Home Blog Page 875

ઈરાકના યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ, ૧૪ વિદ્યાર્થીઓના મોત, ૧૮ ઘાયલ

0

ઈરાકના ઉત્તરી શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં આગ લાગવાથી ૧૪ વિદ્યાર્થીઓના મોત થયા છે અને ૧૮ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી.

ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યું છે. જેનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ ૧૦૦ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ ન હતી. જ્યારે તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

અમદાવાદમાં EWS યોજનાના ૨૫૧૦ મકાનધારકોના હપ્તા બાકી, ૧૦૦ ટકા વ્યાજ માફી અપાશે

0

અમદાવાદ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર સેક્શન એટલે કે આર્થિકરીતે નબળા લોકોને સબસિડી સાથે સસ્તા દરે મકાન આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં નજીવી રકમ ભર્યા બાદ દર મહિને હપતા ભરવાના હોય છે. પણ ઘણા લોકો મકાનનો કબજો લીધા બાદ નિયમિત હપતા ભરતા નથી. અમદાવાદ શહેરમાં જુદી જુદી ૧૪ જેટલી ઈવીએસ યોજનામાં ૨૫૧૦ જેટલા મકાનધારકો હપતા ભરતા નથી. આવા બાકીદારો માટે સરકારે પેનલ્ટી માફીની યોજના જાહેર કરી છે. જેમાં જે બાકીદારો બાકી હપતાની પુરે પુરી કરમ ભરી દેશે તેમને વ્યાજમાં ૧૦૦ ટકાની માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ઔડા દ્વારા ૨૦૦૧ થી ૨૦૦૮ સુધીમાં બનાવવામાં આવેલા EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો માસિક હપતાની ચુકવણીના શરતે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપતાની રકમ ભરવામાં આવતી નથી. ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપતા લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં લાભાર્થી એક સાથે માસિક હપતાની તમામ રકમની ચુકવણી કરે તો તેમને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા મળેલી બોર્ડ બેઠકમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે. જેમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં  જે પણ લાભાર્થી પોતાના બાકી માસિક હપતાની બધી રકમ ભરી દેશે તો તેને સો ટકા પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કુલ ૨૫૧૦ જેટલા આવાસ યોજનાના મકાનોની માસિક હપ્તાની રકમની ચુકવણી બાકી છે. આ યોજના અંતર્ગત પેનલ્ટી માફીની રકમ રૂ.૧૯ કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં બિશ્નોઈ ગેંગ અને પોલિસ વચ્ચે અથડામણ, બે શૂટર્સ ની ધરપકડ

0

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોરેન્સ ગેંગના શૂટર્સ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ વસંત કુંજ પાસેના વિસ્તારમાં થઈ હતી. બંને તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.લાંબા સમય સુધી ચાલેલી અથડામણમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરો ઘાયલ થયા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બે શૂટરોમાંથી એક સગીર છે. આ બંને વિરુદ્ધ ઘણા જૂના કેસ નોંધાયેલા છે.

લોરેન્સ બિશ્નોઈના શૂટરમાંથી એકનું નામ અનીશ છે, જે હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તેની ઉંમર લગભગ ૨૩ વર્ષની છે. બીજો શૂટર જે પકડાયો છે. તે આરોપી સગીર છે, તેની ઉંમર લગભગ ૧૫ વર્ષની છે. ગઈકાલે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે પોકેટ ૯ વસંત કુંજ વિસ્તારમાં અથડામણ બાદ આ બંને શૂટર્સની ધરપકડ કરવામાં આવી હતી.

