મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવાની અફવા કોણ ફેલાવે છે? ભૂતકાળમાં પણ ભાજપનાં અસંતુષ્ટોએ જ પોતીકી સરકારો ઉથલાવી હતી

Share this story
  •  Chief Minister Bhupendra Patel
  • આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બેમાંથી કોણ સક્ષમ નહોતું? બન્‍ને શિ‌િક્ષત અને રાજકીય પીઢ હોવા ઉપરાંત સરકાર ચલાવવાનો લાંબો અનુભવ ધરાવતા હતા છતાં કોણે ઉથલાવ્યા હતા?
  • પાંજરું ભલે સોનાનું હોય પરંતુ આખરે એ કેદખાનું જ છે, પાંજરામાં પુરાયેલો પોપટ પોતાની ઈચ્છા મુજબ ગગનમાં વિહાર કરી શકતો નથી, ભાજપ નેતાગીરીનાં ‘અંકુશ’ હેઠળનો ભલભલો મુખ્યમંત્રી પણ સફળ થઈ શકશે નહીં.
  • એવી માન્યતા છે કે, વડાપ્રધાન મોદી રજુ થયેલી વાતની ખરાઈ કર્યા વગર જ નિર્ણય લેતા હોવાથી ભાજપનાં જ અસંતુષ્ટોએ એકપણ મુખ્યમંત્રીને સફળ થવા દીધા નથી

ગઇકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત બાદ કેટલાક અવળચંડા લોકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાઇ રહ્યા હોવાની અફવાઓ ફેલાવીને ગુજરાત સરકાર અને ગુજરાતના રાજકારણના શાંત વમળોમાં પથ્થરા ફેંકવાનું કામ કર્યું હતું. આમ પણ ગુજરાતની નવી સરકારની રચના અને શાંત અને વિનમ્ર સ્વભાવના ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મોવડી મંડળે યથા યોગ્ય નિર્ણય કર્યો હતો પરંતુ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં કેન્દ્રીય નેતૃત્વ થાપ ખાઈ ગયું હતું. પરિણામે સજ્જડ અને પૂર્ણ બહુમતની સરકાર હોવા છતા લોકોને સરકારની કામગીરીનો અહેસાસ થતો નથી. આ ઉપરાંત ભાજપની છાવણીમાં પોતે મંત્રીનો દાવો લઇને ફરતા કેટલાક એવા જાણીતા ચહેરાના નામ કપાઈ જવાથી હવે દુભાયેલા આવા ખુદ પક્ષના જ લોકો છાશવારે મુખ્યમંત્રી બદલાઈ રહ્યા હોવાની વાતો ફેલાવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘણા લાંબા સમયથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ થોડા થોડા દિવસે ચલાવવામાં આવે છે. અગાઉ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ મનસુખ માંડવિયાનું નામ ચલાવવામાં આવતું હતું. જોકે મનસુખ માંડવિયા પોતે પોતાનું નામ ચલાવે એવો તેમનો સ્વભાવ નથી વળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગનો હવાલો સંભાળવા ઉપરાંત સરકારમાં મહત્વના મંત્રી તરીકેનું સ્થાન ભોગવી રહ્યા હોવાથી મનસુખ માંડવિયા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે આતુર હોય એવું બની શકે નહીં અને તેમ છતાં થોડા થોડા દિવસે પાટીદાર આગેવાન તરીકેની તેમની ઓળખ ઊભી કરીને ચોક્કસ લોકો અથવા તો ખુદ મનસુખ માંડવિયાના ટેકેદારો નામ ચલાવતા હોવાની શકયતા બની શકે.

