Sunday, Jul 20, 2025

આસારામને હાઇકોર્ટમાંથી રાહત: સુરત દુષ્કર્મ કેસમાં જામીન એક મહિનો લંબાયા

3 Min Read

સુરતની યુવતી સાથેના દુષ્કર્મકેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, તેથી વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

હવે આસારામ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એક મહિનો જામીન લંબાવ્યા છે. હંગામી જામીન વધારવાની અરજી પર દોઢ કલાક કરતાં વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ 03 મહિના જામીન વધારવા માટે માગ કરી હતી. હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 01 મહિનો વધાર્યા છે.

સુરતની મહિલાએ આસારામ સામે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ આસારામના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવવામાં આવી હતી.

આશ્રમની અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતાં ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.

આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ નારાયણ સાઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

Share This Article