અનમોલ બિશ્નોઈએ પંજાબની જેલમાં બંધ અમિત નામના ગુનેગારને ખંડણી માટે આ જવાબદારી આપી હતી. અમિતે આ બંને શૂટર્સને કામે રાખ્યા હતા, પરંતુ જ્યારે તેઓ વસંત કુંજ વિસ્તારમાં ફાઇવ સ્ટાર હોટલ પાસે હતા. ત્યારબાદ સ્પેશિયલ સેલની ટીમે તેમને ઘેરી લીધા હતા. સ્પેશિયલ સેલે બંને શૂટર્સને સરેન્ડર કરવા કહ્યું હતું. આ બંને શૂટરોએ સ્પેશિયલ સેલના પોલીસકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોલીસે ગુનેગારોના કબજામાંથી બે પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા છે. તેમજ જે બાઇક લઈને તેઓ ગુનો આચરવા જઈ રહ્યા હતા, તે બાઈક પણ પોલીસે કબજે કર્યું છે. પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે. સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, શૂટર અનીશ સામે લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ૬ કેસ નોંધાયેલા છે. આ સિવાય સ્પેશિયલ સેલે અથડામણ બાદ સગીરની ધરપકડ કરી છે. તે રોહતક જિલ્લામાં લૂંટમાં પણ સામેલ હતો. હવે બિશ્નોઈ ગેંગ લોકોને ભાડે રાખીને ગુનાખોરીને અંજામ આપી રહી છે.

આ પણ વાંચો :-

કર્ણાટક-મહારાષ્ટ્રમાં ૪૦ થી વધુ સ્થળો પર દરોડા, ISIS વિરૂધ્ધ NIAની કાર્યવાહી

0

રાષ્ટ્રીય તપાસ એજન્સી ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૪૦ થી વધુ સ્થળો પર દરોડા પાડયા છે. NIA દ્વારા સવારથી અત્યાર સુધીમાં કુલ ૪૧ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં ૧, પુણેમાં ૨, થાણે ગ્રામીણમાં ૩૧, થાણે શહેરમાં ૯ અને ભાયંદરમાં ૧ સ્થાનની શોધ કરી છે.

આતંકવાદ વિરોધી એજન્સીના અધિકારીઓએ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પોલીસ દળો સાથે મળીને આ સ્થળો પર દરોડા પાડ્યા. આ કેસ આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા ઘડવામાં આવેલા ગુનાહિત કાવતરાને લગતો છે, જેમણે પોતાને અલ-કાયદા અને ISIS સહિતના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ઉગ્રવાદી વિચારધારા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આતંકવાદી ગેંગની રચના કરી હતી.

આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ ચલાવવાનું શરૂ કર્યું અને આ માટે તેઓ ધાર્મિક વર્ગો ચલાવવા ઉપરાંત, તેઓએ તેમની સાથે સમાન વિચારધારાવાળા યુવાનોને પણ સામેલ કર્યા.  જ્યારે ISIS ના એક ધરપકડ કરાયેલા આતંકીના કબૂલાત દ્વારા ઘણા ખુલાસા થયા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં ISIS ના મોટા વિસ્ફોટોને અંજામ આપવાની તેમની યોજના હતી.

આ પણ વાંચો :-

જ્યુસ સેન્ટર ચલાવનારો મોહમ્મદ આશિક બન્યો ‘માસ્ટર શેફ ઇન્ડિયા ૮’ નો વિજેતા

0

માસ્ટર શેફ ઈન્ડિયા 8’નો ફિનાલે ૮ ડિસેમ્બર પ્રસારિત થયો. આ સીઝનમાં વિકાસ ખન્ના અને રણવીર બ્રાર સાથે પૂજા ઢીંગરાએ જજ કર્યું હતું. આ શો ૧૬ ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ Sony Liv પર શરૂ થયો હતો. સમગ્ર દેશમાંથી સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો અને વિશ્વ સમક્ષ તેમની રસોઈ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ૨૪ વર્ષના મોહમ્મદ આશિકે ૮ અઠવાડિયા સુધી ચાલેલા શોમાં ઘણા પડકારોને પાર કરીને આ સિઝન જીતી છે. મોહમ્મદ આશિક કર્ણાટકના મેંગલોરનો રહેવાસી છે.