વળી આજે તો મનસુખ માંડવિયા ઉપરાંત ભીખુ દલસાણિયાનું નામ પણ ફરતું કરવામાં આવ્યું હતું. વળી ખુદ વડાપ્રધાન મોદીનો હવાલાનો ટાંકીને મેસેજ ફરતા કરાયા હતા. આ મેસેજમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે. મનસુખ માંડવિયા હાલ જાપાન પ્રવાસે છે તેમ છતાં પ્રવાસ ટુંકાવીને પાછા ફરવા માટે જણાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેર, કોઇ માને કે નહીં માને પરંતુ ગુજરાત ભાજપની છાવણીમાં બધુ જ યથા યોગ્ય નથી ગુજરાત સરકારનો સંપૂર્ણ વહિવટ, નિર્ણયો કેન્દ્ર કક્ષાએથી લેવામાં આવે છે. આ વાત પણ જગજાહેર છે. તેમ છતા ગુજરાત સરકાર અને ભાજપની છાવણીમાં કોઇક ખૂંણામાં સબડતો અસંતોષ થોડા થોડા દિવસે અફવાઓ બનીને ઉભરી આવે છે. અને ફળશ્રૃતિરૂપે સરકારમાં બેઠેલા મંત્રીઓના નૈતિક જુસ્સા ઉપર ખોટી અસરો પહોચાડે છે જ્યારે અધિકારીકક્ષાએ કામ કરવાની સ્પીડ તૂટી જાય છે.

અત્રે કેટલીક સ્પષ્ટતા કરવી યોગ્ય નથી પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ કોઇકને કોઇક રીતે બંધાયેલા હોય એવી અનુભૂતી થઈ રહી છે. ખુદ ભૂપેન્દ્ર પટેલ નહીં સ્વીકારે પરંતુ જે લોકોને દેખાઇ રહ્યું છે જે લોકોને અનુભવાઈ રહ્યું છે એ જોતા ભૂપેન્દ્ર પટેલની હાલત સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી કહી શકાય. પાંજરુ ભલે સોનાનું છે પરંતુ આખરે એ કેદખાનું છે. કદાચ ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવે તો પણ આવનારો એક પણ મુખ્યમંત્રી નિર્ણય કરવા માટે સ્વતંત્ર નહીં હોય કારણ કે ‘અંકુશ’ને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગમે તેવો ‘મરદ’ પણ મુખ્યમંત્રી તરીકેની સફળ કામગીરી કરી નહીં શકે.

નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ મળ્યા હતા આનંદીબેન પટેલ વહિવટ કુશળ અને રાજકીય આટાપાટાને સમજવા માટે સક્ષમ હતા. વળી આનંદીબેન પટેલના મોટાભાગના નિર્ણયો લોકભોગ્ય હતા. કોઇ ખૂંણામાં પણ લોકોમાંથી આનંદીબેન પટેલની સરકાર સામે નારાજગી નહોતી તેમ છતાં આનંદીબેન પટેલની સરકારને ઉથલાવવામાં કોનો હાથ હતો? તે કહેવાની જરૂર નથી. આ અસંતુષ્ટોએ જ પાટીદાર યુવાનોને ગુમરાહ કરવાના પણ પ્રયાસો કરીને સળગતી રાજકીય આગમાં હાથ શેકી લેવાનો ધંધો કર્યો હતો. અને અંતે આનંદીબેન પટેલની સરકાર ઉથલાવીને જ રહ્યા હતા પરંતુ આશ્ચર્યજનક એ વાત હતી કે આનંદીબેનને ઉથલાવીને પોતે મુખ્યમંત્રી બની જશે એવું સપનું સાકાર થયું નહોતું અને અસંતુષ્ટો માટે આઘાતજનક કહી શકાય એ રીતે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા.

