ગુજરાતની બદલાઇ રહેલી હવાને પારખી ગયેલા મોદીનો પ્રવાસ ઘણા રાજકીય સમીકરણો બદલી નાંખશે

Share this story

Sensing the changing climate of Gujarat

  • રાજકોટ,જામકંડોરણા, જામનગરના પ્રવાસ દરમિયાન રાજકીયને બદલે સામાજિક સંબંધો તાજા કરીને બદલાઇ રહેલા મન, અસંતોષને ઠારવામા સફળ ખેલાડી પુરવાર થયા

  • સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ અને લાખો શ્રધ્ધાળુઓ ધરાવતા જૂનાગઢ જિલ્લાના પરબ ખાતે અમરમાંની ‘સતદેવીદાસ અમર દેવીદાસ’’ સંસ્થાના ગાદીપતિ કરસનદાસ બાપુને મળીને, ભેટીને  આશીર્વાદ પણ મેળવ્યા, કરસનદાસ બાપુનો આદેશ, શ્રધ્ધાળુઓ માટે મીનમેખ ગણાય છે
  • બાકી હતુ તો બેટ દ્વારકામા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની ઘટનાને સાંકળીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પીઠ થપથપાવવા સાથે ‘‘સફાઇ’’ શબ્દ પ્રયોગ કરીને સ્પષ્ટતા કર્યા વગર ઘણાને સંદેશો આપી દીધો
  • સૌરાષ્ટ્રના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને પૂર્વમંત્રી જયેશ રાદડિયાની જાહેરમાં જવાબદારી સ્વીકારીને લઇને પાટીદાર સમાજને સંદેશો પણ આપી દીધો, સમસ્ત લેઉવા પાટીદાર સમાજે મોદીને સન્માનિત કરવા સાથે રાજકોટ જિલ્લાની પાંચે પાંચ બેઠકો જીતાડવાની ખાતરી આપી દીધી

ગુજરાતના ડોહળાયેલા રાજકીય હવામાન વચ્ચે વડાપ્રધાન મોદીના (Prime Minister Modi) ત્રણ દિવસનાં ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રાજકીય હવામાનમાં અપે‌િક્ષત પલટો આવ્યો હોવાનાં અણસારની અનુભૂતિ થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં (Saurashtra Diocese) જામનગર, રાજકોટ અને જામકંડોરણાની મુલાકાત વખતે વડાપ્રધાન મોદીએ જાદુઈ છડી ફેરવી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં (Aam Aadmi Party) પગ પેસારા કરતાં ગુજરાત ભાજપમાં આંતરિક ગજગ્રાહ ભાજપ માટે વધુ નુકસાનકારક થવાનો ભય હતો. આ વખતે ગુજરાત ભાજપનાં આંતરિક વિવાદનું કેન્દ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર રહ્યું છે. વિજય રૂપાણી (Vijay Rupani) સહિત આખી સરકારને બદલી નાંખવામાં આવી તે પૂર્વેથી જ ભાજપમાં ગજગ્રાહ પેદા થવા પામ્યો હતો. ઘણાં સત્તાથી વંચિત રહી ગયેલા ધારાસભ્યો, ટેકેદારોમાં નારાજગી ઉકળી રહી હતી. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને રાતોરાત મંત્રીપદ છીનવાઈ જવાથી કુંવરજી બાવળિયા (Kunwarji Bavaliya), જવાહર ચાવડા જેવા ઘણા લોકો નારાજ થઈ ગયા હતા. આ તરફ ઉત્તર ગુજરાતમાં વર્ષો સુધી સરકારમાં પદ ભોગવવા છતાં પોતે જ મુખ્યમંત્રીનાં દાવેદાર હોવાનું માનતા નીતિન પટેલ પણ અંદરખાને નારાજ છે. અલબત્ત તેઓ ભાજપ વિરોધી નિવેદન કરતાં નથી, પરંતુ વખતે આવ્યે વાંકુ બોલવામાં પણ વાંધો નથી.