મોહમ્મદ આશિક ગત સિઝનમાં ‘માસ્ટર શેફ ઈન્ડિયા’માં ક્વોલિફાય કરી શક્યો ન હતો અને હવે તેણે આખરે તેનું સપનું પૂરું કર્યું છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. મોહમ્મદ આશિક મેંગ્લોરમાં જ જ્યુસની દુકાન ચલાવે છે. ગત સિઝનમાં, તે ક્વોલિફાય ન થવાથી નિરાશ થઈ ન હતી અને પછી જોરદાર વાપસી કરી હતી. મોહમ્મદ આશિકને વિજેતા તરીકે ટ્રોફી અને ૨૫ લાખ રૂપિયા મળ્યા હતા. તેની સાથે નામ્બી મારક, ડો.રૂખસાર સઈદ અને સૂરજ થાપા ટોપ 4માં પહોંચ્યા હતા.

માસ્ટરશેફ જીતવા પર મોહમ્મદ આશિકે કહ્યું, ‘માસ્ટરશેફ ઇન્ડિયાની આ સફર માટે હું ખૂબ જ આભારી છું. એલિમિનેશનથી લઈને ટ્રોફી કબજે કરવા સુધી હું દરેક ક્ષણમાંથી કંઈક શીખ્યા. આ ટ્રોફી જીતવી એક સ્વપ્ન જેવું લાગે છે. છેલ્લી સિઝનમાં ઓછા માર્જિનથી ચૂકી ગયા પછી પાછા ફરવું મુશ્કેલ હતું પરંતુ મેં તે મારું સર્વસ્વ આપી દીધું. આ જીત માત્ર મારી નથી, આ દરેક વ્યક્તિની જીત છે જેનું સ્વપ્ન અનેક અવરોધોનો સામનો કરે છે. હું શેફ વિકાસ, રણવીર અને પૂજા, સાથી સ્પર્ધકો અને અન્ય જજને આભારી છું. તે મને દરરોજ પ્રેરણા આપે છે. સમયની સાથે મેં પ્રગતિ કરી અને મારી રસોઈ કુશળતામાં સુધારો કર્યો.

આ પણ વાંચો :-

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મળી ધમકી

0

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ હત્યારાઓને પકડવા માટે રાજસ્થાનના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને ધમકી મળી છે. કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા પર આ ધમકી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘તુને લોરેન્સ કો ગાલી દે કર ગલતી કર દી. અબ તેરી બારી ‘RIP IN ADVANCE’. તાઉ તુઝે કબ ઉઠા લેંગે, પતા નહીં ચલેગા.

સૂરજપાલ અમ્મૂ આ ધમકીના જવાબમાં કહ્યું કે, હું મા કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી . અમે મુઘલ અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા લરયા હતા. તાઉ નહીં, થારા ફુફા હું, ડરને વાલા નહીં.

અમ્મૂએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા ગેંગસ્ટર્સ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત રેડ કરીને આ લોકોને પકડી રહી છે. હેરાની વાત એ છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને ગોગામેડીની હત્યા અંગે ચેતવણી આપી હતી, તેમ છતાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા આપવામાં આવી નહીં, જે રાજકીય ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. તે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે બીજાનું નામ નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હાલ બંને ફરાર છે. બંનેએ ૫ ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચો :-

૦૯ ડિસેમ્બર, ૨૦૨૩/ શનિવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

0

મેષ

આજે દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

કર્ક

આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા

પરોપકાર, હિંતમ, છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઈલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા. વાદવિવાદ ટાળવાની સલાહ છે.

ધન

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓચી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર!

0

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ટર્મિનલનો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.

ભારતમાં સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૧૭માં થઈ હતી. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે. સાબરમતીથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન એલિવેટેડ કોરિડોર એટલે જે પુલ ઉપર જ દોડશે. કુલ ૧૨ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે અને ૩૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે, ટ્રેનની મહત્તમ સ્પીડ ૩૫૦ કિમી પ્રતિ કલાકની રહેશે.

બુલેટ ટ્રેનના કારણે મુસાફરોનો ઘણો સમય પણ બચશે કારણ કે માત્ર બે કલાક અને સાત મિનિટમાં આ ટ્રેન મુંબઈ પહોંચી જશે. આ યોજનામાં કુલ એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જેમાં 81 ટકા રકમ જાપાન સરકાર દ્વારા ઋણના રૂપમાં આપવામાં આવી રહી છે, ભારત સરકાર ૫૦ વર્ષમાં આ પૈસા જાપાનને પરત ચૂકવશે, જાપાન આ પ્રોજેક્ટ ૦.૧ ટકા વ્યાજ લેશે.