વિજય રૂપાણી પીઢ રાજકીય આગેવાન ભાજપના જ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંઘ પરિવાર સાથે નાતો ધરાવતા હોવાથી સરકાર ચલાવવામાં નબળા પુરવાર થયા નહોતા તેમ છતાં તેમની સામે જાતજાતના આક્ષેપો અને અફવાઓ ફેલાવીને વિજય રૂપાણીને મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરવાની ફરજ પાડી હતી. વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચેનો ગજગ્રાહ સમગ્ર ગુજરાતની જનતાએ જોયો હતો અને ત્યાર પછી ‘છપર ફાડી’ને આવેલા ભૂપેન્દ્ર પટેલની કઇ રીતે પસંદગી કરવામાં આવી હશે એ આજે પણ રહસ્ય છે.

સીધા સાદા અને ભગવાનના માણસ ભૂપેન્દ્ર પટેલ સરળ છે પરંતુ ‘અબુધ’ નથી તેઓ વાદવિવાદ કે ઘર્ષણથી હંમેશાં દૂર રહેવામાં માનનારા વ્યક્તિ છે. ભૂપેન્દ્ર પટેલને નજીકથી ઓળખનાર વ્યક્તિ બેધડક આવો અભિપ્રાય આપી શકે પરંતુ ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી પહેલાની પ્રથમ ટર્મમાં તેમના માથા ઉપર એક નહીં અનેક ‘અંકુશ’ મુકવામાં આવ્યા હતા. મતલબ કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્ર નહોતા બલ્કે સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી હાલત હતી.

ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે ‘આપ’ના ગુજરાતમાં પ્રવેશને પગલે ભાજપની છાવણીમાં ભરઊંઘમાંથી પણ જાગી જવાય એવું ડરામણું ચિત્ર હતું. પરંતુ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લઇને ૧૫૬ બેઠકો કબજે કરીને રાજકીય વિરોધીઓની આંખે અંધારા લાવી દીધા હતા. ઝળહળતા વિજય સાથે ગુજરાતની ગાદી ફરી ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપી હતી અને આ વખતે એવું કહેવાતું હતું કે ભૂપેન્દ્ર પટેલ ‘નિરકુંશ’ મુખ્યમંત્રી છે. તેઓ કોઇપણ નિર્ણય લેવા માટે મુકત છે પરંતુ હકીકતમાં એવું નથી. ભૂપેન્દ્ર પટેલ ઉપર કેટલા ‘અંકુશ’ હશે એ કદાચ ભૂપેન્દ્ર પટેલ જ કહી શકે અને પરિણામે ભૂપેન્દ્ર પટેલને ‘નબળા’ ચીતરવાનો દાવ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ શિ‌િક્ષત છે. સક્ષમ છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. ભૂતકાળમાં અનેક રાજકીયપદ ભોગવી ચૂકયા છે. મતલબ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે ‘સોબર’ હશે પરંતુ નિષ્ફળ હરગીજ નથી પરંતુ તેમનો સ્વભાવ ‘મોરચો’ માંડવાનો નહીં ‘સરેન્ડર’ થઈ જવાનો હોવાથી તેમને ઉથલાવીને ગાદીએ બેસવાની મહેચ્છા ધરાવતા લોકો છાશવારે અફવા ફેલાવતા હશે એવું ચોક્કસ માની શકાય.

એક એવી છાપ પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત સાંભળેલી વાતની ખરાઈ કર્યા વગર નિર્ણય લેતા હોવાથી તેમના ‘અંકુશ’ હેઠળનો કોઇપણ મુખ્યમંત્રી કદાપી પોતાની જાતને સફળ પુરવાર કરી શકશે નહીં અને છાશવારે ગુજરાતની સરકાર સામે અફવાઓ ફેલાતી રહેશે અને આ અફવાઓ જ સરવાળે સરકારને નિષ્ફળ પુરવાર માટે કારગત પુરવાર થશે.

ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં કારણ વગર ઘણા સક્ષમ મુખ્યમંત્રીઓ, મંત્રીઓને ઘરભેગા થતા જોયા છે. કારણ ‘અફવાઓ’ અને ‘વહેમ’ની દવા દુનિયામાં ક્યાંય પણ શોધાઇ નથી.

આ પણ વાંચો :-