ખેર, ચૂંટણીઓ જાહેર થવાની આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે અને ચૂંટણીની જાહેરાત પૂર્વે થઈ રહેલા રાજકીય અવલોકનોમાં ભાજપ માટે ચિંતાજનક દૃશ્ય ઉપસી રહ્યું છે. સરકારી એજન્સીઓનાં અભ્યાસમાં પણ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભરી રહી હોવાથી આખરે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની બાગડોર હાથમાં લીધી અને સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતનાં મંત્રીઓનાં ઉપરાછાપરી પ્રવાસથી ગુજરાત ભાજપમાં નવો સંચાર થવા પામ્યો છે. ખુદ વડાપ્રધાન મોદીને પણ અહેસાસ થઈ ચૂક્યો છે કે, ગુજરાત ભાજપની આંતરિક સ્થિતિ સંતોષકારક નથી જ અને એટલે જ તેઓ આક્રમક બનીને ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યાં છે. વડાપ્રધાને ગુજરાતનો કોઈ ખૂંણો બાકી રાખ્યો નથી અને ચૂંટણી પૂર્વેનાં પ્રવાસના અંતિમ ચરણમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને નિશાન બનાવ્યું છે.

હવે આગામી તા.૧૯મીએ ફરી પાછા રાજકોટનાં પ્રવાસે આવી રહ્યાં છે. ૧૯ ઓક્ટોબરનો પ્રવાસ કદાચ ચૂંટણી પૂર્વેનો તેમનો છેલ્લો પ્રવાસ હશે. અલબત્ત ગાંધીનગર ખાતે આગામી ૨૨મી ઓક્ટોબરથી યોજાઈ રહેલા ‘ડિફેન્સ એક્સ-પો’નું તેઓ ઉદ્‍ઘાટન કરવા માટે આવનાર છે અને આ મુલાકાત બાદ લગભગ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાશે. પરંતુ ચૂંટણી જાહેર કરતાં પહેલા ગુજરાત ભાજપ લગભગ એક થઈ ચૂક્યું હશે. શામ, દામ, દંડ, ભેદ સહિતનાં તમામ રસ્તા અપનાવવામાં લેશમાત્ર વિલંબ નહીં કરવામાં માનતા વડાપ્રધાન મોદી ગુજરાતની નબળી રાજકીય કડીઓ અને ગુજરાત ભાજપનાં નબળી માનસિકતા ધરાવતા નેતાઓને બરાબર ઓળખી ચૂક્યાં છે. એટલે જ છેલ્લાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને નિશાન બનાવવા સાથે જે લોકોને વ્યક્તિગત મળવાની જરૂર હતી એ બધાને જ મળ્યા હતાં.

ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાટીદારો સહિત સર્વ સમાજમાં જબરજસ્ત વર્ચસ્વ ધરાવતા અને પક્ષની નહીં પરંતુ પોતાની તાકાત ઉપર ચૂંટાઈ આવતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની જામકંડોરણા ખાતેની શિક્ષણ સંસ્થામાં વિશેષ કાર્યક્રમ યોજવા સાથે લાંબા સમય સુધી હાજરી આપી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેના તેમના સ્મરણો વાગોળ્યા હતા. અસલ કાઠીયાવાડી લહેકા સાથે લગભગ પોણો કલાક સંબોધન પણ કર્યું હતું. આનાથી પણ આગળ વધીને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનાં ધર્મપત્ની ચેતનાબેનને રૂબરૂ મળીને પુત્ર જયેશની ચિંતા નહીં કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતુ કે  જયેશ રાદડિયા હવે મારી જવાબદારી છે! વડાપ્રધાન મોદીનાં ‘મારી જવાબદારી’ શબ્દો ઘણાં અસરકારક રહ્યાં હતાં અને જયેશ રાદડિયાની છાવણીમાં રહી સહી ચિંતાનો છેદ ઉડી ગયો હતો. મતલબ સૌરાષ્ટ્રમાં પાટીદાર સહિત સર્વસમાજમાં જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા જયેશ રાદડિયાની ટિકિટનું વડાપ્રધાનનું અભય વચન મળી જવાથી જયેશ રાદડિયા જુથનો અસંતોષ ઓસરી ગયો હતો.

એક વાત એવી પણ ચાલી રહી છે કે, લેઉવા પાટીદાર સમાજમાં નારાજગી છે. પરંતુ વડાપ્રધાન મોદીની રાજકોટ, જામકંડોરણા ખાતેની મુલાકાત વખતે ખુદ લેઉવા પાટીદાર ટ્રસ્ટનાં આગેવાનોએ સમગ્ર પાટીદાર સમાજ વતી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને લેઉવા પટેલો તેમની એટલે કે ભાજપની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. બની શકે કે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખોડલધામની મુલાકાત પણ લઇ શકે.

