સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી એટલે લાકડાની તલવારથી લડવા જેવું ! ૭૦ લાખની વસ્તી સામે ૫૮૦૦ પોલીસ જવાન !!

Share this story
  • પાછલાં કેટલાંક સમયથી માસૂમ બાળકોને હવસખોરીનો શિકાર બનાવી હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ ચિંતાજનક. કાયમી ઉપાયો શોધવા જરૂરી.
  • હવસ શારીરિક આવેગ હોવા છતાં નિયંત્રણની બહાર જાય તો સામાજિક દૂષણ બનવા સાથે બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ બની શકે, કદાચ એટલે જ ‘વેશ્યા બજાર’ અ‌િસ્તત્વમાં આવ્યું હશે.
  • સુરતમાં પણ ભૂતકાળમાં વેશ્યાબજાર હતું જ, પરંતુ પૂર્વ પો.કમિ. બંસલ મ્યુનિ.કમિ. બાસુ અને પો.ઈ. બાટા ઉપરાંત સામાજિક આગેવાન અશોક કાનુગોએ દિવસો સુધી લડત ચલાવી જાહેર દૂષણ બંધ કરાવ્યું હતું.
  • સદ્નસીબે સુરતનાં પૂર્વ ડીએસપી દારૂવાળા, પૂર્વ પો.કમિ. બી.કે. ઝા, પી.સી. પાંડે, મનમોહન મહેતા, વી.કે. ગુપ્‍તા, રાકેશ અસ્થાના અને વર્તમાન પો.કમિ. અજયકુમાર તોમર જેવા સનિષ્ઠ IPS અધિકારીઓ મળ્યા છે, જેના કારણે સુરતના કાયદો-વ્યવસ્થાને આંચ આવી નથી.

સુરતના ઔદ્યોગિક વિકાસ (Industrial development) અને વસ્તીવિસ્ફોટને કારણે સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થાની (Law and order) સ્થિતિ ક્રમશઃ અઘરી બની રહી છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ઉભરાતા સુરતમાં અડધોઅડધ વસ્તી પરપ્રાંતીય એટલે કે બિનગુજરાતી અને બહુમતી શ્રમજીવી વર્ગની હશે. સુરતના વિકાસ અને સીમાઓનાં વિસ્તરણની સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે શહેર પોલીસદળમાં સમાંતર વધારો કરવાની બાબતે રાજ્ય સરકાર (State Govt) તો ઊણી ઊતરી છે. સાથે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ‘નબળા’ પુરવાર થયા છે.

એક તરફ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતું શહેર અને બીજી તરફ ગણીને માત્ર ૫૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૭૫ પો.ઈ. અને ૨૨૫ પો.સ.ઈ.નું સંખ્યાબળ કઈ રીતે શહેરની કાયદો-વ્યવસ્થાની જાળવણી કરી શકે? વળી શહેરમાં રોજબરોજ આવતા વીઆઈપી, રોજબરોજનો બંદોબસ્ત, ઉપરી અધિકારીઓ સાથેની ફોર્સ અને અઠવાડિક રજાઓ આ બધું ગણવા બેસીએ તો ૭૦ હજારની વસ્તી સામે ગણીને માત્ર અંદાજે ત્રણ હજાર પોલીસ જવાનોનું બળ ગણી શકાય! મતલબ કે, સુરત શહેરની કાયદો, વ્યવસ્થાની સ્થિતિ ‘રામ ભરોસે’ ચાલી રહી છે. સદ્નસીબે સુરતમાં કોઈ સામાજિક તંગદિલી કે કોમી વૈમનસ્ય જેવા કાયમી વિસ્તારો નથી. અન્યથા પોલીસ જવાનોએ (Police personnel) ઘર-પરિવાર છોડીને કાયમ રોડ ઉપર પડાવ નાંખવો પડે.

