જૈન તીર્થસ્થાન શેત્રુંજય અને સમ્મેત શિખર માટે સરકારનું ઉદાસીન વલણ શા માટે ?

Share this story

Why the indifferent attitude

  • શેત્રુંજયમાં અસામાજિક પ્રવૃત્તિ સામે વારંવારની ફરિયાદો છતાં સરકારને પગલાં ભરતા કોણ રોકે છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકારે જ જીવ હિંસાની પ્રવૃત્તિ રોકવા શેત્રુંજયને પવિત્ર તીર્થધામ જાહેર કર્યું હતું.
  • ઝારખંડમાં આવેલા અતિપવિત્ર માનવામાં આવતાં સમ્મેત શિખરજીને પ્રવાસન સ્થળ જાહેર કરવાની ક્યાં જરૂર હતી? અહિંયા બિનજૈન શ્રદ્ધાળુઓ માટે પણ કોઈ પ્રતિબંધ નથી.
  • દેશભરમાં પથરાયેલા અને અર્થતંત્ર સાથે સંકળાયેલા જૈન સમુદાયની ઠંડી તાકાતની અવગણના સરકારને ભારે પડી શકે.

ખુબ જ શાંત અને સરળ ગણાતા જૈન (Jain) સમાજમાં એકાએક આક્રોશ કેમ ફાટી નીકળ્યો? આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. મુઠ્ઠીભર જૈનોને એકઠા કરવા હોય તો દમ નીકળી જાય એવા સમાજનાં સેંકડો પરિવારો અને સાધુ ભગવંતો રોડ ઉપર ઉતરી આવે ત્યારે ચોક્કસ કોઈ મોટો અન્યાય થયો હશે એવું માની શકાય. દેશભરમાં સેંકડો જૈન મંદિરો (Jain temples), ઉપાશ્રય આવેલા છે. સેંકડો સ્થળોએ જીવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લાખો, કરોડોનું દાન કરવામાં આવે છે. પરંતુ ક્યાંય પણ હોહા કે મોટી બુમરાણ મચાવાતી નથી. ચાર્તુમાસ દરમિયાન એક બે નહીં ચાર-ચાર માસ સુધી જૈનાચાર્યોનાં (Jainacharyas) આધ્યાત્મિક પ્રવચનો થાય છે. પરંતુ ક્યાંય પણ મોટો ઘોંઘાટ કે અડોશ-પડોશનાં લોકોને પરેશાની થતી હોય એવી ફરિયાદ ભાગ્યે જ સાંભળવા મળે છે.

તો અચાનક જૈનોમાં આક્રોશ કેવી રીતે ફાટી નીકળ્યો? આની પાછળ ચોક્કસ કારણ છે. એક વાત ચોક્કસ છે કે, જૈન ગમે તેટલો ભણેલો હોય કે શ્રીમંતાઈમાં આળોટતો હોય, પરંતુ લગભગ સો ટકા જૈનો ધર્મપરાયણ જોવા મળશે. વહેલી સવારે નાના-નાના જૈન ભુલકાઓને ધોતી પહેરીને દહેરાસરમાં દર્શને જતાં લોકોએ જોયા જ હશે. કારણ કે, જૈન પરિવારોમાં બાળપણથી જૈન તીર્થકરો વિશે આદર અને આસ્થાની ભાવના ભરવામાં આવે છે અને જૈન પરિવારનાં સંતાનોને બાળવયે જ મળેલા સંસ્કારોને કારણે માણસ ગમે તેટલો મોટો થાય તો પણ ધર્મનાં સંસ્કારો જળવાયેલા રહે છે. જૈન સમાજ જેટલો ધર્મ પ્રત્યે આદર ધરાવે છે.એટલો વહેવારમાં વિનમ્ર પણ છે, પરંતુ આ કદાચ પહેલી ઘટના હશે કે, સમગ્ર દેશભરમાં જૈન પરિવારો, જૈનાચાર્યો અને સાધુ ભગવંતો સહિત જૈન મંદિરો, જૈન તીર્થસ્થાનનાં રક્ષણ માટે જાહેર માર્ગો ઉપર ઉતરી આવ્યા છે.