જામકંડોરણા ખાતે જયેશ રાદડિયા સંચાલિત શાળા સંકુલમાં યોજવામાં આવેલા જાહેર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો ફરી કબજે કરવાની ખાતરી સાથે ભાજપના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા, મહામંત્રી મનસુખ રામાણી, નાગદાન ચાવડા વગેરેએ વડાપ્રધાનનું સ્વાગત, સન્માન કરવા સાથે ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી તથા ઉપલેટા બેઠકો ફરી કબજે કરવા વિશ્વાસ અપાવ્યો હતો.

વડાપ્રધાન મોદી રાજકોટના સ્વ.ચીમનભાઈ શુકલના પરિવારના સભ્યોને એરપોર્ટ ઉપર બોલાવીને ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી ભાજપના પ્રચારક હતા ત્યારે તેમણે સદ્‍ગત ચીમનભાઈ શુકલ સાથે ગાળેલા દિવસો યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીની શુકલ પરિવારની મુલાકાતથી રાજકોટમાં એક સકારાત્મક સંદેશ ફરતો થયો હતો. આ ઉપરાંત સ્વ. અભય ભારદ્વાજના પરિવારને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જામનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરાહના કરવા સાથે સુચક ટિપ્પણી કરી હતી. છેલ્લાં કેટલાંક દિવસથી બેટ દ્વારકાનાં દરિયા કિનારાના વિસ્તારમાં તાણી બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામોનું મોટાપાયે ડિમોલિશન ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે, મોટાભાગનાં ગેરકાયદે બાંધકામો લઘુમતી લોકોનાં છે. વળી આ બાંધકામો ગેરકાયદે હોવા ઉપરાંત બેટ દ્વારકામાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે પણ દરિયા કિનારાનાં દબાણો અવરોધરૂપ હતા. વડાપ્રધાન મોદીએ બરાબર તક ઝડપી લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સફાઈ’ અભિયાન ચલાવી રહ્યાં હોવાનું કહીને ભૂપેન્દ્ર પટેલની પીઠ થપ થપાવવા સાથે ‘સફાઈ’નાં ઘણાં અર્થ કર્યા હતાં.

વડાપ્રધાન મોદી જામકંડોરણાની મુલાકાત વખતે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અને લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું સ્થાન ધરાવતા જુનાગઢ જિલ્લાના પરબ ખાતે આવેલા અમરમાંના ‘‘અમર દેવીદાસ સત દેવીદાસ’’ તીર્થધામના ગાદીપતિ કરસનદાસબાપુને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, કરસનદાસ બાપુનો આદેશ એટલે મીનમેખ ગણાય છે.

વડાપ્રધાન મોદીનો આ વખતનો ત્રણ દિવસનો પ્રવાસ રાજકીય સમીકરણો બદલવા સાથે ભાજપનાં આંતરિક અસંતોષને ઠારવા માટે સફળ રહ્યો હતો અને ભાજપને ફરી મજબૂતાઈથી બેઠો કરવાની હવા ફેલાવી ગયા હતા. વડાપ્રધાન મોદીએ પીઠ થપ થપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગમાં પણ નવું જોમ ઉમેરાયું હતું. સ્વભાવે મૃદુ અને આંતરમુખી ભૂપેન્દ્ર પટેલ પણ ચૂંટણી પૂર્વે પોતાનું કૌવત બતાવશે એવા નિર્દેશ મળી રહ્યાં છે. ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘણાં નજીક આવવાની તક મળી હતી. એવું માનવામાં આવે છે કે, ભૂપેન્દ્ર પટેલે મન ખોલીને જે કહેવાનું હતું તે કહી દીધું હતું. આ તરફ વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને દેશભરમાં વિક્રમીલીડ જીતનાર નેતા ગણાવી  અને મારા સાથી કહીને સરાહના કરી હતી.

એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની ઉપરાછાપરી મુલાકાતોને પગલે ગુજરાતમાં પગ પેસારો કરવા ઈચ્છતા ‘આપ’ની મુરાદને ચોક્કસ ધક્કો પહોંચશે તથા ‘આમ આદમી પાર્ટી’ તરફ જવાનું મન બનાવી રહેલા લોકો ચોક્કસ ભાજપ તરફ પાછા ફરી જશે.

એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપનાં બદલાયેલા આંતરિક હવામાનને સમજી ગયા છે અને આવનારી ચૂંટણીમાં ટિકિટ અને જવાબદારીઓની ફાળવણી વખતે ચોક્કસ અસરો જોવા મળશે.

આ પણ વાંચો :-