મારુ નામ આપો એટલે કોઈ લાયસન્સની જરૂર નથી.. કહેનાર ધારાસભ્યએ બાઇક છોડાવવા પોલીસ ચોકી જવું પડ્યું

Share this story

Give my name means no license

  • સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે યુવા સંમેલન દરમિયાન આપેલા નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે આ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓની સભાઓ અને વચનોના દોર શરૂ થઈ ગયા છે. ધારાસભ્યો અને નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. સાથે જ નિવેદનબાજી (Statement) કરી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાની સાવલી (Savli) બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર (MLA Ketan Inamdar) યુવા સંમેલનમાં આપેલા એક નિવેદનને લઈ ફરી વિવાદમાં આવ્યા છે. તેમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જેનો વીડિયો વાયરલ (Viral Videos) થતાં તેમણે આ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે.

પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું :

વાત જાણે એવી છે કે યુવા સંમેલન દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ‘પોલીસ સ્ટેશનની અંદર સાવલી પોલીસ સ્ટેશન નહીં, ડેસર પોલીસ સ્ટેશન નહીં, વડોદરા ગ્રામ્યનું કોઈ પોલીસ સ્ટેશન જ નહી પણ ગુજરાતની અંદર અમદાવાદ હોય, મેમદાબાદ હોય, રાજકોટ હોય, ભરૂચ હોય, પંચમહાલ હોય, ઉમરેઠ હોય, આણંદ જિલ્લો હોય કે ખેડા જિલ્લો હોય મારો કોઈ યુવાન અહીં બાઈક લઈને ફસાયો હોય અને જો તે પોલીસને એમ કહીં દે કે હું સાવલીથી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું તો તેને કોઈ લાયસન્સની જરૂર નહીં પડે.’ કેતન ઈનામદારોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કાયદો તોડવા માટે ઉશ્કેરી રહ્યા હોવાની ચર્ચા જાગી

સાથે જ કેતન ઈનામદારે ગતરોજ સાવલી પોલીસ સ્ટેશન જઈને યુવાનોના ડીટેઈન કરવામાં આવેલા 50 જેટલા વાહનો પણ છોડાવ્યા હતા. જે બાદ ચર્ચા જાગી છે કે ધારાસભ્ય આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.

ધારાસભ્ય લોકોને ટ્રાફિક નિયમો તોડવા પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોને સમજાવવાને બદલે કાયદો તોડવાનું કહી રહ્યા છે. આ વાયરલ વીડિયો મામલે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટતા કરી છે.

વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું : ઈનામદાર 

તેમણે જણાવ્યું કે, ‘યુવા સંમેલનનો જે વીડિયો વાયરલ થયો છે, એ વીડિયોમાં મેં એવું કહ્યું હતું કે ગુજરાતના કોઈપણ ખૂણામાં કોઈ મારો યુવાન જાય અને કદાચ કોઈ જગ્યા પર ફસાય ત્યારે એ યુવક ખાલી સાવલી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છે એવું કહી દે. આ યુવાનો માટે એક આઈડી પ્રુફ છે.

મેં ખાલી આઈડી આપ્યું છે. આ વાયરલ વીડિયોમાં કાયદો હાથમાં લેવાની વાત કે કાયદાની અવગણના કરવાની વાત મેં કરી નથી. કાયદો ભારત દેશના તમામ નાગરિક માટે સમાન છે. કાયદાથી ઉપર કંઈ હોય ન શકે. વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.’

આ પણ વાંચો :-