સુરત ખરેખર નસીબદાર શહેર છે. એકાદ બે આઈપીએસ અધિકારીને બાદ કરતાં અત્યાર સુધીનાં મોટાભાગનાં પોલીસ કમિશનર કક્ષાનાં અધિકારીઓ સુરતનાં લોકો સાથે ભળી ગયા છે.
ભૂતકાળમાં સુરતનાં ડીએસપી દારૂવાળા અને પ્રથમ પો.કમિ. બી.કે. ઝાથી શરૂ કરીને સુરતને મળેલા પોલીસ કમિશનરો અહીંની માટીમાં ભળી ગયા છે. પી.કે. બંસલ, પ્રશાંત પાંડે, મનમોહન મહેતા, કુલદીપ શર્મા,  વી.કે. ગુપ્‍તા, આર.એમ.એસ. બ્રાર, શિવાનંદ ઝા, આર.એમ. સિબ્બલ, રાકેશ અસ્થાના, અજયકુમાર તોમર આ બધા એવા આઈપીએસ અધિકારી છે કે, જેઓ રગેરગથી સુરતી બની ગયા હતા. અજયકુમાર તોમર લગભગ સુરત શહેરનાં ૨૨મા પોલીસ કમિશનર છે.

કવિહૃદય અને સાહિત્ય સાથે સંકળાયેલા અજયકુમાર તોમરનું વ્યક્તિત્વ શરૂઆતમાં અજાણ હતું. પરંતુ ક્રમશઃ સુરતમાં ભળતા ગયા તેમ તેમ સુરતી બનતા ગયા. પી.સી. પાંડે, રાકેશ અસ્થાના પછી અજયકુમાર તોમર એક એવા અધિકારી છે કે, તેમણે શહેરનાં પ્રત્યેક ખૂણાની મુલાકાત લીધી હશે. પંચરગી સુરતનાં લોકો અને સુરતીઓનાં મિજાજને બરાબર ઓળખી ગયેલા અજયકુમાર તોમર ખરેખર તો લાકડાની તલવારથી કાયદો અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરતમાં દેશભરનાં શ્રમજીવીઓનો રાફડો, નેશનલ હાઈ-વે, દરિયાઈ બંદર, દરિયા કિનારાનાં મહાકાય ઉદ્યોગો હોવા છતાં સુરતમાં કાયદો-વ્યવસ્થા ભાંગી પડી હોય એવી કોઈ ગંભીર ઘટના બનવા પામી નથી. પરંતુ પોલીસ દળની પાતળી સ્થિતિને કારણે કોઈક મોટી દુર્ઘટના બને તો મુશ્કેલી પેદા થઈ શકે અને પોલીસની ગેરહાજરીનો ગુનેગારો લાભ ઉઠાવી શકે.

આ બધાની વચ્ચે તત્કાલીન પો.કમિ. રાકેશ અસ્થાનાએ ગલીએ ગલીએ સી.સી. કેમેરાની હારમાળા ઊભી કરીને ગુનેગારો સામે પોલીસ નજરની આખી જાળ ઊભી કરી દીધી છે. રાકેશ અસ્થાનાએ ઊભું કરેલું સી.સી. કેમેરાનું નેટવર્ક ગંભીર ગુના ઉકેલવામાં ‘ત્રીજા નેત્ર’ સમાન પુરવાર થઈ રહ્યું છે.

