સુરતથી અયોધ્યા જવા નીકળેલી “આસ્થા ટ્રેન” પર નંદુરબાર નજીક પથ્થરમારો

Share this story

કેન્દ્રીય રેલવે વિભાગે દેશના વિવિધ જગ્યાએથી સીધા અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે, તેવામાં સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. નંદુરબાર નજીક ટ્રેન પહોંચતા કેટલાક અસામાજીક તત્વોએ સતત પથ્થરમારો કર્યો હતો. આ ઘટના જોઈને મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ આ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ગત રોજ સાંજે ૮ વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે ૧૦.૪૫ કલાકે પસાર થઈ હતી

મુસાફરોના જણાવ્યા અનુસાર ચારેય બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા અને પોતાનો બચાવ કરવા લાગ્યા. મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દીધા હતા. આમ છતાં કોચની અંદર અનેક પથ્થરો આવી ગયા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઇ નથી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરી હતી.

અચાનક ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી.

જીઆરપીએ કહ્યું કે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૬ ફેબ્રુઆરીએ ગુજરાતથી પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા માટે રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી રવાના કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં આવી જ કેટલીક વધુ ટ્રેનો ગુજરાતનાં અન્ય સ્ટેશનો પરથી દોડશે. આ ક્રમમાં રવિવારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને સુરતથી રવાના કરવામાં આવી હતી.

સુરતથી ગઈકાલે એટલે રવિવારે ૧૪૦૦ જેટલા રામભક્તો એકસાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા. આ ટ્રેનને કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી.​​​​​​ રામભક્તો, કારસેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા હતા. રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-