોના મોત

ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા વેપારી જહાજ MT જલવીર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે સ્થાનિક ઓમાની અધિકારીઓના સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હાલ જહાજને થયેલા નુકસાન અને સંભવિત જાનહાનિ અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.

‘સેત્તેબેલ્લો’ હુમલામાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ
આ ઘટના પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ ભારતીયોમાંથી બેના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાદમાં ત્રીજા વ્યક્તિના મોતની પણ પુષ્ટિ થઈ હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે MT સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું અને વારંવાર ચેતવણી આપવામાં છતાં જહાજે સૂચનાઓનું પાલન ન કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એક અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો પર સતત હુમલાઓ
આ અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો સાથે જોડાયેલી આ બીજી ગંભીર ઘટના છે. આ પહેલાં સોમવારે અમેરિકાએ ‘ધ મેરિવક્સ’ નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. તે જહાજમાં 24 ભારતીય નાવિકો સવાર હતા, જેમને ઓમાનની સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી મોટી ઘટના બનતા આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

ભારતીય દૂતાવાસ હાઈ એલર્ટ પર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સતર્ક બન્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી કે શિનસ પોર્ટ નજીક બનેલી ઘટનાની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. હાલમાં હુમલાની પ્રકૃતિ, જહાજને થયેલા નુકસાન અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતે અમેરિકી અધિકારી સમક્ષ નોંધાવ્યો વિરોધ
ગુરુવારે અગાઉ સામે આવેલી માહિતી મુજબ, પાલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ

  • કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે એમટી સેટ્ટેબેલો ઓઈલ ટેન્કર પર બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે જણાવ્યું કે અગાઉ જે ત્રણ ભારતીય નાવિકોને ગુમ માનવામાં આવી રહ્યા હતા, હવે તેમના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાંથી બેના મૃતદેહ પણ મળી ચૂક્યા છે.
  • સોનોવાલે કહ્યું કે આ માત્ર અસરગ્રસ્ત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય દરિયાઈ સમુદાય માટે મોટી ક્ષતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં મૃતકોના પરિવારોની સાથે ઊભી છે અને તેમને દરેક જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
  • તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બચાવવામાં આવેલા ભારતીય નાવિકોને જલદીથી જલદી ભારત પાછા લાવવામાં આવે. સાથે જ જે નાવિકોના મોત થયા છે, તેમના પાર્થિવ દેહ પણ જલદી ભારત પહોંચાડવામાં આવે જેથી પરિવારો અંતિમ સંસ્કાર કરી શકે.
  • આ દુર્ઘટનામાં આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશના મોત થયા છે. અગાઉ પટનાલા સુરેશ ગુમ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે તેમના પણ મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.

અમેરિકા-ઈરાન તણાવથી વૈશ્વિક ચિંતા વધી: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારત સહિત અનેક દેશો પર અસરની આશંકા

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતા સમગ્ર મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરીને કડક જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષની વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઓઈલ સપ્લાયનો મહત્વનો માર્ગ બંધ
અમેરિકાના દબાણ અને ધમકીઓ વચ્ચે ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા કોઈપણ જહાજ પર હુમલો થઈ શકે છે. પરિણામે તેલ ટેન્કર અને અન્ય વ્યાવસાયિક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક જળમાર્ગોમાંનો એક છે, જે ઓમાનની ખાડી અને અરબ સાગરને જોડે છે. વૈશ્વિક સ્તરે આશરે 20 ટકા તેલ અને ગેસનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને યુએઈ જેવા ખાડી દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઓઈલ પણ મુખ્યત્વે આ માર્ગ દ્વારા જ વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે.

ઓઈલ સપ્લાયનો ચેકપોઈન્ટ બંધ
ઈરાને સામી ધમકી આપતા કહ્યું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કમર્શિયલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિંતા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વધુ મહત્ત્વ ધરાવતો જળમાર્ગ છે. સૌથી વધારે વ્યસ્ત રહેતો માર્ગ છે, જે ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઓઈલ ચેકપોઈન્ટ તરીકે ઓળખાતા જળમાર્ગમાંથી દુનિયાના 20 ટકા જહાજ પસાર થાય છે. આ વોટરરૂટ હવે બંધ થઈ જતા ભારત સહિત અન્ય દેશની ચિંતા પણ રાતોરાત વધી છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને દુબઈ જેવા મહત્ત્વના ખાડી દેશમાં પ્રોસેસ થતું ક્રૂડ પર આ જ જળમાર્ગ થકી બીજા દેશમાં જાય છે. તેથી આ દેશની ચિંતા પણ વધી છે.

ક્રૂડના ભાવમાં વધારો થવાના એંધાણ
હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે લાંબા સમય સુધી આ જળમાર્ગ બંધ રહ્યો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતમાં તથા ક્રૂડની કિંમતમાં ફરીવાર મોટો વધારો જોવા મળશે. ભારતમાં આવતું 50 ટકા ક્રૂડ અને 70 ટકા ગેસ આ જ જળમાર્ગમાંથી થકી ભારત પહોંચે છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતો આ જળમાર્ગ સંપૂર્ણ રીતે ઈરાનના કબજામાં છે, જે ભારતની ક્રૂડ તથા ગેસની સપ્લાયને સીધી રીતે અસર કરે છે. ભારત મિત્ર દેશની યાદીમાં આવે છે તેથી ભારતીય જહાજને અહીંયાથી પસાર થવાની પૂરી રીતે મંજૂરી છે. યુદ્ધની સ્થિતિ હોવા છતા ભારતીય જહાજને અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે અને કોઈ હુમલો કરાશે પણ નહીં.

ઈરાનની ચાંપતી નજર રહેશે
ઈરાનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એશિયાના બાકીના દેશની ચિંતામાં એકાએક વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે,ઘણા જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીઓમાં હતા, એવામાં અમેરિકાએ હુમલો કરી દેતા અને ઈરાને એનો જવાબ આપતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા જહાજની મુશ્કેલી વધી ગઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી છે. ઈરાનના ગાર્ડ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા બાજુ આગળ વધતા જહાજને લઈને ઈરાને ચાંપતી નજર રાખી છે.