ખેર સુરતમાં યુવા શ્રમજીવીઓનો ખૂબ મોટો વર્ગ હોવાથી પાછલા કેટલાંક વર્ષોથી માસૂમ બાળકીઓ હવસખોરી અને હત્યાનો શિકાર બનતી આવી છે અને આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વળી આ સામાજિક ગુનાખોરી હોવાથી પોલીસ પણ બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકવા આગોતરું આયોજન કે બાતમીદારો ગોઠવી શકતી નથી. તેમ છતાં પાછલાં ત્રણ વર્ષ દરમિયાન માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી હત્યા કરવાની લગભગ આઠ જેટલી ઘટનાઓમાં ગુનેગારોને ફાંસીએ લટકાવવા સુધીની સજા કરાવવામાં સુરત શહેર પોલીસે દાખલારૂપ ફરજ બજાવી હતી. માસૂમ ભૂલકાંઓ સાથે વ્યભિચાર સહિતનાં કોઈપણ કૃત્ય આચરવામાં આવે એ ચોક્કસ શરમજનક ગણી શકાય. પરંતુ ગુનેગારોને ફાંસીની સજા કરાવીને સમાજમાં કાયદાનો ડર ઊભો કરવાનું કામ સુરત શહેર પોલીસે ચોક્કસ કર્યું છે અને આઠ-આઠ કેસમાં ગુનેગારોને ફાંસી અને આજીવન કારાવાસની સજા કરાવનાર પોલીસનો નૈતિક જુસ્સો વધારવા પીઠ થપથપાવી પડે જ.

૨૦૧૮થી શરૂ કરીને ચાલુ ૨૦૨૩નાં માર્ચ માસનાં પ્રારંભ સુધીમાં સુરત શહેરમાં બે વર્ષથી માંડીને ૧૦ વર્ષ સુધીની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાની લગભગ આઠ ઘટનાઓ બનવા પામી હતી. આ તમામ ઘૃણાસ્પદ બનાવોમાં પોલીસ ગુનેગારોને કાયદાની કોર્ટમાં ફાંસીએ લટકાવવાની સજા કરાવવા હવસખોર, હત્યારાઓ સામે મજબૂર પુરાવા રજૂ કરવામાં સફળ રહી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન, કાનૂની નિષ્ણાતોની સલાહ અને ઘણાં કિસ્સામાં ખુદ પો.કમિ. તોમર પણ તપાસમાં જોતરાયા હતા.

ગત વર્ષે એક ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યા કરવાની ચકચારી ઘટનાનાં દેશભરમાં શરમજનક પ્રત્યાઘાત પડ્યાં હતાં. આખા દેશની નજર સુરત પોલીસની તપાસ ઉપર હતી અને ગણતરીનાં દિવસોમાં ગુનેગાર સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ (તહોમતનામુ) રજૂ કરીને હત્યારાને ફાંસીએ લટકાવવાની દાખલારૂપ સજા ફટકારવામાં સુરત પોલીસ સફળ પુરવાર થઈ હતી.

આજે ત્રીજી માર્ચ શુક્રવારનાં રોજ વધુ એક માસૂમ બાળકીનાં બળાત્કારીને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કારાવાસની આકરી કેદની સજા કરાવીને સુરત શહેર પોલીસની પ્રજાલક્ષી કામગીરીએ વિશ્વાસની દીવાલ વધુ મજબૂત બનાવી હતી.

સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ભલે શાંત હોય, પરંતુ સામાજિક ગુનાખોરી અને માસૂમ બાળકીઓને હવસખોરી માટે શિકાર બનાવવાની ઘટનાઓ ચિંતા પેદા કરી રહી છે.

ખરેખર તો આવી ઘટનાઓ પાછળ મનૌવૈજ્ઞાનિક કારણો જાણીને ઉપાયો શોધવાનાં પ્રયાસો કરવા જોઈએ. કદાચ માનવામાં નહીં આવે અને દાવો પણ કરી શકાય નહીં. પરંતુ સરેરાશ લોકોનાં માનવા મુજબ મોબાઈલ ફોન ઉપર રજૂ કરવામાં આવતી બીભત્સ (પોર્ન ફિલ્મો) ફિલ્મોને હવસખોરીની ઘટનાઓ માટે ચોક્કસ જવાબદાર ગણી શકાય. આજે લગભગ પ્રત્યેક પરિવારમાં બાળકોનું મોબાઈલ સાથેનું વળગણ ચિંતાનું કારણ બની રહ્યું છે. કેટલાંક કિસ્સામાં તો મોબાઈલનાં કારણે બાળકોએ આપઘાત કરી લીધા હોવાની ઘટનાઓ બનવા પામી છે.