ખેર, સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતનાં પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત અને બંગાળને અડીને આવેલા ઝારખંડ રાજ્યનું સમ્મેત શિખર પર્વત સમગ્ર જૈન સમાજ માટે ગાઢ આસ્થાનાં તીર્થસ્થાનો છે. જૈન સમાજ માટે આ તીર્થસ્થળો પોતાનાં જીવ કરતાં વિશેષ હોવાથી તીર્થસ્થળોનાં રક્ષણ માટે સમગ્ર દેશનો જૈન સમાજ એક થઈને મેદાનમાં ઉતરી આવ્યો છે. જૈનોનાં આક્રોશ પાછળ મૂળભૂત રીતે રાજકીય શાસકોની બેજવાબદારી કારણભૂત માનવામાં આવે છે.

1

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી પાલિતાણા શેત્રુંજય પર્વત અને શેત્રુંજય નદીને ઘણાં સમય પહેલાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારે પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યાં હતાં. પરિણામે શેત્રુંજય ડેમ અને શેત્રુંજય નદીમાં માછીમારી સહિતની જીવ હિંસાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ આવી ગયો હતો અને બધુ રાબેતા મુજબ ચાલતુ હતું. પરંતુ શેત્રુંજય પર્વતની તળેટીમાં પાછલાં કેટલાંક સમયથી અસામાજિક પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો હતો. જૈન સાધુ ભગવંતોને અડચણરૂપ પ્રવૃત્તિ કરવા ઉપરાંત એવું કહેવાય છે કે, શેત્રુંજય પર્વતની તળેટીમાં માટીખનન એટલે કે, પથ્થર કાઢવાની અને શરાબ જેવા નશીલા પદાર્થોની પ્રવૃત્તિ વકરી રહી હોવાથી જૈન સમાજ પાછલાં ઘણાં સમયથી વિરોધ ઉઠાવતો આવ્યો છે. પરંતુ જૈનોનાં વિરોધને વાચા મળતી નહોતી અને સરકાર પણ જૈનોની લાગણીને સતત અવગણતી હતી એવા આક્ષેપો થઈ રહ્યાં છે.

અધુરામાં પુરું થોડા દિવસ પહેલાં શેત્રુંજય પર્વત ઉપર આવેલા એક શિવ મંદિરનાં વહિવટીને લઈને વિવાદ ઉભો થયો હતો. અલબત્ત શિવ મંદિરનાં પ્રશ્ને જૈનોની લાગણી સાનુકૂળ હતી. પરંતુ શેત્રુંજય પર્વતમાં અસામાજિક તત્ત્વોની વધી રહેલી પ્રવૃત્તિનાં મામલે જૈન સમાજ અકળાયો હતો અને સરકારમાં વારંવારની રજૂઆતો કરવા છતાં અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શન સાથે સામૂહિક અને અસરકારક રજૂઆતોનો દોર શરૂ કરાયો હતો. રાજ્ય સરકારે નિર્ણાયત્મક રીતે જૈનોની રજૂઆતને સાંભળી નથી. માત્ર સ્પેશ્યલ તપાસ સમિતિ એટલે ‘એસઆઈટી’ની રચના અને કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની જાહેરાત કરીને જૈનોનાં આક્રોશને થાળે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતનાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવા ઉપરાંત પાલિતાણાની સમસ્યાથી વાકેફ હોવા છતાં તેમણે કોઈ નક્કર જાહેરાત નહીં કરતાં જૈન સમાજમાં હર્ષ સંઘવી માટે પણ છૂપી નારાજગી જોવા મળી હતી અને વિરોધ પ્રદર્શન, રજૂઆતો ચાલુ રાખવાની દિશામાં ખાનગીમાં સલાહ સુચનો કરાયા હતાં.