આટલું જ નહીં બુલેટ ટ્રેન સિવાય પણ મોદી સરકાર દેશના અન્ય રાજ્યોમાં હાઇ સ્પીડ રેલવે પર કામ કરી રહી છે, જેમાં 6 બીજા કોરિડોર બનાવવામાં આવશે. જેમાં દિલ્હીથી અમદાવાદ, દિલ્હીથી વારાણસી, મુંબઈથી હૈદરાબાદ, મુંબઈથી નાગપુર, ચેન્નઈથી મૈસૂર અને દિલ્હીથી અમૃતસર સામેલ છે.

આ પણ વાંચો :-

રાજીનામાં આપનાર ભાજપના સાંસદોને ૩૦ દિવસમાં બંગલો ખાલી કરવા નોટિસ

0

ભાજપના લોકસભા સાંસદો જેમણે તેમની ચૂંટણીમાં જીત બાદ રાજીનામું આપ્યું છે, તેમને તેમના સરકારી બંગલા ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ભાજપના સાંસદ સીઆર પાટીલની આગેવાની હેઠળની લોકસભા હાઉસિંગ કમિટીએ છેલ્લા ૨ દિવસમાં રાજીનામું આપનારા તમામ ભાજપના સાંસદોને ૩૦ દિવસમાં તેમના સરકારી ઘર ખાલી કરવા માટે નોટિસ મોકલી છે. ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યો, જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાજીનામું સુપરત કર્યું હતું, તેમને હવે ૩૦ દિવસમાં દિલ્હીમાં તેમના સંબંધિત સરકારી બંગલા ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.

લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને ૩૦ દિવસમાં સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપી છે. ત્રણ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત રાકેશ સિંહ, રીતિ પાઠક, મહંત બાલકનાથ, રાવ ઉદય પ્રતાપ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, અરુણ સાઓ અને ગોમતી સાઈ, જેમણે સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, તેમને પણ સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.

આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. આ ત્રણેય મંત્રીઓ તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. રાજીનામું સ્વીકારતાની સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનમાં ટાઇપ ૬ થી ટાઇપ ૮ સુધીના સરકારી બંગલા સાંસદો, કેન્દ્રીય પ્રધાનો અને રાજ્ય કક્ષના પ્રધાનોને ફાળવવામાં આવે છે. કયા સાંસદને કયા પ્રકારનો બંગલો મળશે તે તેની વરિષ્ઠતા પર નિર્ભર કરે છે. નિયમ એવો છે કે જો કોઈ સાંસદ રાજીનામું આપે તો તેણે નોટિસ મળ્યાના ૩૦ દિવસની અંદર બંગલો ખાલી કરવાનો હોય છે. જો કે, ૩૦ દિવસની નોટિસ પછી પણ સંબંધિત સાંસદો તે બંગલામાં થોડો સમય રહી શકે છે, પરંતુ આ માટે તેમણે બજાર કિંમતના દરે ભાડું ચૂકવવું પડે છે.

આ પણ વાંચો :-

મહુઆ મોઇત્રાનું સંસદપદ રદ

0

TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા બાદ વોઈસ વોટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. આ પછી રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. પોતાના રિપોર્ટમાં એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સંસદ સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી.

BJP સાંસદ નિશિકાંત દુબે એ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઓક્ટોબરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી.

સાંસદ મહુઆ મોઇત્રાને ૧૭મી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સિવાય કમિટીએ ભલામણ કરી છે કે મહુઆ સામેના આરોપોની વ્યાવસાયિક એજન્સીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને તેમાં મની ટ્રેઈલ ટ્રેસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ અઢી મિનિટમાં રિપોર્ટ સ્વીકાર્યો આ ખોટું છે અને બીજા પક્ષને સાંભળ્યા વિના કાર્યવાહી ન કરવી જોઈએ.

આ પણ વાંચો :-