ખાસ કરીને યુવક-યુવતીઓમાં મોબાઈલ ફોન ઘણાં કિસ્સામાં દૂષણરૂપ પુરવાર થઈ રહ્યો છે. આ એક એવી સમસ્યા છે કે, જેનો ફોજદારી કાયદાથી ઉકેલ શક્ય નથી અને તેમ છતાં પ્રત્યેક પરિવાર મોબાઈલનાં દૂષણથી મુક્ત પણ નથી.

શારીરિક આવેગો સંતોષવા વેશ્યાબજારો કેટલા ઉપયોગી પુરવાર થતાં હતાં. તેના કોઈ ચોક્કસ પુરાવા નથી. પરંતુ આદિ અના‌િદકાળથી વિશ્વવ્યાપી કોલગર્લ, એસ્કોર્ટ વગેરે નામથી ઓળખાતી વેશ્યાવૃત્તિ પ્રચલિત હોવાનો ઈતિહાસ સાક્ષી છે. આજે પણ વિશ્વનાં વિકસિત સહિત અનેક દેશોમાં ‘કોલગર્લ’ની પ્રથા વિનાસંકોચે પ્રચલિત છે.

સુરતમાં પણ એવું કહેવાય છે કે, મોગલકાળથી રેડલાઈટ એરિયા એટલે કે, વેશ્યાબજારનું અસ્તિત્વ હતું. દાયકા નહીં બલ્કે સૌકા જૂનું વેશ્યાબજાર ક્રમશઃ શહેરની વચ્ચો વચ્ચ આવી જતાં નફરત અને શરમનું કેન્દ્ર બની રહ્યું હતું. ઉપરાંત કેટલાંક પરિબળો માટે વેશ્યાબજારની મિલકતોમાં કમાણીનું સાધન દેખાવા માંડતા વેશ્યાબજાર બંધ કરાવવા માટે દિવસો સુધી આંદોલન ચાલ્યું હતું.

દેશનાં અન્ય શહેરોમાંથી પણ વેશ્યાવૃત્તિની તરફદારી કરતી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સુરત આવ્યા હતા અને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યાં હતાં.
એ સમયે સુરતનાં પોલીસ કમિશનર તરીકે પી.કે. બંસલ એટલે કે પૂર્ણકૃષ્ણ બંસલ જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે પી.બાસુ હતા. આ ઉપરાંત વેશ્યાબજાર વિસ્તારનાં ચોકબજાર પોલીસ મથકનાં પો.ઈ. તરીકે બાટા હતા.

બાસુ, બંસલ અને બાટાની જોડીએ વેશ્યાબજાર બંધ કરાવવાનું બીડુ ઝડપ્યું હતું. તેમાં સુરતનાં સામાજિક આગેવાન અને લાયન્સ કલબ સાથે જોડાયેલા અશોક કાનુગોએ સાથ આપતાં સુરતનાં મોગલકાળનાં મનાતા ‘વેશ્યાબજાર’નાં દરવાજા બંધ થયા હતા. સુરત શહેરની આ ઘટનાની સમગ્ર દેશમાં નોંધ લેવામાં આવી હતી.

પરંતુ સુરતમાં વેશ્યાબજાર બંધ કરાવવાથી જાહેર સામાજિક દૂષણનો અંત આવ્યો હતો. પરંતુ એવું કહેવાય છે કે, શહેરનાં અન્ય વિસ્તારોમાં ખાનગી રાહે વ્યભિચારની પ્રવૃત્તિ વિસ્તરી હતી.
અલબત્ત આવી પ્રવૃત્તિનાં પુરાવા હોઈ શકે નહીં. પરંતુ રોજબરોજ બનતી અને વણનોંધાયેલી ઘટનાઓને નજીકથી સમજવામાં આવે તો એવું ચોક્કસ કહી શકાય કે, શારીરિક આવેગોને કાયદાનાં નિયંત્રણો કે સામાજિક દૂષણનાં નામે રોકવાનું લગભગ અશક્ય છે.

આ પણ વાંચો :-