ખેર, પાલિતાણાનાં શેત્રુંજય પર્વતની સાથે સાથે ઝારખંડ સ્થિત જૈનોનાં અતિ પવિત્ર તીર્થધામ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરીને ઝારખંડ સરકારે બળતામાં ઘી રેડવા જેવો ઘાટ કર્યો હતો. હકીકતમાં સમ્મેત શિખર ઉપર માત્રને માત્ર જૈનોનો ઈજારો નથી. બિનજૈન સંપ્રદાયનાં લોકો પણ વર્ષોથી સમ્મેત શિખરની યાત્રાએ જતાં-આવતાં રહ્યાં છે. જૈનોની વાત એટલા માટે વ્યાજબી છે કે, સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો સમ્મેત શિખરનું ધાર્મિક યાત્રાસ્થળ તરીકેનું મહત્ત્વ ઘટી જવા સાથે સમ્મેત શિખર પર્વત ઉપર શરાબ, માંસ, મટન સહિતની અન્ય પ્રવૃત્તિઓ શરૂ થવાનો ભય છે અને વળી જૈનોનો આ ભય પણ કેટલાંક અંશે વ્યાજબી પણ ગણી શકાય. આમ પણ ભારતમાં ધાર્મિક સ્થળોનું ક્રમશઃ મૂલ્ય ઘટી રહ્યું છે. તેવા સમયે સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું ધાર્મિકસ્થળોનાં હિતમાં પણ નથી. એક વાત ચોક્કસ છે કે, આજે પણ બિનજૈન લોકો સમ્મેત શિખર પર્વતનાં દર્શન અને મુસાફરીનો આનંદ લઈ રહ્યાં છે. તેવા સમયે કારણ વગર સમ્મેત શિખર તીર્થધામને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું યથાયોગ્ય નથી. વળી દેશભરનાં કોઈ ખૂંણામાંથી પણ સમ્મેત શિખર પર્વતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગણી પણ ઊઠી નથી.

2

સમ્મેત શિખરનાં પ્રશ્ને ઘણાં લાંબા સમયથી જૈનોનાં વિરોધ પ્રદર્શનો ચાલુ જ હતા. તેમ છતાં સરકારે જૈનોની લાગણીને સતત અવગણતા આખરે દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા અને સમ્મેત શિખરને બચાવવા માટે ઘણાં લાંબા દિવસોથી સતત ઉપવાસ કરી રહેલાં મુનિ સુજ્ઞેયસાગરે સાંગાનેરનાં જૈન મંદિરમાં અંતિમ શ્વાસ લેતાં જૈન પરિવારોમાં વધુ આક્રોશ ઉગ્ર બન્યો હતો અને જૈન સમાજે મુનિ સુજ્ઞેયસાગરનાં અવસાનને પ્રાણનું બલિદાન ગણાવ્યું હતું. મુનિ સુજ્ઞેયસાગરજીએ ગત ૨૫મી ડિસેમ્બરથી અન્‍ન-જળનો ત્યાગ કર્યો હતો અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. તેમણે સાંગાનેરનાં સાંઈજી જૈન મંદિરમાં આચાર્યનાં સાનિધ્યમાં પરમેશ્વરનું ધ્યાન કરતાં કરતાં શરીર છોડી દીધું હતું.

મુનિ સુજ્ઞેયસાગરજીનાં બલિદાન બાદ દેશભરમાં પથરાયેલા જૈન સમાજમાં સરકાર સામેની નારાજગીમાં વધારો થયો હતો. વેપારી સમાજ ગણાતાં જૈનો તલવાર લઈને લડવા નહીં નીકળે. પરંતુ સરકાર જૈનોની ધાર્મિક લાગણીને નહીં સમજે તો આવનારા સમયમાં રાજકીય શાસકોએ ચોક્કસ કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો :-